ઉત્સવ

જિતની આબાદી,ઉતના હક,દેશ ટોળાશાહી તરફ જશે

કવર સ્ટોરી -વિજય વ્યાસ

બિહારની નીતીશ કુમાર સરકારે અંતે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કરી દીધા. બિહાર સરકાર આ સાથે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરનારું દેશનું પહેલું રાજ્ય બન્યું છે.

લગભગ બે મહિના સુધી ચાલેલી આ જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના આંકડા પ્રમાણે બિહારમાં જનરલ કેટેગરીની વસતી માત્ર ૧૫ ટકા છે જ્યારે પછાત કે અતિ પછાત લોકોનું પ્રમાણ ૬૩ ટકા જેટલું છે. મતલબ કે, બિહારની કુલ વસતીમાંથી ૬૩ ટકા લોકો પછાતપણા કે અતિ પછાતપણામાં જીવે છે.

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે બિહારમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કરાયા તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે ને એ વાત સાચી છે કેમ કે બિહારમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરી સાથે ભારતમાં જ્ઞાતિવાદી રાજકારણનો નવો અધ્યાય શરૂ થયો છે. વિશ્ર્વનાથ પ્રતાપસિંહ ૧૯૮૯માં વડા પ્રધાન બન્યા પછી અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ૨૭ ટકા અનામતની ભલામણ કરતા મંડલ પંચની ભલામણોનો અમલ કરવાનું એલાન કરીને દેશના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ કરેલો.

બિહારની જ્ઞાતિ આધારિત વસતી ગણતરી પણ એવો જ નવો અધ્યાય શરૂ કરશે. બલકે આ અધ્યાય શરૂ થઈ જ ચૂક્યો છે કેમ કે રાહુલ ગાંધી તો અત્યારથી ‘જિતની આબાદી, ઉતના હક’નો રાગ છેડીને બેસી જ ગયા છે. .નીતિશ કુમારની સરકારે ગયા વરસે જ બિહારમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરાવવાનો નિર્ણય લઈ લીધેલો. બિહારમાં પ્રથમ તબક્કાની વસતી ગણતરી ૭ જાન્યુઆરીથી શરૂ કરી દેવાઈ હતી ને કૉંગ્રેસે તેની તરફેણ કરેલી.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીને પોતે રાષ્ટ્રીય મુદ્દો બનાવશે તેનો સંકેત આપી દીધેલો. રાહુલ ગાંધીએ કર્ણાટકની જાહેર સભામાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરીનો મુદ્દો ઉખેળીને આક્ષેપ કર્યો હતો કે, નરેન્દ્ર મોદી સરકાર દેશમાં કંઈ જ્ઞાતિના કેટલાં લોકો છે તેના આંકડા દબાવીને બેઠી છે. રાહુલ ગાંધીએ દાવો કરેલો કે, ૨૦૧૧માં દેશમાં વસતી ગણતરી કરાઈ ત્યારે અમે ઓબીસીની કેટેગરી રાખી હતી પણ આજ સુધી વસતી ગણતરીનો આ રિપોર્ટ જાહેર કરાયો નથી.

રાહુલનું કહેવું હતું કે, આપણે વિકાસમાં તમામને ભાગીદાર બનાવવા હોય તો એ તો ખબર હોવી જોઈએ ને કે કોની કેટલી વસતી છે ? આપણને એ જ ખબર ના હોય કે, દેશમાં ઓબીસી, દલિત, આદિવાસી અને બીજા સમુદાયોની કેટલી વસતી છે તો બધાંને વિકાસમાં ભાગીદાર કઈ રીતે બનાવીશું ? રાહુલ અત્યારે ‘જિતની આબાદી, ઉતના હક’ની વાત કરે છે તેની શરૂઆત તેમણે કર્ણાટકની ચૂંટણીમાં કરેલી.

કર્ણાટકની ચૂંટણીમાં જીતના પગલ કૉંગ્રેસે સત્તાવાર રીતે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીનું વાજું વગાડવાનું શરૂ કરી દીધેલું. કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને દેશમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરાવવાની માગ કરી જ છે.

