ઉત્સવ

શકમંદો મુરુડ કે અલીબાગ છોડીને ક્યાંય ભાગી ગયા નથી

એટીએસના પરમવીર બત્રા ક્યારના ડૉ. સલીમ મુઝફફરે મોકલેલી મહત્ત્વની લાંબી લચક નોંધ વાચી રહ્યા હતા

પ્રકરણ-૫૯

પ્રફુલ શાહ
મુખ્ય પ્રધાન રણજીત સાળવી બરાબર જાણતા હતા કે વિશ્ર્વનાથ આચરેકર કાચો કે મોળો ખેલાડી નથી. એ અલીબાગના રાજકારણમાં તળિયાથી ઊંચો આવ્યો હતો. આ ગ્રાસ રૂટ લેવલના માણસે એ વિસ્તારમાં ઘણાં કામ કર્યા હતા. અલીબાગના એક એક ગામમાં એવા ચુસ્ત સમર્થકો હતા. આ ગામના મોટાભાગના લોકોને આચરેકર ચહેરાથી અને નામથી ઓળખતા હતા. અત્યારે ભલે પોતાની વધુ પડતી મહત્ત્વાકાંક્ષાએ એને સમસ્યાઓના કળણમાં ધકેલી દીધો છે. સૌ ભલે માને કે એની રાજકીય કારકિર્દી ખતમ થઇ ગઇ. પણ એવું નથી જ એ ફિઝીકલના મોટા કઝિન જેવો છે. સત્તાના મદમાં રણજીત સાળવીને કોઇનો ડર લાગતો નહોતો, પરંતુ એમને પોતાના માણસોને સતર્ક રહેવા જણાવી દીધું.

