ઉત્સવ

આકાશ મારી પાંખમાં : મેરા દર્દ ના જાને કોઈ

  • ડૉ. કલ્પના દવે

બેડરૂમમાં ડીમ લાઈટ કરીને સોનિયા આજે મનને શાંત કરવા મીરાંબાઈનાં ભજનોની કેસેટ સાંભળી રહી હતી. આજે 16 જૂન, આ જ દિવસે તો એને મોહિત મળ્યો હતો. અંધેરી ભવન્સના ઑડિટોરિયમમાં જ તો એણે મોહિત દેસાઈને જોયો હતો. એની શું ડેશિંગ પર્સાનાલિટી હતી. સમારંભના અતિથિ તરીકે એનું સ્ટેજ પર જવું, ઓડિયંસમાંથી કેટલાકે સીટી મારી, તો કેટલાકે તાળીઓથી વધાવી લીધો. ત્યાં જ આયોજકે કહ્યું કે આપણી વચ્ચે બિઝનેસમેન મોહિત સાથે અભિનેત્રી સોનિયા સિંગને પણ સ્ટેજ પર આવવા આમંત્રણ આપું છું. હોલમાં ફરી તાળીઓનો ગડગડાટ- કેટલાકે વેલકમ સોનિયા કહીને આનંદ બતાવ્યો. કોઈ કે કહ્યું કે સોનિયામેડમ તમે બંબઈ કી ગુડીયામાં શું બેસ્ટ અભિનય કર્યો છે, ગ્રેટ!

તે દિવસે મોહિતની સાથે સ્ટેજ પરના સમારંભને સોનિયાએ આજે પણ હૈયે અકબંધ રાખ્યો છે. મોહિતે તે દિવસે સ્ટેજ પર એના કોસ્ચ્યુમને જાળવીને ચાલવામાં મદદ કરીને સ્ત્રીદાક્ષિણ્ય તો બતાવ્યું હતું,પણ નાજુક હાથને હળવેથી ઝાલીને તેની બાજુની ખુરશી પર હળવેથી બેસાડી ત્યારનો રોમાંચ અને એ મોહક નજર આજે પણ હૈચે અકબંધ છે.

હા, બિઝનેસમેન મોહિત સાથે ફર્સ્ટસાઈટનો પ્રેમ એ લગ્નમાં પરિણમ્યો, અભિનય જગતમાં સફળતાને માર્ગે આગળ વધતી સોનિયા અને ડાયમંડ કીંગ ગણાતા મોહિતે વરલી સીફેસ પાસે ચાર બેડરૂમવાળો આલીશાન ફલેટ લીધો.

વિરારમાં રહેતી સોનિયાની જીવનશૈલી જ બદલાઈ ગઈ. એના પિતા એક સામાન્ય વેપારીની દીકરી, સોનિયાને બારમા ધોરણ પછી પૂનાની ફિલ્મ ઈન્સ્ટિટયુટમાં ભણાવી. ટી.વીના નાના પડદે કામણ પાથરનારી સોનિયાને પિતા કહેતા- બેટા, મને તારી મા ગણે કે પિતા, મેં જ તને ઉછેરી છે. બેટા. ઘરમાં સુખ-શાંતિ જાળવવી એ સ્ત્રીનું કર્તવ્ય છે. ધનસમૃદ્ધિ સાથે પ્રેમની સમૃદ્ધિ પણ હોવી જોઈએ. આજે 16જૂને જ મોહિત મળ્યો હતો, 16 નવેબરે લગ્ન થયાં અને પાંચ વર્ષ પછી 16માર્ચે જ અમારું બ્રેકઅપ થયું.

સોનિયાનું મન આજે ખૂબ અજંપો અનુભવી રહ્યું છે. મોહિત સાથેના એ આત્મીય સંબંધોમાં આગ કેમ લાગી? આજે હું અને મોહિત એક જ ફલેટમાં રહીએ છીએ, પણ સાથે નથી. જેને જોઈને હું પ્રસન્ન થતાં આખું ગીત ગાતી હતી- સાંવરિયો રે, મારો સાંવરિયો હું તો ખોબો માગુંને દઈ દે દરિયો.

એ ખુશ થઈને મને ભેટે- ત્યારનો એ રોમાંચ આજે પણ મીઠી સંવેદના જગાડે છે.

એ રાત્રે મોહિતને બે-અઢી જેટલો તાવ હતો, હું મીઠાના પાણીના પોતા મૂકતી હતી. ત્યાં જ પ્રોડક્ષન ઈનચાર્જ મુનિરનો ફોન આવ્યો.

