ઉત્સવ

આંખોના પર્સનલ સવાલ ને મહેંકે હુએ સે રાઝ

મોર્નિંગ મ્યૂસિંગ – રાજ ગોસ્વામી

થોડા વખત પહેલાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની સંસદનો એક રમૂજી વીડિયો વાઈરલ થયો હતો. એ વીડિયો ઇમરાન ખાનની પાર્ટીની સાંસદ ઝરતાજ ગુલનો હતો. તેમાં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સ્પીકર અયાઝ સાદિક સાથે એમની મીઠી નોકઝોંક હતી.નેશનલ એસેમ્બલીમાં, કોઈ એક ચર્ચા દરમિયાન મહિલા સાંસદ ઝરતાજ ગુલે હસતાં હસતાં સ્પીકરને કહે છે : ‘મારા લીડરે મને આંખોમાં આંખ નાખીને વાત કરવાની શીખવાડ્યું છે. સર, મારાથી આઈ કોન્ટેક્ટ નહીં થાય તો હું મારી વાત કહી નહીં શકું.’ સાંસદોના ઠહાકા વચ્ચે સ્પીકરે કહ્યું : ‘હું સાંભળી લઈશ, જોઇશ નહીં. હું કોઈ મહિલાની આંખમાં આંખ નાખીને જોતો નથી.’

ગુલે શરમાઈ ગયેલા સ્પીકરની વધુ મજાક કરતાં એમ પણ કહ્યું કે, ‘સર, તમે ચશ્માં પહેરી લો, પણ મારી આંખમાં જુવો.’ આમ તો આ હસી-મજાકની બે- ત્રણ ક્ષણ હતી પણ ભારત-પાકિસ્તાનમાં લોકોને તેની મજા પડી ગઈ હતી અને લાખો લોકોએ તે વીડિયોને શેર પણ કર્યો હતો.

ઝરતાજ ગુલે તો ખેર એસેમ્બલીના માહોલનો ફાયદો ઉઠાવીને સ્પીકરને શરમાવી દીધા હતા પરંતુ એ વાત સદીઓથી જાણીતી છે કે ‘અજાણ્યા’ સ્ત્રી-પુરુષો એકબીજાની આંખમાં આંખ નાખીને જોવાનું ટાળે છે. આઈ કોન્ટેક્ટ બહુ શક્તિશાળી વૃત્તિ છે. એમાં વ્યક્તિનું અંતર્મન ખુલ્લું પડે છે. અંગ્રેજીમાં એક પ્રચલિત ઉક્તિ છે: આઈઝ આર વિન્ડો ટુ ધ સોલ- આંખો આત્માની બારી છે. એટલા માટે કવિઓ, શાયરો અને ગીતકારોએ આંખ પણ બહુ લખ્યું છે. મજરૂહ સુલતાનપુરીએ ‘ચિરાગ’ ફિલ્મમાં આંખોમાં જ જીવન-મૃત્યુ અને દિવસ-રાત જોયા હતા: ‘તેરી આંખો કે સિવા દુનિયા મેં રખા ક્યા હૈ… યે ઉઠે સુબહ ચલે, યે ઝુકે શામ ઢલે…મેરા જીના, મેરા મરના ઇન્હી પલકો કે તલે.’ તો ‘બોબી’ ફિલ્મની નાયિકાએ વિનંતી કરતાં કહ્યું હતું, અખિયાં કો રહેને દો, અખિયાં કે પાસ…દૂર સે દિલ કી બુઝતી રહે પ્યાસ. આંખોની પોતાની ભાષા હોય છે અને આપણી મોઢાની ભાષાની જેમ તે જૂઠું નથી બોલતી.

ગુલઝારે બે ગીતમાં એ વાતને વ્યક્ત કરી હતી. એમની ‘ઘર’ ફિલ્મમાં નાયક-નાયિકા સાંકેતિક રીતે પૂછે છે, આપકી આંખો મેં કુછ મહેકે હુએ સે રાઝ હૈ, આપ સે ભી ખૂબસૂરત આપકે અંદાજ હૈ.’ તો ‘બંટી ઔર બબલી’ ની નાયિકા તો સીધો જ આરોપ મુકે છે; આંખે ભી કમાલ કરતી હૈ, પર્સનલ સે સવાલ કરતી હૈ. આ બધા ભાવ ખાલી રોમેન્ટિક કલ્પનાઓ નથી. તેની પાછળ વૈજ્ઞાનિક આધાર છે. વિવિધ અભ્યાસ કહે છે કે આંખોનો સંપર્ક માણસોમાં શારીરિક અને મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયા જન્માવે છે, જેમ કે લાંબો સમય સુધી કોઈની આંખોમાં જોતા રહેવાથી ત્વચામાં સળવળાટ થાય છે. એ જ રીતે, કોઈ આકર્ષક
વ્યક્તિની આંખમાં ઝાંખતા રહેવાથી ઉત્તેજનાનો ભાવ પેદા થાય છે.

પાકિસ્તાન એસેમ્બલીના સ્પીકર જેવું જ અભિનેત્રી રાણી મુખર્જી સાથે થયું હતું. એની અને આમિર ખાનની ફિલ્મ ‘ગુલામ’નું લોકપ્રિય ગીત ‘આતી ક્યા ખંડાલા’ યાદ હશે. આ ગીતના શૂટિંગમાં બહુ વાર લાગી હતી કારણ કે તેમાં રાણીએ આમિર ખાનની આંખોમાં જોવાનું હતું અને તે એમ કરી શકતી નહોતી. રાણીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રીટેક પર રીટેકથી આમિર બહુ અકળાયો હતો અને હું કહેતી હતી કે હું એની આંખોમાં જોઇશ તો એના પ્રેમમાં પડી જઈશ. એટલે હું નજર ચૂકવી જતી હતી.

