ઉત્સવ

આકાશ મારી પાંખમાં ઃ સોનેરી સૂરજ ઊગ્યો

-કલ્પના દવે

પાલઘર જિલ્લાના એક તળગામમાં કાળાં ડિબાંગ વાદળોને ભેદીને સૂરજ ઉગ્યો ત્યારે કેશવ ધોંડુએ ગાયું-
નટખટ બંસીવાલે ગોકુલ કે રાજા,
આજા, આજા- આભી જા.

અને સાચે મારો કીસન આવી ગયો. પણ, લાલા આટલી મોટી પરીક્ષા લેવાની!
કેશવ ધોંડુ અને તેની પત્ની મંગલા ખેતમજૂરી કરીને દાડીયું મેળવતા. ૬૦વર્ષની કેશુની મા ગોદાવરી રાહ જોતી હતી કે ક્યારે મારી ગર્ભવતી મંગલા વહુ બાળકને જન્મ આપે અને હું દાદી બનું. જોજો ને મારા કેશવાને ઘેર માધો જ આવશે.
મંગલાનું રૂપ પણ સોળ કળાએ ખીલ્યું હતું. ગોદાવરી એને કહેતી- હવે તને છઠો મહિનો બેસશે, કાળજી રાખ.

હવે મજૂરી કરવા ન જા. જો, હવે સાચવવાનું, પણ દાડીયું કરવા તો જવું જ પડે એટલે અશક્તિ લાગે કે ચક્કર આવે તો ય એણે કામ પર તો જવું જ પડે. બાળક આવે ત્યાર પછી ખર્ચો વધશે જ. સાચે જ. મંગલા કામ કરતાં કરતાં થાકી જતી હતી. ખોરાક ઘટી ગયો હતો.

એને થતું કે એકલો કેશવો કેટલું કમાય?, કોઈ મોટી મૂડી પણ નથી. તે દિવસે ડોકટર બેને કહ્યું કે મંગલાની કદાચ જલદી ડિલીવરી થશે. ફોર્સએપ કરવા મોટા ડોક્ટરની જરૂર પડે. ત્યારે કેશવાએ પૂછ્યું, કે એમાં ખર્ચ કેટલો થશે?
ડોકટરે કહ્યું- સાડા સાત હજાર જેટલા થાય, પણ હું મોટા ડોકટર પાસે થોડા ઓછા કરાવીશ..

એ વાતને ત્રણ અઠવાડિયા થઈ ગયા, કેશવો સાત-આઠ હજારની મદદ માટે પુઢારી કાકાને મળ્યો. પુઢારીએ પાંચ હજાર આપ્યા એ કેશવાએ પેટીમાં મૂકયા. ગોદાવરીએ પોતાનો સોનાનો કડલો આપતાં કહ્યું- કેશવા મી આહે ના. ચિંતા કરતો જ નહીં.

Also Read – વિશેષઃ ૧૭૫ સ્કૂલનાં ૩૦,૦૦૦ બાળકોમાં પુસ્તક વાંચનનો શોખ જાગૃત કરતી સૃષ્ટિ પરિહાર

મંગલાને કયારેક પેટમાં ભારે શૂળ ઊપડતું, એને છાતીમાં દુખાવો ઊપડતો. એ કોઈને જણાવતી નહીં. મંગલા નાજુક હાલતમાં પણ મજૂરી માટે જતી કારણકે સુવાવડનો મોટો ખર્ચ થવાનો હતો.
તે રાત્રે સાડા નવ વાગ્યા હશે, કેશવો વાળુ કરીને ઝૂંપડીની બહાર ખાટલીમાં આડો પડ્યો હતો. એકાએક મંગલાને પેટમાં ભારે શૂળ ઊપડ્યું અને તેનું માથું ભમવા લાગ્યું. મંગલા રસોડા પાસે જ ઢળી પડી.
કેશવા જો મંગલાને શું થઈ ગયું- ગભરાતા અવાજે ગોદાવરીમાએ બૂમ મારી.
કેશવાએ કહ્યું- આઈ હું રિક્ષા લઈ આવું એને હમણાં જ ડોકટર પાસે લઈ જવી પડશે.
હો, હો ગાભરૂ નકો, હું એની પાસે જ છું.
આઈ, પેટીમાં પૈસા છે, ત્રણ હજાર જેટલા લઈ લેજે.
ઘરના દેવને માથું નમાવી કેશવો રિક્ષા લેવા નીકળ્યો. જતાં જતાં બાજુવાળા મહેશકાકાને કહ્યું- કાકા જરા જુઓ, હું રિક્ષા લઈ આવું.

