સુખનો પાસવર્ડ : ફરિયાદ ઓછી કરો ને સંજોગો સામે ઝઝૂમો વધુ!

-આશુ પટેલ
લેખ: થોડા સમય અગાઉ એક યુવાને મારા એક પરિચિત પાસેથી મારો મોબાઈલ ફોન નંબર મેળવીને સંપર્ક કર્યો. એણે કહ્યું, ‘મારું કુટુંબ ગરીબ છે એટલે મને ભણવાની બહુ તક મળી નથી. મારાં માતા-પિતા કોચિંગ ક્લાસની ફી ભરી શકે એમ નહોતાં. મને ઉચ્ચ અભ્યાસ માટે બહાર પણ મોકલાવી શકે એમ નહોતાં એટલે હું ગ્રેજ્યુએટ થયા પછી આગળ ન ભણી શક્યો, પણ મને તક મળે તો હું ઘણું કરી શકું એમ છું.’
એ યુવાને બીજી પણ ઘણી હૈયાવરાળ ઠાલવી. એ કહે: ‘મારે કશો વ્યવસાય કરવો હોય તોપણ હું એ દિશામાં વિચારી શકું એમ નથી. મારા પિતા આર્થિક રીતે નિષ્ફળ સાબિત થયા એની સજા મને મળી રહી છે!’ એ યુવાનની આવી માનસિકતાને કારણે મને એના પર દયા પણ આવી ને અકળામણ પણ થઈ. પરિચિતે મને કહ્યું હતું કે ‘એ યુવાન આર્થિક રીતે પગભર નથી થયો, પણ એણે લગ્ન કરી લીધાં છે! પત્ની ગર્ભવતી છે એટલે એના પિતાએ એને કહ્યું કે કોઈ નાની-મોટી નોકરી લઈ લે, પણ પેલો યુવાન કહે છે કે મને પસંદ નહીં હોય એવી નોકરી નહીં કરું.’
મેં પહેલાં તો પેલા યુવાનને કહ્યું કે ‘તું તારા પિતા વિશે વાત કરે છે એવી જ વાત તારું સંતાન તારા વિશે નહીં કરે? એ નહીં કહે કે ‘મારા પિતા આર્થિક રીતે નિષ્ફળ સાબિત થયા એની સજા મને મળી રહી છે?’ યુવાને તરત જ જવાબ આપ્યો: ‘એટલે જ મારે કશુંક કરવું છે. મને ક્યાંક સારી નોકરી અપાવો અથવા તો ધંધો કરવા માટે કોઈ આર્થિક મદદ કરે કે મારા ધંધામાં રોકાણ કરે એવો કોઈ માણસ શોધી આપો.’
‘હું તને મદદરૂપ બનવાની કોશિશ ચોક્કસ કરીશ, પણ એ પહેલાં તો તારે પોતે પોતાને મદદ કરવી પડશે. તારી માનસિકતા બદલાવ. પિતાની આર્થિક નિષ્ફળતાની અને બીજી બધી ફરિયાદો કરવાનું બંધ કર અને સારા પગારની નોકરી શોધવાને બદલે ક્યાંકથી શરૂઆત કર, નહીં તો તું ‘ભાભીજી ઘર પર હૈ’ ટીવી સિરિયલનો બેકાર વિભૂતિ નારાયણ મિશ્રા જેમ ‘પોતે છપરા યુનિવર્સિટીનો ટોપર છે એટલે અમુક લેવલથી નીચેનું કામ ન જ કરી શકે’ એવા ભ્રમમાં રખડતો રહે છે એમ તું પણ બેકાર જ રખડતો રહીશ! આપણા દેશમાં કરોડો ગ્રેજ્યુએટ બેકાર ફરી રહ્યા છે. એમાંના કેટલાક તો માસ્ટર ડિગ્રી મેળવ્યા પછી રેલવે સ્ટેશન પર જૂતાં પૉલિશ કરવાનું કામ કરી રહ્યા છે તો કોઈ ટૅક્સી ડ્રાઈવર તરીકે કામ કરી રહ્યા છે અને એ કામ કરતાં-કરતાં યોગ્ય તક શોધી રહ્યા છે કે આગળ અભ્યાસ કરી રહ્યા છે. સફળ થયેલા બધા માણસો કંઈ શ્રીમંત કુટુંબોમાંથી નથી આવતા હોતા.’ મેં એ યુવકને વિસ્તારથી સમજાવ્યો.
