આકાશ મારી પાંખમાં : એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમ

-ડૉ. કલ્પના દવે
કારમી મોંઘવારીમાં 65વર્ષની વયે પણ મનસુખભાઈ એક ખાનગી કંપનીમાં એકાઉન્ટંટ તરીકે કામ કરતા હતા. સાઠીએ પહોંચેલા નિમુબેન ઘરકામના ઢસરડા ખેંચતા હતા. આજે નિમુબેન ભવિષ્યના મીઠા સપનાંમાં ખોવાઈ ગયા:- બસ, મારો દિનેશ એન્જિનિયરિંગ પૂરૂ કરી લે એને સારી નોકરી મળી જાય પછી મારે શું ચિંતા? દીકરી સોનાલી પણ ઠેકાણે પડી જાય પછી અમે બંને જાત્રાએ જઈશું, આ મારો ભાઈ લંડન બોલાવે છે, ત્યાં પણ બે મહિના જઈશું.
દિનેશે એન્જિનિયરિંગ કર્યું કે તરત જ એક મોટી કંપનીમાં એને જોબ મળી ગઈ. નિમુબેને પ્રભુને પ્રાર્થના કરતાં કહ્યુ- હે, પ્રભુ બસ, હવે કંકુવરણાં પગલાં પાડતી પુત્રવધૂ આવી જાય. સગાવહાલા અને મિત્રોમાં કન્યાની તપાસ આદરી.
બે મહિનામાં જ દિનેશે કહ્યું:- મારી ઓફિસમાં કામ કરતી રૂપલ સાથે લગ્ન કરવા માગું છું.
પહેલાં જન્માક્ષર મેળવીએ, એનું ઘર જોઈએ, મા-બાપને મળીએ પછી જ નક્કી કરાય ને, મનસુખભાઈએ કહ્યું.
પપ્પા, હું જન્માક્ષરમાં માનતો નથી. અમે ત્રણ વર્ષથી કલોઝ ફ્રેન્ડ છીએ. મારે તો એની સાથે જ લગ્ન કરવા છે.
તો, તું જાણે પણ તું જ આ ઘરડા મા-બાપનો ટેકો છે. જો એ અલગ રહેવાનું કહેશે તો તું શું કરીશ? મનસુખભાઈએ પાયાની વાત માંડી.
પપ્પા, સંબંધો ટકાવવા આપણા હાથમાં છે. પણ, સમય મુજબ વડીલોએ વર્તવું જોઈએ. તમારા રૂઢીગત બંધનો આજના જમાનામાં તો નહીં જ ચાલે. રૂપલ પોતે ફેશન ડીઝાઈનર છે.
એકના એક દીકરાની જીદ, ન માને તો મા-બાપ કયાં જાય ?
પોતાના ગજા ઉપરાંત ખર્ચો કરીને મનસુખલાલ અને નિમુબેને દીકરાના લગ્ન ધામધૂમથી કર્યા. મનસુખલાલે પોતાની પાંચ લાખની ફીક્સ રકમ ઉપાડી જેથી દિનેશના લગ્નમાં કોઈ કસર ન રહે…
મોટા ઘરમાં ઉછરેલી રૂપલને લાગતુ હતું કે ટુ બેડરૂમ-કીચન વાળા આ ઘરમાં એને પ્રાયવસી મળતી નથી,વળી દિનેશની કમાણી પર હજુ પણ એના પપ્પાનો જ કમાંડ છે. અને લાઈફસ્ટાઈલ તો હજુ ચાલી સીસ્ટમ જેવી જ છે. હું પોતે 50 થી 60 હજાર કમાઉં પણ મારે સાસુમાને હિસાબ આપવાનો- હું મારા માટે કંઈ ખરીદું તો સોનાલી માટે પણ લેવાનું?
લગ્નના માંડ આઠ મહિના થયા હશે અને દિનેશે વાત માંડી-
પપ્પા, રૂપલના પપ્પા કંસ્ટ્રકશનનો પોતાનો બિઝનેસ શરૂ કરે છે, નવી મુંબઈમાં- હું પણ એમાં એક પાર્ટનર તરીકે છું.
જો, બેટા સંબંધીઓમાં જોઈન્ટ ધંધો કરવામાં અંગત સંબંધો પર અસર પડે છે. તારા લગ્ન વખતે મેં ફીક્સ તોડી હતી હવે મારી સોનાલીના લગ્ન માટે પણ ખર્ચ થશે તેનું શું-
દિનેશે કહ્યું- પપ્પા, કંઈ પણ નવું કરવું હોય તો જોખમ લેવું જ પડે ને- તમારી જેમ આખી જિંદગી મારે નોકરીના ધસરડા નથી કરવા.
