સુખનો પાસવર્ડ: જો એવા બોજ હેઠળ ન દબાઈએ તો…

-આશુ પટેલ
ગયા રવિવારે લેખિકા વંદના શાંતુઇંદુના કૅન્સર વિષેની વાત અધૂરી રહી ગઈ હતી. હવે આગળ જાણીએ એમની કૅન્સરમાંથી ફરી ઊભાં થઈને સામાન્ય જીવન જીવવાની વાત….
નવરાત્રીના દિવસો હતા. એ દરમિયાન એક દિવસ કાંઈ ગમતું નથી એવી લાગણી અનુભવી. મારા પતિને કહ્યું પણ ખરું કે ‘મને કશું ગમતું નથી, ઉદાસી લાગે છે.’
એ એના સ્વભાવ પ્રમાણે બોલ્યા, ‘હમણાં તો ગીતો ગાતી હતી ને શું થયું! એકાદ કવિતા લખી નાખ જા, મજા આવી જશે.’
‘હં…’ એવો છણકો કરીને હું કામે ચડી ગઈ અને ભૂલી ગઈ ઉદાસી. તૈયાર થઈને ઑફિસે જવા નીકળતી હતી ને સોફા પર બેસી ગઈ દીકરા સાથે વાતો કરતી-કરતી. કેમ કે મારા પતિ હિરેનનો ફોન આવ્યો કે ‘સત્યનારાયણની પ્રસાદી – શીરો લઈને આવું છું.’ ને હું તો આમ પણ પરસાદિયા ભગત, બેસી પડી અને… એ જ વખતે પતિ અને દીકરાની સામે જ ખેંચાઈને બેહોશ થઈ ગઈ, પણ મારે એક વાત કહેવી છે કે મને હોશિયાર સાથે સંવેદનશીલ ડૉક્ટરો મળ્યા. રિપોર્ટ્સ પછી ખબર પડી કે બ્રેન ટ્યુમર છે, પણ મને કહે કોણ, કઈ રીતે? સ્વજનોની હિંમત ન’તી. જ્યાં દાખલ કરેલી એ ડૉ. ધવલ વૈષ્ણવને ખબર પડી કે હું લેખક-કવિ છું. એમણે બહુ જ હળવેથી પ્રેમાળ રીતે શરૂઆત કરી: ‘ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીએથી તમને ફૂલ દીધાનું યાદ…’
આ પણ વાંચો: સુખનો પાસવર્ડ : જો એવા બોજ હેઠળ દબાઈ ન જઈએ તો…
ને હું બોલી પડી કે ‘હું નહીં, એ તો સોનલ!’
એ હસી પડ્યા. પછી બોલ્યા,‘બહેન, તમને બ્રેન ટ્યુમર છે.’
થોડીવાર હું સ્તબ્ધ થઈ ગઈ. હું મને જ ઢાળ ઊતરતી જોઈ રહી હતી!
ડૉક્ટર ફરી બોલ્યા, ‘હવે આવા ટ્યુમરનું ઑપરેશન સાવ નોર્મલ છે. સારું થઈ જાય છે.’
હું સ્તબ્ધતામાંથી બહાર આવી ગઈ હતી. કહ્યું, ‘થેન્ક યુ ડૉક્ટર, તમે સાબિત કર્યું કે મારે બ્રેન છે અને યથાસ્થાને છે! પગની પાની તો નહીં ચીરવી પડે!’ અને રૂમમાં ઉપસ્થિત બધાંના ચહેરા પર પીડામિશ્રિત હાસ્ય રમી ગયું.
ઑપરેશન પછી શરૂ થયો રેડિયેશનનો દોર. મારા પતિ રોજ સવારે મને વડોદરાથી પાંત્રીસેક કિલોમીટર દૂર, ગોરજ લઈ જતા. આવવા-જવાના કુલ સિત્તેર કિલોમીટર થાય. મજાકમાં જેને હું મારો પ્રેમી કહું છું એ રેડિયેશન મશીનને પહેલી વાર જોયું ને નજર સામે એટમ બૉમ્બ, નાગાસાકી-હિરોશીમા આવી ગયાં…. શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું. લાખોના જાન લેનાર રેડિયેશન મારી સામે જીવનરક્ષક બનીને ઊભું હતું!
