શક્ય-અશક્યની શક્યતાઓ દિમાગની બત્તી ગુલ થઇ જશે!
મિજાજ મસ્તી -સંજય છેલ
ટાઈટલ્સ: આખરે એટલું સમજાય છે કે ઘણું સમજાતું નથી. (છેલવાણી)
આપણે ઇલેક્ટ્રિસિટી, જોઇ નથી પણ છે. આપણે ગુરૂત્વાકર્ષણને જોયું નથી પણ છે. આપણે આત્માને શરીરથી બ્હાર કાઢીને કદી જોયો નથી પણ આપણો આત્મા, એ વાત નહીં માને અને લગભગ આવું લોજિક કે તર્ક તુર્રમખાં આસ્તિકો, ઈશ્ર્વરના અસ્તિત્વ માટે પણ કહે છે. આપણે અદ્રશ્ય સર્વવ્યાપી ભગવાન વિશેની ચર્ચાના ચકડોળમાં નહીં બેસીએ પણ ક્યારેક લાઇટ મૂડમાં અમસ્તો સવાલ થાય કે ઈશ્ર્વર પાસે આપણાં બધાં વિશે પાપ-પુણ્યનું રજેરજનું એકાઉંટ હશે? જો કે જ્ઞાનીઓ કહે છે કે ‘પુરાવાનો અભાવ, એ અભાવનો પુરાવો નથી!’ એટલે હોઇ પણ શકે કે ના પણ હોય.
એ જ રીતે આ જાલીમ જગતમાં પ્રેમ, પરમાત્મા કે પોલિટિક્સની જેમ ના સમજાય એવી ઘણી ઘટના બનતી હોય છે, જે દિમાગની બત્તી ગુલ કરી નાખે છે. એમાં અમે શંકા-કુશંકાના સાગરમાં ગોથાં ખાતાં ખાતાં ખોપડી ખંજવાળીએ છીએ.
કારણ? કારણ કે એક દાદુ દાખલો છે:
ન્યૂયોર્કની કેથેલીન મેકકોઈનના જીવનમાં એવી એવી અજીબ ઘટનાઓ ઘટી છે કે તમે મોંમાં આંગળા જ નહીં પણ આખે આખો હાથ નાખી દેશો એની ગેરેંટી. કેથેલીન, ૯ વર્ષની હતી ત્યારે સ્કૂલમાં વિદ્યાર્થીઓને હડસન નદીમાં બોટના પ્રવાસે લઈ જવાયા. બોટ, નદીની વચ્ચે પહોંચી કે એમાં આગ લાગી. બાળકો ચીસાચીસ કરવા માંડ્યાં પણ ત્યારે કેથેલીને લાકડાંનો તરાપો જોયો ને એને બાથમાં લઈને નદીમાં કૂદી ગઈ. થોડીવારે બાળકોને બચાવવા માટે હોડીઓ આવી પણ બધાં બાળકો મરી ગયાં. એકમાત્ર કેથેલીન બચી ગઈ!
આ ઘટનાનાં ૨ વર્ષ પછી કેથેલીન બસમાં પ્રવાસ કરતી હતી. અચાનક બસનું ટાયર ફાટી જતાં બસ ઊથલીને ખાડામાં પડી. કેથેલીને ગભરાયા વગર બારીનો કાચ તોડી નાખ્યો ને બહાર કૂદી ગઈ ને પછી તરત જ બસમાં આગ લાગી. કેથેલીન સિવાયના બધાં મુસાફરો સળગીને મરી ગયાં!
પછી ૧૯૫૪માં કેથેલીન પ્લેનમાં મુસાફરી કરતી હતી. અચાનક વિમાનના એજિંનમાં ગડબડ થઈ. પાઈલટે પ્લેનને નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો પણ વિમાન નીચે ઊતરે તે પહેલાં જ એમાં આગ લાગી ગઈ. કેથેલીન ગંભીર રીતે દાઝી ગઈ પણ તોયે બચી ગઈ અને ઓફકોર્સ, વન્સ અગેઇન અન્ય મુસાફરો મરી ગયા.વેઇટ, હજી ઘણાં ઝટકા બાકી છે. વિમાની ઘટનાનાં ૫ વર્ષ પછી ૧૯૫૯માં કેથેલીન રેલવે મુસાફરી દરમિયાન ટ્રેનના છેલ્લા ડબ્બામાં બેઠી હતી. રાત્રે કેથેલીન સૂતી હતી ને અચાનક પાછળથી બીજી ટ્રેનનું એજિંન, કેથેલીન જે ડબ્બામાં બેઠી હતી એની સાથે અથડાયું. ડબ્બાના ભૂક્કા થઈ ગયા. ડબ્બાના બધાં મુસાફરો મરી ગયા પણ કેથેલીન ફરીથી બચી ગઈ!
