ઉત્સવ

હિમાલયમાં આવેલ પરીઓની ભૂમિ એટલે રહસ્યમય અને રોમાંચકારી ચન્દ્રતાલ (૩)

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

સ્પિતિ વેલીનાં કાઝામાં સમય વિતાવ્યા પછી કોઈ પણ વ્યક્તિ હિમાલય વિષે વધારે ને વધારે જિજ્ઞાસા ધરાવતો થઇ જાય. ટ્રાંસ હિમાલયનાં આ ભાગમાં વિશ્ર્વનું સહુથી ઊંચું મોટોરેબલ વિલેજ. વિશ્ર્વની સહુથી ઊંચાઈએ સ્થિત પોસ્ટ ઓફિસ, એશિયાનો સહુથી વધુ ઊંચાઈ ધરાવતો સસ્પેનશન બ્રિજ, વિશ્ર્વનાં સહુથી વધુ ઊંચાઈએ આવેલા કિલ્લાઓમાંથી એક વગેરે અહીંયા જોવા મળે છે પણ અહીંના રસ્તાઓ ખૂબ જ મનમોહક છે કે ક્યારેય આ સફર પૂર્ણ જ ન થાય એવું સહુ કોઈ મનોમન ઈચ્છે. ઉડતા પ્રેયર ફ્લેગ્સ સાથે ઊંચાઈ પર દેખાતા નાનક્ડા ગામડાઓ, ખેતરો, ઊંચાઇએથી વહેતા અને નદીમાં ભળી જતા ઝરણાઓ આ સઘળું જોતા જોતા રસ્તો મનાલી તરફ લઇ જશે.માત્ર ૨૦૨ કિમીનો રસ્તો પણ ભયંકર ચઢ઼ાવ ઉતાર, વિષમ વાતાવરણ અને ઠંડાગાર પવનો આ મુસાફરીને રોમાંચક અને યાદગાર બનાવી દેશે.

કાઝાથી આશરે ૨૫ કિમિ દૂર ૧૫૦૦૦ ફૂટની ઊંચાઈએ હિક્કીમ ગામ આવેલું છે જે વિશ્ર્વની સહુથી ઊંચાઈએ સ્થિત પોસ્ટ ઓફિસનું ગૌરવ ધરાવે છે. અહીં સ્પિતિની યાદગીરીના ભાગ રૂપે તમે દેશમાં વસતા કોઈ પણ વ્યક્તિને પત્ર લખી શકો છો. હિક્કિમથી નજીકમાં જ લાંગઝા ગામ છે જ્યા ખુલ્લાં આકાશ નીચે ભગવાન બુદ્ધની વિશાળકાય પ્રતિમા છે. અહીં વિતાવેલી રાતનું મનોહર દ્રશ્ય માનસપટ પર કાયમ માટે છવાયેલું જ રહેશે. ભગવાન બુદ્ધની પ્રતિમા પર ઊગતી આકાશગંગા જાણે બોધિવૃક્ષનો સાક્ષાત્કાર કરાવે છે. અહીં નજીકમાં જ કિબ્બર ગામ છે જે વિશ્ર્વભરમાં સ્નો લેપર્ડ માટે જાણીતું છે. અહીંના વાતાવરણ અને ભૌગોલિક રચનાનાં કારણે અહીં સ્નો લેપર્ડ, હિમાલયન આઇબેક્સ, રેડ ફોક્સ જેવી અઢળક વાઈલ્ડ લાઈફ વસવાટ કરે છે પરિણામે શિયાળામાં પણ અહીં પ્રવાસીઓ આવતા હોય છે. કિબ્બર પહોંચતા પહેલા ચિચમ અને કિબ્બર વચ્ચે પસાર થતી સ્પિતિ નદી પર એક સસ્પેનશન બ્રિજ બનાવવામાં આવ્યો છે જે એશિયાનો સહુથી ઊંચો સસ્પેનશન બ્રિજ હોવાનું ગૌરવ ધરાવે છે. અહીંથી આગળ વધતા ઠેર ઠેર માટીનાં પહાડો, માટીથી કુદરતી રીતે સર્જાયેલાં મિનારાઓ ખૂબ જ સુંદર લાગે છે.

