ઉત્સવ

મોહરમના તાજિયા તરીકે યોજાતી શોકની યાત્રાઓનું નિરુપણ રજુકરતાં સો વર્ષ જૂના સ્ક્રોલ્સ કચ્છ માટે ઐતિહાસિક જીવંત દસ્તાવેજ છે

વલો કચ્છ -પુર્વી ગોસ્વામી

મોહરમનો તહેવાર એ મુસ્લિમો માટે માતમનો તહેવાર છે. મુસ્લિમોના નબી હઝરત ઇમામ હુસૈનની શહાદત તે વખતે થઇ હતી એને લઇને મુસ્લિમ સમાજ શોક મનાવે છે. કચ્છ જિલ્લાનાં તમામ શહેરો, ગામડાઓમાં મંગળવારે પરંપરાગત વિવિધતા સાથે તાજિયા -જુલૂસ કાઢવામાં આવશે. કચ્છમાં આ જુલૂસ કદાચ છેલ્લાં ૫૦૦ વર્ષોથી કાઢવામાં આવે છે. સેજો, નિશાનો, પંજાઓ, ઘોડાઓ, દુલદુલો, મજલિસો, સબીલો, ધમાલો, મરસિયાઓનો વાજિંત્રો સાથે આયોજન કરવામાં આવે છે. અંજારના એમ. આઈ. બાયડ કહે છે કે, અંજારનો તાજિયાનો ઘોડો તો સોના ચાંદી હીરાથી મઢેલો હોય છે. જેને તાજિયા સિવાયના સમયે લોકરમાં મિલકતની જેમ સાચવવામાં આવે છે. આજે વાત તો ઐતિહાસિક દસ્તાવેજ એવા સ્ક્રોલ્સમાં ચિત્રિત તાજિયાની કરવી છે.

મુઘલ સામ્રાજ્યની સત્તામાં ઘટાડો થવાથી કમાંગર સમુદાયના ઘણા લોકો સિંધ થઈને કચ્છ આવીને વસ્યા હતા. તેઓ પશુચર્મમાંથી ધનુષ્ય અને ઢાલ બનાવવામાં કુશળ હતા જેને તેઓ ચિત્રો અને જડતરના કામથી સજાવતા. ઘટતી જતી માગને પરિણામે પોતાના પરંપરાગત કામથી વંચિત કમાંગરોએ કડિયાકામ જેવા કામ કરવાનું શરૂ કર્યું અને બાદમાં તેમના આશ્રયદાતાઓની જરૂરિયાતો અનુસાર ચૂનાની પ્લાસ્ટર્ડ દીવાલોને રંગવાનું શરૂ કર્યું. તેઓ લાકડાના પાઉડરમાંથી રમકડાં બનાવવા અને તેને રંગવાનું કામ પણ કરી લેતા. પાછળથી લોકોએ આ કલાકારોને ધાર્મિક અને સામાજિક પ્રસંગોએ ઘરોની સજાવટ માટે બોલાવતા થયાં જેમાં ભીંત ઉપરાંત કાગળ, લાકડું, કાચ, વહાણમાં વપરાતા કેનવાસ અને કેટલીક જગ્યાએ છત પર ચોંટેલી ગેલ્વેનાઈઝ્ડ શીટ પર પણ પર ચિત્રકામ કરવાનું શરૂ કર્યું હતું. કમાંગરોએ ભુજના આયના પેલેસ, અંજારમાં મેકમર્ડોના બંગલામાં, મોટી રાયણ ખાતે ધોરમનાથના ભંડારામાં, ધ્રંગના અખાડામાં અને ભુજના સંગ્રહાલયમાં પ્રસ્તુત ભીંતચિત્રના શ્રેષ્ઠ નમૂનાઓ તૈયાર કર્યા છે.

જયારે સ્ક્રોલ્સના રૂપમાં કાગળ પરના લઘુચિત્ર કે સ્કેચ આયના મહેલ, કચ્છ મ્યુઝિયમમાં અને ભુજ ખાતેના ખાનગી સંગ્રહમાં સચવાયું છે. આડા દોરવામાં આવેલા આ સ્ક્રોલ્સ ભુજ શહેરમાં યોજાતી શોક અને ઉજવણીની શોભાયાત્રાની જુદી જુદી ચિત્રાત્મક પ્રસ્તુતિ રજુ કરે છે. જેમાં મોહરમના ઇમામ હુસૈનના મૃત્યુના શોક માટે કાઢવામાં આવેલા તાજિયા જુલૂસ અને નાગપંચમીના નીકળતી શાહી શોભાયાત્રાનો સમાવેશ થાય છે. તાજિયા, ઘોડા અને બેનરોએ મોહરમના સરઘસમાં જોવા મળતા મુખ્ય પ્રતીકો છે.