૨૦૧૧ના સોશિયો ઈકોનોમિકસ એન્ડ કાસ્ટ સેંસનો રિપોર્ટ જાહેર કરવા કૉંગ્રેસ સહિતના પક્ષોના સાંસદોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં મોદી સરકાર આ રિપોર્ટ જાહેર કરતી નથી એવો આક્ષેપ ખડગેએ પણ કર્યો છે. ૨૦૨૧માં દેશની વસતી ગણતરી કરાવવાની હતી એ પણ કરાઈ નથી ત્યારે દેશમાં કઈ જ્ઞાતિની કેટલી વસતી છે તેનો અપ-ટુ-ડેટ રિપોર્ટ તાત્કાલિક જાહેર કરવો જોઈએ એવી માગણી ખડગેએ સત્તાવાર રીતે કરેલી છે તેના પરથી સ્પષ્ટ છે કે, કૉંગ્રેસ આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ચગાવશે ન લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દો કૉંગ્રેસ માટે કેન્દ્રસ્થાને હશે.

ભાજપ વિરોધી મોરચા ઈન્ડિયાના એનસીપી, ડીએમકે, જેએમએમ સહિતના પક્ષો પણ જ્ઞાતિ આધારિત વસતી ગણતરીની તરફેણમાં છે એ જોતાં લોકસભાની ચૂંટણીમાં દેશનાં તમામ રાજ્યોમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરીનો મુદ્દો ગાજવાનો છે એ નક્કી છે.

રાજકારણીઓ કોઈ પણ નિર્ણય લે તેની પાછળ સ્વાર્થનું રાજકારણ હોય જ છે. નીતીશ કુમારની સરકારે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરાવી તેની પાછળ પણ મતબૅંકનું રાજકારણ છે, ઓબીસી અને પછાત જ્ઞાતિઓની મતબૅંકને પોતાની તરફ વાળવાનો ખેલ છે. ભાજપ સામે લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં ખરાબ રીતે હારેલી કૉંગ્રેસને ફરી બેઠા થવા માટે કોઈ મોટો મુદ્દો જોઈએ છે.

જ્ઞાતિ આધારિત વસતી ગણતરી એ મુદ્દો બની શકે છે કેમ કે ભારતમાં
લોકોને જ્ઞાતિઓના નામે સરળતાથી બેવકૂફ બનાવ શકાય છે. જ્ઞાતિના નામે લોકોમાં ભાગલા પાડીને સત્તા હાંસલ કરી શકાય છે ને કૉંગ્રેસ સહિતના પક્ષો એ જ ખેલ કરી રહ્યા છે. આ ખેલ દેશ માટે ખતરનાક છે પણ નેતાઓને દેશનું શું થાય છે તેની ચિંતા હોતી નથી.
જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના નામે રાજકારણીઓ કયા રાજ્યમાં કઈ જ્ઞાતિની વસતી વધારે છે તેના આંકડા હાંસલ કરશે. આ આંકડાના આધારે સરકારી યોજનાઓમાં રકમની ફાળવણીથી માંડીને અનામતનું પ્રમાણ સુધીનું નક્કી થશે. શરૂઆતમાં અનામતને કદાચ ના અડકાય પણ ધીરે ધીરે એ તબક્કો આવશે જ. જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના કારણે રાજકારણીઓને ઓબીસી કે બીજી કેટેગરીમાં કઈ જ્ઞાતિના કેટલા મતદારો છે તેની ખબર પડી જશે તેથી કોને વધારે સારી રીતે સાચવવાના છે તેની ખબર પડી જશે. આ જ્ઞાતિઓને વધારે સાચવીને સત્તા મેળવવાનો ગંદો ખેલ એ પછી શરૂ થશે.
નીતીશ કુમાર સહિતના નેતાઓની દલીલ છે કે, વસતી ગણતરીમાં જ્ઞાતિનો ઉલ્લેખ નથી થતો તેથી દેશમાં કઈ જ્ઞાતિ કેટલી પછાત છે તેની ખબર પડતી નથી. આ કારણે ઘણી જ્ઞાતિનાં લોકોને પછાતપણામાંથી બહાર કાઢવા માટે સરકારી યોજનાઓ નથી બનતી જ નથી. જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના આધારે સરકારી યોજનાઓમાં કઈ જ્ઞાતિને કેટલું મહત્ત્વ આપવું, તેમના માટે વિશેષ યોજનાઓ બનાવીને ખાસ બજેટ ફાળવવા સહિતની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે. તેના કારણે સમાજનાં તમામ લોકોને વિકાસનો લાભ મળશે.

