આકાશ મારી પાંખમાં : પ્રેમનું ઉપનિષદ

-કલ્પના દવે
નિલેશ પારેખ તો પ્રેમને પૂજા જ ગણે છે, અને પત્ની પૂજા જ એનો પ્રેમ. પણ આ પ્રેમ પણ સહેલાઈથી કયાં મળે છે? પ્રેમના સાચા સ્વરૂપને પામવા રાધા અને મીરાં જેવો સમર્પિત ભાવ, તો નરસૈંયા જેવી ભક્તિ જોઈએ. પ્રેમ પંથ પાવકની જ્વાળા ભલે કહેવાય પણ એ પ્રેમતત્ત્વને પામવા આપણે શું શું નથી કરવું પડતું?
આજે નિલેશ પત્ની કમ પ્રેમિકાને યાદ કરતાં ભૂતકાળમાં સરી પડ્યો.
એ દિવસે કોલેજના કલ્ચરલ પ્રોગ્રામે તો મારા હૈયે પ્રેમનું મોટું વાવાઝોડું જ ઊભું કર્યું હતું. કોલેજના સ્ટુડન્ટ એસોસિયેશનનો હું ઈનચાર્જ હતો. તે સમયે હાથમાં વીડિયો કેમેરા પકડીને શૂટીંગ કરવામાં આવતું, પ્રોગ્રામ શરૂ થવાનો હતો, એસેમ્બ્લી હોલમાં બધા ગોઠવાઈ ગયા. પ્રો. મહેતાએ કાર્યક્રમ ચાલુ કરવા કહ્યું. પ્રિન્સીપાલ મેડમ અને ગેસ્ટ પહેલી હરોળમાં ગોઠવાઈ ગયાં હતાં, પણ કેમેરામેન આવ્યો ન હતો. આખરે મેં જ વીડિયો શૂટીંગ શરૂ કર્યું.
એસ.વાય બી.કોમ.ની લક્ષ્મી નાયરે કલાસિકલ સ્વાગત નૃત્ય કર્યું. સંચાલકે કહ્યું- દિલ થામ કે બૈઠો. અબ આ રહી હૈ રાજસ્થાન કી છોરી પૂજા ભટ્ટ. પેશ કરતે હૈ- ઘૂમર ડાંસ. બધાએ તાળીઓ પાડી તો કેટલાકે સિટી વગાડતાં આનંદ વ્યકત કર્યો. હાથમાં વીડિયો કેમેરા પકડીને નિલેશ સ્ટેજના જમણે ખૂણે ઊભો હતો, મનોમન કેમેરામેન નથી આવ્યો એ બદલ અકળાઈ ગયો.
ત્યાં જ ટેપરેકર્ડ પર ગીત શરૂ થયું અને પૂજાએ નૃત્ય શરૂ કર્યું. પૂજાની વેશભૂષા, એની કમનીયતા અને અદા જોતાં બધા મંત્રમુગ્ધ થઈ ગયાં. નૃત્યને અંતે પૂજાએ થાળી પર કરેલું ઘૂમર નૃત્ય તો અદભુત હતું. નૃત્ય કરી રહેલી પૂજાએ મારા હૈયે એવું કામણ કર્યું કે એ શૂટીંગ માત્ર કેમેરામાં જ નહીં મારા હૈયે જડાઈ ગયું છે.
(આજે વીસ વર્ષે નિલેશ ડાયરીના પાના ઉથલાવી રહ્યો છે.) એ કામણે અમે પ્રેમના રાજમાર્ગે નીકળી પડ્યા જે આજે પણ એવો જ આનંદપ્રદ અને નિર્મળ છે. વળી ખર્ચે ન ખૂટે- દિન-દિન બઢત સવાયો થયાનો અદ્ભુત આનંદ.
