ઉત્સવ

મનુષ્યનું નવું ભવિષ્ય: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

ટૅક્નોલોજી -પ્રભાકાંત

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) મનુષ્યનું ભવિષ્ય બનવા જઈ રહ્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. થોડા સમય પહેલા આપણે જેના વિશે પેપરમાં વાંચતા હતા અને ચર્ચાઓ દ્વારા શીખતા હતા એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી ધીમે ધીમે આગળ વધવા લાગી છે. ઈન્ટરનેટ પર માહિતી શોધવાનું હોય કે પછી ફેસ રેકગ્નિશનની મદદથી તમારા સ્માર્ટફોનનું સ્ક્રીન લોક અનલોક કરવાનું હોય, આ તમામ કાર્યો સામાન્ય માણસ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સરળતાથી કરવા લાગ્યો છે. ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે આવાં ઘણાં કામોમાં આપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સહારો લઇ કરી શકીએ છે.

હવે તમામ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ થવા લાગ્યો છે. વિવિધ રોગોનાં કારણો, તેના માટેના ઉપાયો શોધવા, હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવા, ભૂકંપ કે અન્ય કુદરતી આફતોની અગાઉથી આગાહી કરવા, બાંધકામ ક્ષેત્રે શહેરોનું આયોજન, પાણી પુરવઠા વ્યવસ્થાનું આયોજન, ફેક્ટરીઓમાં ઉત્પાદનમાં સરળતા અને ચોકસાઇ લાવવા, ખેલાડીઓને તેમની રમતગમત અને ફિટનેસ સુધારવામાં મદદ કરવા…અને આવા અસંખ્ય ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદ કરે છે. ભવિષ્યમાં આ વપરાશ હજુ વધશે. આ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે એલ્ગોરિધમ બનાવતા કોમ્પ્યુટરની સંખ્યા પણ વધશે. આ ઉપયોગ માટે જરૂરી ઊર્જા શું આપણે પૂરી પાડી શકીશું? આ પ્રશ્ર્ન અત્યારે વિશ્ર્વની સામે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ એક પ્રોગ્રામ છે. તેને તૈયાર કરવા માટે, તેના ઉપયોગની યોજના બનાવવા માટે ઘણા કમ્પ્યુટર્સની જરૂર છે. આ કોમ્પ્યુટરો ઘણી વીજળીનો વપરાશ કરે છે. એક અંદાજ મુજબ ૨૦૨૭ સુધીમાં નેધરલેન્ડ જેવા મોટા દેશ જેટલી વીજળીનો ઉપયોગ કરે છે, તેટલી વીજળી આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ખર્ચ થશે. વિશ્ર્વમાં ૯ થી ૧૨ હજાર ડેટા સેન્ટર્સ છે, જે આ પ્રોગ્રામ બનાવે છે અને જાળવે છે. મોટા વેરહાઉસના કદના આ ડેટા સેન્ટરમાં બારીઓ હોતી નથી. અહીં એઆઇની હિલચાલ માટે સુપર કોમ્પ્યુટરનો મોટા પાયે ઉપયોગ કરવો પડે છે. આ કોમ્પ્યુટરો ઘણી ગરમી પણ ઉત્પન્ન કરતા હોવાથી તેને ઠંડું રાખવા માટે હંમેશાં એસીનો ઉપયોગ કરવો પડે છે.

ઘણા ખરા ડેટા સેન્ટર નદીઓ અથવા તળાવોની નજીક બાંધવામાં આવે છે. જેને કારણે આ કેન્દ્રોને ઠંડું રાખવા માટે પાણીનો પુરવઠો ઉપલબ્ધ થઈ રહે એવો દાવો કરવામાં આવે છે. જો કે, આ વિષયના સંશોધકો એ હકીકત તરફ ધ્યાન દોરે છે કે આ પાણીને પમ્પ કરવા માટે વપરાતા પંપમાં પણ વિપુલ પ્રમાણમાં વીજળીનો વપરાશ થાય છે. સંશોધકોના મતે, વિશ્ર્વના વીજળીના બજેટનો ૮ થી ૧૦ ટકા હિસ્સો માત્ર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે જ વપરાય છે, જે અત્યંત ગંભીર બાબત છે. તે જ સમયે, આખું વિશ્ર્વ આબોહવા પરિવર્તન અને તેને કારણે ઉદ્ભવનારી કટોકટી સાથે ઝઝૂમી રહ્યું હોવાથી આ વધતી ગરમી અને મોટા પ્રમાણમાં ઊર્જાનો વપરાશ બંને ચિંતાજનક છે.

વિશ્ર્વ પહેલેથી જ કાર્બન ઉત્સર્જનને કારણે નિર્માણ થતી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આવા સમયે, આ બધી ગ્રીન એનર્જી અથવા સોલર એનર્જી, રિન્યુએબલ એનર્જીના માધ્યમ દ્વારા ઉપલબ્ધ થવી જોઈએ, એવું ઘણાં સંશોધકો અને પર્યાવરણ નિષ્ણાતો ભારપૂર્વક કહે છે. વીજળીની આ જરૂરિયાતને પહોંચી વળવા માટે કેટલાક સંશોધકો થર્મલ એનર્જી અને ન્યુક્લિયર એનર્જીના વિકલ્પો પણ લઈને આવ્યા છે. કેટલાક મોટાં ડેટા સેન્ટરો પાસે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે પણ ગંભીર વિચારણા ચાલી રહી છે. કેટલાક સંશોધકો તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આ સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

માનવ જીવનને સરળ, સ્વસ્થ અને વધુ આનંદપ્રદ બનાવવા બદલાતી ટેક્નોલોજી સાથે તાલમેલ રાખવો ચોક્કસપણે જરૂરી છે, પરંતુ સાથે સાથે આપણને જીવન આપતી આ કુદરતની, આ પૃથ્વીની કાળજી લેવી પણ એટલી જ
જરૂરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button