આકાશ મારી પાંખમાં : આતમતેજ જાગે ત્યારે…

-ડૉ. કલ્પના દવે
32 વર્ષીય વિજયા ચૌહાણ એક ચાર્ટડ ફર્મમાં પ્રૅક્ટિસ કરી કહી હતી અને એક વર્ષ પહેલાં જ એ મુંબઈની એક મલ્ટિનેશનલ કંપનીમાં ક્નસલટન્ટ તરીકે જોડાઈ હતી. વિજયાની કાર્યદક્ષતા અને આભાપૂર્ણ વ્યક્તિત્વ જોઈને ત્રણ મહિના પહેલાં જ એને ડિરેક્ટરના બોર્ડમાં કોઓપ્ટ કરવામાં આવી છે.
કંપનીના સિનિયર ડિરેક્ટર તથા પ્રોજેકટ ઈનચાર્જ દીપક શ્રીવાસ્તવ વિજયાને માનની દૃષ્ટિએ જોતા હતા.
છ મહિના પહેલાં જ એક જર્મન કંપની સાથે બિઝનેસ ડીલિંગ થયું હતું. નવા પ્રોજકટના હવે કરાર કરવાના હતા. બિઝનેસ ડીલ કરવા જર્મનથી ડેલિગેટસ આવવાના હતા.
મિસ વિજયા, જર્મન કંપનીના ડેલિગેટસ ડીલ ફાઈનલ કરશે, તમે બધા કોરોસપોન્ડસ – ડૉક્યુમેન્ટસ સ્ટડી કરી લેજો. આપણે કયા કયા મુદ્દાની ચર્ચા કરવાની છે એની નોટ્સ પણ રેડી રાખજો. ઈનચાર્જ મૅનેજર શ્રી દીપક શ્રીવાસ્તવે કહ્યું.
જર્મન કંપનીનું નામ સાંભળતાં જ વિજયાના મનમાં અકળ ભય વ્યાપી ગયો – એ સૂનમૂન બની ગઈ.
વિજયા શું થયું, આટલું મોટું ડીલિંગ થવાનું છે ને તું એકદમ શાંત છે? નથિંગ એકસાઈટસ યુ, રીયલી ઈટસ ગ્રેટ ડીલ.
ના, ના એવું કાંઈ નથી. હું જરા મારા વિચારોમાં હતી. સૉરી સર.
ઓકે. પ્લીઝ બી સીટેડ. (પછી) શ્રીવાસ્તવ સર લેપટોપમાં જોઈને મીટિગની વિગતો અને કોરોસપોન્ડસ વિશે સમજાવવા લાગ્યા.
વિજયા બેઠી તો ખરી પણ એની નજર સામે ભૂતકાળમાં બનેલી પેલી ઘટના તરવરી રહી. એનો ચહેરો તંગ બની ગયો.
હંમેશાં ચર્ચામાં કુશળ વિજયા કેમ શાંત છે – જાણીને શ્રીવાસ્તવે જ પૂછયું- વિજયા, એની પ્રોબ્લેમ? તું કહે તો આપણે પછી વાત કરીએ, પણ, યુ હેવ ટુ લીડ ધ મીટિગ.
સર, આ મીટિગ ક્યારે છે?
દસ દિવસ પછી – શુક્રવારે, 15 ઓકટોબરે.
પણ સર, હું તો લીવ પર જવાનું વિચારું છું. 12મી ઓકટોબરે મારા ભાઈના મેરેજ છે. અમે બધા નેટિવ પ્લેસ જઈશું. સર, મને પંદર દિવસની લીવ જોઈએ છે.
મેરેજના ફંકશન માટે પંદર દિવસની લીવ ઈમ્પોસિબલ. તને ફરીથી કહું છું કે આ બિઝનેસ ડીલમાં તું જ કી પરસન છે. હવે તારે જેમ મૅનેજ કરવું હોય તેમ કરજે, પણ આ ડીલિંગનો ચાર્જ હું બીજા કોઈને સોંપીશ નહીં. સો સ્ટાર્ટ યોર વર્ક. શ્રીવાસ્તવે સત્તાવાહી અવાજે કહ્યું.
