સાત ખોટનું સંતાન, સાત સાંધતાં તેર તૂટે
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી
આંકડાને માત્ર ગણિત સાથે સંબંધ નથી હોતો. માનવ જીવન સાથે પણ એનું જોડાણ છે. વિદેશમાં લકી – અનલકી નંબરની મોટી માયાજાળ છે. આપણી સંસ્કૃતિમાં ત્રણ, પાંચ અને સાત શુભ સંખ્યા માનવામાં આવે છે. હાલ જુલાઈ મહિનો ચાલી રહ્યો છે, કેલેન્ડરમાં આ સાતમો મહિનો હોવાથી અને આજે સાત તારીખ હોવાથી આપણે સાતના અંકનો મહિમા જાણીએ. હિન્દુ લગ્નવિધિમાં સપ્તપદી અગત્યની ક્રિયા છે. વરક્ધયા સાત પગલાં ભરે છે. સાત ફેરા ફરવામાં આવે ત્યારે સાત સોપારી મૂકવામાં આવે છે. સંગીતના સ્વરની સંખ્યા પણ સાત છે – સપ્તસૂર. સમુદ્ર પણ સાત હોવાની માન્યતા છે: ક્ષીરોદધિ (દૂધનો સમુદ્ર), ઇક્ષુરસોદધિ (ઇક્ષુ એટલે શેરડી – શેરડીના રસ જેવું મીઠું પાણી હોવાની માન્યતા ધરાવતો સમુદ્ર), સુરોદધિ (સુરાનો સમુદ્ર), ઘૃતોદધિ (ઘૃત એટલે ઘી – ઘીનો સમુદ્ર, એના પાણીમાં ઘીનું સત્વ હોવાની માન્યતા છે) દધિમંડોદધિ (દહીંનો સમુદ્ર), શુદ્ધોદધિ (મીઠા પાણીનો સમુદ્ર)અને ક્ષારોદધિ (ખારો સમુદ્ર). હિન્દી ફિલ્મનું ગીત છે ને ‘સાત સમુંદર પાર મૈં તેરે પીછે પીછે આ ગઈ.’ સાત ખોટનું સંતાન એટલે ઘણું જ વહાલું. સાત દીકરીઓ પછી ઘણી માનતાએ એક જ દીકરો થયો હોય તો તે સાત ખોટનો દીકરો ગણાય છે. સાત ગળણે ગાળીને પાણી પીવું એટલે ખૂબ જોઈ વિચારીને પગલું ભરવું, બધી શક્યતાઓ ચકાસી લેવી. સાત ગાઉના નમસ્કાર એટલે લાંબું અંતર રાખવું, જરાપણ સંબંધ ન રાખવો. સાત ઘર ગણવાં એટલે અલગ અલગ ઘેર નિરર્થક ભટકવું. સાત સાંધતા તેર તૂટે એટલે આવક કરતાં ખર્ચ વધી જવું.
અનેક શબ્દો માટે એક શબ્દ
ભાષાની ભવ્યતા અને વૈભવ વ્યક્ત કરતી અનેક શબ્દો માટે એક શબ્દની સફર આજે આગળ વધારીએ. આપણે ત્યાં બાળકના જન્મ તુરંત બાદ જે કેટલીક બાબતે અગ્રતાક્રમ આપવામાં આવ્યો છે એમાંની એક બાબત છે તાજા જન્મેલા બાળકને આપવામાં આવતું વિશિષ્ટ પ્રવાહી. આ માટે એક શબ્દ છે ગળથૂથી. એવી પણ માન્યતા છે કે ગળથૂથી પીવડાવનારી વ્યક્તિનાં લક્ષણો – સ્વભાવનો અંશ બાળકમાં ઊતરી આવે. ઘરમાં ખાસ કરીને પુરુષ વર્ગને અમુક વસ્તુ જોઈએ ત્યારે તરત મળી જાય કે હાથ લાગે એવી ઈચ્છા હોય છે. એના માટે હાથવગી શબ્દ છે. આ શબ્દમાં સ્વામિત્વ સંબંધ જોવા મળે છે. સમજણા થયા પછી જો બાળપણનો અમુક સમય ગામડામાં વિતાવ્યો હશે તો પથ્થર અને ઢેફાં ફેંકવાના સાધનથી જરૂર રમ્યા હશો. આ સાધન ગોફણ તરીકે ઓળખાય છે. ગોફણનો ઉપયોગ પ્રાચીન કાળથી લડાઈ વખતે કરવામાં આવતો. સિકંદર લડાઈ પ્રસંગે ગોફણ વડે લશ્કરને લડાવતો હતો એવું માનવામાં આવે છે. મંદિરમાં સાંજની આરતી માટેનો સમય ઝાલરટાણું તરીકે ઓળખાય છે.