ઇંટરવલ:
ચીંટી કે પગ નૂપુર બાજે
સો ભી સાહિબ સુનતા હૈ! (સંત કબીર.)
હજી અચંબા બાકી છે! ૧૯૬૩માં કેથેલીન, જ્યોર્જિયાની એક હોટેલમાં રજા માણવા ગયેલી ને પાસેના પહાડ પરથી એક મસમોટો પથ્થર ગબડીને હોટલ પર પડ્યો. પથ્થર, હોટેલના જે ભાગ પર પડ્યો ત્યાં પાંચ લોકો દટાઈને મરી ગયા, પણ એ પથ્થર પડ્યો એની એક જ સેક્ધડ પહેલાં જ કેથલીન ઊઠીને બહાર નીકળી ગઇ હતી! માન ગયે ના? અબ દિલ થામ કે આગે પઢો. એક વખત કેથેલીન કારમાં ઘરે આવતી હતી ત્યારે કારનો એક્સિડન્ટ થયો. ડ્રાઈવર અને ગાડીમાંનાં ૬ લોકો ખતમ થઇ ગયા અને એ સૌમાંથી એકમાત્ર કેથેલીન બચી ગઈ! કેથેલીનની કુંડળી કોઇ જ્યોતિષને મળે તો એ જ કહી શકે કે- ઐસા ભી હોતા હૈ?
વળી એ જ કેથેલીન, ૧૯૬૮માં મિત્રો સાથે હોટેલમાં ડિનર કરવા ગયેલી. ડિનર પિરસવામાં આવ્યું, જે વાસી હતું. એ વાનગીને ખાનારાં બાકી બધાં ફૂડ પોઇઝનથી મરી ગયાં પણ કેથેલીનને કશું જ થયું નહીં! ડૉક્ટરોએ કેથેલીનના પેટની તપાસ કરી તો ચોંકી ગયા, જેમ તમને પણ આ બધું વાંચીને હાતિમતાઇનાં અજીબ કિસ્સાઓ જેવું જ લાગતું હશે. લેકિન, કિંતુ, પરંતુ, ઇફ, બટ કેથેલીન સાથે બનેલી આકસ્મિક ઘટનાઓ પરથી લાગી શકે કે કોઇક અદ્રશ્ય શક્તિ હશે જે એને સતત બચાવતી હતી. વેલ, એવું ખરેખર હશે જે ‘અપુન’ કે ‘તપુન’ કી સમઝ કે બાહર હૈ?
કેથલીનને છોડો, પણ ફ્રાન્સમાં ૧૮ મહિનાની રીનીને ૮-૧૦ ગુંડાઓ કિડનેપ કરીને લઈ ગયા. રીનીના મા-બાપને ગુંડાઓએ ફોન કરીને કહ્યું, જો પૈસા નહીં આપો તો રીનીને દરિયામાં ફેંકી દઈશું. ગુંડાઓ રીનીને વહાણમાં બેસાડીને દરિયાની વચ્ચે લઈ ગયા ને પૈસા આવવાની રાહ જોતા હતા. એવામાં દરિયામાં તોફાન આવ્યું, વહાણ ડૂબી ગયું ને ગુંડાઓ પાણીમાં ડૂબી ગયા. રીની એક લાકડાના પાટિયાને વળગી રહી ને પછી થાકીને સૂઈ ગઈ. પાટિયું તરતાં તરતાં ફ્રાન્સના જ દરિયા કિનારે પહોંચ્યું. કિનારા પર માછીમારોએ પોલીસને જાણ કરી. પછી પોલીસે રીનીને એનાં માતા-પિતાને સોંપી દીધી.
આપણે આ ઘટનાને માત્ર સંજોગ માની લઈએ તો યે આપણાં લોજિકલ મનડાંનું સમાધાન તો થતું નથી જ. દરિયામાં એ જ વખતે તોફાનનું આવવું કે જ્યારે રીની ગુંડાઓની પકડમાં હતી ને એમાં માત્ર ગુંડાઓ જ ડૂબી જાય અને ૧૮ મહિનાની રીની કિનારા સુધી પહોંચી ત્યાં સુધી પાટિયા પર કઇ રીતે સૂતી રહી? આ બધું ઇત્તેફાક કે યોગાનુયોગ કે કોઇંસિડેંસ હશે? ખબર નહીં. અમને તો સંડે મૂડમાં સવાલ થાય કે ઈશ્ર્વર, સંડે મનાવતા હશે કે પછી વીક-ડેમાં કદીક પેલી કેથેલીન કે રીનીની જેમ અમારા-તમારા તરફ પણ એકવાર નેહભરી નજર નાખશે?
એન્ડ-ટાઈટલ્સ:
આદમ: તું ચમત્કારમાં માને છે?
ઈવ: લગ્ન પછી તો નહીં જ.