સુખનો પાસવર્ડ : સફળતા ને સુખ એ ક્ંઈ એકમેકના પર્યાય નથી…

-આશુ પટેલ
થોડા સમય અગાઉ હું સાસણમાં એક મિત્રના ફાર્મહાઉસમાં રોકાયો હતો ત્યારે ત્યાં ફાર્મના છેડે એક રૂમમાં રહેતા ગરીબ કુટુંબના સભ્યોના ચહેરાઓ પર છલકાતી ખુશી જોઈ હતી. એ ફાર્મહાઉસના કેરટેકર માણસની પત્ની એક ચૂલા પર ગરમગરમ રોટલા બનાવી રહી હતી અને બીજા ચૂલા પર એણે શાક બનાવવા મૂક્યું હતું.
એ વખતે અમે મિત્રો નજીકના ખાટલા પર બેઠા હતા. જંગલ વિસ્તારના ફાર્મ હાઉસમાં રહેતી એ ગ્રામ્ય સ્ત્રીએ વાતો કરતાં કરતાં અમને પૂછ્યું: ‘શહેરમાં જીવવાની મજા કઈ રીતે આવે?’
અમે કહ્યું: ‘અમે તો શહેરી જીવનથી ટેવાઈ ગયા છીએ એટલે અમને શહેરમાં ય મજા આવે અને ગામડામાં જઈએ તો પણ ગમે, પણ તમને ક્યારેય એવો વિચાર ન આવે કે શહેરમાં રહેવા જઈએ? ત્યાં તમારાં સંતાનોને સારું શિક્ષણ મળી શકે.’
એણે મલકતા ચહેરે જવાબ આપ્યો કે ‘અમે શા માટે શહેરમાં જઈએ? અમે અહીં સુખ ભોગવીએ છીએ તો શું કામ દુ:ખી થવા શહેરમાં જઈએ?અમારે તો બહુ જ સારું છે. અમને દર મહિને જે પૈસા મળે છે એમાંથી અમે બચત કરીએ છીએ. ખાવાપીવા માટે અનાજ તો અહીં જ મળી રહે છે. આ ખેતરમાં જ અનાજ ઊગે છે એમાંથી આ (ફાર્મના માલિક) થોડાક કોથળા અહીં મૂકી રાખે છે. અને બીજી વસ્તુઓય અમને પહોંચાડી દે છે એટલે અમારે ખરીદી કરવી પડતી નથી. બાજુના ગામમાં અમારું પોતાનું ઘરનું ઘર છે. અમારી એક ગાય અને એક ભેંસ છે. એને કારણે અમારે બહારથી દૂધ પણ ખરીદવું પડતું નથી. અમે દિવાળીમાં ખર્ચ કરીએ અને ક્યારેક કોઈ પ્રસંગ હોય ત્યારે થોડો ખર્ચ થાય. બાકી અમારે બીજો કોઈ લાંબો ખર્ચ હોતો નથી. છોકરાઓ અહીંથી નજીકના ગામમાં સરકારી શાળામાં ભણે છે. ત્યાં તમારા ભાઈ (પતિ) મોટરસાઈકલ પર મૂકી આવે. અમારી પોતાની મોટરસાઇકલ છે. દિવાળીના સમયમાં એક વાર નજીકના શહેરમાં જઈને અમારા માટે અને છોકરાઓ માટે કપડાં ખરીદી આવીએ. એ વખતે છોકરાઓને ફટાકડા અપાવીએ અને કયારેક એમને થોડે દૂર નજીકના મંદિરમાં કે તળાવ પાસે ફરવા લઈ જઈએ.’
એ ગ્રામ્ય સ્ત્રીની વાત સાંભળીને મારા માનસપટ પર એવા ઘણા માણસોના ચહેરાઓ ઝબકી ગયા કે જેમની પાસે કરોડો કે અબજો રૂપિયાની સંપત્તિ હોવા છતાં એ સતત રોદણાં રડતા હોય! એની સાથે એક જોક પણ યાદ આવી ગઈ.
એક શિક્ષકે વિદ્યાર્થીઓને ગરીબી વિષે નિબંધ લખી આવવાનું કહ્યું. એમણે કહ્યું કે તમે ગરીબ છો એવું ધારીને નિબંધ લખી આવજો. એ પછી એક અતિ શ્રીમંત કુટુંબનો એક વિદ્યાર્થી નિબંધ લખી આવ્યો. એ નિબંધ વાંચીને શિક્ષક બેહોશ થતાં-થતાં રહી ગયા!