CONTRARY PROVERBS
ભાસ – આભાસ મનુષ્ય જીવનની લાક્ષણિકતા છે. અલબત્ત ક્યારેક વિરોધાભાસ પણ જીવનમાં જોવા મળે છે, આયુષ્યને રસપ્રદ બનાવે છે. જુવાન એ ભાસ (દેખાવ) છે, જ્યારે જુવાન ડોસો વિરોધાભાસ છે. એક એવી રજૂઆત જેમાં ગહન રીતે સત્ય છુપાયેલું હોય છે. અંગ્રેજીમાં Contradiction – Paradox જેવા શબ્દો એને ચરિતાર્થ કરે છે. આજે આપણે વિરોધાભાસ ધરાવતી કહેવતો – રૂઢિપ્રયોગથી પરિચિત થઈએ. All good things come to those who wait. રાહ જોનાર સાથે સૌ સારાં વાનાં થાય એ એનો ભાવાર્થ છે. તમને ગુજરાતી કહેવત ‘ધીરજનાં ફળ મીઠાં’ કહેવત યાદ આવી જ ગઈ હશે. જોકે, અંગ્રેજીમાં જ વિરોધાભાસ ધરાવતી કહેવત પણ છે કે Time and tide wait for no man. સમય અને અવસર કોઈની રાહ નથી જોતા. અહીં રાહ નહીં જોવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. વિરોધાભાસી યુગ્મનું બીજું ઉદાહરણ જોઈએ. Clothes make the man, માણસના વસ્ત્રો એની ઓળખાણ નક્કી કરે છે. સાદો પહેરવેશ માણસની આર્થિક સ્થિતિ ઓકે બતાવે છે જ્યારે બ્રાન્ડેડ ક્લોથ્સ આર્થિક સધ્ધરતાનો નિર્દેશ કરે છે. એના વિરુદ્ધ ભાવની કહેવત છે કે Never judge a book by its cover. પુસ્તકની પરખ એના આવરણના આધારે ન કરવી. મતલબ કે બાહ્ય દેખાવથી વ્યક્તિના અસલી વ્યક્તિત્વનો અંદાજ ન બાંધી લેવો જોઈએ એવી શિખામણ આપવામાં આવી છે. સાહિર લુધિયાનવીના એક ગીતની પંક્તિઓ યાદ આવે છે કે ‘દાન કી ચર્ચા ઘર ઘર પહુંચે, લૂટ કી દૌલત છૂપી રહે, નકલી ચેહરા સામને આએ, અસલી સૂરત છૂપી રહે.’ કેવી ચોટદાર વાત. અંગ્રેજીની એક બહુ જાણીતી કહેવત છે કે Don’t cross your bridges before you come to them. આવતી કાલની સંભવિત સમસ્યાનો વિચાર આજે કરી દુઃખી ન થવું એ આ કહેવતનો ભાવાર્થ છે. સાત પેઢી ખાઈ શકે એટલું ભેગું કરી લેતા ધનવાનોને આ કહેવતમાં જરાય શ્રદ્ધા નહીં હોય. જોકે, સાથે એવી પણ કહેવત છે કે Forewarned is forearmed. સંભવિત ખતરાની કે મુશ્કેલીની આગોતરી જાણ હોય તો એનો સામનો કરવા સજ્જ રહી શકાય એ ભાવાર્થ અહીં છે. ચેતતો નર સદા સુખી જેવી જ વાત થઈ ને.