સ્પિતિનાં નાનકડાં ગામડાઓને છોડતા છેલ્લે લોસર ગામને વિદાય આપીને બર્ફીલા પહાડો હવે ઠંડાગાર પવનો તો વળી ક્યાંક રસ્તા પર જ વહેતા ઝરણાઓ સાથે સ્વાગત કરવા તૈયાર છે. ચઢાણ પછી કુંઝુમ પાસ આવે છે જે ૪૫૯૦ મીટરની ઊંચાઈએ આવેલ આ પાસ પરથી ચંદ્રભાગા રેન્જની પહાડીઓને ખૂબ જ સુંદર રીતે નિહાળી શકાય છે. અહીંથી જ વિશ્ર્વનું દ્વિતીય સહુથી ડાબું બારા-સીંગરી ગ્લેશિયર જોઈ શકાય છે. અહીં દુર્ગા માતાને સમર્પિત કુંઝુમદેવીનું મંદિર છે જેની પરિક્રમાનું ખૂબ જ માહાત્મ્ય છે. અહીંથી ૧૪ કિમીનાં અંતરે પરીઓની ભૂમિ એટલે કે ચંદ્રતાલ આવેલ છે. આ લેકને મૂનલેક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તળાવની સુંદરતા સ્વર્ગની સમકક્ષ જ છે અને આ લેક સાથે ઘણી દંતકથાઓ જોડાયેલી છે.ચંદ્ર જેવા આકારના લીધે તેને ચંદ્રતાલ તરીકે ઓળખવામાં આવે છે. ભારતનું ત્રીજું સહુથી વધુ ઊંચાઈ ધરાવતું ચંદ્રતાલ ચંદ્રા નદીનું ઉદગમ સ્થાન છે જે પાકિસ્તાન પ્રાંતમાં વહેતી વિશાળ ચેનાબ નદીની ઉપનદી છે. ચંદ્રતાલ સાથે એક ખૂબ જ રસપ્રદ વાર્તા જોડાયેલી છે. ચંદ્રની દીકરી ચંદ્રા અને સૂર્યનો દીકરો ભાગા બારલા ચા પાસ પાસે મળે છે અને એકમેકના પ્રેમમાં પડે છે અને એકબીજાને મળવાનું વચન આપે છે. માતાપિતા તેમનાં લગ્નના વિરુદ્ધ હોઈ તેઓ નિયત સ્થળનાં બદલે બીજે જ મળે છે અને એમાંથી સર્જાય છે ચંદ્રભાગા જે પાછળથી ચેનાબ નદી તરીકે વહે છે. ભાગા નદી બારલાચા પાસ પાસે આવેલા નાનકડા એવા સૂરજતાલમાંથી નીકળે છે. એક ચોંકાવનારું રહસ્ય એ પણ છે કે ચંદ્રતાલમાં પાણી કયા સ્થળેથી આવે છે એના વિષે કોઈને જ ખ્યાલ નથી કે પાણીનો કોઈ સ્રોત પણ સ્પષ્ટપણે જોઈ નથી શકાતો. આ તળાવમાં પાણી ભૂગર્ભમાંથી આવતું હોવું જોઈએ જે સામાન્ય તો ન જ કહી શકાય, ખેર! કુદરતને કોઈ કળી ન શકે. આ તળાવને સ્વર્ગની પરીઓનું રહેઠાણ કહેવામાં આવે છે જેની પાછળ એક જૂની દંતકથા છે. હંસા ગામનો ગોવાળ બકરીઓને લઈને અહીં હંમેશાં પોતાના બકરાઓ ચરાવવા માટે આવતો હતી એ દરમ્યાન અહીં રહેતી એક પરીને એ મળ્યો અને મુલાકાત પ્રેમમાં પરિણમી જેના વિષે કોઈને પણ જાણ ન કરવા માટે એ પરીએ એની પાસેથી વચન લીધું હતું. ગોવાળે સમય જતા એ વાત પોતાના મિત્રોને કરતા ફરી ક્યારેય એ પરી એને જોવા ન મળી. સ્થળના સૌંદર્યને જોતા જ એ ખરેખર કોઈ પરીઓનું વિશ્ર્વ હશે એવું જ લાગે. આ સિવાય ભારતીય માયથોલોજીનું માનીએ તો મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરને ઇન્દ્ર ભગવાન આ સ્થળે જ લઇ આવ્યા હતા તેવો ઉલ્લેખ જોવા મળે છે આવો જ કઈક ઉલ્લેખ ઉત્તરાખંડના સ્વર્ગરોહિણી પર્વત માટે પણ જોવા મળે છે. ટૂંકમાં દંતકથાને વાર્તા માનીને જ ભૂલી જઈએ તો પણ ચંદ્રતાલ લેકની ખૂબસૂરતી એટલી છે કે જીવનમાં એક વાર અહીં ચોક્કસ ફુરસદની ક્ષણો લઈને આવવું જોઈએ.

