સપનાંની કિંમત
વાર્તા -ધીરુબહેન પટેલ
‘હાશ! આજે તો રવિવાર છે.’
‘તે એનું શું છે?’
‘તમારે દવાખાને જવાનું નથીને! ઘણા દિવસે આજે ગરમાગરમ ભજિયાં બનાવીશું. છોકરાંઓ પણ બેત્રણ વખત યાદ કરતાં હતાં.’
‘ઓ. કે. જેવી તારી મરજી.’ ડૉક્ટર કશ્યપ નરમાશથી બોલ્યા.
એ પણ સમજતા હતા કે કોઈ ભણેલીગણેલી શહેરી છોકરી આવા ડુંગરાળ પ્રદેશના એકલાઅટૂલા ગામમાં રહેવાનું પસંદ ન કરે. પણ બી.એ.એલ.એલ.બી. થયેલી ખૂબસૂરત માધવીએ બધું જાણીકરીને લગ્ન કર્યાં હતાં અને કોઈ જાતની ફરિયાદ વગર એમની સાથે દસ વર્ષ સુખપૂર્વક કાઢ્યાં હતાં. નાનકડા અતુલ – વિપુલને તો જિંદગી બીજી જાતની પણ હોઈ શકે એનું ભાન જ નહોતું એટલે એ લોકો પણ લહેરથી જીવતા હતા.
ડૉક્ટર કશું બોલીને બતાવતા નહોતા, પણ અંતરથી માધવીના અહેસાનમંદ હતા એટલે આજનો ભજિયાં પ્રોગ્રામ નિર્વિઘ્ને પાર પડે એવી એમની ઈચ્છા હતી. આખરે આમ તો માધવીની માગણી પણ કંઈ એવી મોટી નહોતી. ચારે જણ સાથે બેસીને ભજિયાંની લહેજત માણે અને નિરાંતે ગપ્પાં મારે. કદાચ જૂના જમાનાનાં બેચાર ગીત ગવાય, ડૉક્ટરના કંઠની મશ્કરી થાય અને માધવીના સ્વરની પ્રશંસા થાય – ભયો ભયો! ઓચિંતાં બારણે ટકોરા પડ્યા. ના, ટકોરા ન કહેવાય. કોઈએ બારણું જોરજોરથી ખખડાવ્યું. ડૉક્ટર કશ્યપ દયામણે ચહેરે માધવી સામે જોઈ રહ્યા. થોડી વાર તો માધવીના ચહેરા પર કચવાટ છવાઈ ગયો, પણ ખખડાટ શમવાને બદલે વધવા માંડ્યો એટલે એણે કહ્યું ‘જો તો વિપુલ, કોણ છે?’ બારણાની બહાર આઠનવ વરસની દેખાતી દૂબળીપાતળી એક શામળી છોકરી ઊભી હતી. એના કોરા વાળ પવનમાં ફગફગતા હતા. બારણું ખૂલતાંની સાથે એ હવામાં ઊડતા તણખલા જેવા વેગથી અંદર ધસી આવી અને બીજા કોઈની સામે જોયા વગર ડૉક્ટરનો હાથ પકડીને ખેંચવા લાગી.
‘કસ્સપકાકા, ઝટ ચાલો! મારો મથુર મરવા
પઈડો છે.’
‘અરે, શું થયું છે? સરખી વાત તો કર!’
‘પેટમાં બૌ દુખે ને ચીસો પાડતો છે.’
‘સાથે લઈ આવી હોત તો હું જરા તપાસી લેતને!’
‘હાથ લગાડતાં દાઝે એવો ગરમ થૈ ગેલો છે. કેમનો લી આવું? તમે ઝટ ચાલોની, નૈંતર મરી જ જવાનો.’ સ્ટવ પરની પેણીમાંથી નીકળતા ધુમાડા સામે અને માધવીની આંખો સામે જોઈને ડૉક્ટર બોલ્યા, ‘દવા લઈને જતી થા. કલાક રહીને હું આવીશ.’
છોકરીની નજર ઘરમાં ફરી વળી. ડૉક્ટર હજુ જમ્યા નથી તે સમજી અને પરાણે મૂંગી રહી.
‘જેતી! આટલા અંધારામાં તું એકલી શું કરવા આવી? તારી બાને મોકલવી હતીને!’
હવે એનાથી ન રહેવાયું. એ છુટ્ટે મોંએ રડી જ પડી. પછી ડૂસકાં ખાતાં ખાતાં બોલી, ‘બાએ તો મનજી ભૂવાને તેડ્યો છે. હું પાછલી ગમથી છાનીમાની ભાગી આવી. કસ્સપકાકા, આજનો દા’ડો મોડેથી જમજોની! અત્તરઘડી ની આવો તો મથુરીઓ મરી જવાનો.’
છોકરીના મોં પરનો ભય અને બેબાકળાપણું જોઈને માધવીથી ન રહેવાયું. ઝટપટ સ્ટવ ઓલવી નાખીને એ ઊઠી અને કશ્યપની પાસે જઈને બોલી, ‘તમે જઈને આવોને! આપણે પછી જમીશું. છોકરાઓ ભૂખ્યાં થશે તો જમાડી લઈશ.’
‘પણ સાઈકલ પર ત્રણ માઈલ જવાનું ને પાછા આવવાનું. ત્યાં કેટલી વાર લાગશે એનું કંઈ ઠેકાણું નહીં…’
‘હશે હવે! છોકરી બિચારી બી ગઈ છે. એનેય સાથે બેસાડતાં જાઓ.’ ‘માધવી! તું જાણતી નથી. આ મનજી ભૂવો તો આ લોકોનો ભગવાન છે. ભલું હશે તો અત્યાર સુધીમાં બેત્રણ ડામ પણ દઈ દીધા હશે મથુરને. તું શું માને છે, જેતીની મા મને છોકરાની સારવાર કરવા દેશે?’‘જે થાય તે. ગામડામાં જ પ્રેક્ટિસ કરવી છે એવું તમે જ નક્કી કર્યું હતુંને!’
‘હા, પણ-’
‘હવે પણ – બણ કંઈ નહીં. ઠાકોરજીને હાથ જોડીને ઊપડો ને છોકરાનો જીવ બચાવીને ઝટ પાછા આવો.’ ઓચિંતું માધવીના પગમાં કંઈ પોટલા જેવું અથડાયું. જેતીએ પડતું નાખ્યું હતું. જેના ગંદા ખરબચડા વાળ માધવીના પગને ઘસાતા હતા. બે છોકરાની માને દીકરીનો લહાવો નહોતો મળ્યો. જેતીને શું કહેવું અને કેમ કરીને ઉઠાડવી તે ન સમજાતાં એણે વિપુલને ઘાંટો પાડ્યો, ‘એક પ્યાલો પીવાનું પાણી લાવવાનીયે અક્કલ નથી ચાલતી? છોકરા એટલે છોકરા!’
જેતી પોતાની મેળે બેઠી થઈ ગઈ અને બોલી, ‘પાણી ની જોવે મને. મારા સોગન, ભાઈને ની વઢો. કસ્સપકાકાને લી જાઉં કે મા?’
કશ્યપ તો ડૉક્ટરોને સહજ એવી ઝડપથી તૈયાર થતો જ હતો. બેય છોકરાઓ બહાર દોડ્યાં ને સાઈકલનો લેમ્પ તથા ટાયર ચેક કરવા લાગ્યાં. સામાન્ય રીતે આવે પ્રસંગે પપ્પાને કંઈ ને કંઈ કહેવાનું તેમની જીભને ટેરવે જ હોય પણ આજે તેઓ કશું બોલ્યા નહીં. મનજી ભૂવાની ભયંકરતાની વાતો તેમણે પણ સાંભળી હતી. ડૉક્ટર નીકળ્યા એટલે જેતીના માથા પર હાથ ફેરવીને માધવી બોલી, ‘સારું થઈ જશે હોં, તારા ભાઈને!’
જેતીએ મૂંગાંમૂંગાં માથું હલાવ્યું અને સાઈકલ પાસે ગઈ. ડૉક્ટરે તેને ઊંચકીને પાછળના કેરીઅર પર બેસાડી અને પોતે સીટ પર ચડીને પેડલ મારવા લાગ્યા. કંપાઉન્ડની બહાર નીકળતાં અંધારું જાણે વધારે ગાઢ બનીને ચારેબાજુથી ભીંસવા લાગ્યું. ઠંડીની શરૂઆત તો થઈ જ ગઈ હતી. તમરાનાં ત્રમ ત્રમ અવાજની ઉપરથી વહી આવતી શિયાળની લાળી કંઈ આજ પહેલાં ડૉક્ટરે નહોતી સાંભળી એવું નહોતું. પણ ઘરમાં બેઠાં બેઠાં સાંભળેલા અવાજો બહાર ખુલ્લામાં કંઈ જુદા જ લાગે અને તેય આવા સંજોગોમાં.
પાછળથી જેતીનો ધીમો ગણગણાટ આવતો હતો. ‘માસ્તર હો કે’ તાતા – માણસ માંદું પડે તારે ડાક્ટરની દવા કરવાની, પણ બા માનવી જોવેને! એને તો બસ, છોટીઓ ભૂવો ને મનજી ભૂવો! મથુરથી ના બોલાય ના, હાથપગ હલાવાય ના, નૈંતર ઘરમાંથી દોટ જ ના મેલે ભૂવાના આવતા પેલ્લાં! બા મારી નિહાળે ની ગયેલી તે હું જાણે – ભૂવાને ની બોલાવાય? પણ તમે તો હારો કરી દેવાનાને મારા મથુરીઆને, કસ્સપકાકા?’ એને જવાબ આપવાની હિંમત નહોતી કશ્યપને. પોતે જ હેમખેમ પાછો ફરે તો બસ, એવું થતું હતું. પણ અત્યારે એવું બધું વિચારાય જ નહીં. પેડલ મારવાનાં અને અંધારું ચીરવાનું. ઊબડખાબડ રસ્તા પર સાઈકલના અવાજનો સંગાથ જ એક આશરો છે. માધવી સાચું કહેતી હતી. અંતરિયાળ ગામડામાં પ્રેક્ટિસ કરવાનાં સપનાં પોતે જ જોયાં હતાં. હવે તો જે થાય તે. પેડલ માર્યે જવાનાં, જેતીને ઘેર પહોંચી જવાનું અને – અને મથુરની મા કે મનજી ભૂવાની દરકાર કર્યા વગર પોતાનું કામ કરવાનું.
‘હેંને કસ્સપકાકા?’ જેતીએ ફરી વાર પૂછયું.
‘હા.’