ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

અગ્નિપરીક્ષાઃ પત્નીની આવી અડગ વાણી સાંભળી નારાયણને પાર્વતી માટે માન ઉપજ્યું

આકાશ મારી પાંખમાંકલ્પના દવે

દૈવીપ્રતિભા ધરાવતાં પાર્વતીમાઈની સમાજસેવાની સુગંધમાત્ર સાવંતવાડી કે માધોપુર ગામમાં જ નહીં પણ ઔરંગાબાદ જિલ્લાથી વિસ્તરીને મહારાષ્ટ્ર સરકારના કાર્યાલય સુધી પહોંચી ગઈ છે.

સંસ્કારી કુટુંબમાં જન્મેલી પાર્વતીએ ૧૯૬૬માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી. માધોપુરના મોટા જમીનદાર ગંગારાવ સાવંતના સુપુત્ર નારાયણરાવ જે ઉંમરમાં તેનાથી ૧૦વર્ષ મોટા હતા, તેમની સાથે તેમનાં લગ્ન ૧૯૭૦માં લેવાયાં. આમતો કાકાના પગલે નારાયણ પણ સમાજસેવા અને રાજકરણમાં જોડાઈ ગયા.

સાવંતવિલાના બે માળના બેઠા ઘાટના બંગલાના ભોંયતળિયે પાર્ટીની ઓફિસ હતી. ત્યાં અથવા કોઈ વાર ખુલ્લા ચોગાનમાં જ લોકદળની મિટિંગો યોજાતી. ત્યાં એક કેન્ટીન હતી. નારાયણરાવ પાર્ટીના અધ્યક્ષ કુશળ રાજકરણી અને સમાજસેવક હોવાથી બધા તેમને ભાઉસાહેબ કહેતા અને પાર્વતીને પાર્વતીતાઈ કહીને બોલાવતા.

લગ્ન કરીને નવવધૂ પાર્વતીસૂન હવે તાઈ બનીને પતિના કામમાં જોડાઈ ગઇ. સાવંતવાડીના એ બંગલામાં નારાયણરાવના માતા, બે ભાઈઓના કુટુંબ તેમના પાંચ સંતાનો બધા સાથે રહેતા. પાર્વતીએ ગૃહકુશળતા વડે સહુના મન જીતી લીધા.
નારાયણ તેમના ભાઈઓમાં સૌથી નાના હતા, મેટ્રિકમાં નપાસ થયા એટલે ભણવાનું છોડીને કાકાએ શરૂ કરેલી લોકદળ પાર્ટીમાં જોડાઈ ગયા. પાર્વતી તો મેટ્રિક પાસ છે, ઘરના કામમાં પાવરધી અને પાર્ટીના કામમાં પણ ચતુર છે. આને કારણે નારાયણરાવ કયારેક હરખાતા તો કયારેક લઘુતાગ્રંથિથી દુ:ખી થઈ અકળાઈ જતા.

ગૌરદેહ, કામની ચપળતા અને વાક્ચાતુર્ય ધરાવતી પત્ની પાસે પોતાની નબળાઈ જોઈને નારાયણ કોઈ વાર મનમાં અકળાઈ જતા. એક વાર મંદિરેથી દર્શન કરીને પાછા ફરતા તળાવના કિનારે બેઠા અને પાર્વતી સાથે એક નજર માંડતા કહ્યુ:- ‘સાચું કહું તો આઈએ બહુ જીદ કરીને એટલે જ હું લગ્ન કરવા તૈયાર થયો, મારું મન તો વિનોબાની જેમ આશ્રમ બાંધીને લોકસેવા કરવાનું હતું.

હું તેર વર્ષનો હતો ને ત્યારે ગામમાં સાધુઓનું ટોળું આવ્યું હતું, હું તો એ ટોળામાં ભાગી ગયો હતો, પછી મારા કાકાએ પોલીસ દોડાવી અને પોલીસ મને પાછી ઘરે લઈ આવી. આજે પણ મને સંસારમાં કોઈ રસ નથી. હું ગરીબોની સેવા કરવા ધર્મશાળા બાંધવા માગું છું, કન્યાશાળા પણ શરૂ કરવી છે. બોલ, તું મને સાથ આપીશ.’

પચીસ વર્ષની ઉછળતી વયે પતિએ આવું પૂછયું એટલે ચતુર પાર્વતીએ નયનબાણ ફેંકતા કહ્યુ:- ‘એમાં શું પૂછવાનું? એ તો લગ્ન ફર્યા ત્યારથી જ કહી દીધું છે કે તમારે પગલે પગલે ચાલવું એ મારો ધર્મ છે.’
નારાયણે દીન સ્વરે કહ્યુ:-‘સાચું કહું તો મને સંસારમાં રસ નથી. મારી મા એ તે દિવસે મને સોગંદ લેવડાવ્યા હતા કે તું હવે ઘર છોડીને નહીં જાય, એટલે હું અહીં છું, અને આ બધું કરું છું. એટલે જ લગ્ન પહેલાં તને જોવા પણ આવ્યો ન હતો.