જો, ભઈ હું કંઈ તારા જેટલું ભણ્યો ન હતો પણ મેં તમારા ઉછેરમાં કોઈ કચાશ રાખી ન હતી. અને વિરારથી નવીમુંબઈ કેવી રીતે અપડાઉન કરશો?
એટલે, અમે તો નવીમુંબઈમાં જ ઘર લઈશું. રૂપલે કહ્યું.
દિનેશ, તું અમારાથી જુદો રહીશ, નિમુબેને રડતા અવાજે કહ્યું.
પપ્પા, જો હું હમણાં ચેલેન્જ નહીં લઉં તો કયારે લઈશ.
જો દિનેશ-રૂપલ તમે બે જણે નક્કી જ કરી લીધું હોય તો મારે બોલવાનો કોઈ અર્થ નથી. પણ, અમારા માટે કે તારી બહેન માટે તારી કોઈ ફરજ છે કે નહીં? મનસુખલાલે આકરા થતાં કહ્યું.
પણ, મમ્મી-પપ્પા હું તમારી સાથે જ છું ને?
સાચું કહું છું, ભલે તને આકરું લાગે પણ બેટા, અન્ન જુદા એટલે મન જુદા.
તમે તમારી દ્રષ્ટિએ દુનિયા જુઓ,પણ મારે જીવનમાં સફળ થવું છે, તમે મને રોકો નહીં.
આખરે ત્રણ અઠવાડિયામાં જ દિનેશ અને રૂપલ નવી મુંબઈ રહેવા જતાં રહ્યા. પ્રેમનો એ માળો વિખેરાઈ ગયો, નિમુબેન અને મનસુખભાઈ માટે દીકરાના વિયોગનો ભાર અસહ્ય થઈ પડ્યો.
તે દિવસે તાવમાં તરફડતા મનસુખભાઈ બબડી રહ્યા હતા- હવે,અમારા ઘડપણનો ટેકો કોણ? આખી જિંદગી ધસરડા કર્યા કે કાલે દીકરો મોટો થાય અને અમને ટેકો આપે. આ મને કશું થઈ જાય તો મારી નિમુ અને દીકરી સોનાલીનું કોણ?
સફરજનનો ટુકડો પપ્પાને ખવડાવતાં સોનાલીએ કહ્યું-પપ્પા, ભાઈને જુદા થયે છ મહિના થયા આમ ક્યાં સુધી જીવ બાળશો- હું છું ને તમારી સાથે- હું બધું સંભાળીશ. હું વેબકંપનીમાં પાર્ટ ટાઈમ જોબ કરું છું.
બેટા,દીકરીની કમાણી મારે ખાવાની, તને તો સારો મૂરતિયો જોઈ હવે સાસરે વળાવવાની છે. મનસુખભાઈ દીનસ્વરે બોલ્યા.
સોનાલી ગઈ કાલે જ દિનેશે ફોન કરીને કહ્યું- પપ્પા, મને પાંચ લાખ રૂપિયા આપો, હું છ મહિનામાં જ પરત કરીશ.
હું તે દિવસનો ઝઘડો ભૂલ્યો નથી,પણ એણે જીદ કરીને અમારા જોઈન્ટ અકાઉન્ટમાંથી પાંચ લાખના ચેક પર મારી સહી લીધી. મેં કહ્યું પણ ખરું કે આ મૂડી મારી સોનુના લગ્ન માટે છે.
એણે કહ્યું- પપ્પા મારો નવો ધંધો છે, પણ હું ત્રણ મહિનામાં પાછા મૂકીશ. તમને મારા પર ભરોસો નથી?
સોનાલી એ વાતને છ મહિના થયા એણે હજુ સુધી રકમ જમા નથી કરી.
શું તમે પણ, હવે કયાં સુધી હૈયાબળાપો કરશો? આપશે, પૈસા કયાં ભાગી જવાના છે- ખોટી ચિંતા કરીને -ટેન્શન રાખો છો તે આ ઉંમરે સારું નહીં. નિમુબેને કહ્યું.
એ જ રાતે એક વાગે મનસુખભાઈને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડયો- સોનાલીએ ડો.જોશીને ફોન કર્યો.
જુઓ, એમને માસીવ હાર્ટએટેક હતો. પણ, ઈંજેક્ષનની અસર સારી થઈ છે, એટલે ઘરમાં જ ધ્યાન રાખજો. દર ત્રણ કલાકે એમના હાર્ટબીટસ ચેક કરજો. પણ, મને લાગે છે કે તેઓ કોઈ માનસિક ટેન્શનમાં છે.
હા, ભાઈ આ મારો દીકરો દિનેશ જુદો થયો ને એ ચિંતા જ કહેતાં નિમુબેનથી ડૂસકું દેવાઈ ગયું.
બેટા, સોનાલી હવે તારે જ મમ્મી-પપ્પાને જોવાના. ડોકટરે કહ્યું.
બીજે દિવસે દિનેશ અને રૂપલ આવ્યા- પણ એક મહેમાનની જેમ.
જતી વખતે દિનેશે 25 હજારનો ચેક આપતાં કહ્યું- મમ્મી, આ લે પપ્પાની દવા માટે કે બીજી કાંઈ જરૂરત હોય તો- રૂપલ તો કશું બોલી જ નહીં.
બેટા,તારી લાગણી હું સમજું છું. પણ, પપ્પા સાથે તું થોડા દિવસ રહે તો પપ્પાને સારું લાગે. નિમુબેને કહ્યું.
નિમુ, આમ પ્રેમની ભીખ શું કામ માગવાની ?એને કહી દે કે મારે દવા કરાવવા એના પૈસાની જરૂર નથી. પણ, એના ધંધા માટે મારા લીધેલા પૈસા પાછા આપી દે.
પપ્પા, તમને મારામાં વિશ્વાસ નથી? મેં લીધા છે તે આપીશ જ. નવો ધંધો છે તે જામતા વાર તો લાગે.
ભાઈ, પપ્પાને ટેન્શનને કારણે- અને તમે જુદા થયા એને લીધે જ એટેક આવ્યો છે. ડોકટરે કહ્યું છે કે તેમને કોઈ વાતનું ટેન્શન થવું ન જોઈએ.
સોનાલી, એનો ચેક પાછો આપ,મારે એના પૈસા ન જોઈએ. મનસુખલાલે કહ્યું.
પપ્પા, તમારે જરાય અકળાવવાનું નથી. જુઓ સાચે જ ભાઈને તમારી ચિંતા છે, એટલે તો ઠેઠ નવી મુંબઈથી તરત દોડીને આવ્યો. જો એ ચેક આપે છે, તો કેમ ન લેવાય?
એણે અમારા જોઈન્ટ એકાઉન્ટમાંથી ધંધા માટે ઉપાડ્યા છે ને, તેનું શું? મારી મહેનતની કમાઈ એમ જ વેડફાઈ જાય એ કેમ સહન થાય? મનસુખભાઈએ મોટા અવાજે કહ્યું.
પપ્પા, તમે શાંત થાઓ ભાઈ એની જવાબદારી સમજે છે. જો આ ચેક ન લો તો બીજા ચેક કેવી રીતે લેશો- સોનાલીએ કહ્યું.
દિનેશ, તું કહે તો સરપ્રાઈઝ વાત કહું? દિનેશે મંદસ્મિતે હકારમાં માથું ધૂણાવ્યું. એટલે સોનાલીએ વાત માંડી.
પપ્પાજી હું જાણું છું અમે નવીમુંબઈ ગયા અને ત્યાં મારા પપ્પા સાથે અમે કંસ્ટ્રકશન કંપની શરૂ કરી એટલે તમે ગુસ્સામાં છો. પણ, વી રીયલી વોન્ટ ટુ લીવ ટુગેધર. આપણે નવી મુંબઈમાં બાજુ-બાજુમાં બે ફલેટ લઈશું, ત્યાં આપણે સાથે જ રહીશું. મેં તો નાનપણમાં જ મારી માતાની ગોદ ગુમાવી છે, એટલે મમ્મીજીને જ મારાં મા સમજુ છું. સોનાલી તો મારી નાની બહેન છે. દિનેશ પણ તમને ખૂબ મિસ કરે છે. વી લવ યુ ઓલ કહેતા રૂપલનું હૈયું ભરાઈ આવ્યું.
મનસુખભાઈના હૈયે ટાઢસ વળી. નિમુબેને દિનેશ અને રૂપલને છાતીસરસા ચાંપી વહાલ કર્યું. કુટુંબમાં ખીલેલી આ વસંતને વધાવતા સોનાલીએ ગીત ઉપાડ્યું-
એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમ
એક દૂસરે કે લિયે બેકરાર હમ.
આપણ વાંચો: વિનુભાઈએ નવી રંગભૂમિનું નાટક કર્યું