ઉત્સવસ્પોર્ટસ

સુખનો પાસવર્ડ: યાદ રાખીએ કે એક દિવસ અહીંથી વિદાય થવાનું છે…

-આશુ પટેલ

થોડા દિવસો અગાઉ ગુજરાતનો એક કિસ્સો જાણવા મળ્યો હતો, જેમાં એક સરકારી અધિકારીનો એના પરિચિત સાથે ઝઘડો થઈ ગયો. એ પછી અધિકારીએ એના પરિચિતને ધમકી આપી હતી કે ‘તને ખબર નથી કે મારો શું પાવર છે? હવે હું તને ખબર પાડી દઈશ કે હું કોણ છું? હું તને તારી ઓકાત બતાવી દઈશ…’ વગેરે, વગેરે…

એ કિસ્સો જાણીને પેલા અધિકારીની દયા આવી હતી કે એ કેટલો નાનો માણસ હશે કે ‘હું કૈંક છું’ એવા ભ્રમમાં જીવી રહ્યો છે, પોતાની જાતને ખૂબ વધુ પડતું મહત્ત્વ આપી રહ્યો છે. પૃથ્વી પર કંઈક લોકો આવે છે અને કંઈક લોકો જાય છે. પૃથ્વી પર આવનારા દરેક મનુષ્યએ એક વખત તો અહીંથી જવાનું છે તે તો નિશ્ર્ચિત જ છે, છતાં ઘણા માણસ અહંકારનો બોજ લઈને જીવતા રહે છે.

યુધિષ્ઠિરે યક્ષના સવાલના જવાબમાં કહ્યું હતું કે ‘દુનિયાનું સૌથી મોટું આશ્ર્ચર્ય એ છે કે માણસ સ્વજનને સ્મશાને વળાવીને પાછો આવે પછી પણ એ રીતે જીવવા માંડે છે કે જાણે મૃત્યુનું અસ્તિત્વ જ ન હોય!’
મોટા ભાગના લોકો એ જ રીતે જીવતા હોય છે જાણે અહીંથી જવાનું નથી અને એ આવા અહંકાર સાથે બીજા લોકોને ધમકાવતા હોય છે-નડતા હોય છે-કનડતા હોય છે. એમને એવું હોય છે કે અમે સર્વસત્તાધીશ છીએ અમારી પાસે પાવર છે, પરંતુ રાજાઓ કે મહારાજાઓ કે આજના સમયમાં પ્રધાનો કે વડા પ્રધાનો કે રાષ્ટ્રપ્રમુખોએ પણ એક વખત અહીંથી જવાનું હોય છે એ નિશ્ર્ચિત છે.

આમ છતાં ઘણા જડ બુદ્ધિના લોકો પોતાની એવી માનસિકતા સાથે જીવી જતા હોય છે કે જ્યાં સુધી આ સૃષ્ટિનું અસ્તિત્વ છે ત્યાં સુધી અમારું અસ્તિત્વ છે, પરંતુ જેવા સત્તાસ્થાનેથી ઊતરે પછી એમની દયનીય સ્થિતિ થતી હોય છે.
થોડા સમય અગાઉ બીજી પણ એક ઘટના ખૂબ વાયરલ થઈ હતી, જેમાં બે જૂના મિત્રો વચ્ચેની વાત હતી. એક જૂના મિત્રએ સરકારી અધિકારી બનેલા એના મિત્રને કોલ કર્યો અને પૂછયું: ‘કેમ છે તું?’

આ સાંભળીને પેલો સરકારી અધિકારી ભડકી ગયો. કહ્યું: ‘મોં સંભાળીને વાત કરજે, હવે તારે મને ‘સાહેબ’ કહીને બોલાવવો પડે. હવે હું સરકારી અધિકારી છું. હવે હું કોઈ નાનો માણસ નથી એટલે તું મને તુંકારે ન બોલાવી શકે.’
જૂના મિત્રએ જવાબ આપ્યો: ‘તું સરકારી અધિકારી છે, પણ આપણે મિત્રો છીએ એટલે મેં તને તુકારે બોલાવ્યો, કારણ કે મને દાયકાઓથી તને તુકારે બોલાવવાની આદત છે.’

