પ્રકૃતિમાં તરબતર થઈ જવાની મોસમ વર્ષાઋતુમાં ગુજરાતનું અલૌકિક પોળોનું જંગલ
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી
ગાડી ધીમી ગતિએ ચોતરફ લીલોતરી જ લીલોતરી હોય એવા વિસ્તારમાં પ્રવેશી અને આંગળીનું ટેરવું સીધું જ ગાડીનાં ટચસ્ક્રીન પર વાગતા ગીતોને બંધ કરવા આપોઆપ આગળ ધપ્યું, કારનું એસી બંધ અને મંદ મંદ વહેતો વાયરો ડિલને સ્પર્શે એ આશયથી બારીનાં કાચ ખોલી નાંખ્યા. મારી એક જ સાથે આવું બને એવું નહિ પણ આ જંગલમાં પ્રવેશનાર દરેક વ્યક્તિ સાથે આવો અનુભવ થાય જ. હિમ્મતનગરનાં પોળોનાં જંગલના દરેક તત્વમાં ખોવાઈ જવા માટે સહુ કોઇ થનગની ઊઠે. રસ્તાને માણવો એ મારી વર્ષો જૂની આદત છે. કોઈ પણ સ્થળ પર પહોંચતી વખતે ત્યાં પહોંચવાની જલદી કરતા ત્યાં પહોંચતા રસ્તાને માણતા જઈએ તો જ મુસાફરી સાર્થક ગણાય એવું હું માનું છું. ઋતુઓની રાણી વર્ષાઋતુને આવકાર આપવા પોળોનાં જંગલો તરફ નીકળ્યો. ઓછા લોકો અને વિશાળ વૃક્ષોનાં પર્ણો પાર પડતી વરસાદની બુંદોથી સર્જાતું કર્ણપ્રિય સંગીત સાંભળવા માટે કે વાદળોને પહાડોની ટોચ સાથે ગમ્મત કરતા જોવા માટે પોળોથી વિશેષ કઈ જગ્યા હોઈ શકે? પોળોનાં જંગલો તરફ જતા પહાડ પરથી વહેતી સરવાણીઓ ભેગી મળીને નાની નાની ધારાઓ રૂપે વહેતી હોય ત્યારે એને જોવાનો એક અલગ પ્રકારનો આનંદ આવે અને જરાક વાર ક્યાંય કોઈક પુલ પર ગાડી ઉભી રાખીને આવી પળોને આંખોમાં ભરી લેવી એ જ ખરી મજા. પોળોનાં જંગલોમાં પ્રકૃતિનો આવો અખૂટ ખજાનો છે, લૂંટી શકો તો લૂંટી જ લેજો, રખેને આધુનિકતાની ગર્તામાં એ ધકેલાઈ જશે તો પછી કહેશો… અમે તો આવું પોળો ક્યારેય નથી જોયું. ટૂંકમાં જે આપણે ન જોયું હોય એનું અસ્તિત્વ ન હોય એવું જરાયે નથી હોતું પણ આપણા નસીબમાં એ નથી હોતું અથવા તો ચોક્કસ સમયે આપણે યોગ્ય સ્થળ પર હાજર નથી હોતા.
હરણાવ નદીનો સાંકડો પટ જાણે આંખને જંગલની કેડી સુધી દોરવા લાગ્યો અને વર્તુળાકાર રસ્તો ધીરે ધીરે મને જંગલનાં ઊંડાણમાં લઇ જઈ રહ્યો હતો. જરા તારા બાકી રહેલો દિવસ વિશાળ અને લીલા છમ્મ વૃક્ષોને આછેરા પ્રકાશ થકી વધારે સુંદર બનાવી રહ્યો હતો. વાદળાંઓ આવનજાવનની રમત રમતા રમતા પહાડની ટોચને ઢાંકી રહ્યા હતા તો વળી ક્યારેક દોટ મૂકીને દોડી રહ્યા હતા. પ્રકૃતિ મારામાં રહેલા બાળકને હંમેશાં જીવતું રાખે છે. ખેરખટ્ટાએ પોળોનાં જંગલોમાં જાણે હરખથી મારું સ્વાગત કરતો ઊંચો કોલ આપ્યો કે જાણે મારામાં નવી જ ચેતનાનો સંચાર થતો હું સ્પષ્ટપણે અનુભવી શક્યો. હરણાવ નદીનાં કિનારે જ વનવિભાગનાં રેસ્ટ હાઉસ પર પહોંચ્યો કે સંધ્યાએ ઘેરો ઘાલ્યો અને ધરણીએ અંધકારનો ઘૂમટો તાણ્યો. કશું જ ન કરીને જાતને કુદરતમાં ઓળઘોળ કરીને જાતને પ્રવૃત્તિમય રાખી શકાય એવું સ્થળ એટલે નેટવર્ક વિનાનું જંગલ અને ગુજરાતમાં પોળોનાં જંગલમાં આવેલ સદીઓ જૂનું શરણેશ્ર્વર મંદિર વટાવો કે નેટવર્ક સાથ છોડી દે અને અરણ્યનો નાદ સ્પષ્ટપણે સાંભળી શકાય. રાત્રિનો માહોલ જામ્યો હતો અને હરણાવ નદીના કિનારે અંધકારમાં લાકડાની એક બેન્ચને અઢેલીને બેઠો અને ગોરંભાયેલા આકાશ સામે મીટ માંડી. વાદળાંઓએ આ વખતે મને ટમટમતાં તારોડિયાથી દૂર રાખ્યો પણ એની ખોટ ન સાલે એવા ઝગમગાટ કરતા તારોડિયાથી જરાક જ વારમાં નદીને સામે કાંઠે આવેલું વૃક્ષ આખું ભરાઈ ગયું. અસંખ્ય આગિયાઓ જાણે બત્તી લઈને જંગલમાં ફરવા નીકળ્યા હોય એમ વારંવાર ઝગમગાટ કરતા હતા. પાણીમાંથી દેડકાંઓનો મધુર ધ્વનિ કાન પર એ રીતે પડતો હતો જાણે તેઓ આખાયે દ્રશ્યને બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપી રહ્યા હોય, દરેક ઋતુનો આગવો મિજાજ હોય છે જો એને કુદરતનાં સ્વભાવ પ્રમાણે જ માણવામાં આવે. ઘડીભર ત્યાંને ત્યાં બેસીને વર્ષાઋતુનાં આ અદ્ભુત માહોલને હું માણતો જ રહ્યો જાણે કુદરતનાં આ જ વિશ્ર્વનો હું એક નાનકડો હિસ્સો હોઉં.
સવાર ઉઘડતા જ કેમેરા લઈને નીકળી પડ્યો પોળોનાં જંગલોને ખૂંદવા માટે. હિમાલય પણ જેની સામે બાળક લાગે, વેદોની ઋચાઓનો ધ્વનિ સમો, કરોડો વર્ષો પૂર્વે અસ્તિત્વમાં આવેલ એવી અરવલ્લીની ગિરિમાળાઓને નજીકથી અનુભવો તો જ પ્રકૃતિનો ખોળો ખૂંદયો કહેવાય બાકી તો કિનારે બેસીને ચહેરા પર અનાયાસે જ પડતી બૂંદોની માણવા જેવો જ ભાવ રહે. વિશ્ર્વની સહુથી પ્રાચીન પર્વતમાળા એટલે અરવલ્લીની પર્વતમાળા એમાં પણ વર્ષાઋતુમાં અરવલ્લીના પહાડો ખૂંદવાનો મોકો મળે એટલે જાણે વરસાદમાં નાચતા મોરની માફક મારું મન પણ નાચી ઉઠે. અરવલ્લીની ધરામાં આવેલ પોળોનાં જંગલોમાં આવેલ પહાડો અને એમાં રહેલા મંદિરો ખુબ જ પ્રાચીન સભ્યતાની ધરોહરને સમયના પડ ચઢાવીને પણ સાચવીને બેઠા છે. અરવલ્લીના ખોળે બૌદ્ધ, શૈવ પંચાયતન શૈલી અને જૈન મંદિરો સદીઓ જૂની સંસ્કૃતિનો અહેવાલ નજર સમક્ષ તાદૃશ કરે છે તો નયનરમ્ય પહાડીઓ પર ચઢતા ચઢતા સંભળાતા અવનવા પક્ષીઓનાં ગાન અને પ્રકૃતિનો લય આપોઆપ મારામાં એક પ્રકારનો નશો ભરી દે છે. અરવલ્લીની ગિરિમાળામાં આવેલ પોળોનાં જંગલમાં એ ઇતિહાસ ધરબાયેલ છે જે આપણી સંસ્કૃતિનું સર્જનનું મૂળ છે અને આપણા અસ્તિત્વની ઝાંખી છે. અહીં આવેલા આશરે પંદરમી સદીનાં જૈન મંદિરનાં અવશેષો જોતા અહીંની એક
સમયની ભવ્યતાનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય. આમ તો હું પ્રકૃતિના ફોટોગ્રાફ લેવાનો જ રસ ધરાવું છું પણ ક્યારેક કોઈક ઐતિહાસિક ધરોહર અથવા તો અચંબિત કરે તેવું કઈ પણ મળે તો મને આકર્ષે ખરું. સેન્ડ સ્ટોનથી બનેલ સદીઓ જુના અહીંના જૈન અને સૂર્ય મંદિરમાં દક્ષિણ દિશામાં શ્રી વિઘ્નવિનાયક દેવને અદ્ભુત કારીગરી કરીને કોતરી લેવામાં આવ્યા છે. એ વખતે દિશાનું પણ એટલું જ ધ્યાન રખાયું અને આકર્ષણનું પણ. આપણું રક્ષણ થાય એટલા માટે હંમેશા કમર આસપાસ કંદોરો બાંધવામાં આવે છે એ રીતે જ મંદિર આસપાસ કંદોરાની કોતરણી કરવામાં આવી જેમાં દક્ષિણ દિશામાં શ્રી વિઘ્નવિનાયક દેવનું સ્થાપન કર્યું હશે, સામાન્ય રીતે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કોઈ પણ પ્રકારના વિઘ્ન દક્ષિણ દિશા તરફથી જ વધારે આવતા હોય છે એ અનુસંધાનને ધ્યાનમાં લઈને ઘરના દરવાજાઓ પણ દક્ષિણ દિશા તરફ નહોતા રખાતા. શક્તિ મંદિર અને શિવ પંચાયતન મંદિરના અવશેષોને સ્પર્શીને નિહાળ્યાં બાદ ટ્રેક કરવાનો શરૂ કર્યો. હરણાવનાં વળાંકને અને ખુલ્લા પટનું વિહંગાવલોકન કરીને હલ્દીઘાટીની વાર્તાઓમાં જાણે ખોવાય ગયો, એક સમયે મહારાણા પ્રતાપે સંતાવા માટે આ જ જંગલોનો સહારો લીધો હતો. આ જંગલો ઇતિહાસની કેટ કેટલીયે વાર્તાઓ સંગોપીને બેઠા હશે એવા વિચારો સાથે ફરી ટ્રેક પર આગળ ધપ્યો કે દૂર ટેકરીઓ પર વાદળાંઓને દોડી જતા જોયા જાણે વાદળાઓ જંગલ જોવા ઊમટ્યાં. વાદળો મન મૂકીને ક્યારેક વરસી રહ્યા છે તો ક્યારેક પહાડની ટોચે જઈને બે ગૃહિણીઓની માફક બેઠક જમાવીને બેસી જાય છે. અગરિયો પહાડ નજર સમક્ષ સ્પષ્ટ થાય અને કેમેરા કાઢું કે પાછું કોઈ વાદળ જાણે અગરિયાનો ફોટો ન લેવા દેવા માંગતું હોય એમ અચાનક જ આવી ચઢે. નફ્ફટાઈ તો જુઓ આ વાદળોની, એક ફોટોગ્રાફર સાથે રમત રમી જાય છે. જો કે પ્રકૃતિની આવી નિર્દોષ રમત મને માફક આવે છે. પોળોનાં જંગલોમાં અગરિયો પર્વત જરાક ખાસ છે, કારણ અહીં ગિરનારી ગીધોનું કાયમી રહેઠાણ છે. આકાશમાં વિશાળ પાંખો ફેલાવીને ઉડાન ભરે અને અહીં આવીને બેઠક જમાવે. એમને ઉડતા જોવા એ એક લ્હાવો છે.
દર વર્ષની જેમ આ વર્ષે ચોમાસું પૂરબહારમાં ખીલ્યું હતું અને હું એકલો અટૂલો પક્ષીઓની શોધમાં નીકળી પડ્યો કે અરવલ્લીની ધરાને હરિયાળીથી સજજ, વાદળોથી ઘેરાયેલી અને હસ્તી રમતી નિહાળી, ગીધોને મહાલતા જોયા. વસુંધરાનો વરસાદ પછી ખીલેલો ઓપ જોઈને કોઈનું પણ મન ખીલી ઊઠે, નાચવા લાગે. વરસતા વરસાદમાં જંગલ કેડીના રસ્તા પર ક્યાંક ક્યાંક બાળકોની માફક ફૂટી નીકળેલા ઝરણાંઓ, અચાનક જ દૂર કોઈ પહાડની ટોચ પર મન મૂકીને વરસતું વાદળ, સંગીતની માફક સંભળાતો વરસાદનો ધીમો ધીમો લય, ભીંજાઈને સાવ નવા જ કપડાં પહેરીને હસતા રમતા વૃક્ષોથી વર્તાઈ આવતો જંગલનો નવો જ નિખાર અને પક્ષીઓ હરખઘેલા થઈને ગૂંજી ઊઠે. પ્રકૃતિનો આવો નજારો નથી જોયો તો તમે ખાલી જીવન વિતાવી રહ્યા છો, જીવી નથી રહ્યા, માણી નથી રહ્યા.પોળોનાં જંગલોનો વૈભવ સદીઓ પહેલા પણ જીવંત હતો અને આજે પણ જીવંત છે.
આ ધરાનું વર્ણન કરવા મારા શબ્દો સમર્થ નથી, મારા ફોટોગ્રાફની પણ ક્ષમતા નથી. આ ધરા કેટલીયે માનવ સભ્યતાની, કેટ કેટલાયે ઐતિહાસિક યુગોની અને કેટકેટલીયે સંસ્કૃતિની વાર્તાઓને પોતાના પેટાળમાં સંગોપીને બેઠી છે. ક્યારેક અરવલ્લી જજો અને એ સંવેદનાના ધ્વનિને સાંભળવાનો પ્રયત્ન કરજો. ફરી ક્યારેય નહિ કહો કે શું છે જોવાલાયક પોળોનાં જંગલોમાં? તમે કદાચ પોળો જોયું તો હશે પણ અનુભવ્યું નહિ જ હોય…