નિલેશ એની ડાયરીના પાનાં ઉથલાવતાં સભર થઈ ગયો. પોતાને પૂજા સાથે આ વેલેન્ટાઈન્સ ડે- કેવી રીતે મનાવવો એના વિચાર કરી રહ્યો છે. હવે જવાબદારીઓ વધી છે. પૂજા પણ આઈ.ટી. કંપનીમાં જોબ કરે છે. ઓફિસ-ઘરની જવાબદારી અને દીકરો આલોક અને દીકરી માનસીના ભણતર પર ધ્યાન આપવાનું બધું કામ તો પૂજા જ કરે છે. સાચું પૂછો તો હું તો બેંકના લેખા-જોખામાં જ અટવાયેલો રહું છું.
તરત એનું મન બોલી ઉઠ્યું:- અરે, આપણે ગમે તેટલા બિઝી હોઈએ વેલેન્ટાઈન્સ ડે તો સાથે જ ઉજવવાનો હોય ને- આ દિવસ તો અમારા માટે ખાસ છે, આ જ દિવસે કોલેજની બાજુમાં આવેલા કોફી હાઉસમાં અમે પહેલી વાર એકલા બેઠાં હતાં. મેં હાથમાં હાથ મેળવીને એને રેડ રોઝ આપતાં કહ્યું હતું- વીલ યુ બી માય વેલેન્ટાઈન ગર્લ?
ત્યારે એક નાજુક વેલની જેમ શરમાતાં પણ મીઠું સ્મિત આપતાં એણે કહ્યું-તું જ મારા પ્રેમનું આકાશ છે. પણ, જિંદગીના કપરા સંજોગોમાં પણ સાથે જ રહેજે.
નિલેશ વિચારી રહ્યો કે આ વખતે તો મારે સ્પેશિયલ કંઈ કરવું છે. આ વખતે મારી પૂજાને સરપ્રાઈઝ કરી દઉં. કોલેજની મારી એ વેલેન્ટાઈન સ્વીટી આજે આઈ.ટી કંપનીમાં મેનેજરીયલ પોસ્ટ પર છે.
નિલેશ મનોમન વેલેન્ટાઈન પ્રોગ્રામ ઘડી રહ્યો હતો. રાત્રિના દસ વાગ્યા હતા. દીકરો આલોક એની રૂમમાં અભ્યાસ કરતો હતો, એની બારમાની બોર્ડની પરીક્ષા હતી. જયારે નાની માનસી દાદા-દાદીના રૂમમાં સૂઈ ગઈ હતી. ત્યાં જ બેડરૂમમાં પ્રેમનો વાયરો લઈને પૂજા આવી. નિલેશ સૂઈ જવાનો ડોળ કરતો પડ્યો હતો.
પૂજા મધુર અવાજે ગાઈ રહી હતી.
તું મારો શ્યામ ને હું તારી રાધા.
તું મનમોહન ને હું તારી મીરાં.
લગ્નના વીસ વર્ષે પણ આ પ્રેમની વસંતને માણતા નિલેશે સ્મિત આપતાં કહ્યું:- કેમ, મેડમ મિસિસ પારેખ આજે તમે ખૂબ ખુશ છો ને ! કોઈ ખાસ કારણ?
નિલેશ, મારે તને ગુડ ન્યૂઝ આપવાના છે.
શું વાત છે પૂજા ફરીથી આપણે ઘેર પારણું બંધાવાનું છે?
અરે શું તું પણ ! નો વે માય ક્રેઝી હબી. આય એમ ફોર્ટી અપ નાવ. કહેતાં પૂજા નાજુક વેલની જેમ શરમાઈ ગઈ. બંને એકમેકના બાહુપાશમાં ઝૂલી રહ્યા ત્યારે ત્યાં સ્વર્ગ રચાઈ ગયું.
યસ, ડીયર બોલ ગુડ ન્યૂઝ તો કહે.
આ શુક્રવારે અમારી બોર્ડની મીટિંગ છે. મને મારા ડિરેક્ટરે કહ્યું કે કંપની મને રીજનલ મેઈન ઓફિસમાં પ્રમોશન આપશે. હાય સેલેરી અને શોફર સાથે મને પર્સનલ કાર પણ મળશે. મારી કેબિન પરની તકતી પર લખાશે રીજનલ ઈનચાર્જ મેનેજર મિસિસ પૂજા પારેખ.
વાહ, રિયલી ઈટ્સ ગ્રેટ ન્યૂઝ. યુ આર માય વંડરફૂલ -જીનીયસ વાઈફ. કહેતાં નિલેશે આલિંગન આપ્યું.
આય એમ વેરી પ્રાઉડ ઓફ યુ પૂજા. નિલેશે વહાલ કરતાં કહ્યું.
યસ, મને પણ રીજનલ ઈન્ચાર્જ તરીકે પ્રમોશન મળ્યું એનો આનંદ તો છે. પણ, નિલેશ આ જવાબદારી ખૂબ મોટી છે. આ પોસ્ટ માટે કંપનીમાં અઢાર ડીઝર્વ કેન્ડિડેટ હતા પણ ડિરેકટર ટીમે મને પસંદ કરી. જવાબદારી સાથે કામનો બોજો પણ વધશે. હું કેવી રીતે મેનેજ કરીશ પૂજાએ કહ્યું.
માય સ્વીટ ચાર્મિંગ પૂજા, આય નો યુ આર બેસ્ટ મેનેજર- એટ ઓફિસ એન્ડ એટ હોમ. તો, મેડમ મને પણ કોઈ સ્પેશિયલ ગિફ્ટ મળશે ને?
બોલો બોસ, તમને શું ગિફટ જોઈએ ?
યસ, સ્પેશિયલ પાર્ટી- સિર્ફ હમ ઔર તુમ.
યસ સ્યોર.
બીજે દિવસે સવારે નિલેશ ટેબલ પર ચા પી રહ્યો હતો, ત્યારે સેન્ડવીચ બનાવતાં જ પૂજાએ કહ્યું- અરે, કાલે તને કહેવાનું રહી ગયું કે આ શુક્રવારે જ બોર્ડની મીટિંગ છે. એમાં મારે હાજર રહેવાનું છે. મારા ડિરેકટરે મને સિક્રેટલી કહ્યું છે.
આ શુક્રવારે? એ તો આપણો સ્પેશિયલ વેલેનટાઈન ડે, છેલ્લાં 22 વર્ષ થયાં આપણે એને સેલીબ્રેટ કરીએ છીએ. એકે વાર મિસ નથી થયો. તે દિવસે આપણે ફ્રી બર્ડ થઈને એન્જોય કરીએ છીએ. નિલેશે ભાવુક થતાં કહ્યું.
આ પણ વાંચો…Gujaratમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અનોખો ઉત્સાહ, વરરાજા અને પીઠી ચોળેલી કન્યાએ મતદાન કર્યું
યસ, પણ મને પ્રમોશન મળવાનું હોય અને હું જ ન જઉં એ કેમ ચાલે?
શું હું મીટિંગ બદલાવી શકું ? તું જ કહે.
પણ, મેં સ્પેશિયલ પ્લાન કર્યો છે.
લગ્નના વીસ વર્ષે પણ આપણે પ્રેમની વસંત ઉજવીએ છીએ તે જ મહત્ત્વનું છે. આપણે શનિવારે એન્જોય કરીશું.
એટલે નો વેલેનટાઈન્સ ડે ઓ.કે ઓલ ધ બેસ્ટ મેડમ.
નિલેશ પોતે પણ સમજતો જ હતો કે પૂજાનું પ્રમોશન કેટલું મહત્ત્વનું છે.
નિલેશે વેલેનટાઈન્સ ડે- સરપ્રાઈઝ પાર્ટી તો આપી જ. પ્રમોશન લઈને આવેલી પૂજાને વિલેપાર્લાની તુલીપ હોટલમાં નિલેશે સપરિવાર સાથે પાર્ટી માણી.
નિલેશે હાથમાં પુષ્પગુચ્છ આપતાં કહ્યું- માય હેપી સ્પેશિયલ વેલેન્ટાઈન સ્વીટી.
પ્રેમના ઉપનિષદને પામવા લાગણીના ગહન દરિયાને ઉલેચીએ ત્યારે જ સાચું મોતી મળે.