  ‘જર્નલ ઓફ રિસર્ચ ઇન પર્સનાલિટી’ નામના વિજ્ઞાનના સામાયિકમાં એક પ્રયોગ પ્રકાશિત થયો હતો,  જેમાં અજાણ્યા વિજાતીય વ્યક્તિઓને બે મિનિટ સુધી એક બીજાની આંખોમાં ઝાંખવાનું કહેવામાં આવ્યું હતું. તે વખતે એમના મન-મસ્તિકમાં શું થાય છે તેનું કોમ્પ્યુટર મારફતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રયોગકર્તાઓએ નોધ્યું હતું કે એમનામાં તરત જ આવેશનો ભાવ પ્રગટ્યો હતો. એમાંથી એક યુગલ તો લગ્ન કરવા સુધી પહોંચી ગયું હતું.

આંખનો સંપર્ક માણસની નોન-વર્બલ ભાષા છે. માણસો હંમેશાંથી એક બીજાને આંખો ઓળખતા આવ્યા છે. કોઈની સાથે સંપર્ક સ્થાપિત કરવાનું એ પહેલું અને સીધું માધ્યમ છે. આપણે કશું કહેવાનું હોય, કહેવા માટે આપણામાં આત્મવિશ્ર્વાસ હોય, આપણે ખુશ હોઈએ અથવા આપણને સામેવાળી વ્યક્તિ ગમતી હોય તો આપણે આંખોમાં આંખ નાખીને વાત કરીએ છીએ. આપણે કશું છુપાવાનું હોય, આપણને કોઈ શરમ હોય, આપણે દુ:ખી હોઈએ અથવા સામેવાળી વ્યક્તિ આપણને ગમતી ન હોય તો આપણે નજર ચોરીએ છીએ.

ઘનિષ્ઠ અને પ્રબળ વાતચીત કરતી વખતે બે વ્યક્તિઓ સહજ રીતે જ એક બીજાની આંખોમાં વધુ સમય સુધી ઝાંખે છે. એમાં શબ્દોની સાથે દિલના ભાવ પણ વ્યક્ત થતા હોય છે. એટલા માટે એવું કહેવાય છે કે આંખનો જેટલો વધુ સંબંધ, તેટલો વધુ ઘનિષ્ઠ સંબંધ.
એટલા માટે આપણે લિફ્ટમાં, ટ્રેનમાં અથવા ભરચક બજારમાં લોકો સાથે નજરો નથી મિલાવતા. લિફ્ટમાં મોટાભાગના લોકો ફર્શ જુએ છે અથવા સ્માર્ટફોનમાં આંખો ખોસી રાખે છે- આપણને આપણી પ્રાઈવસીનું ઉલ્લંઘન થયાનો ડર લાગે છે. ઓફિસમાં બોસ અઘરો સવાલ કરે તો કર્મચારી આંખો ઝુકાવી લે છે.

એટલા માટે સાચા લોકો આંખોમાં આંખો નાખીને બોલે છે અને જૂઠું બોલતા લોકો નજરો ચોરે છે. આંખોમાં પકડાઈ જવાની સંભાવના હોય છે, કારણ કે માણસનો એની આંખોના ભાવ પર કાબૂ નથી હોતો. સ્ત્રી-પુરુષો એક બીજાની આંખોમાં જુએ અથવા નજરો ચોરી તેની પાછળ આ જ કારણ છે.

   વિજ્ઞાનીઓએ આકર્ષણ માટે જવાબદાર કેમિકલ શોધી કાઢ્યું છે. તેને ‘ફેનીલેથાયલામાઈન’ કહે છે. તેને પ્રેમનું રસાયણ પણ કહે છે. બે વ્યક્તિ વચ્ચે આકર્ષણનો શરૂઆતનો ગાળો હોય  ત્યારે લાંબા સમય સુધી એક બીજાની આંખમાં જોવાથી આ કેમિકલ રિલીઝ થાય છે.

તમને ખબર છે પુરુષની આંખોમાં તેની કીકીઓ મોટી હોય તો સ્ત્રી વધુ આકર્ષાય છે?
એક પ્રયોગમાં, ફળદ્રુપતાના ચક્રમાંથી પસાર થતી સ્ત્રીઓને પુરુષોનાં ચિત્ર બતાવાયાં તો મોટી કીકીઓવાળા પુરુષો એમને આકર્ષક લાગ્યા હતા. પ્રયોગનું તારણ એ હતું કે આકર્ષક સ્ત્રીને જોઇને પુરુષની કીકીઓ જરા પહોળી થાય છે. એટલા માટે સ્ત્રી એમને ગમતા પુરુષો સાથે વાત કરતી વખતે એમને સઘન રીતે નીરખતી હોય છે. આ કારણથી જ સ્ત્રી ફેસ-ટુ-ફેસ સંવાદ વધુ પસંદ કરે છે, જયારે પુરુષ બાલાં મારતાં મારતાં પણ વાતો કરી શકે છે. કદાચ એટલે જ પાકિસ્તાનની એસેમ્બલીના સ્પીકરે કહ્યું હતું કે, તમે બોલો હું સાંભળી લઈશ, જોઇશ નહીં, જયારે સાંસદ ગુલે કહ્યું હતું, સર, મારાથી આઈ કોન્ટેક્ટ નહીં થાય તો હું મારી વાત કહી નહીં શકું.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button