આપણાં લગ્ન પણ જબરદસ્તીથી જ કાકાએ કરાવ્યાં હતાં. આપણાં લગ્નને ત્રણ વર્ષ થયાં છે છતાં મને સંતાનપ્રાપ્તિની પણ ઈચ્છા નથી. હું શું કરું મને સમજાતું નથી. વળી પાર્ટીમાં પણ બખેડા વધી ગયા છે. હું આ બધું છોડી ભાગી જવા માગુ છું. પછી તું પણ તારે પિયર ચાલી જજે.’

મક્કમ સ્વરે પાર્વતીએ કહ્યુ:-‘આપણે ધાર્મિક બંધનથી જોડાયા છીએ. પણ, હું તમારી ઈચ્છા વિરુધ્ધ તમને સંસાર માંડવાની ફરજ નહીં પાડું. તમારે ગૃહત્યાગ કરવાની જરૂર નથી. દરેક સ્ત્રીને માતા થવાની ઝંખના હોય તેમ મને પણ છે, પણ એ માટે તમને હું કોઈ દબાણ નહીં જ કરું. તમે કહો છો તેમ હું પિયર ચાલી જઉં તો આપણા બંને કુટુંબો લાજે, વડીલોને દુ:ખ થાય. અને છેલ્લી પણ ખાસ વાત પતિપ્રેમની-મારો તમારા માટે સાચો પ્રેમ છે તો તમારા મનમાં પણ મારા માટે પ્રેમ જાગશે. આ જ મારી સાચી કસોટી છે.’

પત્નીની આવી અડગ વાણી સાંભળી નારાયણને પાર્વતી માટે માન ઉપજ્યું. અને કહ્યું- ‘પાર્વતી, તારા આદર્શ વિચારોને અનુસરીને ચાલવું કપરું છે. તું મારી સાથે રાજકરણમાં છે તને ખબર છે ને કેવા કેવા લોકો સાથે કામ કરવું પડે છે?’
‘હું કઠિન માર્ગે ચાલીશ. તમે મારી સાથે છો તો હું ગભરાઉં શા માટે?’
‘અને હું ન હોઉં ત્યારે?’
‘આવું અશુભ ન બોલો. પણ, પ્રભુ ઈચ્છાથી એવું બને તો તમારો સેવાયજ્ઞ હું ચાલુ રાખીશ.’

નારાયણે પાર્વતીના હાથને પોતાના હાથમાં લઈ ભાવુક ભાવે બોલ્યા- ‘ખરેખર, પત્ની તરીકે તને પામી હું ધન્ય થઈ ગયો. આપણા સાકરપૂડાની વિધિ થઈ, લગ્નને ત્રણ વર્ષ થયા હું આ ભાર લઈને જીવતો હતો. હવે કાલથી દરરોજ ઓફિસમાં આવજે. રામભાઉ તને કામ આપશે. કલ્યાણગ્રામ યોજનાનું કામ અને પાર્ટીના મહિલાસંગઠનનું કામ સંભાળજે.’

પાર્વતી અને નારાયણ એકમેકના પૂરક થઈને પરિણીત છતાં વૈરાગીજીવન વિતાવી રહ્યાં હતાં, ચારેક વર્ષ થયાં હશે ત્યાં રાજકરણના વમળે આંધી ઊભી કરી.
જિલ્લા પંચાયતની ચૂંટણી માથે હતી, ત્યારે જ લોકદળ પાર્ટીમાં દાવાનળ પેટયો. પાર્વતીની કાર્યદક્ષતા અને નારાયણની લઘુતાગ્રંથિ. એમાં રામભાઉના દાવપેચ મંડાણા.

બીજી તરફ આઈનું નિધન, બે ભાઈઓનું ઘર છોડી પુના રહેવા જવું. આખો સાવંત બંગલો હવે ભેંકાર થઈ ગયો. હતાશ થયેલો નારાયણ કન્યાશાળા તથા આશ્રમ બાંધવાના કામ માટે માલેગાંવ વારંવાર જતો.
એ જ અરસામાં મહિલા પ્રમુખ તરીકે પાર્વતીતાઈ અને અધ્યક્ષ તરીકે પાર્ટીએ રામભાઉને ચૂંટી કાઢયા. જે પાર્ટી મારા કાકાએ શરૂ કરી એનો અધ્યક્ષ રામભાઉ કેમ- નારાયણે પાર્ટીમાં વિરોધ કર્યો.

‘તે તું શેનો ભડકે છે- પાર્વતીને મહિલા પ્રમુખ બનાવી છે, એ ચૂંટણીમાં જીતી જશે, એ સરપંચ સાથે કામ કરશે પછી આપણી પાર્ટી પંચાયતમાં રાજ કરશે.’ રામભાઉએ ડોળા કાઢીને કહ્યું.
‘સામેની ખુરશી પર બેઠેલી પાર્વતી સામે જોઈ નારાયણે કહ્યું પાર્વતી હવે તું જ ન્યાય કર. હું સિનિયર નેતા છું, તો રામભાઉ કઈ રીતે અધ્યક્ષ થાય.’