જોકે પેલો સરકારી અધિકારી વધુ રોષે ભરાયો: ‘મારી સાથે વાત કરવી હોય તો ‘સાહેબ’ કહીને સંબોધન કરવાનું!’
આ અગાઉ એક મહિલા આઈપીએસ અધિકારીએ પણ પત્રકારોને ખખડાવી નાખ્યા હતા. કોઈ પત્રકારે એને ‘બહેન’ કહીને સંબોધન કર્યું એટલે ગુસ્સે થઈ ગયાં : ‘મને ‘સર’ સંબોધન કરીને બોલાવવી પડશે તમે મને બહેન ન કહી શકો!’

આવા લોકો વિશે જાણીને મનમાં ગુસ્સો ન જાગે, પરંતુ કરુણા જાગે છે કે આ બિચારાઓ કેવી માનસિકતા સાથે જીવે છે – જીવતા હશે. આ સંદર્ભમાં ઓશોએ કહેલી એક વાત જાણવા જેવી છે. આગળના શબ્દો ઓશોના છે:
એક યહૂદી મિત્ર જે જર્મનીથી ભારતની યાત્રાએ આવેલા એમણે મને એક વાત કરેલી. મને એ એવું કહી રહ્યા હતા કે માણસ પોતાનાં કપડાંથી પણ ઉપર નથી જઈ શક્યો, આત્માની વાત તો દૂર રહી.

એમણે એક ઘટના સંભળાવી. હિટલરના જમાનામાં એ જર્મનીની એક જેલમાં કેદ હતા. યહૂદીઓની હિટલરે હત્યાઓ કરી હતી. રોજના પાંચસો યહૂદીઓની હત્યા કરવામાં આવતી. એકલા હિટલરે વીસ લાખ યહૂદીઓને માર્યા. પાંચસો યહૂદીઓની રોજ, નિયમિત હત્યા કરવાની યોજના હતી.

એ પણ યહૂદી હતા. એને પણ પકડી લેવામાં આવ્યો. એ કેવળ સંયોગની વાત હતી કે એ બચી ગયો, કારણ કે, છેલ્લા દિવસોમાં એ પકડાયેલો. મૃત્યુની યાદી લાંબી હતી અને યુદ્ધ સમાપ્ત થઈ ગયું. એમણે મને કહ્યું કે: જ્યારે મને પહેલી વાર લઈ જવામાં આવ્યો ત્યારે મારી સાથે બે હજાર યહૂદી હતા.

અમને લોકોને જેલમાં લઈ જઈને સૌપ્રથમ કામ અમારાં બધાં જ કપડાં છીનવી લેવાનું કરવામાં આવ્યું. અમને નગ્ન બનાવી દેવામાં આવ્યા. પછી અમારી મૂછો મૂંડી નાખી, અમારા તમામ વાળ સાફ કરી નાખવામાં આવ્યા. અને એ વખતે હું એટલો બધો ગભરાઈ ગયો હતો….બે હજાર નગ્ન માથાં મૂંડેલા લોકોમાં હું કોણ છું એ ઓળખવું મુશ્કેલ બની ગયું… જે મારા મિત્ર હતા, એ પણ કોણ છે તેનો ખ્યાલ આવતો નહોતો, પોતાને અરીસામાં જોઈને શક પડવા માંડ્યો: ‘આ હું જ છું?’

એ પછી ઓશોએ ટિપ્પણી કરી હતી કે ‘કપડાં અને કપડાં એટલે મારું કહેવાનું તાત્પર્ય બીજી ઘણી વાતો સાથે છે. જે કપડાં આપણે પહેરીએ છીએ. એ કપડાં તો છે, પણ આપણે જે બીજાં પ્રકારનાં કપડાંઓ પણ પહેરી રાખ્યાં છે – એ છે પદોનાં, પદવીઓનાં, વંશોનાં, નામોનાં, પરિવારોનાં તે પણ બધાં આપણાં કપડાં છે તે પણ આપણે ઓઢી રાખ્યાં છે.’

સાર એ છે કે માણસ જે પણ બને તે… તે નેતા બને, ફિલ્મસ્ટાર બને, પોલીસ અધિકારી બને કે પછી રાજકારણી બને – પ્રધાન બને કે વડા પ્રધાન બને એણે એ યાદ રાખવું જોઈએ કે છેવટે એ એક માણસ જ છે અને તે થોડા દાયકાઓ માટે અહીં આવ્યો છે એણે એક દિવસ અહીંથી વિદાય થવાનું છે. દરેક માણસે એ રીતે જ જીવવું જોઈએ કે એણે એક દિવસ અહીંથી વિદાય થવાનું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button