અલીબાગમાં આચરેકર વિશે કોઇ મનમાંય સારું વિચારે તો ય પોતાને ખબર પડવી જોઇએ એવી સાળવીએ તાકીદ કરી હતી. સાથો સાથ પોતે એની જડબેસલાખ વ્યવસ્થા કરી હોવાનો એને ફાંકો હતો.
પરંતુ આ બધા વચ્ચે કંઇક અલગ જ બનવા જઇ રહ્યું હતું.
૦૦૦
દિલ્હીના મુખ્ય પ્રધાન સુંદરલાલ વર્મા રાતે ખૂબ મોડે સુધી જાગ્યા હતા. પરિવારજનો અને અંગત કર્મચારીઓને સખ્તાઇપૂર્વક આદેશ આપીને ઊંઘવા ગયા હતા કે મને કોઇ સંજોગોમાં સવારે દશ વાગ્યા પહેલા જગાડવો જ નહીં.
પરંતુ આઠ વાગ્યે એમના બેડરૂમના દરવાજા પર ધડાધડ હાથ ઠપકારવા માંડ્યા. બહારથી પત્નીનો અવાજ સંભળાતો હતો. જાણે યુદ્ધ ફાટી નીકળ્યું હોય, ધરતીકંપ આવ્યો હોય કે સામે આવીને સિંહ મોઢું ફાડીને ઊભો હોય એવા ગભરાટ અને ડર એના અવાજમાં હતો. સુંદરલાલ વર્માની આંખ ખુલી ગઇ. લાલચોળ આંખે જોયું તો આઠ વાગ્યા હતા. આઠ જ વાગ્યા હતા ને આ ધમાચકડી.
ગુસ્સાભેર દરવાજો ખોલીને વર્માએ પત્ની સામે જોયું અને એક તમાચો ઝીંકી દીધો. પત્નીય વિફરી. પહેલા બહાર આવીને જુઓ. પછી પોતાના ગાલ પર તમાચા મારવાનું મન થશે. પોતાનું અપમાન ભૂલીને એ સુંદરલાલ હાથ ખેંચીને ડાઇનિંગ રૂમમાં લઇ ગઇ.
સામે ટીવીમાં આવતું દૃશ્ય જોઇને સુંદરલાલ વર્મા સોફા પર ફસડાઇ પડયા. ટીવીમાં સુંદરલાલ વર્મા અને ‘ખબરે પલ પલ’ના માલિક રજત મૂલચંદાની વચ્ચેની વાતચીતનો વીડિયો બતાવાઇ રહ્યો હતો. મુરુડ બૉમ્બ બ્લાસ્ટ્સનો દાવો સ્વીકારનારી વ્યક્તિ વિશેની સચ્ચાઇની બન્ને ચર્ચા કરતા હતા.
એન્કર સવાલ પૂછતો હતો કે મુરુડ બ્લાસ્ટ્સ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાનને એવો તે શો રસ કે ચેનલવાળા પાસે બનાવટી વીડિયો બનાવડાવ્યો? જવાબ આપવાને બદલે વર્માને ગભરામણ થવા માંડી, ફૂલ એસી વચ્ચેય પરસેવો વળવા માંડ્યો. ને ધીરે ધીરે આંખ બંધ થવા માંડી.
૦૦૦
ઇરાદાપૂર્વક પોતાના મોબાઇલ ફોન ગાડીમાં મૂકીને દીપક અને રોમા જુહુના પૃથ્વી, થિયેટરવાળા રોડથી થોડા આગળ પગપાળા ગયાં. જુહુ બસ સ્ટેશન સામેથી એક ટેકસી રોકીને સાંતાક્રુઝ ભણી પાછાં ગયાં. સાંતાક્રુઝ સ્ટેશન તરફના રસ્તામાં એ ફોર સ્ટાર હોટેલથી થોડે દૂર ઊતરી ગયા. ત્યાંથી રિક્ષા કરીને એને યુ-ટર્ન લેવડાવીને એક નાનકડી સસ્તી હોટેલમાં પ્રવેશ કર્યો.
પહેલે માળે રૂમ. નં. ૧૦૬ના દરવાજાન નકુચો ખટખટાવ્યો. અંદરથી અવાજ આવ્યો, “કોન?
દીપકને વિચિત્ર લાગ્યું પણ બોલ્યા સિવાય છૂટકો નહોતો. “રૂમ સર્વિસ યૉર બ્લેક કોફી સર.
દરવાજો ખુલ્યો. સામે એક માણસ સામે ઊભો હતો. દીપક હસીને બોલ્યો, “થેન્ક યું રામરાવ અંધારેજી.
૦૦૦
કિરણ, વિકાસ અને ગૌરવ ભાટિયા ત્રણ દિવસ બાદ મળ્યા. વિકાસ ખૂબ થાકેલો લાગતો હતો. ભયંકર રઝળપાટની અસર દેખાતી હતી. છતાં ચહેરા પર સંતોષ અને ખુશી જોનારાને દેખાઇ આવે. વિકાસે ઓર્ડર આપ્યો, “સેન્ડવીચ અને બ્લેક કૉફી ફોર મી.
ગૌરવ બોલ્યો, ‘નોર્મલ કૉફી ફોર મી’. કિરણે માથું હલાવીને કંઇ પણ લેવાનો ઇનકાર કર્યો.
ઓર્ડર આવે ત્યાં સુધી ત્રણેય વાતે વળગ્યા. વાતચીત ખૂબ ધીમા અવાજે થતી હતી. વિકાસ બોલ્યો, બધાના સ્ટેટમેન્ટ મારી પાસે છે. અમુક મરાઠીમાં છે, બે હિન્દીમાં છે. એનું સબટાઇટલિંગ કરાવવા આપ્યું છે. એક-એકના નામ, સરનામા, વ્યવસાય અને અન્ય વિગતો સાથેના ડોકેટ તૈયાર થઇ રહ્યાં છે. એ તૈયાર થઇ, જતા જ પચાસેક કોપી કરાવી લઇશ.
ગૌરવ રાજીપા સાથે બોલ્યો, ‘ખૂબ સરસ. આપણી તૈયારી થઇ જાય એટલે સમય નક્કી કરી લઇએ. એક-બે હોટેલવાળા સાથે વાત થઇ ગઇ છે. એમનો કોન્ફરેન્સ રૂમ મળી જશે. મુંબઇ પ્રેસ કલબમાં પણ ઇન્કવાયરી કરી છે. પણ કિરણબહેન તમે મક્કમ છો ને! કદાચ તમારું નામ ખરડાશે. એ દાગ આયુષ્ય ભર નહીં ધોવાય.’