સોમલા, ગામથી જરા દૂર મેટરનિટી હોસ્પિટલમાં જવાનું છે. ઘરમાં મંગલાની તબિયત અચાનક બગડી ગઈ છે. જલદી ચાલ. કેશવાએ તેની નજીક રહેતા સોમાને કહ્યું.
તેણે દારૂ પીધો હોય તેવું લાગતું હતું.
સોમા તું બરાબર ચલાવીશને, ભાભીને ઠીક નથી.
કેશવા મી થોડાસ ગેતલા હોતા, આતા બરોબર આહે. તુમી બાબા
હોણાર આણિ મી કાકા. ચલા. સોમાએ કહ્યું.

રિક્ષાની આગલી સીટમાં સોમા સાથે કેશવો ગોઠવાયો અને પાછળ આઈના ખભે માથું ઢાળીને મંગલા બેઠી હતી. એનો જીવ મૂંઝાતો હતો. થોડા પથરાળા રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે મંગલાએ બે વાર ચીસ પાડી. આઈના હાથના સ્નેહાળ સ્પર્શથી એ શાંત થઈ ગઈ. આઈ, મનોમન વિઠલા, વિઠલાનો જાપ કરતી હતી. બીજી તરફ કેશવો સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરતો હતો.
બસ, હવે દસ મિનિટમાં જ આપણે હોસ્પિટલ પહોંચી જઈશું.
સર્વોદય હોસ્પિટલે બધા પહોંચ્યા ત્યારે રાતના દશ વાગ્યા હતા.
મંગલાને તપાસતાં મેટ્રન જરા ગંભીર થઈ ગઈ. એણે મંગલાને પૂછ્યું- તમે કયારે જમ્યા હતા, શું ખાધું હતું ?
મંગલાએ નકારમાં માથું ધૂણાવ્યું. આંખો બંધ કરી દીધી. એને કંઈ કહેવું હતું પણ બોલી શક્તી નહીં.. મેટ્રને ડોકટરને ફોન કર્યો. એમણે કંઈક સૂચના આપી.

