મિજાજ મસ્તી: વિચાર- ખયાલ – થોટ્સ…: વિશ્વાસ-વિદ્રોહ- વિધ્વંસ

-સંજય છેલ
ટાઇટલ્સ:
સારું વિચારવા પર હજી ‘સેલ્સ ટેક્સ’ નથી. (છેલવાણી)
એક 24 વર્ષનો છોકરો ટ્રેનની બારીમાંથી બહાર જોઈને બૂમ પાડી રહ્યો હતો…
‘પપ્પા, જુઓ પેલા ઝાડ પાછળ જઈ રહ્યા છે! પપ્પા… જુઓ પેલો સૂરજ ને વાદળો આપણી સાથે દોડી રહ્યા છે!’
સામેની સીટ પર બેઠેલા એક જુવાનને છોકરાનું વર્તન થોડું વિચિત્ર- પાગલ જેવું લાગ્યું. જુવાને છોકરાના પપ્પાને કહ્યું :
‘તમે તમારા દીકરાને સારા ડોક્ટર પાસે કેમ નથી લઈ જતા?’
છોકરાના પપ્પાએ હસીને કહ્યું :
‘અમે હોસ્પિટલથી જ આવી રહ્યા છીએ. મારો દીકરો જન્મથી જ આંધળો હતો. આજે જ એને આંખો મળી છે !’
પેલા પિતાના જવાબથી જુવાન શરમાઈ ગયો કે મને બાળક વિશે આવો વિચાર જ કેમ ન આવ્યો? ખરેખર આપણે બીજાની પરિસ્થિતિનો વિચાર કરવાનો વિચાર જ નથી કરતાં. આપણે કોઈને જાણીએ એ પહેલાં જ એના વિશે એક વિચાર કે પૂર્વગ્રહ મનમાં બાંધી લઈએ છીએ. જરૂર છે માત્ર એક વિચારની… એ વિચાર, જેમાં અનુકંપા, સહાનુભૂતિ, લાગણી હોય…
યેસ…વિચાર! ખયાલ! થોટ્સ!…
યુગો પહેલાં આદિ માનવે પોતાના વધેલા નખથી ખોપરીમાં ખંજવાળવા માંડ્યું અને એક પછી એક વિચારો ફૂટવા માંડ્યાં. એક પ્રશ્ન જે અજ્ઞાનમાંથી જન્મે છે એ નવા વિચાર તરફ લઈ જાય છે અને વિચાર પછી પ્રગતિ તરફ. વિચારોને વૈજ્ઞાનિકોના રો-મટીરિયલ્સ કે કાચી સામગ્રી કહી શકાય. ‘મેક્સ પ્લેન્ક’ નામના સંશોધકને વિચાર આવ્યો: ‘નવજાત લોઢું શા માટે લાલ હોય છે?’ ને એની ધાતુ વિશેની શોધ શરૂ થઈ.
એક 16 વર્ષના તત્ત્વજ્ઞાનીને વિચાર આવ્યો: ‘પ્રકાશના કિરણ પર સવાર થઈને માણસ જો ઊડે તો એને શું દેખાય?’ ને એણે આખું ભૌતિકશાસ્ત્ર ઊથલાવી નાખ્યું. તમારા વિચારો, તમે કયા સમાજમાં, કેવી પરિસ્થિતિમાં છો એના પર પણ આધાર રાખે છે.
આ પણ વાંચો: મિજાજ મસ્તી : ‘આળસ’ છે તો ‘માણસ’ છે…. જીવનનું સુંવાળું સૂત્ર
ઇન્ટરવલ:
મૈં ખયાલ હૂં કિસી ઔર કા મુઝે સોચતા કોઈ ઔર હૈ. (સલીમ કૌસર)
એક માણસે જોયું કે 3-4 હાથીને એક પાતળા દોરડા વડે બાંધેલા હતા. માણસને નવાઈ લાગી કે આટલા તાકાતવર હાથીઓને સાંકળથી નહીં પણ એક મામૂલી રસ્સીથી બાંધેલા છે?
હાથીઓ ચાહે તો ગમે ત્યારે તોડીને ભાગી શકે તોય કેમ બંધાઈને ઊભા છે?
પેલાએ હાથીઓના મહાવતને પૂછ્યું, ‘હાથીઓને આવા મામૂલી દોરડાથી બાંધીને રાખ્યા છે? એમણે ક્યારેય રસ્સી તોડીને ભાગવાનો પ્રયત્ન નથી કર્યો?’
મહાવતે કહ્યું, ‘જ્યારે હાથીના બચ્ચા નાના હોય ત્યારે અમે એમને મામૂલી દોરડાથી બાંધીએ છીએ. પણ કાળક્રમે જેમ જેમ મોટા થાય, તેમ તેમ એ લોકો વિચારવા માંડે કે દોરડાને તેઓ ક્યારેય તોડી ન શકે. એટલે ભાગવાનો પ્રયાસ તો છોડો વિચાર પણ કરતા નથી.’
પેલા હાથીઓની જેમ, આપણે સૌ પણ અનેકવાર, ‘આપણાથી આવું નહીં થાય’, ‘આમ કરશું તો લોકો શું વિચારશે?’, ‘કશું નવું કરતાં પહેલાં 100 વાર વિચારવું પડે’, જેવા અનેક વિચારોની અદૃશ્ય રસ્સીઓમાં બંધાયેલા છીએ ને? કારણ કે એ ભય પાછળ છે: ‘એક વિચાર!’