કિરણે ફિક્કું હસવાનો પ્રયાસ કર્યો. “જુઓ આપણે જન્મીએ ત્યારે નામ નથી હોતું પણ શ્ર્વાસ લઇને આવીએ છીએ. મરીશું ત્યારે નામ હશે પણ શ્ર્વાસ નહીં હોય. આ શ્ર્વાસ અને નામ વચ્ચેની મુસાફરી એટલે આયુષ્ય એમાં કરોડરજજુ ટટ્ટાર કરીને જીવી શકાય તો ઘણું છે, મારી ફિકર ન કરો.
વિકાસે હળવેકથી પૂછયું “આવી હારાકીરી શા માટે? ચૂપચાપ ચિત્રમાંથી હટી જાઓ કાં શાંતિ રાખો તો વધુ નિરાંત ન લાગે?
“સાચી વાત પણ પછી ક્યારેય હું અરીસામાં મારો ચહેરો નહીં જોઇ શકું. તારી પ્રતિબિંબની આંખમાં આંખ નહીં નાખી શકું. ખરેખર, આપના પર ગર્વ થાય છે. “આ મસ્ટ એ ધેટ યુ આર રાઇટ મિસ કેરોલિના રીપર, ગૌરવ ભાટિયા હસીને બોલ્યો.
૦૦૦
રામરાવ અંધારે ઘણાં ઓરો મશીનના પાણી પી ચુકયો હતો. એ બોલે ઓછું, સાંભળે વધુ અને વિચારે ડબલ. એ ચૂપચાપ દીપક અને રોમાને જોઇ રહ્યો. દીપકે કોટની અંદર હાથ નાખીને એક કવર બહાર કાઢીને ટેબલ પર મૂકયું. અંધારે એની સામે જોઇ રહ્યો.
દીપક સતર્ક થઇ ગયો. “પ્લીઝ કંઇ ખોટું ન વિચારતા આ તો માણસોને દોડાવવા એમની મુસાફરી અને ખાવાપીવાનો ખર્ચો છે. હું નીકળું હવે?
કંઇ બોલવાને બદલે અંધારેએ વારાફરતી એની અને કવર સામે જોયું. રોમા ઊભી થઇ. હાથ જોડીને બોલી, “થેન્ક યુ. અંધારેભાઇ. ગળા સુધી ખાતરી છે કે અમારું કામ થઇ જશે.
અંધારે એકદમ કંજૂસીપૂર્વક હસ્યો. બન્ને ગયા એટલે અંધારેએ કવર હાથમાં લીધું. કવરના ડાબે ખૂણે છપાયેલું નામ વાચ્યું “મહાજન મસાલા.
૦૦૦
એટીએસના પરમવીર બત્રા કયારના ડૉ. સલીમ મુઝફફરે મોકલેલી મહત્ત્વની લાંબીલચક નોંધ વાચી રહ્યા હતા. ત્રણ વારની કૉફી પચવા છતાં હજી સામગ્રી પૂરી થઇ નહોતી. અંદર નામો આવતા ગયા છત્રપતિ શિવાજી મહારાજ, છત્રપતિ સંભાજી મહારાજ, મુરુડ ઝંઝીરા ફોર્ટ, તોપચી અબ્દુલ હમીદુલ્લા ગુલાબ…
બત્રાએ માથાને જોશપૂર્વક ઝાટકો માર્યો. શું આમાંથી કોઇ કામનું છે? મુરુડ બૉમ્બ બ્લાસ્ટ્સ કેસમાં ઉપયોગી થઇ પડશે. એમને થયું કે સવાલોના જવાબ તો પછી મળશે. કદાચ પણ અત્યારે નાનકડું પણ મહત્ત્વનું કામ પતાવવું પડશે. તેમણે ડૉ. સલીમ મુઝફફરને એસ. એમ. એસ. મોકલ્યો. બહુત બહુત શુક્રિયા સર.
બત્રાને થયું કે થોડીવાર આંખ બંધ કરીને બેસી રહું, પરંતુ ઇચ્છાથી વિરુદ્ધ તેઓ આગળની નોંધ વાંચવા માંડ્યા. ડૉ. સલીમની નોંધ પતવાને આરે હતી. ત્યાં મોબાઇલ ફોનની ઘંટડી વાગી પ્રોડયુસર મનમોહનનો નંબર જોઇને ફોન રિસિવ કર્યો.
“જયહિન્દ… બોલો… અચ્છા…. અચ્છા. કયાં?… રાજાપુરીમાં …. કેટલા દિવસ પહેલા? ઓછા વધુ અપડેટ્સ માટે પૂછપરછ ચાલુ રાખો. કંઇ પણ નવી માહિતી હોય તો અડધી રાતે ય ફોન કરજો.
ફોન મૂકીને સામે પડેલા નોટપેડ પર તેમણે મોટા અક્ષરે લખ્યું. રાજાપુરી મુરુડની નજીકનું ગામ. એક વાત નક્કી કે શકમંદો મુરુડ કે અલીબાગ છોડીને ભાગી ગયા નથી. જીવ બધાને વહાલો હોય તો પછી શા માટે ભૂતની જેમ આસપાસ ભટકે છે? કોઇ મિશન અધૂરું હશે? શું હોઇ શકે?
સવાલોની શૃંખલાને ફેક્સ મશીનના અવાજે તોડી નાખી. ફેક્સ પર ધીમે-ધીમે એક અને પછી બીજો કાગળ ઉતર્યો. પહેલામાં આંખો ફોટો હતો, કદાચ સીસીટીવી પરથી પ્રિન્ટ મેળવાઇ હતી. બીજા કાગળમાં વિગત હતી. નાનવેલ લાઇટ હાઉસ ધરાવતા નાનવેલ ગામની એમાં આપેલી વિગતો વાંચીને બત્રા સડાક ઊભા થયા.
ફરી એક સગડ મુરુડની આસપાસ જ. તેમણે નોટપેડમાં નાનવેલ લખ્યું અને સામે એક નામ ટપકાવ્યું. પરમવીર બત્રાને થયું કે પૂરેપૂરા સક્રિય થવાનો સમય આવી ગયો છે. હવે આર યા પાર કર્યે જ છૂટકો છે.
(ક્રમશ:)ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?