ઉત્સવ

જીવનનું સંગીત સ્વીકાર-નકારના નગારાં

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ:
ના’ કહેવામાં હિંમત ને કિંમત છે. (છેલવાણી)
એક વૈજ્ઞાનિક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક એણે જોયું તો એક દેડકો એને બોલાવી રહ્યો હતો. દેડકાએ કહ્યું, હાઈ, હેન્ડસમ! જો તું મને કિસ કરશે તો હું સુંદર રાજકુમારી બની જઈશ.’
વૈજ્ઞાનિકે દેડકાને ઉપાડીને એના ખિસ્સામાં મૂકી દીધો. દેડકાએ ફરી કહ્યું, અરે, સંભળાયું? જો, તું મને કિસ કરશે તો હું દેડકામાંથી સુંદર રાજકુમારી બની જઈશ ને એક અઠવાડિયા માટે તારી ગર્લફ્રેન્ડ બનીને રહીશ.’
વૈજ્ઞાનિકે ખિસ્સામાંથી દેડકાને કાઢીને સ્મિત આપ્યું અને ખિસ્સામાં પાછો મૂકી દીધો. હવે દેડકાએ રડીને કહ્યું, ચલ, તું કિસ કરીને મને રાજકુમારી બનાવી દઇશ તો પછી તું જે કહેશે એ કરીશ, બસ?’

ફરીથી વૈજ્ઞાનિકે દેડકાને બહાર કાઢીને સ્માઇલ આપીને ખિસ્સામાં મૂકી દીધો.

કંટાળીને દેડકાએ પૂછ્યું: કમાલ છે! મેં કહ્યું કે હું એક સુંદર રાજકુમારી છું. તારી ગર્લફ્રેન્ડ બનીશ. તું જેમ કહેશે એમ હું કરીશ. આનાથી વધારે તને શું જોઈએ છે?’
વૈજ્ઞાનિકે હસીને કહ્યું: જો, હું એક બિઝી વૈજ્ઞાનિક છું. મારી પાસે ગર્લફ્રેન્ડ માટે સમય નથી પણ આવો વાતો કરતો દેડકો મને ટાઇમપાસ માટે ચાલશે!

કથાનો ભાવાર્થ એ જ કે કોઇના અસ્વીકારનો અર્થ એવો નથી કે તમે સારા નથી…પણ તમને ગમે કે ના ગમે, નકાર’ કે અસ્વીકાર’ એ જીવનનું અનિવાર્ય સત્ય છે. તમારી સામે નકારના નગારાં વાગતા હોય ત્યારે તમારે શાંત ચિત્તે એનો સ્વીકાર કરવો જ રહ્યો.

આપણે સૌએ જીવનમાં ક્યારેક તો નકાર’નો સામનો કર્યો જ હશે. આપણે તો શું મહાન કલાકારોએ જીવનમાં વરસો સુધી ના’ જ સાંભળ્યે રાખી હતી.

કિશોરકુમારને આજે સફળ ગાયક અને અભિનેતા તરીકે યાદ કરાય છે પણ શરૂઆતમાં કિશોર, જ્યારે હીરો હતા ત્યારે ગાયક તરીકે સફળ નહોતા. ત્યારે રફી, મુકેશ, તલત, મન્ના ડેનો જમાનો હતો તો નિર્માતાઓ કિશોરકુમારને કહેતા, તમે માત્ર કોમેડી કરો, એક્ટિંગ કરો પણ તમારાં ગીતો તો મન્ના ડે, રફી કે મુકેશ જ ગાશે!’ અને ત્યારે લાચાર કિશોરકુમાર માટે રફી કે મન્ના ડે જેવા ગાયકોએ ગીતોમાં અવાજ આપેલો અને કિશોરે માત્ર હોઠ ફફડાવેલા. આજે જેના અવાજ પર દુનિયા ફિદા છે એ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને પણ ઓલ ઇન્ડિયા રેડિયો’ પરથી ખરાબ અવાજ’ માટે રીજેક્ટ કરવામાં આવ્યા હતા!

ઉર્દૂના મહાન લેખક સાદત હસન મંટો, મેટ્રિકની પરીક્ષામાં ઉર્દૂ ભાષામાં જ નાપાસ થયેલા.રેમ્બો’ જેવી સુપરહિટ ફિલ્મોના હેંડસમ સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોને હોલીવૂડમાં કામ મેળવવા ૧૦૦૦થી વધુ ઓડિશન કે અભિનયની ટેસ્ટ આપેલી. છેવટે સતત નકાર મળતા પોતે જ રેંબો’ જેવી હિટ ફિલ્મ લખી, પ્રોડ્યુસર શોધ્યો અને પોતે જ મેન રોલ મેળવ્યો!
ઈંટરવલ:
તુમ અગર મુઝ કો ન ચાહો તો કોઈ બાત નહીં,
તુમ કિસી ઔર કો ચાહોગી તો મુશ્કિલ હોગી. (સાહિર)
ઝ્યાં અને લુક નામના બે સૈનિક ખાસ મિત્રો હતા. દર રવિવારે રજા મળે એટલે છાવણીથી દૂર જંગલમાં રખડવા જતા. રસ્તામાં નદી પરના પૂલ પાસે બે-ત્રણ મિનિટ ઊભા રહીને પૂલની દીવાલ પરથી ઝૂકીને નદીનું વહેતું પાણી જોતા અને પોતપોતાનાં વતનની સ્મૃતિઓને વાગોળતા. વળી જંગલમાં એમની એક ખાસ જગ્યા પણ હતી ત્યાં જઈને એ લોકો કેંપ-ફાયર કરે ને પછી ઘાસ પર બેસીને દૂરના વિસ્તારોને કલાકો સુધી ચૂપચાપ જોયા કરે.. ક્યારેક તો યુદ્ધ પત્યાં બાદ પ્રેમનાં, લગ્નનાં સપનાંઓ જોયે રાખતા.