આ દલીલ ખોટી છે કેમ કે સરકારી યોજનાઓનો લાભ આપવા કોઈ પણ વ્યક્તિની જ્ઞાતિ જાણવી જરૂરી નથી. ઝૂંપડપટ્ટીમાં રહેનારાં કે કાચાં મકાનોમાં રહેનારાં લોકોને વિકાસનો લાભ નથી મળ્યો એ નજરે દેખાતી બાબત છે ને તેને આધાર બનાવીને તેમનો વિકાસ કરી શકાય. ગરીબીમાં જીવતાં લોકોના ભલા માટે આર્થિક માપદંડના આધારે સહાય કરી શકાય ને સરકારી યોજનાઓનો લાભ આપી શકાય પણ આ દેશમાં ગરીબીના નામે લોકો સંગઠિત થતા નથી પણ જ્ઞાતિના આધારે થાય છે તેથી રાજકારણીઓને ગરીબોને સીધો ફાયદો કરાવવામાં રસ પડતો નથી.

‘જિતની આબાદી, ઉતના હક’ની વાતો દેશના બંધારણે આપેલા સમાનતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરનારી છે. તેના કારણે ટોળાંશાહી વધશે ને આપણે સંકુચિતતા તરફ ધકેલાઈશું પણ નેતાઓને એવી બધી વાતોની ચિંતા નથી.

જ્ઞાતિ આધારિત વસતી ગણતરી દ્વારા આપણા રાજકારણીઓએ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિનું વધુ એક દૂષણ અપનાવ્યું છે. અંગ્રેજોના શાસનમાં વસતી ગણતરી વખતે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી થતી. ૧૯૩૧ની વસતી ગણતરીમાં લોકોની જ્ઞાતિ પુછાયેલી તેથી એ છેલ્લી જ્ઞાતિ આધારિત વસતી ગણતરી હતી. અંગ્રેજો લોકોની જ્ઞાતિ પૂછતા કે જેથી દેશનાં લોકોને જ્ઞાતિઓના આધારે લડાવી શકાય.

આઝાદ ભારતમાં રાષ્ટ્રભાવનાને પ્રબળ બનાવીને જ્ઞાતિવાદને જાકારો આપવા માટે સૈદ્ધાંતિક રીતે જ્ઞાતિનો ઉલ્લેખ બંધ કરી દેવાયેલો. આ કારણે આઝાદ ભારતમાં થયેલી એક પણ વસતી ગણતરીમાં જ્ઞાતિની વિગતો નહોતી પુછાઈ.

ભાજપ જ્ઞાતિ આધારિત વસતી ગણતરીની તરફેણમાં નથી. બિહારમાં નીતિશ કુમારની સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ જ્ઞાતિ આધારિત વસતી ગણતરીની માગ કરી ત્યારે ભાજપ સરકારે એ નહોતી સ્વીકારી. નીતિશે ભાજપથી અલગ થઈને આરજેડી સાથે મળીને સરકાર બનાવી પછી પોતાની રીતે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીનો નિર્ણય લીધેલો.

ભાજપ જ્ઞાતિ આધારિત વસતી ગણતરીની તરફેણમાં નથી તેનું કારણ પણ મતબૅંકનું રાજકારણ છે. ભાજપે પણ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને સત્તા માટે દેશમાં ધર્મના આધારે ભાગલા પાડી જ દીધા છે. હિંદુ વર્સિસ મુસ્લિમનું ગંદું રાજકારણ ભાજપ રમે જ છે પણ જ્ઞાતિ આધારિત વસતી ગણતરી તેને પસંદ નથી કેમ કે કૉંગ્રેસ સહિતના પક્ષો હિંદુઓમાં ભાગલા પાડવા માગે છે. હિંદુઓમાં જ્ઞાતિના આધારે વિભાજન થશે તો તેના કારણે પોતાનો ગરાસ લૂંટાશે એવો ભાજપને ડર છે.

ભાજપ અંદરખાને તો સોશિયલ એન્જિનિયરિંગના નામે જ્ઞાતિવાદનું ગંદું રાજકારણ રમે જ છે એ જોતાં ભવિષ્યમાં ભાજપ પણ આ વિરોધ પડતો મૂકીને જ્ઞાતિ આધારિત વસતી ગણતરીની તરફેણ કરતો થઈ જાય એવું બને. ભાજપ માટે ગુલાંટ મારવી એ ક્યાં નવી વાત છે ?

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત