ઉત્સવ

નાના રોકાણકારોનો પાયો વિસ્તરવાનો વેગ વધી રહ્યો છે!

ડિમેટ એકાઉન્ટસની છલાંગ મજબૂત ભાવિનાં સંકેત

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

કોવિડના સમયમાં લોકડાઉન, જોબ લોસ, સેલેરી કટ, વગેરે સહિતના કપરાં સંજોગોમાં લોકો માટે આવકનો સ્ત્રોત બની શકે એવો એક માર્ગ હતું શૅરબજાર. લોકો ઘરમાંથી બહાર નીકળી શકતા નહોતા, નવી તકો બંધ થઈ ગઈ હતી, સ્વરોજગારના સ્કોપ મર્યાદિત હતા. આવા સમયમાં નાના વર્ગ માટે એક આશા બની ઈક્વિટી. આ વર્ગે ઘેરબેઠાં શૅરબજારમાં ટ્રેડિંગ શરૂ કર્યુ અને આ માટે ડિમેટ એકાઉન્ટ ખોલાવવાનું ફરજિયાત હોવાથી ડિમેટ એકાઉન્ટ પણ ખોલાવ્યા. બસ, અને શરૂ થઈ નાના-રિટેલ રોકાણકારોની લાંબી કતાર, જે દેશભરમાંથી લંબાતી-વિસ્તરતી જઈ કરોડોના આંકડા પાર કરી ગઈ. જે કેટલીયવાર તેજીની બજારમાં પણ થઈ શકયું નહોતું એ મંદીની અને અનિશ્ર્ચિતતાની બજારમાં થયું, કરોડોની સંખ્યામાં નાના રોકાણકારો બજારમાં આવતા ગયા, સક્રિય થતા ગયા અને બધું થાળે પડયા બાદ પણ અહીં કાર્યરત રહ્યા છે. આ રિટેલ રોકાણકારો આજે ભારતીય બજારની નોંધપાત્ર તાકાત બની ગઈ છે.

શૅરબજારમાં વધઘટ થયા કરવી સહજ છે, રિટેલ રોકાણકારોનો મૂડ રોકાણ વધારવાનો રહ્યો હોવાથી બજારમાં રિટેલ પાવર વધી રહ્યો છે. ડિમેટ એકાઉન્ટસની વધી રહેલી સંખ્યાના આંકડા બોલે છે. સરેરાશ રોજના એકાદ લાખ નવા ડિમેટ એકાઉન્ટસ ખૂલી રહ્યા છે. જોકે આ રોકાણકારોએ બેફામને બદલે વિવેકપૂર્ણ રીતે આગળ વધવામાં શાણપણ રહેશે.

દેશમાં ડિમેટ એકાઉન્ટસની કુલ સંખ્યા ઑગસ્ટમાં ૧૨.૬૬ કરોડ ઉપર પહોંચી ગઈ હતી, માત્ર ઑગસ્ટમાં નવા ૩૧ લાખ એકાઉન્ટસ ખૂલ્યા હતા, જે જુલાઈમાં ૨૯.૭ લાખ અને આગલા વરસના સમાન સમયગાળામાં ૨૧ લાખ ખૂલ્યા હતા. આ આંકડા જે સીધી અને સચોટ વાત કરે છે તે એ કે ફાઈનાન્સિયલ માર્કેટમાં રોકાણકારોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓ મારફત તેમ જ શૅરબજારમાં સીધા રોકાણ મારફત રિટેલ અર્થાત્ નાના રોકાણકારોનો દબદબો વધી રહ્યો છે, તેમનો ફાઈનાન્સિયલ સાધનો તરફ વધતો રસ અને રોકાણ પ્રવાહ તેમના માટે તેમ જ અર્થતંત્ર માટે પણ સારી બાબત છે. અલબત્ત, તેમનું આ રોકાણ અભ્યાસ આધારિત હોવું મહત્ત્વનું છે. જો તેઓ ટોળામાં ભળીને આડેધડ ઝટપટ રોકાણની જાળમાં પડ્યા હશે તો એ તેમની અને બજાર માટે તેમ જ ઈકોનોમી માટે બૂરી અસર કરશે.