દર રવિવારે ત્યાં નજીકના ગામની એક સુંદર છોકરી પણ ઘેટાં-બકરાં ચરાવવા આવતી. બંને સૈનિકને એ છોકરી બહુ ગમતી, પણ બેમાંથી એકેયે ક્યારેય એ વિશે એકબીજાને કહ્યું નહોતું. એ છોકરી બેઉ સાથે બેસીને વાતો કરતી, ગીતો ગાતી ને પછી જતી રહેતી. ત્રણેય આખું અઠવાડિયું રવિવાર આવવાની રાહ જોતા.

એક મંગળવારે લુક છાવણીમાંથી રજા લઈને બહાર ગયો ને રાત્રે મોડો પાછો આવ્યો. ફરી ગુરુવારે પણ લુક, ઝ્યાં પાસેથી થોડા પૈસા ઊછીના લઈને બહાર ગયો અને મોડી રાતે આવ્યો. લુકનું આ વર્તન ઝ્યાંને થોડું વિચિત્ર લાગ્યું.

પછી એક રવિવારે બેઉ જંગલ જવા નીકળ્યા. પણ આજે ઝ્યાંને એનો મિત્ર લુક કંઈક બદલાયેલો લાગતો હતો. બંને મિત્ર હંમેશની જગ્યાએ બેસીને પેલી છોકરીની આવવાની રાહ જોવા લાગ્યા. એટલામાં પેલી છોકરી દોડીને આવી અને લુકના ખભે હાથ વીંટાળીને આવેશમાં ચુંબનો કરવા લાગી. ઝ્યાંની સામે સાવ જોયા વગર જ એ છોકરી, લુકને ગાઢ આલિંગન આપતી રહી.

ઝ્યા મૂઢ બનીને આ બધું જોતો રહ્યો. એનું દિલ તૂટી ગયું. હવે ઝ્યાંને સમજાયું કે લુક અઠવાડિયામાં બે-બે વાર રજા લઈને બહાર કેમ ગયો હતો. ઝ્યાંને ત્યાંથી દૂર ભાગી જઇને ખૂલ્લા આકાશ નીચે મોટેથી પોક મૂકીને રડવાનું મન થયું.

થોડીવારે છોકરીનાં ગયા પછી બેઉ મિત્રો જંગલમાંથી પાછા ફરી રહ્યા હતા. ત્યારે પેલા પૂલ પાસે ઝ્યાં અટકી ગયો ને પૂલની દીવાલ પરથી વધારે પડતું જ ઝૂકવા માંડ્યો.

લુકે પૂછ્યું,અરે, શું કરે છે? પૂલ પર લટકીને પાણી પીવા માગે છે કે શું?’ લુક આટલું બોલે એટલામાં તો ઝ્યાં પૂલ પરથી કૂદીને નદીનાં ધસમસતાં પાણીમાં કૂદી પડ્યો અને નકાર’ના ચકરાવામાં અદ્રશ્ય થઇને હંમેશ માટે ગરકાવ થઇ ગયો.

મોપાંસાની આ વાર્તા આબાદ રીતે કહી જાય છે કે જીવનમાં સૌથી અઘરું છે: પ્રેમમાં નકાર સાંભળવો…’ તમારો પ્રેમપ્રસ્તાવ કોઈને સ્પર્શે કે ના સ્પર્શે એની કોઈ ગેરેંટી નથી. અસ્વીકારનો સ્વીકાર કરવો એ એક અઘરી કળા છે.

એંડ-ટાઇટલ્સ:
આદમ: તું મને છોડી તો નહીં દે ને?
ઈવ: પકડ્યો છે જ ક્યારે?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વૃદ્ધ થતાં આવા દેખાશે આ Bollywood Celebs, Salman Khanને જોઈને તો… Shloka Mehtaનો એ ખાસ ડ્રેસ કે જેનું સુશાંત સિંહ રાજપૂત સાથે છે કનેક્શન… સોનાક્ષી- ઝહિર પહેલા આ ફિલ્મ સ્ટાર્સ કરી ચૂક્યા છે inter caste marriage વડા પાવ વેચીને બની ગઈ સ્ટાર, એક દિવસની કમાણી જાણશો તો…