ઉત્સવ

ઝબાન સંભાલ કે: અર્થના અર્થ અનેક, ચુક્યા તો અનર્થ

-હેન્રી શાસ્ત્રી

જગમાં જ્યારે કામ પડ્યું ભાષાનું, ઋષિઓ ગયા ત્યારે શંભુની પાસે, જાણ્યો હેતુ પ્રભુએ પ્રથમથી ઉરમાં, હતા નૃત્યમાં ઉમાસંગ કૈલાશે, ડમરુ બજાવ્યું 14 વાર નટરાજે, ત્યાંથી પ્રગટ્યા અક્ષર વિશ્વવિલાસે.

જ્યોર્જ બર્નાર્ડ શોના જગવિખ્યાત નાટક ‘પિગ્મેલિયન’ના મધુ રાયએ કરેલા ગુજરાતી સંસ્કરણ ‘સંતુ રંગીલી’ નાટકના પ્રારંભમાં પ્રવીણ જોશીના સ્વરમાં આ પંક્તિઓ સાંભળવા મળે છે. અક્ષર અવતર્યા અને પછી એકમેકના સહવાસથી શબ્દ બન્યા, એમાંથી વાક્ય અને પછી કાળક્રમે ભાવ પ્રગટ કરતી ભાષા આકાર પામી એમ કહી શકાય. ભાષાનો ભાવ સમજવા માટે અક્ષરના સગપણથી બનેલા શબ્દોએ અર્થ ધારણ કર્યા. અલબત્ત શબ્દ વાપરવામાં બેદરકારી અર્થનો અનર્થ સર્જી શકે છે. એક ઉદાહરણથી સમજીએ. ‘મહા’ શબ્દ જ્યારે વિશેષણ તરીકે વપરાય ત્યારે મોટું, વિશાળ, ઉન્નત, ઊંચું, શ્રેષ્ઠ એવો અર્થ થાય છે. મહાકાય એટલે વિશાળ કાયા. મહાકુંભ એટલે કુંભ મેળાની વિશાળતા. મહા મહેનતે એટલે અત્યંત પરિશ્રમ વગેરે વગેરે. જોકે, મહા વિશેષણ સમજ્યા વગર વાપરવાથી અનર્થ થઈ શકે છે. મોટી યાત્રાએ જવા નીકળો ત્યારે મહાયાત્રાએ જાઉં છું એમ કહેવાથી અનર્થ થાય, કારણ કે મહાયાત્રા એટલે દેહાંત, મરણ અથવા મૃત્યુ. મહાયાત્રાએ સધાવવું એટલે મૃત્યુ થવું.

આ પણ વાંચો: ઝબાન સંભાલ કે: વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય

ભગવદગોમંડળ અનુસાર અર્થના પારાવાર અર્થ છે. ગુજરાતીઓને અર્થનો સૌથી પ્રિય અર્થ છે પૈસો, ધન, દોલત. અર્થશાસ્ત્ર એટલે કે ઈકોનોમિક્સ ગુજરાતીઓનો પ્રિય વિષય છે. કોલેજ ભણતર વિના અર્થશાસ્ત્રના કેટલાક પાયાના નિયમો આપણી પ્રજાને કંઠસ્થ, હૃદયસ્થ હોય છે. અર્થનો વ્યય કરી અર્થશાસ્ત્ર થોડું ભણાય એવી માન્યતા કદાચ મગજમાં ઘર કરી ગઈ હોય. અર્થના અર્થ પ્રત્યેની પ્રીતિ જોવા જેવી છે કે શબ્દકોશમાં અર્થબુદ્ધિ શબ્દના અર્થમાં ભાષા કેન્દ્રમાં નથી, પણ ધન કેન્દ્રમાં છે. અર્થબુદ્ધિ એટલે ધનની ઈચ્છા, પૈસા કમાવાની લગની, નાણાં સંબંધી હકીકત સમજવાની શક્તિ, લાભ સાધી લેવાની દાનત, સ્વાર્થી જેવા અર્થ આપવામાં આવ્યા છે. લક્ષ્મણ રેખાની જેમ ધનરેખા દોરવામાં આવી છે અને એથી ભાષાનો અર્થ પ્રવેશી નથી શકતો એમ મજાકમાં અથવા કટાક્ષમાં કહી શકાય. શબ્દકોશ અનુસાર અર્થ ત્રણ પ્રકારના છે: 1. શુક્લ એટલે પ્રમાણિકપણે મેળવેલું ધન, 2. શબલ એટલે પ્રમાણિક અને અપ્રમાણિક બંને રીતે ભેગું કરેલું ધન અને 3. કૃષ્ણ એટલે અપ્રમાણિકપણે એકઠું કરેલું ધન. હવે અહીં સવાલ એ થઈ શકે છે કે શ્રીકૃષ્ણ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. દુષ્ટજનોનો સંહાર કરવા, સાધુજનોને સુખી કરવા અને ધર્મનીતિની સ્થાપના કરવા થયો હતો તો એને અપ્રમાણિકતા સાથે સંબંધ કઈ રીતે? એનો જવાબ એમ છે કે કૃષ્ણનો એક અર્થ જુગારમાં મેળવેલું ધન એવો પણ થાય છે. અર્થનું વિશ્વ હેરત પમાડે એવું છે. પછી એ ભાષા સંબંધિત હોય કે ધન સંબંધિત.