ચંદ્રતાલથી મનાલી તરફ જતા બાતાલ આવે છે જે ખૂબ જ રસપ્રદ સ્થળ છે. અહીંની ચંદ્રવિહીન રાત્રિને માણવી એટલે જાણે કોઈ સ્વપ્ન સૃષ્ટિમાં વિહાર કરવો. વૃશ્ર્ચિકની પુંછડીએથી અગણિત સિતારાઓના ગુચ્છ રૂપે નીકળતી તેજસ્વી ધનુને નરી આંખે જે નિહાળે એ ભલે અહંકારી હોય, આસ્તિક હોય કે મહાપાપી જીવ હોય પણ કુદરતની દિવ્ય ચેતના એના અંધકાયમય જીવનને પ્રકાશિત કર્યા વિના નથી રહેતી. અહંકારનાં ચૂરેચૂરા થઈને પોતાની જાતને શૂન્ય થતો જોઈ શકે છે…

હિમાચલપ્રદેશનાં બાતાલમાં મધરાતે આ દિવ્ય અનૂભૂતિ અનુભવી ત્યારે મારી જાત સાથે પણ સરખી રીતે વાત કરી શકું એવી સ્થિતિ નહોતી રહી. આશરે ૧૩૦૦૦ ફૂટ ઊંચાઈ પર ચંદ્રા નદીનાં વહેતા પ્રવાહના નાદ સાથે હું સમયના વહેણમાં બસ વહેતો જ ચાલ્યો અને ક્યારે સવાર પડી એ ખ્યાલ જ ન રહ્યો. અતિશય ઠંડીએ નેટવર્ક રહિત ફોન અને કેમેરાની બેટરી માત્ર દસ જ ફોટોમાં ઉતારી મૂકી પણ હું કઈ પણ ઓઢ્યાં વિના ખાલી ટેન્ટમાં ત્યાં કઈ રીતે સવાર સુધી રહી શક્યો એનો જવાબ મારી પાસે પણ નથી. હું મારા અનુભવોને માનું તો મહાભારતમાં ભરી સભામાં અને કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણએ બતાવેલું વિરાટ રૂપ કદાચ આ જ હશે.આથી વિશેષ શબ્દો મારી પાસે નથી કે ના તો લખી શકવાનું મારું સામર્થ્ય છે.

સવારે બાતાલ મૂકીને ગ્રમફૂ થઈને હમતા પાસની પહાડીઓને નિહાળતા નિહાળતા રોહતાંગ પાસ પહોંચી શકાય છે જે મનાલીનું સહુથી લોકપ્રિય ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. અહીંથી સોલાન્ગ વેલી થઈને મનાલી સફરનો અંત લાવીને જૂના મનાલીમાં મળતા સરસ મજાનાં કોટેજમાં રિલેક્સ થઇ શકાય. સ્પિતિ વેલી જીવનમાં શ્રેષ્ઠ ક્ષણો, ભારતીય બૌદ્ધ સંસ્કૃતિને નજીકથી નિહાળવાનો અવસર, કુદરતની બેજોડ કારીગરીના ઉત્કૃષ્ઠ નમૂનાઓ, ભારતીય નદીઓનાં ઉદગમ સ્થળની સુંદરતા અને પ્રકૃતિ સાથે દોસ્તી કરવાનો મોકો આપે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે