ઉત્સવ

સાયબર અટેક સામે સતર્ક રહેવાના અને બચવાના ઉપાય સમજી લેવા જોઈએ

જેમને જોઈ પણ નહીં શકાય એવા લોકો ઘરે આવ્યા વિના લૂંટી જશે

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

સાવધાન! ૧૪૦ કરોડની વસ્તીવાળા આપણા દેશમાં ઈન્ટરનેટ, ડિજિટલ-ઓનલાઈનના સતત વિસ્તરણ સાથે સાયબર ક્રાઈમ પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે અને હજી વધી શકે છે. સાવચેત અને સતર્ક રહેવું અનિવાર્ય બનતું જાય છે, શા માટે? અને કઈ રીતે રક્ષા કરવી? ચાલો સમજવાનો પ્રયાસ કરીએ
ચોરી, લૂંટ, છેતરપિંડી અને આર્થિક-સામાજિક આક્રમણ હવે નવાં સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. હાલ વિશ્ર્વમાં આશરે પાંચ અબજથી વધુ લોકો ઈન્ટરનેટ યુઝર્સ હોવાથી તેમની સામે સાયબર આક્રમણના જોખમ સતત વધ્યા કરે છે. ઈન્ટરનેટના ફેલાવા સાથે આ સંખ્યા પણ વધશે અને જોખમ પણ. આપણા દેશના સામાન્ય માનવી સુદ્ધાં હવે આવા સંભવિત જોખમથી મુકત નથી, જયારે કે સમય સાથે આવા રિસ્ક વધવાના નકકી છે. આગામી બે જ વરસમાં સાયબર ક્રાઈમને કારણે વિશ્ર્વને ૧૦.૫ લાખ કરોડ ડોલરનું નુકશાન થવાનો અંદાજ છે. આ બધાંને પરિણામે સાયબર સિકયુરિટી માર્કેટનું કદ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ અબજ ડૉલરથી વધી જવાનું અનુમાન અસ્થાને નથી. આપણા હાથમાં રહેલો મોબાઈલ, તેમાં ઈન્ટરનેટનું કનેકશન, આપણા ઈમેઈલ એકાઉન્ટ, બેંક એકાઉન્ટ, ડિમેટ એકાઉન્ટ સહિત આપણા ઓનલાઈન પેમેન્ટની એપ્સ સહિત અનેક ચીજ-વસ્તુઓ હવે સાયબર અટેકનું રિસ્ક ધરાવતી થઈ ગઈ છે, જયારે કે આ વસ્તુઓનો ઉપયોગ હવે રોજબરોજનો બની રહ્યો છે.

સાયબર સિકયુરિટી શું છે અને શા માટે છે?

સાયબર સિકયુરિટી શું છે, શા માટે જરૂરી છે? કેટલાં પ્રકારની સાયબર છેતરપિંડી થાય છે? તેના ઉપાય શું છે? આવા સવાલોના જવાબોની ચર્ચા કરી જાગ્રત-સજાગ બનવાનો પ્રયાસ આપણે સૌએ કરવો રહયો. આપણી સાથે ઈન્ટરનેટ કે ઓનલાઈન, ડિજિટલ માધ્યમથી જે કોઈ છેતરપિંડી થાય છે અથવા એમ કરવાના પ્રયાસ થાય છે તેને રોકવા સાયબર સિકયુરિટી આવશ્યક છે. સાયબર સિકયુરિટીનો અર્થ જ આવા સ્કેમ સામે રક્ષણ આપવાનો હોય છે. પ્રાથમિક દૃષ્ટિએ દસેક પ્રકારની સાયબર સિકયુરિટી હોય છે, જેમાં નેટવર્ક, મોબાઈલ, ડેટા સિકયુરિટી, એન્ડપોઈન્ટ સિકયુરિટી, કલાઉડ સિકયુરિટી, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ સિકયુરિટી, ક્રિટિકલ ઈન્ફ્રાસ્ટ્રાકચર સિકયુરિટી અને એપ્લિકેશન સિકયુરિટીનો સમાવેશ થાય છે.

સૌપ્રથમ એપ્લિકેશન સિકયુરિટીને સમજીએ તો આપણા ડેટા, માહિતી, વગેરેનો ગેરરીતિ કે ગેરકાનૂની રીતે છેતરપિંડીના ઈરાદા સાથે મેળવવાના પ્રયાસને ડામવા આ એપ્લિકેશન સિકયુરિટી જરૂરી છે. આજના સમયમાં સામાન્ય માણસ સાથે પણ આવું થયા કરે છે. મોબાઈલ અને ઈ-મેઈલ, પાસવર્ડ, યુઝર આઈડી, ક્રેડિટ કાર્ડ-ડેબિટ કાર્ડ, બેંક એકાઉન્ટ વગેરેના એકસેસ મેળવી લઈ કૌભાંડીઓ આ સાયબર ક્રાઈમ કરતા રહે છે.

ડિજિટાઈઝેશન સામેના જોખમ પણ સમજો
આપણા દેશમાં છેલ્લા કેટલાંક સમયથી ડિજિટાઈઝેશન અને ઓનલાઈન વ્યવહારોનો પ્રચાર-પ્રસાર સતત થઈ રહ્યો છે. સામાન્ય નાગરિકો પણ તેમાં સહભાગી બની રહ્યા છે. કારણ કે બધાં પાસે મોબાઈલ છે, મોટાભાગના લોકો મોબાઈલ મારફત પેમેન્ટ કરતા કે નાણાંકીય વ્યવહારો કરતા થયા છે. મોટા-મોટા બિઝનેસ વ્યવહારોમાં પણ મોબાઈલ અને ઈન્ટરનેટ મારફત ઈ-પેમેન્ટ વધતા જાય છે, રોજના અબજો રૂપિયાના વ્યવહારો ડિજિટલ સ્વરૂપે થઈ રહ્યા હોવાથી આમાં સ્કેમની શકયતા સતત વધતી રહી છે. આ માર્ગે સાયબર ક્રાઈમના કિસ્સા પણ એકધારા વધી રહ્યા છે. એક અભ્યાસના ઉપલબ્ધ આંકડા કહે છે, ૨૦૨૨ના પ્રથમ કવાર્ટરમાં દેશમાં ૧૮ મિલિયન સાયબર અટેક થયા હતા અને દૈનિક બે લાખ સાયબર ધમકી-થ્રેટસ-ભય-જોખમની સંભાવના આવી હતી. આ આંકડો આજે કયાં પહોંચ્યો હશે એ માટે અન્ય અભ્યાસ જોવા-જાણવા પડે, કિંતુ એ ચોકકસ છે કે આ સંખ્યા અવશ્ય વધી હશે.
અજાણ્યા અને ફસાવતા ફોન કોલ્સ
હાલ તો આપણા અખબારોમાં-મીડિયામાં રોજેરોજ સાયબર ક્રાઇમના સમાચાર કોમન બનતા જાય છે. આનો ભોગ બનનાર સામાન્ય વ્યકિત ઉપરાંત સેલિબ્રિટીઝ અને કોર્પોરેટસ કંપનીઓ પણ આવી જાય છે. સાયબર અપરાધોના અનેક કિસ્સા જુદી-જુદી મોડસ ઓપરેન્ડીથી બનતા રહે છે. આ ક્રિમિનલ્સને પકડવાનું કામ અઘરું તો છે જ, કિંતુ કયાંક અસંભવ સમાન પણ બની રહે છે. તમને ખબર હશે કે થોડા સમય પહેલાં આવા સ્કેમનો પર્દાફાશ કરતી એક સિરીઝ (જામતારા- એક ગામનું નામ છે, જે સાયબર-ઓનલાઈન છેતરપિંડી માટે જાણીતું છે) ઓટીટી પર આવી હતી, જેમાં સતત સીમકાર્ડ બદલીને મોબાઈલ પરથી કઈ રીતે લેભાગુઓ-કૌભાંડીઓ લોકોને ફોન કરી છેતરે છે એના કિસ્સા બતાવ્યા છે, જે સાચા છે, કિંતુ માત્ર સિરીઝમાં પાત્ર સાચા નથી. બાકી છેતરપિંડી સાચી છે. ચાલાકીથી વાત કરી તમારા પાસવર્ડ લઈ લેવા-જાણી લેવા, પિન નંબર મેળવી લેવા, પેનકાર્ડ કે આધારકાર્ડની વિગત મેળવી લેવી,
વગેરે તો સતત કોમન બનતા જાય છે. સિનીયર સિટિઝન્સ અને મહિલાઓ આમાં વધુ ભોગ બનતા હોવાનું નોંધાય છે કેમ કે તેઓ આવી ટેકનોલોજી અથવા ચાલાકીથી વાકેફ હોતા નથી, તેમને સમજ નહીં હોવાથી તેઓ સામેવાળાની વાતમાં આવી જઈ તે કહે એનું પાલન કરી દે છે.

અહીં એ નોંધવું યા યાદ રાખવું જરૂરી છે કે આમ ફોન કરનારા કાં તો તમારી બેંકમાંથી, તમારી વીમા કંપનીમાંથી, તમારા ક્રેડિટ કાર્ડની બ્રાન્ચમાંથી, વગેરે કથિત સત્તાવાર સ્થળેથી બોલતા હોવાનું કહી પોતે સાચા હોવાના ચાલાકીભર્યા પુરાવાથી તમારો વિશ્ર્વાસ જીતી લે છે. ઘણાં વળી તમને બોગસ બેંક યા અન્ય સંબંધિત વેબસાઈટ પરથી લિન્ક મોકલી તમને લિન્ક કિલક કરવાનું કહે છે, જો તમે કિલક કયુર્ં તો સમજો તમારા નાણાં ગયા. બેંકો, રિઝર્વ બેંકો, વીમા કંપનીઓ સહિત દરેક સંબંધિત હસ્તીઓ આ સબંધી વારંવાર લોકોને જાહેર ચેતવણી આપે છે તેમ છતાં લોકો ભૂલો કરી અથવા લાલચમાં અથવા અજ્ઞાન-અણસમજને કારણે છેતરાઈ જાય છે.

આ વિષયમાં સતત અવેરનેસ-એજયુકેશનની જરૂર હોવાથી વધુ વાતો ફરી કરીશું. તમે પણ અભ્યાસ કરતા રહેજો.

બોકસ

સ્વરક્ષણ માટે આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખો
આપણા દેશમાં ડિજિટલ-ઓનલાઈન આર્થિક વ્યવહારોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે ત્યારે તેની સામે સાયબર અટેકસ (આક્રમણ)ની સંભાવના પણ ઘણી ઊંચી જઈ રહી છે. આવા સમયમાં સામાન્ય નાગરિક કે બિઝનેસમેન તરીકે પણ આપણે એલર્ટ-સજાગ રહેવું અનિવાર્ય બનતું જાય છે, જરા સી ભૂલ કે ક્ષતિ કે ગેરસમજ મોટી આર્થિક નુકસાનીમાં નાંખી શકે છે. આ સામેના રક્ષણ માટે કેટલાંક સરળ પગલાંની ઝલક જોઈ લો.

તમારો પાસવર્ડ બહુ જ મજબૂત રાખો અને તેના ઓથેન્ટિકેશન માટે બે ફેકટર રાખો. પાસવર્ડને કોઈની સાથે શેર ન કરો.

તમારા સોફટવેર અને ઓપરેટિંગ સિસ્ટમ અપ ટુ ડેટ રાખો.

વિશ્ર્વસનીય એન્ટીવાયરસ અને ફાયરવોલ પ્રોગ્રેમનો ઉપયોગ જ કરો.

કંઈક પણ કિલક યા ડાઉનલોડ કરતી વખતે સાવચેત રહો.

વીપીએન વિના પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ ન કરો.

તમારા ડેટાનો બેકઅપ નિયમિત લેતા રહો.

કોઈપણ અજાણ્યા કોલ ઉપાડો નહીં અને ઉપાડી લેવાય તો પણ તેની સાથે વાત કરવાનું કે લંબાવાનું ટાળો.

આવી તો ઘણી અગમચેતી તમારે જાણવી-સમજવી પડશે અને રક્ષણ માટે સ્માર્ટ પણ બનવું જોઈશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…