ગામનો પોતીકો સૂરજ, એ ય પાછો કૃત્રિમ

વિશેષ -મનીષા પી. શાહ
માનવ જીવનના અસ્તિત્વ માટે સૂરજનું મહત્ત્વ સમજી શકાય છે. ચોમાસામાં બે-ચાર દિવસ સૂરજદાદા દર્શન ન દે તો આપણે આકુળવ્યાકુળ થઈ જઈએ છીએ. એટલે સૂર્ય તો જોઈએ જ. રવિકિરણ વગર ચાલે કેમ?
પણ કુદરતી-ભૌગોલિક કારણોસર સૂરજ ન દેખાય કે એના કિરણ આપણા પર ન પડે તો કરાય શું? મોટા ભાગના લોકો માથા પર હાથ મૂકીને નિસાસો નાખીને બેસી રહે: નસીબ આપણા, બીજું શું? પણ કેટલાંક લોકો કોઈ વસ્તુ-સંજોગો ચલાવી લેવામાં માનતા નથી. ન કેમ મળે વળી? આ એટિટ્યૂડ થોડો દુર્લભ ગણાય પણ જે લોકોમાં છે એ કમાલ કરી બતાવે છે.
આવો ચમત્કાર કરી બતાવ્યો વિગનેલા ગામે. ના, ભારતના નકશામાં આંખ ઝીણી કરીને ગોતશો તો પણ આ ગામ મળવાનું નથી. હા, Yiganella શબ્દ લખીને ખાખાખોળા કરો તો ઈટાલીનું આ ગામ મળી આવશે. આ વિગનેલા ઈટાલી અને સ્વિટ્ઝરર્લેન્ડની સરહદે પરંતુ પહાડી ગામ છે. આ ગામમાં સૂરજ દેખાતો હતો પણ બધા વિસ્તારમાં નહી. આને લીધે ગામવાસીઓને અકળામણ થતી હતી. સૂરજ વગર કેમ ચાલે? સૂર્ય-કિરણ તો જોઈએ ને જોઈએ જ.
પણ આમાં કરી શું શકાય? ગામને ચોરે ચોવટ કરવા, પાન-ગુટકા ચાવવા કે કુથલી કરવાને બદલે તેઓ પોતાની સમસ્યાના ઉકેલમાં મગજનું દહી કરવા માંડ્યા. અને આ દહીમાંથી મળ્યું સમસ્યાના ઉકેલનું માખણ. સૂરજ ન હોવાનો ઉકેલ શું? પોતાનો સૂરજ બનાવી લો! ના, આ કોઈ ભાંગ પીનારા નશેડીનો તુક્કો નહોતો.
વિગનેલાવાસીઓએ પોતાના સૂરજ બનાવી લીધો અને એ પણ કૃત્રિમ. મહિનાઓ સુધી તડકા માટે તરફડવું એના કરતા આર્ટિફિશિયલ સૂરજથી કામ થતું હોય તો જરાય ખોટું નહી, બલકે ઉમદા કહેવાય.
હકીકતમાં વિગનેલા પહાડોની વચ્ચે હોવાથી અહીં વરસના અઢી મહિના સૂરજ દેખાય જ નહીં. અગિયાર નવેમ્બરથી બે ફેબ્રુઆરી વચ્ચે જાણે સૂરજદાદા હકની રજા ભોગવતા હોય એમ સદંતર ગેરહાજર રહે. સદીઓથી આવું ચાલતું હતું. ગામની વસતિ માંડ બસો માથાઓની પણ પ્રાચીન સમસ્યા ઉકેલવા જાણે સક્રિય બની ગયા. ૨૦૦૫માં વિગનેલાના મેયર વિયરફ્રેન્કો મિડાચીની સહાયથી અંદાજે એકાદ કરોડ યુરો ભેગા કરાયા. પછી ગામની સામેના ઊંચા પહાડ પર અરીસા લગાવવાની શરૂઆત થઈ. ૨૦૦૬માં લગભગ ૧૧ હજાર ફૂટની ઊંચાઈએ ૪૦ બાય ૪૦ મીટરનો અરીસો ગોઠવાયો. આ અરીસા પર સૂરજના કિરણો પડે અને એનું પ્રતિબિંબ ગામ પર પડે. આ રીતે સૂરજ દર્શન એ સૂર્ય-કિરણ મળવા માંડ્યા. જાણ્યા પછી ઉકેલ સહેલો લાગે પણ સદીઓ સુધી કોઈને સુજ્યો નહોતો. અને પહાડ પર ૧૧ હજાર ફૂટની ઊંચાઈએ આવડો મોટો અરીસો ગોઠવવો એ ઓનલાઈન પિત્ઝા ઓર્ડર કરીને ખાવા જેટલું આસાન કામ નથી જ.
આ અરીસો પાછો કોમ્પ્યુટર ઓપરેટેડ છે. એ આખો દિવસ સૂરજદાદાને પગલે પગલે ચાલે એટલે કે ફરતો રહે. આનાથી ગામના ચર્ચની સામેનાં ‘સૂર્ય-વંચિત’ વિસ્તારને રોજ છ કલાક તડકો-પ્રકાશ મળતા રહે છે.
ઈટાલિયન આલ્પ્સમાં આવેલા આ ગામમાં ભારે ઠંડી પડે એ કહેવાની જરૂર ન હોય. સૂરજ અને તડકાની ગેરહાજરીથી ઘણાં વૃદ્ધો અને બાળકોને ફરજિયાતપણે ઘરમાં પુરાઈ રહેવું પડતું હતું. નવા ઉપાય બાદ વડીલો ઘરની બહાર ફરી શકે છે, ક્યાંક બેન્ચ પર હુંફાળી ગપસપ કરી શકે છે.
વિગનેલામાં સફળ પ્રયોગ અત્યાર સુધી ચાલી રહ્યો છે. આ પછી તો અમેરિકા, ફ્રાંસ અને કેનેડા સૂરજવિહિન ગામોએ વિગનેલાના મેયરનો સંપર્ક કર્યોં હતો. એટલું જ નહીં વિગનેલાનું અનુકરણ નોર્વેના ગામ જુકાન (Rjukan)માં પણ કરાયું હતું. ઓસ્લોથી ૧૫૦ કિ.મિ. દૂરના જૂકાનને પણ અજવાળું, કિરણ અને હૂંફ મળવા માંડ્યા.
આપણી પાસે બધું છે. જરૂર માત્ર સમસ્યા પર ધ્યાન આપવાની, મગજને કસવાની અને ઉકેલ ન મળે ત્યાં મંડી પડવાની છે. જો કૃત્રિમ સૂરજ મળી શકે તો કાંઈ જ અશક્ય હોય ખરું?