એ છોકરાએ એ નિબંધમાં લખ્યું હતું કે ‘અમારી ગરીબીની તો શું વાત કરું? કોઈ અમારા જેટલું ગરીબ નહીં હોય. અમારો બંગલો ગરીબ છે, અમારું ફાર્મહાઉસ ગરીબ છે,અમારો ગાર્ડન ગરીબ છે,અમારો રસોઈયો ગરીબ છે,અમારી બધી કાર ગરીબ છે,અમારા બધા ડ્રાઈવર ગરીબ છે,અમારા બધા નોકરો ગરીબ છે અને અમારા ઘરમાં બધાના મોબાઈલ ફોન પણ ગરીબ છે. ઈવન,અમારા દસેદસ બેડરૂમના, લિવિંગ રૂમના અને અમારા જિમના એરકંડિશનર્સ પણ ગરીબ છે!’
સુખ એ મનની સ્થિતિ છે. કોઈ પર્વતની તળેટીમાં ઝૂંપડામાં રહેતો માણસ સુખી હોઈ શકે છે અને મુંબઈના જુહુ, બાંદ્રા કે નેપિયન સી રોડ જેવા પોશ વિસ્તારના બંગલામાં રહેનારાઓ માનસિક અશાંતિ કે ડિપ્રેશન દૂર કરવા માટે મનોચિકિત્સકોની સારવાર લેતા હોય એવું પણ બની શકે છે.
આપણે સફળતા (અથવા પૈસા)ને અને સુખને એકબીજાના પર્યાય સમાન ગણી લેવાની ભૂલ કરતાં હોઈએ છીએ,પરંતુ વાસ્તવમાં કોઈ માણસ આર્થિક રીતે સફળ હોય એટલે તે સુખી જ હોય એવું જરૂરી નથી હોતું અને દુનિયાની દ્રષ્ટિએ કોઈ માણસ નિષ્ફળ હોય એટલે કે જેને આર્થિક સફળતા ન મળી હોય એવો માણસ સુખી હોઈ શકે છે.જેણે એક સામાન્ય કારકુન કે શિક્ષક કે લાઈબ્રેરિયન તરીકે જિંદગી વિતાવી દીધી હોય એવો માણસ પણ જિંદગી માણતો હોઈ શકે છે.
હું ઘણા એવા માણસોને મળ્યો છું કે જે આખી જિંદગી ખેતી કરીને પણ સુખની અનુભૂતિ સાથે જીવતા હોય. કોઈ એક ગામડામાં જ આખી જિંદગી વિતાવી દેનારો માણસ સુખી હોય એવું શક્ય છે. મુંબઈ જેવા શહેરોમાં તો મોટા ભાગના લોકો હાયવોય અને માનસિક તણાવ સાથે જીવતા હોય છે.ઘણા પાસે લક્ઝુરિયસ કાર હોય,વિશાળ ફ્લેટ હોય કે ભવ્ય બંગલો હોય, કેટલી બધી કંપનીઝ હોય અને વર્ષે કરોડો રૂપિયાનો કે અબજો રૂપિયાનો નફો થતો હોય, પરંતુ એમને સંતોષ નથી હોતો. એમની પાસે ભૌતિક સગવડો તો ઘણી બધી હોય છે, પરંતુ આખી જિંદગી એ સુખી નથી થઈ શકતા. પોતાની પાસે કરોડો કે અબજો રૂપિયા હોવા છતાં પિતાની મિલકતનો ભાગ લેવા માટે અથવા તો પિતાની મિલકત પડાવી લેવા માટે સગા ભાઈ કે સગી બહેનને કોર્ટમાં ઘસડી જતા હોય એવા શ્રીમંત માણસોના કિસ્સાઓનું રિપોર્ટિંગ પણ મેં કર્યું છે.
એનાથી વિપરીત, કોઈ મધ્યમવર્ગી માણસ પોતાનો ભાઈ મુશ્કેલીમાં આવે ત્યારે પોતાની ફિક્સ્ડ ડિપોઝિટ તોડીને કે પત્નીનાં ઘરેણાં વેચીને ભાઈને મદદ કરી હોય એવા કિસ્સા પણ મેં જોયા છે.
આપણ વાંચો: ફોક્સ : ક્યાં ગઇ કેનેડીની હત્યાની સાક્ષી રહસ્યમય ‘બાબુશ્કા’ લેડી..?
સાર એ છે કે કોઈ આર્થિક રીતે સફળ માણસની આપણે ઈર્ષા કરતા હોઈએ કે એ કેટલો સુખી છે કે એનું કુટુંબ કેટલું સુખી છે. એ વખતે આપણે ખોટા હોઈ શકીએ છીએ. એનાથી વિપરીત-કોઈ માણસ આર્થિક રીતે સફળ ન થયો હોય અને આપણે તેની દયા ખાતા હોઈએ ત્યારે પણ આપણે ખોટા હોઈ શકીએ છીએ. સુખ અને સફળતા બંને જુદાં-જુદાં છે. સફળ માણસ સુખી હોઈ શકે છે, પણ દરેક સફળ માણસ સુખી હોય જ એ જરૂરી નથી અને સુખી હોય એ માણસ સફળ જ હોય એવું પણ નથી.