‘જુઓ, પાર્ટીને જીતાડવા હુકમનો એક્કો જ જોઈએ. એટલે રામભાઉ જ અધ્યક્ષ હોવા જોઈએ એટલે બધાએ આ નક્કી કર્યું.’
નારાયણ મનોમન સમસમી ગયો. એને લાગ્યું કે હું પાર્ટીમાંથી ફંગોળાઈ ગયો છું. મારી પત્ની પણ આ રામભાઉના વખાણ કરે. હું સાવ નકામો! કદાચ એના મનમાં રામભાઉ માટે કૂણા ભાવ કે બંને વચ્ચે કોઈ આડા સંબંધ- એવા વિચારે એનું માથું ચકરાવા લાગ્યું.

‘ત્યાં જ ફોનની ઘંટડી રણકી. રામભાઉએ કહ્યું-સાહેબ તમે કહેશો એમ જ કરીશું. પાર્વતીને લઈને જ ઓફિસે આવું છું. એ બહુ જ કાબેલ છે, ચિંતા નથી.’

ફોન મૂકતાં રામભાઉએ કહ્યું- ‘પાર્વતી, આપણે હમણાં જ સરપંચ સાહેબને મળવા જવાનું છે. પેલી બે ફાઈલ લઈ લેજો.’
પંદર મિનિટમાં જ રામભાઉ સાથે પાર્વતી પણ સરપંચની ઓફિસમાં ગઈ.
આ તરફ આશ્રમની ફાઈલ ખોલીને વાંચવાનો ડોળ કરી રહેલા નારાયણ પાસે આવીને સુમિત્રાએ કહ્યું- ‘સાહેબ, પાર્ટી તો ગઈ, હવે ઘર સાચવો.’

‘’એટલે?’
‘ના,ના બીજું કાંઈ નહીં બહેન હોશિયાર છે, પણ નેતાજી પાકા ખેલાડી છે.’
મિટિંગ પૂરી થયા પછી સાંજે ૬.૩૦ વાગે પાર્વતી ઘરે આવી. તે ખૂબ પ્રસન્ન જણાતી હતી, નારાયણે કહ્યુ- જો, તને કહી દઉં છું, આ રામભાઉથી દૂર જ રહેજે, એના મનમાં પાપ છે. આ ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવી હું જ અધ્યક્ષ બનીશ.’
‘એટલે શું તમે એની હકાલપટ્ટી કરશો? એ તો પાર્ટી માટે ખૂબ કામ કરે છે.’ પાર્વતીએ જરા ઉગ્ર અવાજે કહ્યું.
‘કેમ, એના માટે તને કેમ આટલી બધી ચિંતા છે? કોણ લાગે છે તારો- ને હું કોણ છું? તારા પણ લખણ મને બરાબર લાગતા નથી.’ એમ કહેતા નારાયણે પાર્વતીનું બે હાથ વડે ગળું ભીસ્યું.
તરત જ નારાયણને હડસેલીને પાર્વતી રણચંડી સમી ઊભી રહી. આંખમાં તણખા ઝરતા હોય તેમ બોલી- જુઓ, હું બધું સહન કરીશ. પણ, મારા ચારિત્ર્ય પર લાંછન લગાડશો તે સહન નહીં કરું. રામભાઉ પાર્ટીના પ્રભાવક નેતા છે. તમારે પાર્ટીનું કામ કરવું હોય, સમાજસેવા કરવી હોય તો મન શુધ્ધ રાખવું જોઈએ.

આ પણ વાંચો…કવર સ્ટોરી: ભૂતકાળમાં હિંદુઓનાં તૂટેલાં ધર્મસ્થાનો પર આજે એમનો અધિકાર છે, પણ…

પાર્વતીએ વધુ કોઈ ચર્ચા ન કરી. બંને જણા સમસમીને સૂઈ ગયા. નારાયણને તે રાત્રે અચાનક મેસીવ હાર્ટ એટેક આવ્યો. પાર્વતીએ ફોન કરીને ડોકટરને બોલાવ્યા. પણ, ડોકટર આવે તે પહેલાં જ નારાયણે આંખો ઢાળી દીધી.
વૈધવ્યના ભાર તળે ન કચડાતા પાર્વતીએ નારાયણનો સેવાયજ્ઞ ચાલુ રાખ્યો. રામભાઉની મદદથી લોકદળ પાર્ટીમાં શ્રેષ્ઠ કામ કર્યું. એના મનમાં એક જ વસવસો હતો કે પતિ નારાયણે તેના ચારિત્ર્ય પર ખોટી શંકા કરી, એ મને ઓળખી ન શક્યા. આ તે કેવી અગ્નિપરીક્ષા!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button