ઉત્સવ

ઘર કહે મને બાંધી જો ને વિવાહ કહે કે મને માંડી જો

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

‘રોટલો, ઓટલો ને ખાટલો’ મનુષ્ય જીવનના ત્રણ અત્યંત મહત્ત્વના લક્ષ્યાંક છે. મુંબઈ વિશે કહેવાય છે કે અહીં રોટલો તો મળી જાય પણ ઓટલો મેળવવો એ અત્યંત કપરું કાર્ય છે. મતલબ કે બે ટંક ભોજનનો પ્રબંધ થઈ જાય એટલી કમાણી કરાવી આપતું કામ તો મળી જાય, પણ ઓટલો એટલે કે પોતાનું ઘર બનાવતા ક્યારેક અડધી જિંદગી ખર્ચાઈ જતી હોય છે. ઓટલો મળ્યા પછી જ પોતાનો ખાટલો ઢાળી આરામ કરી શકાય ને! આવો જ માર્મિક અર્થ ધરાવતી અને ઘર – જીવનને જોડતી કહેવત છે ઘર કહે મને બાંધી જો ને વિવાહ કહે કે મને માંડી જો. ઘર બાંધવાનું કેટલું કપરું કામ છે એ આના પરથી સ્પષ્ટ થાય છે. સાથે વિવાહ એટલે કે લગ્ન માંડ્યા પછી કેટલો પરિશ્રમ કરવો પડે એના પર પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. ઘર ભાડે, આંટ ભાડે ને વાણોતરને વ્યાજે કહેવત સમજવા જેવી છે. ભાડાના ઘરમાં રહે, પોતાની શાખ, આબરૂ કોઈને ભરોસે રાખે અને શેઠના વાણોતર એટલે કે ગુમાસ્તા પાસેથી પૈસા વ્યાજે લે તેને દેવાળું કાઢવાનો જ વારો આવે. આને સમાંતર અર્થ ધરાવતી કહેવત છે કે ઘર મૂકે ઘરેણે ને નાનાભાઈ પરણે, ખત જાય નીચે ને ઘર જાય ઊંચે. દેવું કરીને લગ્ન જેવો પ્રસંગ ન લેવાય એવી શીખ આ કહેવત દ્વારા મળે છે. મૂરખ માણસ સામે ઈશારો કરતી એક મજેદાર કહેવત છે કે ઘેર ઘોડો ને પાળા જાય ને ઘેર દૂઝણું તોય તે લૂખું ખાય, કેવો મૂરખનો રાય. અક્કલનો ઓથમીર હોય એ પાસે ઘોડા જેવું જાનવર હોવા છતાં એની પર પલાણીને આગળ જવાને બદલે પગપાળા જાય અને વાડામાં ગાય – ભેંસ બાંધ્યા હોય અને દૂધની રેલમછેલ હોવા છતાં લૂખું ભોજન ખાય એ તો મૂર્ખ શિરોમણી જ કહેવાય ને. ઘર કરી જવું એટલે કાયમનું થઈ જવું અથવા મજબૂત થઈ જવું.કોઈ વ્યક્તિ અનેક વર્ષો સુધી માંદી રહે ત્યારે એને માટે બીમારી ઘર કરી ગઈ છે એમ કહેવાતું હોય છે. એક જાણવા જેવો રૂઢિપ્રયોગ છે ઘરનું ઘંઘોલિયું થવું જેનો અર્થ પૈસેટકે પાયમાલ થવું કે પછી આબરૂદાર લોકોની વાતનો વિષય બનવું.. ઘંઘોલિયું એટલે નમૂનાનું કે છોકરાને રમવાની રમતનું નાનું ઘર. જે ઘરની વ્યવસ્થા બરાબર જળવાતી ન હોય અથવા વ્યવસ્થા જાળવનાર પૂરતાં માણસ પાછળ ન હોય એવા માત્ર નામના કહેવાતા ઘરના વિશે વાત કરતી વખતે વપરાય છે. કટાક્ષ કરતી કહેવત છે કે ઘરમાં અંધારું ને આંગણે દીવો. બારણાં ઉઘાડાં ને ખાળે ડૂચા જેવો એનો અર્થ છે. જે જગ્યાએ દીવો કરવો જોઈએ ત્યાં ન કરે અને જ્યાં ન જોઈએ ત્યાં દીવો કરવો એવો અવિવેક. ઘરના બે જાણવા જેવા અને સ્મરણમાં સાચવી રાખવા જેવા બે રૂઢિપ્રયોગની વાત કરીએ.ઘરનો આદમી એટલે કુટુંબીજન, ઘરનો માણસ. ટૂંકમાં અંગત વ્યક્તિ.દિલોજાન દોસ્ત માટે પણ આ પ્રયોગ વાપરવામાં આવે છે. જોકે, ઘરનો ઉંદર એટલે ઘર કાતરી જનાર નહીં, પણ ઘરની ખાનગી વાત જાણનાર, ઘરનો જાણીતો માણસ.