એ પછી મેં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનનો એક કિસ્સો કહ્યો. સંઘર્ષને કારણે ધીરજ ગુમાવી રહેલા યુવાનોએ તો અબ્રાહમ લિંકનના જીવન વિશે ખાસ જાણવું જોઈએ. લિંકને કિશોરાવસ્થામાં અને યુવાનીમાં તો ઠીક મોટી ઉંમર સુધી ખરાબ આર્થિક સંજોગોનો સામનો કરવો પડ્યો હતો. એ વકીલ બનવા માટે લૉનો અભ્યાસ કરી રહ્યા હતા એ સમયમાં પણ એમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. એ કાનૂનનાં પુસ્તકો વાંચવા માગતા હતા, પણ એમની પાસે પુસ્તકો ખરીદવાના પૈસા પણ નહોતા. એ સમયમાં એમને ખબર પડી કે એક ન્યાયાધીશ નિવૃત્ત થઈને એમના ગામથી થોડે દૂરના ગામમાં રહેવા આવ્યા છે. એમની પાસે કાનૂનનાં પુસ્તકોની લાઇબ્રેરી છે. લિંકને એમની પાસે જઈને પુસ્તકો વાંચવા આપવા માટે મદદ માગવાનું નક્કી કર્યું.
લિંકન તે નિવૃત્ત ન્યાયાધીશના ગામે જવા નીકળ્યા. ત્યાં સુધી પહોંચવા વચ્ચે એક મોટી નદી પાર કરવી પડે એમ હતી. એક નાની હોડીમાં બેસીને એ નદી પાર કરી રહ્યા હતા એ વખતે હોડી એક મોટા પથ્થર સાથે ટકરાઈ ને હોડીમાં પાણી ભરાવા લાગ્યું. હોડી ડૂબવા માંડી. લિંકનને તરતાં આવડતું હતું. એ તરત જ ડૂબી રહેલી હોડીમાંથી કૂદી પડ્યા અને નદીના સામા કાંઠા તરફ તરવા લાગ્યા.
શિયાળાના એ દિવસો હતા નદીનું પાણી બરફ જેવું ઠંડું હતું, પણ એની પરવા કર્યા વિના લિંકન સામા કાઠે પહોંચી ગયા અને પછી શિયાળાની કડકડતી ઠંડીમાં ભીનાં કપડાં અને ઉપરથી ફૂંકાઈ રહેલા પવનમાં એ પેલા નિવૃત્ત ન્યાયાધીશના ઘરે પહોંચ્યા. એમણે ન્યાયાધીશને વિનંતી કરી કે ‘મહેરબાની કરીને મને તમારી લાઇબ્રેરીનાં પુસ્તકો વાંચવા આપો. એના બદલામાં હું તમારા ઘરનાં કામ કરી આપીશ…’ એ પછી લિંકન પેલા ન્યાયાધીશના ઘરનાં બધાં કામો કરવા લાગ્યા. ઘરની સાફસફાઈથી માંડીને રસોઈ માટે નજીકના જંગલમાંથી લાકડાં કાપી આપવા સહિતનાં કેટલાંય કામ એ કરતા. બદલામાં તેમને નિવૃત્ત ન્યાયાધીશની લાઇબ્રેરીનાં પુસ્તકો વાંચવાની સુવિધા મળી.. આ રીતે કાનૂનનાં પુસ્તકોનો અભ્યાસ કરીને લિંકન થોડાં વર્ષો પછી લૉની ડિગ્રી મેળવીને વકીલ બન્યા.
ઘણા લોકો સાધનોના અભાવની વાતો કરતા રહે છે. એમણે અબ્રાહમ લિંકનના જીવનનો આ કિસ્સો નજર સામે રાખવો જોઈએ. દૃઢ સંકલ્પ હોય તો માણસને સાધનોનો અભાવ નથી નડતો. બાકી ફરિયાદ કરતાં રહે એવા લોકોની જિંદગી રોદણાં રડવામાં જ વેડફાઈ જતી હોય છે. ફરિયાદો કરવાને બદલે સંજોગો સામે ઝઝૂમતાં શીખવું જોઈએ.