રોકાણકારોની સંખ્યાવૃધ્ધિના કારણ
અહીં એ સવાલ થઈ શકે કે નાના-રિટેલ રોકાણકારોની સંખ્યા અચાનક કેમ વધવા લાગી છે? જેનો જવાબ છે, ઈકોનોમી અને માર્કેટ ટ્રેન્ડ, છેલ્લા ત્રણથી પાંચ વરસમાં જોવા મળેલી માર્કેટની ગતિવિધી, અર્થતંત્રની પ્રગતિના બોલતા આંકડા, વિદેશી રોકાણકારોનો આવી રહેલો પ્રવાહ, વિપરિત કે નબળાં ગ્લોબલ સંજોગો વચ્ચે પણ ભારતનું મજબૂત બની ટકી રહેવું, વિકસવું જેવી હકીકતોએ નાના રોકાણકારોમાં પણ વિશ્ર્વાસ વધાર્યો છે. આ સાથે એક વાસ્તવિકતા એ પણ નોંધવી રહી કે મોંઘવારી સામે બાથ ભીડી શકે એવું વળતર એકમાત્ર ઈક્વિટી માર્કેટ આપી શકે છે અને તેમાં ભાગ લેવાનું અન્ય કોઈપણ સાધન કરતા સરળ અને પ્રવાહિતાસભર છે. રિટેલ રોકાણકારોને ઈક્વિટી તરફ વાળવામાં મ્યુચ્યુઅલ ફંડની ભૂમિકા પણ મહત્તવવની રહી છે.

પરદેશી વર્સિસ દેશી ઈન્વેસ્ટર્સ
નોંધનીય રસપ્રદ માહિતી મુજબ એચએનઆઈ સહિત રિટેલ રોકાણનો પ્રવાહ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ)ના પચાસ ટકા જેટલો થઈ ગયો છે. આ નાના રોકાણકારોનો સ્ટોક પોર્ટફોલિયો હવે એલઆઈસી (જે માર્કેટમાં જાયન્ટ રોકાણકાર છે) સમાન થતો જાય છે. એટલે કે આ સંસ્થા અને રિટેલ રોકાણકારોની સ્ટોકસ વેલ્યૂ કોમન થતી જાય છે. છેલ્લા એક દાયકામાં ૧૦ કરોડ નવા ડિમેટ એકાઉન્ટસ ખૂલ્યા છે, જે સરકારની નીતિઓ પરનો વિશ્ર્વાસ, અર્થતંત્રના વિકાસ પરનો વિશ્ર્વાસ અને ભારતના ઉજ્જવળ ભાવિ પ્રત્યેનો ઊંચો આશાવાદ દર્શાવે છે. અલબત્ત, કોરોના કાળે પણ લાખો લોકોને બજાર તરફ વાળ્યા છે. ૨૦૧૩ની સામે મ્યુચ્યુઅલ ફંડસની એસેટસ અંડર મેનેજમેન્ટ (એયુએમ) હાલ ૪૦ લાખ કરોડ ઉપર પહોંચી ગઈ છે, આ બાબત પણ રિટેલ રોકાણકારોનો સતત વધી રહેલો ફાળો દર્શાવે છે, જેમાં ૬૦ ટકા ફાળો વ્યક્તિગત રોકાણકારોનો છે.

