ચર્ચગેટ નજીક ઈરોસ સિનેમા અને સ્ટેશનની બરાબર સામે પશ્ર્ચિમમાં દરિયો ઘૂઘવતો હતો
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા
સમયની સાથે મુંબઈમાં પણ ભૌગોલિક પરિવર્તન થતું રહ્યું છે. જ્યાં અત્યારે કોલાબાની પાંચ સિતારા હોટલો છે ત્યાં દરિયો ઘૂઘવતો હતો. દૂરની ક્યાં વાત કરીએ; ચર્ચગેટ નજીક ઈરોસ સિનેમા અને સ્ટેશનની બરાબર સામે પશ્ર્ચિમમાં દરિયો ઘૂઘવતો હતો. કોલાબાથી વાલકેશ્ર્વર સુધી દરિયામાં કાળા પથ્થરની એક સાંકડી પગદંડી હતી અને ત્યાં થઈને ઢોરો વાલકેશ્ર્વર મલબાર હિલ સુધી ચરવા જતાં હતાં. આશરે ૫૦ વરસની વાત પર ઓટના સમયે પથ્થરની પગદંડીના અવશેષો નજરે પડતા હતા. એ પગદંડી વાલકેશ્ર્વર ખાતે આવેલા રાજભવન (ગવર્નર હાઉસ)ના કમ્પાઉન્ડમાં જ્યાં ગવર્નરનો વાવટો ફરકાવવામાં આવતો હતો ત્યાં સુધી પહોંચતી હતી એ પથ્થરની પગદંડીને સ્થાનિક ભાષામાં ‘સરગુંદી’ એટલે કે સાંકડી વાટ-સાંકડી ગલી એવું નામ આપવામાં આવ્યું હતું.
મુંબઈના જૂના અને મૂળ વતનીઓમાં માછીમાર કોલીઓ, ભોંગલા ભંડારીઓ, પલસીઆ જોશી, પ્રભુ અને પાંચકલશીનો સમાવેશ થાય છે. પાંચકલશી લોકો સુથારનું કામ કરતા હતા અને લાકડાનાં વહાણ પણ બાંધતા હતા.
અહીં રાજાઓ આવીને વસતા. સરકારી કચેરીઓમાં લોકો નોકરી કરતા હતા. ત્યાર પછી પોર્તુગીઝ અને અંગ્રેજ આવતા એમણે પોર્તુગીઝ અને અંગ્રેજી ભાષા શીખી લીધી હતી.
અંગ્રેજોના સમયમાં વારે ઘડીએ મુંબઈ ઉપર મરાઠાઓ આક્રમણ કરતા રહેતા હોવાથી ઈ. સ. ૧૭૩૯માં મુંબઈના દેશી વેપારીઓ અને શાહુકારોએ રૂ. ૩૬ હજાર એકત્ર કરીને અંગ્રેજ ગવર્નરને આપીને કોટ બાંધવા વિનંતી કરી હતી. આ કોટની ફરતે દીવાલોને અડીને ઊંડી ખાઈ આવી હતી અને તેમાં દરિયાનું પાણી ફરતું રહેતું હતું. આ કોટ ૧૨૩ વરસ સુધી મુંબઈમાં રહ્યો હતો. એક ગુજરાતી કવિએ મુંબઈની ચઢતી જોઈને કહ્યું હતું.
‘ઉજ્જડ ખેડું ફરી વસે
નહિ ધનિયો ધન જુએ
ગઈ જવાની નહિ આવે
તેમ મુઓ ના જીવતો હોએ.’
મુંબઈમાં આવનાર પ્રથમ ગુજરાતી હિંદુઓ તો ઘણાં છે; સર મંગલદાસ નથુભાઈના વડવા શાહ રૂપજી ધનજી દીવ બંદરેથી વહાણમાં બેસીને વિ. સં. ૧૭૪૮માં મુંબઈ આવ્યા હતા.
સુરતમાં મોટી શરાફી પેઢી ધરાવનારા પીતાંબર ચતુરભુજ, વરજીવન ભુખણદાસ તાપીદાસ વિ. સં. ૧૮૦૦માં આવ્યા હતા. એમની સાથે ઝવેરચંદ આતમારામ પણ સુરતથી આવ્યા હતા.
શાહ સોદાગર મોતીશાહના પિતા અમીરચંદ ખંભાતથી વિ. સં. ૧૮૧૪માં મુંબઈ આવ્યા હતા.
ભાટિયા જ્ઞાતિના ઠાકરશી જીવરાજ બાલુ, રામજી ચતુર, ધારશી મોરાર કચ્છથી વિ. સં. ૧૮૪૧માં આવ્યા હતા. તેજપાલ ખટાઉ અને નાનજી ખટાઉ વિ. સં. ૧૮૫૯માં કચ્છના કોઠાર ગામેથી મુંબઈ આવ્યા હતા.
વિ. સં. ૧૮૭૫માં અમદાવાદથી વખતશાહ ખુશાલચંદ, કરમચંદ પ્રેમચંદ આવ્યા હતા. વિ. સં. ૧૮૮૦માં હઠીસિંગ કેસરીસિંગે અમદાવાદથી મુંબઈ આવી શરાફી પેઢી સ્થાપી હતી. એમના એક વંશજ શ્રી રાજા હઠીસિંગે શ્રી જવાહરલાલ નહેરુનાં નાના બેન સાથે લગ્ન કર્યાં હતા અને શ્રીમતી ઈંદિરા ગાંધી રાજીવની સુવાવડ કરવા ફોઈબાને ત્યાં મુંબઈ આવીને રહ્યાં હતાં.
શેઠ રૂપજી ધનજી દીવ નજીક પોર્તુગીઝ તાબેના ઘોઘલા ગામના વતની હતા. નસીબ અજમાવવા તેઓ મુંબઈ આવ્યા હતા. એમણે મુંબઈ આવીને અંગ્રેજોને માલસામાન પૂરો પાડવાનો ઈજારો લીધો હતો. સાથોસાથ શરાફીનો વ્યવસાય પણ શરૂ કર્યો હતો. શરાફીનો વ્યવસાય તેમના પુત્ર મનોરદાસે વિકસાવ્યો હતો અને લાખોપતિમાં તેમની ગણના થતી હતી. ગુજરાતીઓ તેમને નગરશેઠ તરીકે માન આપતા હતા.
સર મંગલદાસ મનોરદાસના પૌત્રો નથુભાઈના પુત્ર હતા. એમણે અગિયાર વરસની વયે પિતાનું છત્ર ગુમાવ્યું હતું.
હોળીના દિવસોમાં અશ્ર્લીલ ભાષાના ઉપયોગ અને ધૂળછાણ ઉડાડવા જેવી બૂરી પ્રથા સામે હિંદુ તરીકે તેમણે પ્રથમ વિરોધ નોંધાવ્યો હતો. એમના લગ્ન ૧૬ વરસની વયે વિ. સં. ૧૯૦૬માં રૂખમણી બાઈ સાથે થયાં હતાં અને ત્યારે રૂા. ૩૦ હજારનો ખર્ચ લગ્નમાં કરવામાં આવ્યો હતો.
વિ. સ. ૧૯૧૬માં જ્યારે અંગ્રેજ સરકારે મુંબઈમાં ઈન્કમટૅક્સ નાખ્યો હતો અને આખા હિન્દુસ્તાનની નજરે પણ દેશભરમાં એ જ સાલમાં પહેલીવાર શરૂ થયો હતો.
મુંબઈના ગવર્નર સર જ્યોર્જ રસેલે સર કાવસજી જહાંગીર રેડીમની અને યુવાન શેઠિયા મંગળદાસની નિમણૂક પ્રથમ ઈન્કમટૅક્સ કમિશનરો તરીકે કરી હતી.