ઓકે. સર. વિજયાએ કહ્યું તો ખરું, પણ એના મનમાં કોઈ અકળ ભય વ્યાપી રહ્યો હતો. એ શ્રીવાસ્તવ સામે આંખ ન માંડી શકી. દીપક સરના શબ્દો એને કાને પડતા હતા, પણ સમજાતા ન હતા. એ અગત્યના મુદ્દાઓ ડાયરીમાં યંત્રવત્ લખતી હતી. કોઈ વાઘના પિંજરામાં પોતે બેઠી હોય એવું એને લાગતું હતું.
મીટિગ પતાવી વિજયા એની કૅબિનમાં આવી અને ટેબલ પર માથું ટેકવીને વિચારશૂન્ય બની ગઈ. મનમાં ને મનમાં ગણગણવા લાગી – ગમે તે થાય, મારે આ મીટિગ એટેન્ડ નથી કરવી.
જર્મન ડેલિગેટસમાં પેલો હવસખોર જ્હોન આવશે, પણ, હું દીપક સરને શું કહું, એ કોઈ રીતે માનશે જ નહીં. કંપનીને 150 કરોડનું ડીલ મળશે અને મારું પ્રમોશન પણ હમણાં જ થયું છે- હું શું કરું.
પણ, એટલે એ વરુના પંજામાં જવાનું? ના-ના નોકરી છૂટે તો ભલે છૂટે, પણ આય હેવ ટુ બી સેફ –
થોડી વારે સ્વસ્થ થઈને વિજયા ફરીથી શ્રીવાસ્તવ સરની ઑફિસમાં ગઈ.
સર, મે આય કમ ઈન.
યસ, યસ પ્લીઝ કમ.
સર, સૉરી હું પંદર તારીખની મીટિગ એટેન્ડ કરી શકીશ નહીં. આપ કહો તો હું હમણાં જ રીઝાઈન કરી દઉં, પણ-
વિજયા, આ તું શું કહે છે, અને રીઝાઈન કરવાનો વિચાર જ તને કેમ આવ્યો? શ્રીવાસ્તવે આશ્ચર્યચકિત થતાં પૂછયું. તારે મેરેજ માટે રજા જોઈએ છે, તે તું લે. 13મીએ ફલાઈટમાં મુંબઈ આવી જા, પછી મીટિગ એટેન્ડ કરી શકશે,
સૉરી સર, પણ આ મીટિગ અવિનાશ કે સંજયને લીડ કરવા દો. પ્લીઝ મને માફ કરો.
જો, વિજયા તારે મને કોઈનું નામ સૂચવવાની જરૂર નથી. મને ખબર છે કોને શું કામ સોંપવું. વિજયા, ઈઝ ઈટ ક્લીયર નાવ. માત્ર છ મહિનામાં જ તને કંપનીમાં આવી ઈમ્પોર્ટન્ટ પોઝિશન મળી છે. હજુ તારું ફ્યુચર બ્રાઈટ છે. સો આય ડોન્ટ વોન્ટ એની ચેન્જ. બાય ધ વે, તું કેમ ના પાડે છે, તારો પ્રોબ્લેમ શું છે. ઈફ આય કેન બી હેલ્પફુલ, શ્રીવાસ્તવે હળવા ટોનમાં પૂછયું.
વિજયાની આંખોમાં આંસુ આવી ગયાં. સ્વસ્થ થતાં એણે કહ્યું-
સર, મારો પ્રોબ્લેમ એવો છે એમાં કોઈ મદદ કરી ન શકે.. સર, હું મીટિગ એટેન્ડ કરું, પણ પછી રાત્રિ ડિનર પાર્ટી એટેન્ડ ન કરું તો ચાલશે?