એક નર્સ આવીને ઈંજેકક્ષન આપી ગઈ. મેટ્રને કહ્યું- ડોકટર આતે હૈ.
બીજી તરફ મંગલાના શ્વાસોશ્વાસ ધમણની જેમ ધબકી રહ્યા હતા.
મેટ્રને પેલી નર્સને પૂછ્યું- પેશન્ટ કો કોનસા ઈંજેકશન દીયા થા?
મેટ્રને ઈજેકક્ષન વિશે જાણીને નવી નર્સને ડોળા કાઢેલાં ઠપકો આપ્યો. મંગલા બેશુધ્ધ સ્થિતિમાં હતી. બહાર કેશવ, ગોદાવરી મા, સોમલો ચિંતાતુર બેઠા હતા.
ત્યાં જ ડોકટર આવ્યા. એમણે મંગલાને તપાસી. અંગ્રેજીમાં મેટ્રનને કશીક સૂચના આપી.
કેશવ અને સોમલાને કેબિનમાં બોલાવીને કહ્યું- જુઓ, પેશન્ટને બ્રીધિંગ પ્રોબલેમ છે, ગર્ભમાંના શિશુની પોઝિશન બરાબર નથી. આવી ડીલીવરી માટે જરૂરી સાધનો આપણી નાની હોસ્પિટલમાં નથી. તમે વલસાડની મોટી હોસ્પિટલમાં લઈ જાઓ. હું તમને ચિઠ્ઠી લખી આપું એ લોકો તરત ઓપરેશન કરશે.
પણ,આને આવી સ્થિતિમાં કેવી રીતે લઈ જઈએ? કેશવે પૂછયું.
જુઓ, ગર્ભશિશુ અને માતા બંનેને બચાવવા મોટી હોસ્પિટલમાં જવું જ પડશે. અહીંથી નજીક આ જ મોટી હોસ્પિટલ છે. અમે એમ્બ્યુલંસની વ્યવસ્થા કરી આપીએ છીએ.
કેશવાના તો પગ ધ્રૂજવા લાગ્યા. આઈએ તેની પીઠને પસવારીને કહ્યું- કેશુ, કાળજી નકો કરું. સોમલાએ જ કહ્યું- હા, ડોકટર સાહેબ, તમે તુરંત એમ્બ્યુલંસ મંગાવો.
વીસ મિનિટ થઈ ગઈ. મેટ્રને જોયું કે મંગલાના ધબકારા નોર્મલ નથી, એ આંખ ખોલે ને ફરી બેશુધ્ધ અવસ્થામાં હોય છે.
નર્સે ખોટું ઈંજેક્ષન આપ્યું હતું પણ એ વાત આ લોકોને કહેવાનો કોઈ અર્થ ન હતો. થવાનું હતું તે થઈ ગયું, પણ ડોક્ટર એમની ફરજ સમજતા હતા. ડોક્ટર સાહેબ તરત એના ઉપાય લેવા લાગ્યા.
તાબડતોબ એમ્બ્યુલંસની વ્યવસ્થા કરી આપી. જેટલું મોડું થાય, તેટલું જોખમ વધારે. પેશન્ટનો અને ગર્ભના શિશુનો જીવ જોખમમાં હતો.

આખરે એક એમ્બ્યુલંસ મળી પણ તેમાં ઓક્સિજનની વ્યવસ્થા ન હતી. ડોક્ટર સાહેબે શ્ર્વાસોશ્ર્વાસમાં મદદ કરી શકાય એટલે નેબ્યુલાઈઝર મંગલાના મોઢા પર લગાડી આપ્યું. પેશન્ટ માટે ખાસ એક સિનિચર નર્સને પણ એમ્બ્યુલંસમાં મોકલી.
દસ પંદર મિનિટે મંગલા ભાનમાં આવતી, પછી ઉંહકારા મારતી અને બેબાકળી આંખે ચારેબાજુ જોઈને પાછી ઘેનમાં સરી ગઈ. એમ્બ્યુલંસમાં મંગલા સાથે, એક હેલ્પર, કેશવ અને સિનિયર નર્સ હતાં. આઈ સોમલા સાથે રિક્ષામાં બેસીને મોટી હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતાં.

રાત્રે અઢી વાગે વલસાડ હોસ્પિટલમાં એમ્બ્યુલંસ પહોંચી. વલસાડની મોટી હોસ્પિટલના ડોકટરને ફોન પર અગાઉ મળેલી માહિતી પ્રમાણે ડોકટર સુમતિ દેસાઈએ અદ્યતન સાધનોથી મંગલાની પ્રસૂતિ કરાવી.
હવે મંગલા પણ સ્વસ્થ લાગતી હતી. નવજાત શિશુના એ પ્રથમ રૂદનથી ઓપરેશન થિયેટરમાં સોનેરી કિરણો ફેલાઈ ગયા. કેશવાને ઘેર માધવ પધાર્યા. સોમલો કાકો થયો અને ગોદાવરીમાએ માધવના ઓવારણાં લીધા.
કાળા ડિબાંગ વાદળાં ભેદી સૂર્ય પ્રકાશિત તો થયો, પણ કોણ કહી શકશે કે એ ડોક્ટર સાહેબે કરાવ્યો કે વિધાતાએ!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button