આ પણ વાંચો: સુખનો પાસવર્ડ : … છતાં સફળતા-સિદ્ધિ મળી શકે!
મને સ્ટ્રેચર પર સૂવડાવીને, મોં પર મુશ્કેટાટ માસ્ક બંધાયો ને મને થયું કે કૅન્સરથી તો બચી જઈશ, પણ આનાથી ગૂંગળાઈને મરીશ. મમ્મી-પપ્પા યાદ આવી ગયાં. આંખ પાણી…પાણી… સ્ટ્રેચર મશીનમાં દાખલ કર્યું ને મારું પ્રિય સ્તોત્ર યાદ આવી ગયું : ‘ચિદાનંદ રૂપ શિવોઽહમ…’ જાણે આદિ શંકરાચાર્ય મારી સામે છે અને મને કહે છે કે બોલ, ‘શિવોઽહમ’ મારા સ્વભાવ પ્રમાણે મનમાં જ બોલાઈ ગયું,‘પાર્વતીઽહમ…’ ટેક્નિશિયન માસ્ક છોડતો હતો તેની
સાથે મારી અંદરથી ઘણું છૂટી રહ્યું હતું, ખાસ તો ડર…
પ્રી-ઑપરેશન અને પોસ્ટ-ઑપરેશન સમય મારી બહેનો (હિતા-પ્રજ્ઞા)એ સંભાળી લીધો હતો તો રેડિયેશનનો સમય મારાં નણંદ નિકુંજબેને સંભાળી લીધો. ત્રણ મહિના એવું અનુભવ્યું કે જાણે ત્રણ માની કાળજીમાં હતી. સાથે ફોઈની છોકરી પારૂલ, પરિવાર-મિત્ર ખીમજીભાઈ-વનિતાબેન બારડ, કવિતાબેન-વિરાફભાઈ, મિત્ર ક્રાંતિ, સપના, કમલ અને લાડસાહેબ. કોને ભૂલું ને કોને યાદ કરું! બધાંએ જુદા જુદા મોરચા સંભાળ્યા હતા. આનાથી મોટું સદ્ભાગ્ય બીજું કયું હોય?
સમગ્ર સમય સ્વજનો માટે ચિંતાનો હતો, પણ મેં તો ગીતો-કવિતાના રાગડા તાણ્યા હતા. વાતો પણ લયમાં! બાલ્યાવસ્થા જાણે ફરી પ્રાપ્ત થઈ હતી! હું નાની હતી ત્યારે ઘણી વાર, ખાસ કરીને કાંઈ માગણી મૂકવાની હોય ત્યારે ગીતરૂપે વાત કરતી. અર્ધબેભાન અવસ્થામાં આવેલી કવિતા જે હું આઈ.સી.યુ.માં હતી ત્યારે બબડતી હતી. મારા દીકરાએ એ કવિતા રેકોર્ડ કરી લીધી હતી:
‘તમને મળી ન મળી, ને મારી અંદર પાછી વળી, જનમ – જનમથી તમે જ છો મારી અંદર, એનાથી હતી અજાણ સદંતર, તમને પામવા ડૂબવું તો પડે મારે મારી જ અંદર, એની પણ ખબર હમણાં પડી…’
આ પણ વાંચો: સુખનો પાસવર્ડ: સુખની જેમ દુ:ખનો પણ પાસવર્ડ બની શકે મોબાઈલ ફોન !
ખરી કસોટી હવે શરૂ થઈ હતી. બધું જ ક્રોસમાં દેખાય, સામે ઊભેલો માણસ જાણે જનોઈવઢ ઘાએ કપાયેલો હોય તેવો દેખાય! અક્ષરો બધા ભેગા થઈ રાસ રમવા લાગે! કાંઈ વાંચી ન શકું! તકલીફ હાથની ન હતી, મગજની હતી. ‘ક’ કેમ લખાય એ જ ભૂલી ગઈ હતી! પાછું અક્ષરોને ઓળખું ખરી, છે ને મગજનું આશ્ચર્ય!
આંખની એકસરસાઈઝ સાથે શરૂ થયું કક્કો ઘૂંટવાનું! મારા પતિ હાથ પકડીને કક્કો ઘૂંટાવે અને… બસ, થોડા દિવસ પછી કક્કો આવડી ગયો, તે દિવસે ખૂબ રડેલી, ખુશીની મારી, જાણે કેમ્બ્રિજમાં ગોલ્ડ મેડલ ન લાવી હોઉં!