ઓકે, નો પ્રોબ્લેમ – પણ તું ડિનર પાર્ટી કેમ એટેન્ડ નહીં કરે? ઈટ ઈસ ટુ એન્જૉય અવર એચીવમેન્ટ. જસ્ટ ફન એન્ડ ગેટ ટુગેધર.
સર, હું અનકમ્ફર્ટેબલ અનુભવુ છું. અમારા ફૅમિલીમાં આવી રાત્રિ ડાન્સ-ડિનર પાર્ટીમાં જવાની મારા ઘરમાંથી પરમિશન નથી. વળી, ધે ટચ, ધે ડાન્સ એન્ડ સમટાઈમ્સ મીસબીહેવ ઑલ્સો. વિજયાએ કહ્યું.
મિસ વિજયા, પાર્ટીમાં તો બધા સાથે હોય, હું પણ પાર્ટીમાં હોઈશ. (પછી જરા વિચારીને) ઓકે પાર્ટી એટેન્ડ ન કરતી, પણ મીટિગ એટેન્ડ કરજે.
તે રાત્રે વિજયા હોસ્ટેલના રૂમમાં આવી, પણ ભૂતકાળનો એ ડંખ એનો કેડો મૂકતો ન હતો. વિજયાનું મન પોકારી રહ્યું – એ જ્હોન મારી નજર સામે આવશે – તે દિવસની એની એ ભુખાળવી નજર – અભદ્ર વર્તન કેવી રીતે ભૂલી શકું – સ્ત્રીના શરીરનું ગૌરવ ન કરી શકે એનાથી પોતાનું રક્ષણ કરવું જ રહ્યું.
પણ, હવે હું શું કામ ચિંતા કરું છું. મારે કયાં ડાન્સ પાર્ટી એટેન્ડ કરવાની છે, મીટિગમાં જ્હોનને ઈગ્નોર કરીશ. હું તો બોર્ડ કમિટીમાં છું.
આ પણ વાંચો…DM – ડાયરેક્ટ માર્કેટિંગ કે ડાયરેક્ટ મેસેજ?
સવારનાં કુમળાં કિરણોના સ્પર્શથી વિજયાની આંખ ખૂલી. કૉફીના ધૂંટને ગળે ઉતારતાં વિજયાનું મન બોલી ઊઠ્યું- હું શા માટે આટલી ભયભીત છું – મેં કશું ખોટું તો કર્યું નથી. આગલી મીટિગની પાર્ટીમાં જ્હોન નશામાં ધૂત થઈ મારી નજીક આવ્યો હતો ત્યારે હું તરત સભાન થઈ ગઈ હતી, મેં જ એને હડસેલો મારીને બાજુના સોફા પર પટકાવી દીધો તો – હું મારું રક્ષણ કરી શકું છું તો પછી ગભરાવાનું શા માટે – અને આ વખતે તો હું ડાન્સ પાર્ટી જ એટેન્ડ કરવાની નથી.
ત્યાં જ ફોનની ધંટડી વાગી, જ્હોનનો ફોન હતો. વિજયાએ નક્કી કર્યું કે હું જરાય ડરીશ નહીં.
હલો, મેડમ, જ્હોન હીયર.
યસ, હાવ વોઝ યોર જર્ની – ઓકે આય એમ બીઝી. નો પર્સનલ કોલ – વીલ મીટ ઈન ઑફિસ –
ઓકે ફાઈન. જ્હોને કહ્યું.
વિજયાએ તરત ફોન મૂકી દીધો. એણે વિચાર્યું કે કોઈ વ્યક્તિ માટે ખોટો પૂર્વગ્રહ કે ડરથી આપણું મન ભય પામે છે. ખરેખર આવો ડર રાખવો ન જોઈએ, આત્મબળ વડે આગળ વધવું જોઈએ. હવે વિજયાના મનમાંથી જ્હોન માટેનો પેલો ડર નીકળી ગયો. આતમ જાગે ત્યારે સાચી દિશા મળે જ છે.