ઉત્સવ

માળો તોડવાનો આનંદ

શરદ જોશી સ્પીકિંગ – ભાવાનુવાદ: સંજય છેલ

સમાજસેવીઓ ત્યાં ધાબળા વહેંચી ગયા, સ્થાનિક નેતા ત્યાંથી વોટ લઈ ગયો અને પોલીસવાળો ત્યાંથી હપ્તો લઈ ગયો. ગુનો એની જગ્યા પર જ રહ્યો એટલે કે ઝૂંપડી ત્યાંની ત્યાં જ રહી!

જે દિવસે મહાનગરના ફૂટપાથ પર સૂતો ગરીબ, નિરાધાર માણસ એના સૂવા બેસવાની જગ્યા પર ઝૂંપડું બનાવવાનું શરૂ કરે, જેથી એ તડકો અને ગરમીથી બચી શકે, ત્યારે જ સુખી ને સંસ્કારી સમાજની નજરમાં એ પહેલી વાર ગુનો કરે છે. એ દિવસે ચોકીદારી કરવાવાળો પોલીસ શું કરતો હતો? શું એને દેખાતું નહોતું કે સરકારી જમીન પર જે ગઈ કાલ સુધી સરકારની ખાલી પ્રોપર્ટી હતી, જેમાં આજે એક માણસે ઝૂંપડું બનાવી નાખ્યું છે!

એ દિવસે એ સબ ઇન્સ્પેક્ટર, જે પોતાના એરિયાના નાના-મોટા ગુનાઓને સૂંઘીને શોધી કાઢે છે, એ જ્યારે ત્યાંથી પસાર થયો ત્યારે કોના આદેશથી આજુબાજુ જોઈ ન શક્યો? એ સફાઈ કર્મચારી, જેને માથે ફૂટપાથના સફાઈની જવાબદારી છે, એ દિવસે એ ઝૂંપડું, જે એના માલિક અને સમાજની નજરમાં ગંદકી છે, એણે કેમ જોયું નહીં? અને જોયું તો કેમ એને ત્યાંથી કાઢ્યું નહીં? અને જો એને કાઢવા ના દીધું તો એણે હોબાળો કેમ ના કર્યો? ફરિયાદ કેમ ન કરી? એનો અર્થ એવો કે ફૂટપાથવાસીઓ માટે માથુ ઢાંકવું ગુનો છે તો એ જ દિવસે એ ગુનો જાહેર કેમ ના કર્યો, જ્યારે એને કરવામાં આવ્યો?

એ દિવસે ઓછી કે વધારે ઠંડી હતી. સંસ્કારી અને પૈસાદાર લોકો માટે એ મજા કરવાની રાત હતી. તેઓ એમની કારમાં ધાબળા ભરીને ક્લબો અને સામાજિક સેવા સંસ્થાઓ તરફથી ગયા અને સૂતેલા ફૂટપાથવાસીઓના શરીર પર ધાબળા ઓઢાડ્યા. ત્યાં પત્રકારો એમની સાથે હતા અને ફોટોગ્રાફર પણ ત્યાં હશે જ!

ધાબળો જે હેતુથી ઓઢાડવામાં આવ્યો હતો, ઝૂંપડું પણ એજ હેતુથી બનાવામાં આવ્યું હતું. એ ગરીબે ઠંડી, ગરમી, વરસાદથી બચવા માટે એ ઝૂંપડું બનાવ્યું હતું, પરંતુ તમે જે ધાબળો ઓઢાડ્યો એ પુણ્યનું કામ હતું અને એ ગરીબે જે ઝૂંપડું બનાવ્યું એ પાપ હતું. પૈસાવાળા લોકો એવું માનતા હોય છે કે નિરાધાર, ગરીબ લોકો આપણી દયા પર જીવતા હોવા જોઈએ, એમના પોતાના પ્રયત્નોથી નહીં. તેઓ અમારી સેવા કરે અને અમારા બિલ્ડિંગની સીડીઓની નીચે સૂઈ જાય. તેઓ પોતાને માટે ઝૂંપડું બનાવવાની હિંમત કરે, એ સુંદર શહેર માટે શરમની વાત છે.

મહાનગરનો સંદેશ એ છે કે તમે અપરાધ કરો અને હોટલમાં રૂમ રાખીને રહો. એનાથી શહેરની સુંદરતા વધે છે. મહેનત કરીને કે પ્રમાણિકતાથી જીવવું અને ઝૂંપડામાં રહેવું એ મહાનગર માટે કલંકની વાત છે. ગરીબ, ઈમાનદાર લોકોના ઝૂંપડા તોડો અને ત્યાં દાણચોરો, કાળા બજારીયાઓ માટે મકાનો ઊભાં કરો. એનાથી દેશને શહેરની સુંદરતા વધે છે.
સમાજસેવીઓ ત્યાં ધાબળા વહેંચી ગયા, સ્થાનિક નેતા ત્યાંથી વોટ લઈ ગયો અને પોલીસવાળો ત્યાંથી હપ્તો લઈ ગયો. ગુનો એની જગ્યા પર જ રહ્યો એટલે કે ઝૂંપડી ત્યાંની ત્યાં જ રહી!

કહેવાય છે કે ઈંડા ચોરવાના સુખથી મોટું સુખ માળો તોડવાનું હોય છે. જ્યારે પક્ષી એક એક તણખલું જોડી રહ્યું હતું, ત્યારે આપણે એને મજાથી જોઈ રહ્યા હતા. હવે જ્યારે માળો બની ગયો ત્યારે આપણું ધ્યાન ગયું- અરે એણે અહીંયાં માળો બનાવી દીધો!’ આપણે એને ઉપાડીને બહાર ફેંકી દઈએ છીએ. એમાં એક પ્રકારનો દુ:ખનો આનંદ છે, એક પ્રકારની ઉદાસીનતા છે. એવી જ રીતે કેટલાક લોકોને ગરીબ લોકોના ઝૂંપડા તૂટે એ વાત બહ સારી લાગે છે. મોટા ગણાંતાં અને પૈસાદાર લોકોમાં મનોવૈજ્ઞાનિક વિકૃતિઓ હોવી કોઈ નવાઈની વાત નથી.

કેટલાક લોકોને એમાં જ તો આનંદ મળતો હોય છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button