રોકાણકારોનો ટ્રેન્ડ હજી બદલાશે
એક અભ્યાસ મુજબ એનએસઈ પર લિસ્ટેડ કંપનીઓમાં રિટેલ રોકાણકારોનો ફાળો ૭.૪૯ ટકા પહોંચી ગયો છે. જો કે ન્યૂયોર્ક સ્ટોક એકસચેંજ પર ત્યાંના રિટેલ રોકાણકારોનો ફાળો ૨૫ ટકા જેટલો છે, અર્થાત્ ભારતમાં હજી વૃદ્ધિની ઊંચી સંભાવના ગણાય. ભારતીય બચતકારો-રોકાણકારો આજની તારીખમાં પણ તેમની બચતનું અડધું રોકાણ બૅંકો, હાઉસિંગ અને ગોલ્ડમાં કરતા રહ્યા છે, મ્યુચ્યુઅલ ફંડના એક રૂપિયાના રોકાણ સામે રૂ ૩નું રોકાણ બૅંક ડિપોઝિટસમાં જાય છે. આ ટ્રેન્ડ ધીમી ગતિએ બદલાઈને ફાઈનાન્સિયલ એસેટસના રોકાણ તરફ વળી રહ્યો છે. મહત્ત્વની વાત એ છે કે આ રોકાણ ટ્રેન્ડથી ઓવરઓલ ઈકોનોમીને લાભ થાય છે, આ નાણાં મૂડીસર્જન અને મૂડીખર્ચનો હિસ્સો બને છે. પેન્શન ફંડ મારફત પણ ઈક્વિટીઝ રોકાણ આવી રહ્યું હોવાથી તે પણ માર્કેટ માટે પ્રોત્સાહક પરિબળ બને છે. ઉલ્લેખનીય વાત એ છે કે આ રોકાણકારો આ સાધનોને લીધે ઈન્ફલેશનનો સામનો કરવામાં સમર્થ બને છે, અલબત્ત, બજારની તેજીનો ટ્રેન્ડ આવા રોકાણ માટે સૌથી મહત્ત્વનું બુસ્ટિંગ પરિબળ બની રહે છે.

પાંચ વરસમાં ૨૫ કરોડ ડિમેટ એકાઉન્ટસ થશે
અગ્રણી બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલના વડા રામદેવ અગ્રવાલે બજારમાં રિટેલ તેજી વધવાની શકયતા વ્યકત કરી છે, અર્થાત્ રિટેલ રોકાણકારોનો પ્રવાહ વેગથી આવશે. તેમના અભિપ્રાય અનુસાર દેશમાં આગામી પાંચ વરસમાં ડિમેટ એકાઉન્ટસની સંખ્યા ૨૫ કરોડ જેટલી થઈ જવાની શકયતા છે, જે હાલ ૧૨થી ૧૩ કરોડ આસપાસ છે. આ ટ્રેન્ડ ઈક્વિટી તરફી હોવાનો સ્પષ્ટ સંકેત છે. આ સંભવિત રોકાણપ્રવાહ સંભવિત લાંબાગાળાની તેજીનો દોર દર્શાવે છે. અલબત્ત, આ સમયમાં નાના રોકાણકારોએ લાલસા અને ભયથી મુકત રહી સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટનો અભિગમ અપનાવવો જોઈશે, અન્યથા બજારમાં તેજી ભલે ચાલે, ભૂલો કરનાર રોકાણકારો નહીં ચાલે.

સરકાર ચાહે તો…
જોકે હજી આ મજલ લાંબી છે. વિકસિત દેશોની તુલનાએ અને ભારતની વસ્તીની તુલનાએ આ સંખ્યા હજી વધવાનો વિશાળ અવકાશ છે. આને ઈક્વિટી કલ્ટનો વિસ્તાર પણ કહી શકાય, જે કાર્ય ધીરુભાઈ અંબાણી અને હર્ષદ મહેતાના સમયમાં થયું, તેમ છતાં અધૂરું રહ્યું એ કામ કોવિડના સમયમાં બહુ જોરપૂર્વક થયું, જેના પરિણામે આજે દેશમાં ૧૨ કરોડથી વધુ રોકાણકારો શૅરબજારમાં સીધા ભાગ લેતા થયા છે. સરકાર ચાહે તો આને ચોકકસ રાહત, સુવિધા, વિશ્ર્વાસ, સરળતા, પારદર્શકતા, વ્યવહારદક્ષતા અને પ્રોત્સાહન આપીને વધારી શકે છે, જે આખરે તો અર્થતંત્રના હિતમાં રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button