આકાશ મારી પાંખમાં: તો, પીડીતા શું કરે?+

-કલ્પના દવે
કોમી એકતા માટે જાણીતા અમદાવાદ શહેરમાં તે અરસામાં જાતીય હુલ્લડો ફાટી નીકળ્યા હતા. હુમલાખોરો હાથમાં શસ્ત્રો ધારણ કરીને આતંક ફેલાવી રહ્યા હતા. ચૂંટણી માટે હવે એક મહિનો જ બાકી હતો. હુમલાખોરો ગમે તે સ્થળે ત્રાટકતા અને જાહેરસ્થળો પર તોડફોડ કરીને લોકોના જાન-સામાનને નુકશાન પહોંચાડતા. પોલીસ ફોજ તૈનાત હતી છતાંય ચારે બાજુ ભયનું વાતાવરણ ફેલાયેલું હતું.
પોલીસ ઈન્સપેક્ટર રાજેશ ચૌહાણ તેની સગર્ભા પત્નીને કારમાં હોસ્પિટલ લઈ જતા હતા, ત્યાં જ છ-સાત બુકાની બાંધેલા શસ્ત્રધારીઓએ જાહેર રસ્તા પર તેમની કાર રોકી. રાજેશ અત્યારે ડ્યુટી પર ન હતા એટલે સફેદ શર્ટ અને બ્લ્યુ જીન્સ પહેર્યું હતું. પેલા હુલ્લડખોરોએ તેમની કાર અટકાવી.
દેખો, મૈં મેરી વાઈફ કો હોસ્પિટલ લે જા રહા હૂં, અરજંટ હૈ. રાજેશે કહ્યું. પહેલે કારમેં સે બહાર નીકલ. બે હુમલાખોર ડ્રાઈવર સીટ પર બેઠેલા રાજેશ સામું બંદુક તાણી રહ્યા. દર્દમાં પીડાતી સીમાએ કહ્યું:- હમે જાને દો. હોસ્પિટલ જાના હૈ. દેખ, મૈં પુલીસ ઈન્સપેક્ટર હૂં. કહેતા રાજેશે પોતાનું આઈ કાર્ડ બતાવ્યું. એક ફોન ઘૂમાકર અંદર કરવા દૂંગા. સીમા મોબાઈલ કાઢીને ફોન કરવા લાગી. ત્યાં તો પેલા બે શસ્ત્રધારી એની તરફ ધસ્યા. રાજેશે કહ્યું:- મારી વાઈફને કોઈ ઈજા ન પહોંચાડતા. વો તો પેટસે હૈ. મૈં બહાર આતા હૂં.
હુમલાખોરોએ રાજેશને પિસ્તોલની ધાક બતાડી. રાજેશે તરત પોતે પહેરેલી સોનાની ચેન, વીંટી અને બધી જે રોકડ રકમ હતી તે પણ આપી દીધી. લાગ જોઈને પોતાના મોબાઈલ પરથી પોલીસ સ્ટેશને ફોન લગાડ્યો. બાજુમાં ઊભેલા એકે એનો ફોન ઝૂંટવી લીધો. અને એ ખૂનખાર બુકાનીધારીએ રાજેશ સામે ગોળીઓ છોડી અને ઈન્સપેક્ટર રાજેશ ધરતી પર ઢળી પડ્યો. જાહેર રસ્તો હતો પણ પોતાનો પ્રાણ બચાવવા ત્યાંના લોકો પણ કોઈ સલામત સ્થળે ભાગી ગયા.
રાજેશની લાશને ત્યાં જ રાખી આતંકીઓ ભાગી રહ્યા હતા. તેમાંના એકને દયા આવી. ભાઈ, દેખો, યે ઓરત બેશુધ્ધ હો ગઈ- ઔર વો પેટસે હૈ, કયા કરે? મરને દે ઈધર હી. ભાઈ લોગ, તુમ ભાગો. મૈં ઈસકો નજદીક કે કોઈ ડોકટર કે પાસ લે જાઉંગા. દેખ તું ફસેગા. કલ ભાઈ કે પાસ આના. હાં, યે નેક કામ હૈ. ઓરત ઔર બચ્ચા કો બચાલે
પેલાએ લાશને ત્યાં જ રાખી અને કાર આગળ ભગાવી ગયો. સીમા થોડી ભાનમાં આવતાં બબડવા લાગી- મેરે પતિ કો છોડ દો. મારું બાળક ઓહ ખૂબ પીડા થઈ રહી છે.
પેલાએ બુકાની છોડી દીધી. હાથમાંની બંદુક કારની પાછલી સીટ પર ફેંકતા કહ્યું:- આ સામે એક ક્લીનીક સેન્ટર પર હું તને લઈ જઈશ. જો, રસ્તામાં જે થયું એના વિશે બોલીશ ને તો ભાઈજાન તને ખતમ કરી દેશે. સીમા બેબાકળી થઈ ગઈ. એક તરફ ખૂનખાર ટોળકીથી પોતાની જાતને બચાવવાની, કાખના બાળકનું રક્ષણ કરવાનું અને નજર સામે પતિની હત્યાના મૂક સાક્ષી બનવાની કરૂણતા- એનું મન આક્રંદ કરી રહ્યું હતું. આ કોણ છે, જે મને મદદ કરવા આવ્યો છે. એણે પૂછયું- તું કોણ છે, પેલા હત્યારાઓ કયાં છે? હું એમને નહીં છોડુ.
જો, હું તને મદદ કરવા આવ્યો છું. ચૂપ રહેજે. ડોકટરને કહેજે કે હું તારો ભાઈ છું. જો જરા ય ચાલાકી કરી તો તારા આ બાળક સાથે જ જો, હવે આ નર્સીગ હોમ આવ્યું- ક્રીસ્ના નર્સીંગ હોમના કાઉન્ટર પાસે સીમા અને પેલો યુવક ઊભા હતા. સુમિત્રા ડોકટરે સીમાને તપાસતાં કહ્યું- આમ તો બાળકની પોઝીશન સારી છે, પણ સ્ટ્રેસને કારણે બી.પી. હાઈ છે. આજે ઈંજેક્ષન આપું છું. અહીં થોડો આરામ કરો, પછી ઘરે જજો.
લો, આ દવા લઈ આવો. પેલાનું કામ થઈ ગયું હતું, દવા લેવાને બહાને એ ગયો. રાજેશ ઈન્સપેકટરની અંગત ગાડી લઈને એ ગયો તે ગયો. સીમા સ્વસ્થ થઈ. એણે નક્કી કર્યું કે હું આ આખી ટોળકીને જેલમાં ઘકેલાવીશ. મારી નજર સામે એ તાંડવ ખેલાયું છે. નર્સીંગ હોમમાંથી સીધી એ રાજેશની જ પોલીસ ચોકીમાં પહોંચી. ધોળે દહાડે જાહેરમાર્ગ પર થયેલી પોતાના જ પતિ ઈન્સપેકટર રાજેશની હત્યા. સીમાએ ફરિયાદ નોંધાવી.
સીમાએ પોતાની સાથે બનેલી કરૂણ ઘટના જણાવી. ભારે હૈયે સીમાએ કુટુંબીજનો સાથે અંતિમક્રિયા પાર પાડી, અને પતિની એ અંતિમ જ્વાળાના દર્શન કરતાં પ્રતિજ્ઞા કરી હું આનો બદલો લઈશ. જરૂર પડે તો હાઈકોર્ટ કે છેક સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવીશ. મેં મારી નજર સામે મારા પતિની હત્યા થતાં જોઈ છે.
એક મહિલા નેતા સીમાને રાજ્યના એક પ્રધાન પાસે લઈ ગયાં, અને વિશેષ તપાસ કરાવવા તથા સીમાને જલદી ન્યાય મળે એવી અપીલ કરી. તાત્કાલીક પગલાં લેવાની જાહેરાત કરતાં ટી.વી. ચેનલ પરથી પ્રધાને કહ્યું:- આતંકવાદને અટકાવવા પ્રજા અમને મદદ કરે, જાગૃત રહે. આવી કોઈ ઘટનાની જાણ થતાં તુરંત આ હેલ્પલાઈનને ફોન લગાડો. આતંકવાદને દૂર કરવા અમે તાત્કાલીક પગલાં લઈશું. રાજેશ ઈન્સ્પેક્ટરના હત્યારાને અમે જલદી પકડી પાડીશું. સીમાબેન, સરકાર તમારી સાથે જ છે.
મહિલા નેતાએ કહ્યું- આતંકવાદીઓ વિરુદ્ધ જાગૃત રહો. જાહેર જનતાએ કોઈ કોમી દંગલમાં ફસાવવું નહીં. ધર્મના નામે ફેલાતા કોમી સરઘસમાં ભાગ લેવો નહિ. તમારી આસપાસ કોઈ દુર્ધટના બને તો તરત હેલ્પલાઈનમાં નંબર જોડો, મને સમજાતું નથી કે કોમીએકતા માટે જાણીતા આપણા શહેરને આ શું થયું છે.
પ્રધાને ટી.વી સ્ક્રીન પરથી જનતાનું અભિવાદન કરતાં કહ્યું- આ આતંકીઓ જાણી જોઈને ચૂંટણી ટાણે આવી દહેશત ઊભી કરે છે. જો, આ દહેશત દૂર કરવા અમારી ‘લોકમત’ પાર્ટીને વિજયી બનાવો. દિવસો પસાર થવા લાગ્યા. વરસ પર વરસ પસાર થઈ ગયા. ન્યાય મેળવવા સીમા મરણિયા પ્રયત્નો કરતી હતી. અહીં મધ્યમ વર્ગની આ વિધવા સ્ત્રીને ઠાલા વચનો સિવાય શું મળવાનું છે.
સમયનું ચક્ર કયાં અટકે છે? પોતાના લાડલા પુત્ર જયેશને ઈન્સ્પેકટર પિતાના ફોટાને પગે લગાડતાં સીમા એના દીકરાને કહે છે:- બેટા, તું તારા પિતાની હત્યાનો બદલો લેજે. હું તો પંદર વર્ષથી કોર્ટ-કચેરીના ચકકર કાપું છું. મા, તેં પોતે આતંકીઓને હત્યા કરતાં જોયાં, પપ્પા પોલીસ ઈન્સ્પેક્ટર હતા, તો ય આવું? બેટા, એ આતંકીઓ તો ભાગી ગયા, બીજા આતંકીઓ પણ આવ્યા ને ગયા. બધું રાજતંત્ર બરાબર ચાલે છે. પણ ફક્ત ન્યાય મળવો બાકી છે. ન્યાયદેવીને આંખે પાટા છે, એનો અર્થ એ છે કે દરેક વ્યકતિને નિષ્પક્ષ ન્યાય મળી શકે. પણ, વાસ્તવમાં એવું થાય છે ખરું તો, પીડીતા શું કરે?