સો ના બારને ઘણી ખમ્માશેરબજારને ઘણી ખમ્મા

આજે આટલું જ -શોભિત દેસાઈ
વ્યવસાયના સંદર્ભે ચોમેર માત્ર શેરબજાર ચર્ચામાં છે છેલ્લાં ૩ વરસથી… અણજાણના ભરોસે આગળ વધી રહેલા યુવાનો ચેતે એ એકમાત્ર હેતુ છે આજની આપ સાથેની મારી વાતચીતનો…
જીવન જીવન છે, નથી કૈં એ ફક્ત શેરબજાર
કમાણી સોની કદાચિત, ગુમાવવાના હજાર
બહુ જ સંભાળીને ચાલજો ગલીમાં આ
મર્યા અહીં તો નહીં પામો લાકડાં કે મજાર
આજે જૈન, મારવાડી, પટેલ વગેરે સમાજના યુવાનોમાં શેરબજારનો ગાંડો ક્રેઝ ચાલ્યો છે, જેને પરિવારો પણ પ્રોત્સાહન આપે છે. પણ એ કોઈ જાણે છે કે ઇઝી મનીવાળી, શેરબજારમાં રહેલી ૨૦% કંપનીઓ જ ખરેખર સાચો ધંધો કરી અને કમાય છે? બાકીની ૮૦% કંપનીઓ ઇન્ટર્નલ ટ્રેડિંગ કરી વેલ્યુએશનની ગેઇમથી ખોટી વેલ્યુએશન વધારી ૧૦૦% ખોટુ ટ્રેડિંગ જ કરે છે.આ ફુગ્ગો બહુ મોટો થઇ અને ભયંકર રીતે ફુટશે જ, એ નક્કી છે એ એક ખાસ કેસમાં આપણે જોઇ લીધું. પણ ચોક્કસ લોકોના ચાર હાથ હોઇ બધુ સમુસૂતરું પાર ઉતર્યું. પણ હાલ ડેલ્ટા-ઇન્ટ્રા ડે વગેરેમાં જે યુવાનો રોજે રોજના સોદા કરે છે, એમનું ભવિષ્ય ખરાબ દેખાઈ રહ્યું છે.
શેર બજારમાં યુવાનો માત્ર અડધો દિવસ જ કામ કરે છે. વર્ષના ૩૬૫ દિવસમાંથી ચાર મહિના રજાઓ માણે છે. વેલ્યુલેશન વગરની આવકના કારણે અમાપ ખર્ચાઓ થાય છે.આવી વ્યક્તિ હંમેશાં મોંઘી લાઇફ સ્ટાઇલ અપનાવે છે, જેનાથી પરિવારમાં પ્રેમ કરતાં લક્ઝરીનું મહત્ત્વ વધી જાય છે. અને જો ઉંધે માથે પટકાયા અને ઓચિંતી આવકો બંધ થઈ તો જાનલેવા ગૂંગળામણ અનુભવાય છે. સાયકલ પરથી બાઇક પર જવું સહેલું છે, પણ બાઈક પરથી સાયકલ પર પરત
આવવું બહુ અઘરું કે લગભગ અશક્ય જ છે. સ્ટેટસ, મોભા અને પૈસા ને કારણે મળતું સામાજિક માન તમારું નહીં પણ તમારા આધુનિક જુગારમાંથી કમાયેલી કમાણીનું
હોઈ એ અચાનક બંધ થતાં ડિપ્રેશનમાં આવી જવાય છે.
માટે મારા વહાલા યુવાન મિત્રો! કે યુવાન મિત્રોનાં માતા-પિતા! હજી સમય છે, ચેતી જવાનો… ૨૫-૩૦% ટેક્સ આપવો પડે તો આપીને પણ નફાભેર નીકળી જાઓ અને નાનો મોટો પણ પોતાનો રિયલ બિઝનેસ કરો.
મહેનત કરો… હાર્ડવર્ક કરો તો તમને પોતાને, પરિવારને અને આવનારી પેઢી ને તમારી કદર થશે…
સાચો ધંધો એ સાચો ધંધો છે, ભલે ઓછું કમાશો પણ એ રોટલો મીઠો હશે તેમાંથી બચાવી લાંબા ગાળાના ઇન્વેસ્ટર બનો… પણ સટ્ટો તો નહીં જ. ન હીં જ…
સામાજિક પ્રતિષ્ઠાથી વધુ આભાસી બીજું કૈં જ નથી. તેની પાછળ ના દોડો… એક મદારી વાંદરા ને નચાવે તો ૨૦૦ લોકોનું ટોળું તેને ઘેરી વળે છે, તો તમે પાંચ પચ્ચીસ વાપરો તો વાહવાહ કરનાર તો આવશે જ.
આવા પૈસામાંથી થયેલું દાન વાહવાહીનું દાન છે, ટાટા – વિપ્રોની જેમ સમાજ અને દેશને મજબૂત બનાવનારું નથી. અબજોનું દાન કર્યા પછી પણ ટાટાનો ક્યાંય સન્માન લેતો ફોટો જોવા નહીં મળે અને આપણે હોસ્પિટલમાં કિલો કેળા આપ્યા હોય તો પણ સોશ્યલ મીડિયા ભરી મુકીએ છીએ, આપણાં યુવાધનએ શેરબજારના રવાડે ચઢવાથી બચવું જ રહ્યું.
જેમ STD – PCO, કેસેટ, સીડી, તાર, ટપાલ વગેરેનું અસ્તિત્વ નથી રહ્યું, નવી ટેક્નોલોજી આવતાં આ બધું ખતમ થઈ ગયું છે, તેમ ફંડામેન્ટલના સપોર્ટ વગરની તેજી ય કદાચ ગાયબ થઈ જતા વાર ના લાગે,..
કોઈ સ્કીલ કે આવડતવાળા ધંધામાં આવો.
મિત્રો! ડિલીવરી બેઝ સિવાયનું શેર બજાર એ જુગાર છે, જુગાર એ આવડતનો નહીં, નસીબનો ખેલ છે, જેમાં એક ત્યારે જ જીતે જ્યારે બીજો હારે…
ગુજરાતી મૂળાક્ષરો ત,થ,દ,ધ અને ન ખબર છે ને? માત્ર આટલાં જ, શેરબજારમાં કમાઈ શકે…
ત=તારવણી કરનાર – સવારે લે બપોરે વેચી દે, નફો નુકસાન ઘરભેગા
થ=થોભનાર, ડિલિવરી લઈ પોતાના ધારેલા ભાવની રાહ જુએ એ…
દ=દલાલ, વર મરો ક્ધયા મરો પણ ભટ્ટનું તરભાણું ભરો…
ધનવાન = પાંચ પંદર કરોડ આમતેમ થાય તો જેને રતિભર ફરક ન પડે એ…
અને છેલ્લે…
ન=નાગો. આબરુ જાય તો છો જતી એવું માનનાર…
માટે મારા વહાલીડાઓ! કક્કાના આ પાંચ અક્ષર ઘૂંટજો.
મા લક્ષ્મી તમને સાચી દિશા દેખાડે.
આજે આટલું જ