ભુજના એન. એ. જગાણીના જણાવ્યા અનુસાર, ભુજના તાજિયાના આ સ્ક્રોલ્સ કચ્છ પ્રદેશની ઇસ્લામિક અને હિન્દુ સંસ્કૃતિના ગઠબંધનનું પ્રતિનિધિત્વ કરે છે જે ૧૯૨૦માં આરબ અલી મોહમ્મદે દોર્યા હતા. આ સ્ક્રોલ્સમાં, વિવિધ સમુદાયો જેવા કે સીદી, હજામ, ધોબી, છડીદાર જેવા બત્રીસ જેટલા જૂથો દર્શાવવામાં આવ્યા છે. દરેક જૂથને પોતપોતાના તાજિયા, રથ અથવા ઘોડો લઈને બતાવવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં આ જૂથોને વિસ્તાર અથવા રહેઠાણ અથવા વ્યવસાય અનુસાર વધુ પેટા-વિભાજિત કરવામાં આવે છે. આવા વ્યવસાયિક સમુદાયો આજે અદૃશ્ય થઈ ગયા છે. કારણ કે તેમની સેવાઓની હાલના દિવસોમાં માગ નથી. આથી સ્ક્રોલ્સ કચ્છના સમૃદ્ધ ભૂતકાળને જીવંત ક્ષણ પ્રદાન કરે છે. (આ સ્ક્રોલ્સ અંગેની માહિતી તથા ફોટો ભીંતચિત્રોના જ્ઞાતા પ્રદીપભાઈ ઝવેરીના કચ્છના કમાંગરો દ્વારા દોરવામાં આવેલ સ્ક્રોલ્સમાં ઉજવણી અને શોકની યાત્રાઓનું ‘નિરૂપણ’ પેપરમાંથી લેવામાં આવી છે.)

ભાવાનુવાદ: મોરમજો તેવાર ઇ મુસલમાન જે માટે માતમજો તેવાર આય. મુસલમાનેંજા નબી હઝરત ઇમામ હુસૈનજી શઇદી હુન સમોમેં થિઇ હુઇ ઇતરે હી સમાજ શોક મનાયતો. કચ્છજે મિડ઼ે શેર – ગોઠમેં મંગડ઼વારજો પરંપરાગત તાજિયા -જુલૂસ નિકરંધા. કચ્છમેં હી જુલૂસ લગભગ ૫૦૦ વરેનું કઢેમેં અચેંતા. સેજો, નિશાનો, પંજા, ઘોડા, દુલદુલો, મજલિસું, સબીલો, ધમાલો, મરસિયા વાજિંધ્રે ભરાં વજાઇંધે આયોજન કરેમેં અચેતો. એમ. આઈ. બાયડ ત ચેંતા ક, અંજારજે તાજિયેજો ઘોડ઼ો ત સોન-ચાંધિ, હીરેસેં મઢલ હોયતો જેંકે તાજીયે સિવા લોકરમેં મિલકત વાંકે સાચવેમેં અચેતો. અજ઼ ગ઼ાલ ત ઐતિહાસિક ડસ્તાવેજ એડ઼ા સ્ક્રોલ્સમેં ચિતરેલા તાજીયેજી કેંણી આય.

મુઘલેંજી સત્તામેં ઘટાડ઼ો થેજે કારણે કમાંગર સમુડાયજા માડૂ સિંધ થિઈને કચ્છ આવ્યા વા. ઇની પશુએંજે ચમમિંજાનું ધનુષ ને ઢાલ ભનાયમેં કુશલ વા જેંકે ઇની ચિતરેને ક જડ઼તરસે સજાઇંધા પ હોઆ. પૂંઠીયાનું માંગ ન હૂંધે જે કારણે હિની કડ઼િયાકમ જેડ઼ા કમ કરેજો ચાલુ ક્યોં નેં માડૂએંજી જરૂરિયાતો અનુસાર ચૂનેંજી ધિવાલું તે રઙાટ કમ કરે ડીંધા વા. ઇની ધાર્મિક તીં સામાજિક પ્રસંગમેં ઘરેંજી સજાવટ પ કરે ડીંધા વા જેમેં ધિવાલું ઉપરાંત કાગર, લકડ઼ો, કાચ, વહાણમેં વપરાઇંધલ કેનવાસ નેં કિતરીક જગ્યાતે છત તે ચિત્રકામ કરેજો ચાલુ ક્યોં હો. કમાંગર ભુજજે આયના પેલેસ, અંજારજે મેકમર્ડો બંગલેમેં, મોટી રાયણ ખાતે ધોરમનાથજે ભંડારેમેં, ધ્રંગજે અખાડ઼ેમેં ને ભુજજે સંગ્રહાલયમેં પ્રસ્તુત ભીંતચિત્રજા સુંઠા નમૂના તૈયાર ક્યા ઐં.

જડે સ્ક્રોલજે રૂપમેં કાગરતે લઘુચિત્ર ક સ્કેચ આયના મહેલ, કચ્છ મ્યુઝિયમમેં ને ભુજજે ખાનગી સંગ્રહમેં સાચવેમેં આયા ઐં. આડા ચિતરેલા હી સ્ક્રોલ્સ ભુજ શેરમેં યોજાધિ શોક ને ઉજણીજી ચિત્રાત્મક પ્રસ્તુતિ રજુ કરેંતા. જેમેં મહોરમજા ઇમામ હુસૈનજે મોતજે માતમમેં કઢેમેં અચીંધલ તાજિયા જુલૂસ ને નાગપંચમીજો નિકરંધી શાહી શોભાયાત્રાજો સમાવેશ થિએતો. તાજિયા, ઘોડ઼ા અને બેનર ઇ મહોરમજે સરગસ મેન પ્રતીક ઐં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button