આ પણ વાંચો: ઝબાન સંભાલ કે : લાલો લાભ વગર ન લોટે

421 WORDS FOR SNOW

દરેક ભાષામાં સમાનાર્થી શબ્દો હોય છે. સમાનાર્થી શબ્દકોશ અંગ્રેજીમાં ‘થિસોરસ’ તરીકે ઓળખાય છે. Thesaurus is a compilation in a book form that contains lists of words and phrases with similar meanings. અંગ્રેજીમાં એવા અસંખ્ય શબ્દો છે જેના સમાનાર્થી શબ્દોની સંખ્યા પાંચ કે એથી વધારે હોય. જોકે, આ બધામાં સ્કોટલેન્ડ મેદાન મારી જાય છે. Scotland has more than 400 words and expressions for snow, according to a project to compile a Scots thesaurus. સ્કોટિશ થિસોરસ અનુસાર સ્નો (બરફ) માટે 400થી વધુ (421) શબ્દ અને અભિવ્યક્તિ છે. આવી બાબતે વિશ્વ વિક્રમ જેવી કોઈ નોંધ નથી રાખવામાં આવતી, પણ એક શબ્દના 421 પર્યાય એ ચોક્કસ વર્લ્ડ રેકોર્ડ હોવો જોઈએ. યુનિવર્સિટી ઓફ ગ્લાસગો દ્વારા બહાર પાડવામાં આવેલા આ અભ્યાસના કેટલાક ઉદાહરણ જોઈએ. Flindrikin – a slight snow shower, બરફની વાંછટ ફલીન્ડ્રીકિન તરીકે ઓળખધરાવે છે. Snaw-pouther – fine driving snow. કણીદાર બરફ માટે સ્નો પાઉથર નામનો શબ્દ છે. Spitters – small drops or flakes of wind-driven rain or snow. પવનને કારણે ઉડતો બરફ સ્પિટર્સ કહેવાય છે. Unbrak – the beginning of a thaw બરફ જ્યારે જામવા લાગે એ અનબ્રાક નામથી ઓળખાય છે. Other interesting example is the word MANY. Many has quite a few synonyms. અંગ્રેજી શબ્દ મેનીના ઘણા નહીં, પણ કેટલાક સમાનાર્થી શબ્દ છે. These words are SEVERAL, NUMEROUS, MULTIPLE, COUNTLESS. બધાનો અર્થ એક જ, પણ વાપરવાની પદ્ધતિ અલગ અલગ. This author has written several books. આ લેખકે ઘણા પુસ્તકો લખ્યા છે. We had numerous meetings on water conservation. પાણીની જાળવણી અંગે આપણે ઘણી મિટિંગ કરી છે. Uncle underwent multiple surgeries. કાકાને ઘણા બધા ઓપરેશન કરાવવા પડ્યા. I had been to Surat on countless occasions. હું સુરત ઘણી વાર જઈ આવ્યો છું.