બે વરસ સ્કેન અને MRI નો દોર ચાલ્યો એ હજુ પણ દર વર્ષે ચાલુ છે. વાંચવામાં શબ્દોનો પહેલો અક્ષર આજે પણ ન દેખાય, પણ હવે ટેવ પાડી દીધી છે એ રીતે વાંચવાની.
આટલો શાર્પ યુ-ટર્ન લઈને જિંદગી ફરી સામાન્ય થઈ ગઈ છે. પેલું ફાઈટિંગ મોડ પર આવી ગયેલું મગજ ક્યારેક સ્વજનો સામે ફાઈટ આપી બેસે છે, હું તેને ધીરેથી સમજાવું છું, ‘યાર, સામે તારાં પોતાનાં છે. જે યુદ્ધમાં તું સૈનિક થઈને લડી હતી એના એ સારથિ છે. શાંત, હે મન શાંત થા. દુ:સ્વપ્ન વીતી ગયું છે.’
વંદનાબહેન પોતાના કૅન્સર વિષે હસતાં-હસતાં વાતો કરી શકે છે. કેટલાય કૅન્સર પેશન્ટ્સને જોયા છે, પણ બહુ ઓછા માણસો સહજ રહી શકે છે. 2014માં વંદનાબહેનને બ્રેન કૅન્સર થયું એ વખતે ઑપરેશન અને સારવાર પછી એ કૅન્સરમુક્ત થયાં અને એમણે પૂર્વવત્ રીતે જીવવાનું શરૂ કર્યું, પરંતુ ત્યાં વાત પૂરી ન થઈ ગઈ. 2016માં ફરી કૅન્સરે ઊથલો માર્યો. એ વખતે તેમને તાળવામાં કૅન્સર થયું. એ વખતે પણ મક્કમ મનોબળને કારણે એ ફરી વાર ઊભાં થયાં. એ કષ્ટદાયક સમય યાદ કરીને તેના પર હસી શકે છે. ક્યારેક તો એ એટલાં બધાં હળવાશભર્યાં સવારે પોતાના કૅન્સર વિશે અને એ પછી ભોગવેલી તકલીફોની વાત કરે કે આપણને એમ લાગે કે જાણે એ બીજી કોઈ વ્યક્તિની વાત કરી રહ્યાં છે!
આ પણ વાંચો: સુખનો પાસવર્ડ : ફરિયાદ ઓછી કરો ને સંજોગો સામે ઝઝૂમો વધુ!
થોડા સમય અગાઉ ડભોઈ નજીક તેજગઢનાં દસ હજાર વર્ષ જૂનાં ચિત્રો જોવા માટે એ પરિવાર સાથે ગયાં હતાં. એ ચિત્રો જોવા માટે પર્વતારોહણ કરવું પડે. ત્યાં પગથિયાં નથી એટલે ચઢાણ અઘરું છે, છતાં એ ઉપર સુધી ગયાં. જરૂર પડી ત્યારે લાકડી અને કુટુંબના સભ્યોનો સહારો લીધો. એમણે ચિત્રો જોયાં-માણ્યાં. એ વખતે એમણે ‘ફેસબુક’ પર તસવીરો પોસ્ટ કરી હતી એ જોઈને કોઈને કલ્પના પણ ન આવે કે આ વ્યક્તિ બે વખત અત્યંત ગંભીર કૅન્સર સામે લડીને ફરી પૂર્વવત્ જીવન જીવી રહી છે!
વંદનાબહેન એ વાતનો પુરાવો છે કે જીવનમાં ગમે એવી ખરાબ સ્થિતિ આવી પડે, પણ એ કપરી સ્થિતિના બોજ હેઠળ દબાઈ ન જઈએ તો એમાંથી બહાર આવવાની શક્યતા ઘણી વધી જાય અને એ સ્થિતિ પર હસી પણ શકાય.
વંદનાબહેનના જ શબ્દો ટાંકીએ તો:
પોઈન્ટ ઑફ નો રિટર્નથી યુ-ટર્ન લેવો એટલે?
-એટલે જિંદગી પ્રશ્ન મટીને જવાબ બની જાય એ!