TIME IDIOMS

સમય  વખત દર્શાવે છે. અલબત્ત ઘડિયાળનો સમય જીવનની પરિસ્થિતિ જે સમય દર્શાવે છે એમાં સ્થૂળ અને સૂક્ષ્મ ભાવનું અંતર રહેલું હોય છે. કોઈ વસ્તુ ક્યારેક કે જવલ્લે જ બનતી હોય એ જણાવવા માટે Once in a Blue Moon પ્રયોગ વપરાય છે તો વળી ખલેલ વિના સતત બનતી રહેતી ઘટના માટે Around the Clock પ્રયોગનો ઈસ્તેમાલ થાય છે. સમય – ટાઈમ ભાષામાં કેવા વણાઈ ગયા છે એની અમુક કહેવતો અને ઉદાહરણો જોઈએ. Hold your Horses કહેવતમાં ધીરજના ગુણનું પ્રતિબિંબ ઝળકે છે. Hold your horses, you might find a better one for the same price in another store. ધીરજ રાખો, બીજી કોઈ દુકાનમાં ઓછા ભાવે અને સારી ગુણવત્તા ધરાવતી આ જ વસ્તુ મળી જશે. કોઈ પણ કામ કોઈ પણ પ્રકારના વિલંબ વિના તાબડતોબ કરવામાં આવે ત્યારે To do something at the drop of a hat એમ કહેવાય છે. We’re all packed and ready to go; we can leave at the drop of a hat. બધો સામાન બાંધીને તૈયાર છે. તમે કહેતા હો તો અભી હાલ નીકળવા તૈયાર છીએ.

To take a rain check પ્રયોગના શાબ્દિક અર્થ પરથી ભાવાર્થ સમજાય છે. આ પ્રયોગનો સરળ અર્થ છે વરસાદનો વરતારો જાણવો. એનો ભાવાર્થ છે કોઈ યોજના મુલતવી રાખવી. I’m too busy to go out to dinner; I’ll have to take a rain check. માથે એટલું કામ છે કે ડિનર પર જવાનું મારે મુલતવી રાખવું પડશે. હાથમાં આવેલી તક ગુમાવવી એ To miss the boat પ્રયોગથી પ્રભાવીપણે વ્યક્ત થાય છે. There were tickets of the concert available last week, but he missed the boat by waiting till today to try to buy some. ગયા અઠવાડિયા સુધી કોન્સર્ટની ટિકિટો મળતી હતી, પણ છેક છેલ્લી ઘડી સુધી રાહ જોવાને કારણે એમાં હાજર રહેવાની તકે તેણે ગુમાવી દીધી. નોકરિયાત માણસના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તેણે કામકાજમાંથી નિવૃત્તિ લેવી પડે છે. ઉંમરને કારણે અથવા બીજા કોઈ કારણસર પ્રવૃત્તિની વિદાય લેવામાં આવે એ માટે અંગ્રેજીમાં Call it a day કહેવાય છે. I’m getting a bit tired now – let’s call it a day. હવે કામકાજમાં થાકોડો વર્તાય છે. લાગે છે કે હવે નિવૃત્ત થઈ જવું જોઈએ. ક્યારેક કોઈ નિર્ણય છેક છેલ્લી ઘડીએ લેવાય તેના માટે અંગ્રેજી પ્રયોગ છે At the eleventh hour. He postponed his trip at the eleventh hour. તેણે પોતાનો પ્રવાસ છેક છેલ્લી ઘડીએ મુલતવી રાખ્યો.

घराची राखरांगोळी होणे

મારે પણ એક ઘર હોય એ દરેક જીવંત માણસનું સપનું હોય છે. કોઈનું સાકાર થાય, અનેકનું રહી જાય. ઘર અને એની દીવાલો, એનો દરેક ખૂણો એમાં વસતા પરિવારના સભ્યના સુખ – દુઃખના સાક્ષી હોય છે.

પાસે જે હોય એ બધું નષ્ટ થઈ જાય, હતું ન હતું થઈ જાય, હસતું રમતું ઘર ઉજ્જડ થઈ જાય એ ભાવ घराची राखरांगोळी होणे દ્વારા સુંદર રીતે વ્યક્ત થાય છે. घरादारावरून नांगर फिरविण કહેવતનો ભાવાર્થ સમજવા નાંગર એટલે હળ એ સમજવું જોઈએ. ટૂંકમાં લોકોના ઘર ઉદ્ધ્વસ્ત કરી નાખવા એવો એનો અર્થ છે. અત્યાચાર તરફ આંગળી ચીંધવામાં આવી છે. राजकीय हेतूने प्रेरित होऊन लोकांच्या घरादारावर नांगर फिरवण्याचे पाप मी करणार नाही. રાજકીય હેતુથી પ્રેરાઈ હું કોઈના ઘરબાર ઉદ્ધ્વસ્ત કરવાની ધૃષ્ટતા નહીં કરું. ઘર એમાં રહેતા માણસોથી, એમની ભાવનાઓથી ખીલતું હોય છે. આનંદ કરનાર વ્યક્તિ ઘરમાં આવે એટલે ઘર નંદનવન – સ્વર્ગ બની જાય છે. આ ભાવાર્થની મરાઠી કહેવત બહુ અસરદાર છે કે साधू-संत येती घरा तोचि दिवाळी दसरा. દિવાળી એક એવો તહેવાર છે જેમાં આબાલવૃદ્ધ સહભાગી થઈ એનો આનંદ માણતા હોય છે. સંત પુરુષના આગમનથી ઘરમાં આનંદનું વાતાવરણ છવાઈ જાય છે. સંત પુરુષો દિવાળીની તુલના આધ્યાત્મિક આનંદ સાથે કરે છે. આ વાતને સાંસારિક સ્વરૂપે જોઈએ તો કોઈની દીકરી પુત્રવધૂ બની કોઈ બીજા ઘરમાં પ્રવેશ કરે ત્યારે પોતાના સ્વભાવથી, પોતાના વર્તનથી સાસરિયાના લોકોના દિલમાં ઘર કરી જાય છે. ઘરનો કેવો ઉમદા અર્થ અહીં વ્યક્ત થયો છે.

घर की कहावतें

હિન્દી ફિલ્મોમાં ઘરને કેન્દ્રમાં રાખી અનેક ગીત લખાયા છે. જાવેદ અખ્તર લિખિત ये तेरा घर ये मेरा घर, किसीको देखना हो गर, तो पेहले आके मांग ले, तेरी नज़र मेरी नज़र સામાન્ય માનવીની લાગણીનો બહુ સરસ પડઘો પાડે છે. કહેવતો અને રૂઢિપ્રયોગમાં ઘર સરસ રીતે વસી ગયું છે. સ્વભાવગત લક્ષણો બતાવતી કહેવત છે घर में खाने को नहीं, अटारी पर धुवाँ. અત્યંત માર્મિક કહેવત છે. શેખી મારતા લોકોના સંદર્ભમાં આ કહેવત વપરાય છે. ઘરમાં કોળિયો અન્ન ન હોય પણ, અગાસી પર ધુમાડો કરે જેથી લોકો સમજે કે ઘરમાં ભોજન બની રહ્યું છે. ખોટી શાન દેખાડનારા લોકો પર કટાક્ષ છે. બીજી માર્મિક કહેવત છે  डायन भी दस घर छोड़ कर खाती है, ડાકણ પણ દસ ઘર છોડી ભોગ લેતી હોય છે એ એનો શબ્દાર્થ છે. સ્વભાવે ખરાબ લોકો પણ પાડોશીઓનું ધ્યાન રાખતા હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જ લોકોને દગો દે ત્યારે આ કહેવતનો ઉપયોગ કરવામાં આવે છે. ઘર હોય એટલે આંગણું તો હોય જ. આ બંનેને જોડતી અનોખી કહેવત છે घर का आंगन हो जाना. તાર્કિક રીતે અર્થ મેળવવાની કોશિશ નિષ્ફળ સાબિત થઈ શકે એમ છે, કારણ કે એનો ભાવાર્થ છે ઘર ખંડેર જેવું થવું. कितने प्राचीन घर आज आंगन हो गए है। અનેક પ્રાચીન ઘર આજની તારીખમાં ખંડેર જેવા બની ગયા છે. घर घाट मालूम होना એટલે ઘરના કણ કણથી વાકેફ હોવું, ઘરની સંપૂર્ણ પરિસ્થિતિથી પરિચિત હોવું. घर घाट मालूम ही है तो फिर पूछना क्या है, ઘર વિશે બધી જ જાણકારી હોય તો પછી કોઈ પૂછપરછ કરવાની જરૂર જ શું છે? घर को सिर पर उठाना એટલે પરિવારની બધી વ્યક્તિને હેરાન પરેશાન કરી મૂકવું. मेरा छोटा लडका ऐसा शरारती है कि सारे घर को सिर पर उठा रक्खे है। મારો નાનો પુત્ર એવો તોફાની છે કે ઘર આખું માથે લઈ લે છે

Show More

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button