આ પણ વાંચો: ઝબાન સંભાલ કેઃ પોસ્ટઑફિસ’-‘મળેલું’-‘ધૂમકેતુ’

शब्द के समानार्थी शब्द

जो शब्द समान अर्थ के कारण किसी दूसरे शब्द की जगह ले लेते हैं, उन्हें पर्यायवाची शब्द कहते हैं। आसान भाषा में कहा जाए तो समान अर्थ प्रदान करने वाले शब्द पर्यायवाची शब्द अथवा समानार्थक शब्द कहलाते हैं। अतिथि का पर्यायवाची– मेहमान ,पाहुन ,आगंतुक, अभ्यागत। સમાન અર્થને કારણે જે શબ્દ અન્ય શબ્દની જગ્યાએ ગોઠવાઈ શકે એ પર્યાયવાચી શબ્દ કહેવાય છે. અતિથિના પર્યાયવાચી શબ્દો છે મહેમાન, પાહુન, આગંતુક અને અભ્યાગત. कल मेरे घर बहुत मेहमान आए थे. ગઈ કાલે મારા ઘરે ઘણા મહેમાન આવ્યા હતા. राम मंदिर के निर्माण बाद अयोध्या आनेवाले आगंतुकों की संख्या काफी बढ़ गई है. રામ મંદિરના નિર્માણ પછી અયોધ્યા આવનારા આગંતુકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. અભ્યાગત શબ્દ સાધુ – સંત માટે વપરાય છે. अभ्यागत की सेवा गृहस्थों का धर्म है. અભ્યાગતની સેવા સંસારીઓનો ધર્મ છે. પાહુન શબ્દ સામાન્ય બોલચાલમાં નથી વપરાતો, કવિતા – દોહામાં જ એનો ઉલ્લેખ જોવા મળે છે. पाहुन निस दिन चारि, रहत सब ही के दौलत” इस पंक्ति का मतलब है कि मेहमानों की सेवा और देखभाल दिन-रात, लगातार की जाती है. મહેમાનોની સારસંભાળ લગાતાર કરવામાં આવે છે એ એનો ભાવાર્થ છે.

આ પણ વાંચો: ઝબાન સંભાલ કે : ચોળિયા-કસોટિયા-ગોસલિયા

पर्यायवाची शब्द

કોઈ એક શબ્દ માટેના વૈકલ્પિક શબ્દ માટે મરાઠીમાં પણ પર્યાયવાચી શબ્દો હોય છે. एका शब्दाचे अर्थ जवळपास तेवढ्याच प्रमाणात व्यक्त करणारा दुसरा शब्द म्हणजे समानार्थी शब्द होय. समानार्थी शब्दांना पर्यायवाची शब्द असेही म्हणतात. એક જ શબ્દનો અર્થ લગભગ સરખો વ્યક્ત થાય એ સમાનાર્થી કે પર્યાયવાચી શબ્દ કહેવાય છે. डोळा या शब्दाचे पर्यायवाची शब्द आहेत – नयन, नेत्र, चक्षु. મરાઠીમાં ડોળા એટલે આંખ અને એને માટે નયન, નેત્ર, ચક્ષુ શબ્દ મરાઠીમાં વપરાય છે. थकवा मुळे बाबांचे डोळे लवकर लागले. થાક લાગ્યો હોવાથી પિતાશ્રીની આંખો વહેલી મીચાઈ ગઈ. नयन शब्द उलटसुलट वाचला तरी अर्थ एकच होतो. આગળથી વાંચો કે પાછળથી, નયન શબ્દનો અર્થ સમાન થાય છે. तिचे नेत्र दिसायला सुंदर आणि आकर्षक होते. તેના નેત્ર દેખાવે સુંદર અને આકર્ષક દેખાતા હતા. चक्षु दान हा श्रेष्ठ दान म्हटलं जात आहे. ચક્ષુ દાન શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે. શબ્દના અર્થ એક જ હોવા છતાં એના વપરાશમાં કેવા બારીકી તફાવત રહેલા છે એ આ ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button