આ પણ વાંચો: મિજાજ મસ્તી : 40 લાખ ડેડબોડી – 1 ડાયરી: ઘૃણાની ઘડિયાળના ઘૂમતા કાંટા
એક નાનકડો ક્યૂટ છોકરો રેસ્ટોરંટમાં આવ્યો. વેઈટ્રેસે એને પૂછ્યું, ‘શું આપું?’
છોકરાએ પૂછ્યું : ‘આઈસક્રીમ વિથ મિલ્કશેક કેટલાની આવે?’
‘50 સેન્ટ!’
ભોળા છોકરાએ ખિસ્સામાંથી સિક્કાઓ કાઢીને ટેબલ પર એક પછી એક ગણવા માંડ્યા.
પછી ડરીને વેઈટ્રેસને પૂછ્યું, ‘ફક્ત આઈસક્રીમ કેટલાની છે?’
વેઈટ્રેસે વિચાર્યું, ‘આ ટાબરિયો શું ટીપ આપવાનો?’ એટલે છોકરાને તોછડાઈથી કહ્યું, ‘આઈસક્રીમ 35 સેન્ટ્સની ને તને એ જ પરવડશે.’
છોકરાએ ફરીથી સિક્કા ગણીને કહ્યું, ‘ભલે, મને ખાલી આઈસક્રીમ જ આપોને.’
આ પણ વાંચો: મિજાજ મસ્તી -: પ્રેમ ને પ્રેત: વાસી વેલન્ટાઇન્સ-ડેનું વહાલ
વેઈટ્રેસે આઈસક્રીમ આપી. છોકરો આઈસક્રીમ ખાઈને, બિલના પૈસા ટેબલ પર મૂકીને જતો રહ્યો. પછી વેઇટ્રેસે જોયું કે બિલના પૈસા કરતાં 15 સેન્ટ્સ વધારે હતા. બિલ પર જે લખેલું તે એણે વાંચ્યું
‘15 સેન્ટ્સ તમારી ટીપ, મેડમ!’
વેઇટ્રેસ નિ:શબ્દ થઈ ગઈ. એક નાનકડા બાળકને બીજી વ્યક્તિ માટે કેટલો સરસ વિચાર આવી શકે છે, કારણ કે એ બાળકમાં ભીનું ભીનું ભોળપણ છે, બગડ્યા વિનાનું બાળપણ છે.
વિચારવું, ખૂબ વિચારવું, અને કશુંક નિર્માણ કરવું એ પીડા આપે છે, પણ એ પીડાનો પણ એક અજીબ આનંદ હોય છે. વ્યવસ્થિત અને અવ્યવસ્થિત વિચાર વચ્ચેની એક સ્થિતિ એવી હોય છે કે જ્યાં ક્યારેક સમાધિનો આનંદ મળી શકે. આવી સ્થિતિને ચાઈનીઝ વિચારકો ‘લી’ કહે છે.
આ પણ વાંચો: મિજાજ મસ્તી : બાવન કરોડનો કોયડો: કલાના કદરદાન કેવા કેવા?!
દરેક સર્જકે, વિચારકે જાતને અનેક સવાલો પૂછ્યા હશે..‘ઘરેડ પર રેડ’ પાડવાની ઈચ્છા ધરાવતો માણસ જ નવું શોધી શકે. તમને લાગે કે તમારા ઘરના વોશબેસિનમાં ટપકતા પાણીમાં કોઈ રિધમ છે, તો તમે વિચારને પકડી પાડેલો માનજો. બાળકને પ્રશ્ર્નો પૂછવાની આદતમાંથી નવા વિચાર મળે છે. ઘણીવાર અજાણતાં જ એક માણસ બીજાને વિચારતો મૂકી શકે. ‘મેરી ઝાંસી નહીં દૂંગી’ કે ‘ક્વિટ ઇન્ડિયા’ માત્ર વાતો નહોતા, પ્રજામાં પ્રાણ પ્રગટાવતા વિદ્રોહી વિચારો હતા જે શક્તિશાળી સામ્રાજ્યને હલાવી શકતા. ટૂંકમાં, દુશ્મન દેશના લોકોને ધ્રૂજવતા કે આપણાં જ દેશમાં ભાઈ-ભાઈને લડાવતા નારાઓ…સૂત્રો…બધું જ એક વિચારથી જન્મે છે: ‘સોચોગે તો સમઝોગે!’
સૃષ્ટિના આરંભમાં કોઈ પ્રયોગશાળા નહોતી પણ ‘એકાંત’, એક માત્ર શોધશાળા હતી. જ્યારે કશું જ નહોતું ત્યારે ફક્ત વિચાર હતો. વિચાર જ ઈશ્વર હતો. ઈશ્વરે વિચારીને બધું નિર્માણ કર્યું અને હવે માણસ વિચાર કરી કરીને બધું નિર્માણ કરે છે કે ક્યારેક વિનાશ કરે છે. વિકાસ, વિનાશ કે વિદ્રોહ પાછળ પણ આખરે હોય તો છે- ‘એક વિચાર’
એંડ-ટાઇટલ્સ:
આદમ: શું વિચારે છે?
ઈવ: તારા વિશે પહેલા કેમ ના વિચાર્યું એ.