गुजराती प्रयोग हिंदी में
ગુજરાતી પ્રયોગ હિન્દીમાં જાણવાથી જ્ઞાનમાં ઉમેરો તો થાય જ છે, પણ સાથે સાથે આ સૌંદર્યને કારણે ભાષા માટેની પ્રીતિમાં પણ વધારો થાય છે. સફરને આગળ વધારીએ. કોઈ કામ ખૂબ ધીમી ગતિએ થતું હોય અને આ કેમેય પૂરું ન થાય એવી લાગણી થાય ત્યારે કામ ગોકળગાય ગતિએ આગળ વધે એમ કહેવાય છે. ગોકળગાય (અંગ્રેજીમાં સ્નેલ) એવું પ્રાણી છે જે અત્યંત મંદ ગતિએ આગળ વધતું હોય છે. આ વાત હિન્દીમાં नौ दिन चले अढ़ाई कोस સ્વરૂપમાં નજરે પડે છે. એક કોસ એટલે આશરે ત્રણેક માઈલનું અંતર. અઢી કોસ એટલે અંદાજે સાત – સાડા સાત કિલોમીટર થાય. આટલું અંતર પગપાળા કાપવા માટે વધુમાં વધુ પાંચ કલાક લાગી શકે. એક દિવસથી વધારે તો કોઈ કાળે નહીં. હવે એ અંતર કાપતા જો નવ દિવસ લાગે તો એ ગતિ કેટલી મંદ, કેટલી ધીમી, કેટલી સુસ્ત હશે એ સમજાઈ જાય છે. સંસારમાં કેટલાક લોકો એવા હોય છે જે મૂલ્યવાન અને મૂલ્યહીન વચ્ચેનો ફરક નથી સમજતા. સોનાને પણ પિત્તળ સમજી બેસતા આ લોકો માટે ખોળ અને ગોળ સરખા હોય છે. આ વાત હિન્દીમાં सब धान बाईस पसेरी તરીકે હાજર છે. પસેરી એટલે પાંચશેરી. જરૂરિયાત સમજ્યા વિના બધા ધાન્ય સરખા તોલમાપના લઈ લેવા એ સારા – નરસા કે યોગ્ય – અયોગ્યનો ભેદભાવ નહીં સમજી શકવાની વાત છે.
विलक्षण भाषा
પ્રત્યેક ભાષાના પોતીકા ભપકો – વૈભવ હોય છે, એની લાક્ષણિકતા હોય છે. ગુજરાતીની સગી બહેન જેવી મરાઠીમાં પણ આ વાત સુપેરે નજરે પડે છે. સમાન શાબ્દિક અર્થ ધરાવતા એવું કેટલાક શબ્દો છે જેના વપરાશ પરથી એના અર્થમાં રહેલી બારીકી પર ધ્યાન પડે છે. એ સમજ્યા પછી ભાષાને વંદન કરવાનું મન થાય છે. ઉદાહરણ તરીકે रस्ता – मार्ग. જોઈ શકાય છે કે બંનેનો એક જ અર્થ થાય, રસ્તો. જોકે, સૂક્ષ્મ ભાવમાં થોડું અંતર છે. जो कसाही जाऊ शकतो तो रस्ता. જે સીધો, ડાબે વળાંક, રાઈટ ટર્ન વગેરે પ્રકારથી આગળ વધતો રહે એ રસ્તો. रस्त्यावर न चालता पाऊलवाट वर चालणं नागरिकाचं कर्तव्य आहे. રસ્તા પર ચાલવાને બદલે ફૂટપાથ પર ચાલવું દરેક નાગરિકની ફરજ છે. जो ध्येयाकडे नेतो तो मार्ग. ધ્યેય તરફ લઈ જાય એ માર્ગ. स्वातंत्र्य मिळवण्यासाठी गांधीजीने पसंत केलेला मार्ग काही लोकांना आवडला नव्हता. સ્વાતંત્ર્ય મેળવવા ગાંધીજીએ અપનાવેલો માર્ગ અમુક લોકોને પસંદ નહોતો. અહીં ધ્યેય સાકાર કરવા માટે માર્ગનો અર્થ સમજાય છે. બીજું ઉદાહરણ જોઈએ. खरं – सत्य. પહેલી નજરે તો કોઈ ફરક નહીં દેખાય. બંનેમાં સત્યની તો વાત છે, તમે દલીલ કરી શકો છો. તમારી રજૂઆત ખોટી નથી, પણ સૂક્ષ્મ ફરક છે. बोलणं खरं असतं. જે બોલાય એ ખોટું ન હોય તો ખરું હોય. समुद्राचं पाणी खारट असतं हे खरं आहे. દરિયાનું પાણી ખારું હોય છે એ સાચી વાત છે. सत्याला सोबत पुरावा जोडावा लागतो. સત્ય સાબિત કરવા પુરાવો આપવો પડે છે. आपल्या प्रयोगाची सत्यता सिद्ध करायला वैज्ञनिकाना पुरावे जोडावे लागतात. પોતાના પ્રયોગોની સત્યતા સાબિત કરવા વૈજ્ઞાનિકોએ પુરાવા આપવા પડે છે.