સોનિયા. ઈટ્સ અરજંટ કલ સુબહ આઠ બજે કા ફલાઈટ હૈ, દો દિન કે બાદ દુબઈમેં હમારા શો હૈ- સુબહ છે બજે એરપોર્ટ પહોંચના હૈ.
સર, મૈં નહીં આ સકતી- મેરે મિસ્ટર કો તેજ બુખાર હૈ.
તો, કયા હમ શો કેન્સલ કરે? તુમ્હારા લીડ રોલ હૈ. દુબઈમેં ઐસા ચાન્સ મિલા હૈ. તુમ કુછ ભી કરો- આના હી પડેગા. કહેતા મુનિરે ફોન પટકાવી દીધો.
સોનિયાએ મોહિતને કહ્યું- હું તને આવી હાલતમાં મૂકીને કેવી રીતે જઉં?
જો, મારી ચિંતા ન કર. હું મારી કઝીનને કે પછી ઓફિસ સ્ટાફમાંથી કોઈને બોલાવીશ. તું જા. મારું મન નથી માનતું, પણ ગયા વગર નહીં ચાલે.

ત્રણેક મહિના પછી એક વખત લંચના સમયે સોનિયા મોહિતની ઓફિસે અચાનક પહોંચી. મોહિતની કેબિનમાં નોક કરીને એ જેવી પ્રવેશી તો એણે જોયું કે મોહિત ડિનર કોરનર પાસે મૂકેલા સોફા પર એની સેક્રેટરી માધુરી સાથે કઢંગી હાલતમાં હતો.

સોરી, હું ખોટા સમયે સરપ્રાઈઝ આપવા આવી, પણ હું જ સરપ્રાઈઝ થઈ ગઈ.
મેડમ, એવું કંઈ નથી- સરને જરા ચક્કર આવી ગયા હતા, એટલે હું એમને મદદ કરતી હતી.
અરે, તમારું ચક્કર જોઈને મને ચક્કર આવી ગયા. તમે આવા ધંધા કરવા આવો છો-
જો, સોનિયા તું જેવું વિચારે છે, એવું કંઈ નથી. માધુરી ઈઝ ફેસિંગ સિરિયસ પ્રોબલેમ- હું એને જરા રિલેક્સ કરતો હતો.
મોહિત, આને બેવફાઈ કહેવાય. હવે હું તારી સાથે રહી જ ન શકું. તારી માધુરી તને મુબારક.
(કહેતા સોનિયા વીજળીની જેમ ઓફિસની બહાર નીકળી ગઈ )

ઉપરની ઘટનાને ત્રણ દિવસ થઈ ગયા. સોનિયા અને મોહિત બંનેમાંથી કોઈ સુલેહ કરવા તૈયાર ન હતું. પ્રેમના આલાપ કે સહભોજનના આનંદને સ્થાને એક ભેદીમૌન- કાળમીંઢ એકલતા છવાયેલી હતી.

સોનિયાની એક સહેલી સુપ્રિયા કાળે જે ફેમિલી કાઉન્સિલર તરીકે કામ કરતી હતી. એણે સોનિયાને કહ્યું- હું સુલેહ કરાવવા પ્રયત્ન કરું? ગેરસમજને કારણે આવા મધુર સંબંધોને શા માટે તોડો છો- તમે તમારા કાર્યક્ષેત્રે સફળ છો. ભગવાને ખોબલે ખોબલે વૈભવ આપ્યો છે. તો માણતા કેમ નથી?

પણ, હવે મારો એના પર શું અધિકાર- મૂળમાં જો પ્રેમ જ ન હોય તો એની સાથે કેમ રહેવાય? સોનિયાએ કહ્યું. પણ,સોનિયા ગીવ વન ચાન્સ- યાર, આય નો, યુ બોથ લવ ઈચ અધર- સુખને એક અવસર આપ.
રાત્રે સાડા આઠ વાગે સુપ્રિયા સોનિયાના ઘરે આવી. અને ચર્ચા શરૂ કરી.
મારે આ લવબર્ડના માળાને મહેકતો કરવો છે. તમે બંને એ લવમેરેજ કર્યા. તમે બંને તમારા ફિલ્ડમાં સફળતાથી કામ કરો છો. કેવો સરસ તમારો ફ્લેટ છે. પછી શું પ્રોબ્લેમ છે?
બંને ચૂપ- મોહિત સુપ્રિયા સામે જોઈ શકતો ન હતો, એની આંખો જમીનમાં જ ગુડાયેલી હતી. બીજી તરફ સોનિયાની આંખો પણ દદડતી હતી.

જુઓ, આવી કોઈ સમસ્યામાં ચૂપ જ રહેવું, અકળાઈ જવું કે માનસિક સ્ટ્રેસ લેવો એ ઉપાય નથી. તમે મુક્ત મને વાત કરો.
હું મોહિત જેટલી જ સફળ વર્કિંગ વુમન છું. મારા શો મુંબઈમાં, દેશ-વિદેશમાં હીટ જાય છે. એટલે એને મારી ઈર્ષા થાય છે. એ મને પ્રેમ કરતો હતો પણ— (એ ડૂસકાં દઈને રડવા લાગી.)
મોહિત તરત ઊભો થઈ સોનિયાની પીઠ પસવારવા લાગ્યો.
તેં મને દરેક રીતે સુખ આપ્યું જ છે. પણ, તારો ઈગો અને તારી જોહુકમી મારાથી સહન ન થાય.
જો, મોહિત તું જાણે છે કે માધુરી સાથેના તારા લગ્નેતર સંબંધ હું સ્વીકારી શકું નહીં. મારામાં તને શી ખોટ લાગી કે તારે માધુરી પાસે-

જો, મેં માધવીને ફક્ત મોરલ સપોર્ટ આપ્યો છે. એના પતિના મૃત્યુ પછી એ ઘણી વાર ડિપ્રેશનમાં આવી જાય છે. ફક્ત મિત્ર ભાવે અમે રહીએ છીએ, મને ખબર છે, હું દુબઈ ગઈ ત્યારે એ ત્રણ દિવસ અહીં જ રહી હતી. ત્યારથી જ મને શંકા ગઈ કે તમારા આડા સંબંધો છે. હું આવી અને મેં એ જ જોયું.
જો, તને મારામાં વિશ્વાસ ન હોય તો મારે કોઈ ચર્ચા કરવી જ નથી.
તું શટિંગ માટે આઉટ ઓફ મુંબઈ કે વિદેશ જાય, રાત્રે મોડી આવે તો હું તારા પર ખોટી શંકા કરું છું ?
તું મારી કેટલી મોટી અગ્નિપરીક્ષા લે છે, એ તને ખબર છે?
લગ્ન બાદ દોઢ વર્ષ પછી આપણે આ સરસ ફ્લેટ લીધો હતો, આ ઘરની પહેલી રાત્રિએ જ મેં તને કહ્યું હતું-લેટ અસ પ્લાન ફોર ફેમિલી.

ત્યારે તેં શું કહ્યું હતું- આય વોન્ટ ફ્રી લાઈફ- હું તો પ્રોફેશનલ અને સકસેસફુલ સ્ત્રી તરીકે જીવવા માગું છું. હું મારી કરિયર છોડવા માગતી નથી. મેં તને દરેક સુખ આપ્યું છે. પણ, આપણું એક બાળક પણ હોય એ માગ મારી ખોટી છે? ખોટી સ્પર્ધા કે ઈગોમાં રહેવાને બદલે આપણે આ ઘરમાં એક બાળકને ન આવકારીએ.?

આપણ વાંચો:  મોર્નિંગ મ્યૂસિંગ: પ્રતિકૂળતામાંથી રસ્તો કાઢો તેનું નામ જ સફળતા છે…

સુપ્રિયાએ કહ્યું- આજે આટલી વાત થઈ શકી છે- હવે તમે બંને વિચારો કે તમને કેવું જીવન જોઈએ છે. બે અઠવાડિયા પછી આપણે ફરી મળીશું. નાવ લેટ અસ હેવ કોફી.

આજે રાત્રે પોતાના બેડરૂમમાં પાસાં બદલી રહેલી સોનિયાનું હૈયું વલોવાઈ રહ્યું હતું. મારી પ્રેમની પીડા કોણ સમજી શકે? એક તરફ દોમદોમ સાયબી છે. સેટ પર મેડમ-મેડમ કહીને ઝીલતા ટીમ સાથીઓ છે. પૈસો, શોહરત, કલાવૈભવ છે. કદાચ મોહિત સાચો હોય- પણ મારા અંતરના ખૂણામાં જે શૂન્યાવકાશ છે-તેનું શું?
એરી,મૈ તો પ્રેમદિવાની, મેરા દરદ ન જાને કોઈ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button