ક્રાંતિની દિલધડક દાસ્તાં કલમની શાહી વિરુદ્ધ તાનાશાહી
મિજાજ મસ્તી -સંજય છેલ
ટાઇટલ્સ:
સમય સૌનો હિસાબ રાખે છે. (છેલવાણી)
વિખ્યાત સ્પેનિશ લેખક ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ જીવનનાં અંતિમ પડાવમાં હતા ત્યારે એક પરિણીત સ્ત્રીની સેક્સલાઇફ વિશે બોલ્ડ નવલકથા લખવામાં ગૂંચવાયેલા. નવલકથામાં `આના’ નામની સ્ત્રી દર વર્ષે કેરેબિયન ટાપુ પર માતાની કબરની મુલાકાતે આવે છે ત્યારે થોડો સમય પતિ ને પરિવારથી આઝાદ થઇને દર વખતે એક નવો પ્રેમી શોધે છે!
વૃદ્ધ માર્ક્વેઝ ત્યારે ડિમેન્શિયા કે મનોરોગથી પીડાતા એટલે યાદશક્તિ કથળવા માંડેલી. માર્ક્વેઝે એ નવલકથાની 4-5 આવૃત્તિ લખી, વર્ષો સુધી લખાણમાં અખતરા ને કાપકૂપ કરતા રહ્યા પછી આખરે હારીને દીકરા ગોન્ઝાલોને કહ્યું: `આ નવલકથાને ક્યારેય છપાવશો નહીં.’
જોકે, માર્ક્વેઝના મૃત્યુ બાદ એના દીકરાએ 10 વરસે એ `અંટિલ ઓગસ્ટ’ નવલકથા છપાવી. ભલે એ માર્ક્વેઝની `લવ ઈન ધ ટાઇમ ઓફ કોલેરા’ જેવી એ મહાન કથા નથી તોયે ખાસ છે, કારણ કે એમાં મહાન માર્કવેઝનો અંતિમ અવાજ છે. બહુ નસીબદાર છે એ લેખકો, જેમના ગયા પછી સંતાનો કે મિત્રો અપ્રગટ લખાણો છપાવીને, બુઝાયેલી કલમની શમ્મા જલતી રાખે છે.
પણ ક્રાંતિ ને મુક્ત વિચારોના ફ્રેંચ લડવૈયા ડેનિશ દિદેરો(1713 – 1784) સાથે આવું ના થયું. ફ્રાન્સના કંગાળ ગામડાનાં દિદેરો માટે લેખન કે જીવનનો મુદ્રાલેખ એટલે `માનવજાતનું ઓછામાં ઓછું નુકસાન ને વધુમાં વધુ કલ્યાણ કરવું’ આવા `લિબરલ થિંકિગ’ કે `મુક્ત વિચારો’ એ જાંબાઝ લેખક દિદેરોનો સંકલ્પ, બલ્કિ સિદ્ધાંત હતો અને એના આ જ તેજાબી વિચારો સામે તાનાશાહ રાજવી જાની દુશ્મન હતો.
ઇન્ટરવલ:
અવાજને ખોદી શકાતો નથી! ને ઊંચકી શકાતું નથી મૌન. (લાભશંકર ઠાકર) એક સાંજે દિદેરાના આંગણે પોલીસે વોરંટ દેખાડીને ઘરમાં `રાજદ્રોહી સાહિત્ય’ની શોધ કરવા માંડી. દિદેરો, આ જોઇને ના તો હેબતાયો કે ના તો આશ્ચર્ય પામ્યો. `ડિનર વખતે મારી રાહ જોતા નહીં’, એટલું ઘરનાંઓને કહી એ પોલીસની ઘોડાગાડીમાં ચૂપચાપ બેસી ગયો.
`મારો અપરાધ?’ `તેં શહેનશાહની રખાત માટે રમૂજ કરી એ તારો અપરાધ. તું સરકાર ને ધર્મ વિરૂદ્ધ નવા અને ખતરનાક વિચારો ધરાવતો દેશદ્રોહી ક્રાંતિકારી છે!’ પોલીસવાળાએ કહ્યું. દિદેરોને ખબર હતી કે સ્વતંત્ર વિચારો વ્યક્ત કરવા, તે સમયના બંધિયાર ફ્રાન્સમાં ગુનો ગણાતો. અનેક તેજાબી લેખકો આવા જ અપરાધને કારણે જેલમાં સબડીને ખતમ થઇ ગયેલા. પછી ફ્રાંસનાં બે જાણીતા પ્રકાશકોએ શહેનશાહને અરજ કરી : `દિદેરો સાથે અમે `એન્સાઇક્લોપીડિયા’ (જ્ઞાનકોશ) લખવાના કરાર કર્યા છે ને જો એ કામ બંધ રહેશે તો અમને નુકસાની થશે.’ જુલ્મી શહેનશાહનો એક પ્રધાન અંદરખાને નવા ક્રાંતિકારી વિચારનો ચાહક હતો. એણે શહેનશાહને સમજાવ્યું : `દિદેરો તો મામૂલી કંગાળ લેખક છે. ખાલી વાતોના વડા કરે છે. એનાથી રાજ્યને કંઇ નુકસાન થાય એવી તાકાત એનાં લખાણમાં નથી. મગતરાને માફ કરીને છોડી મૂકો.’
જેલમાંથી બહાર આવતાં જ દિદેરો જ્ઞાનકોશ લખવા માંડ્યો પણ એમાં એણે શાસન તેમ જ ધર્મસંસ્થા વિદ્ધ છૂપા સંદેશા મૂક્યા. પ્રકાશકો સમજી ગયા કે દિદેરોનું લખાણ એમને એમ પ્રગટ કરશું તો આવી બનશે. ચાલાક પ્રકાશકોએ ક્રાંતિકારી લખાણો છેકી નાખીને પુસ્તક છપાવ્યું, જેની ખબર દિદેરોને છેલ્લો ભાગ છપાઇ ગયા પછી પડી. અને ત્યારે એણે માથા પટક્યાં, રાતે પાણીએ રડ્યો!
પ્રકાશકો દ્વારા એડિટ થઇ છપાયેલા ગ્રંથોમાં પોલીસે પણ થોડીઘણી કાપકૂપ કરાયેલા દિદેરોનાં બીજાં પુસ્તકો બહાર આવ્યા. ત્યાર બાદ દિદેરો હતાશામાં વીસેક વર્ષ જીવ્યો અને એના મૃત્યુ બાદ બરોબર વીસ વર્ષે ફ્રાંસનાં લોકો ક્રાંતિ પોકારી ને બાસ્તીલ જેલના ભાંગીને ભુક્કા કર્યા, જાલિમ તાનાશાહ રાજવંશને ખતમ કર્યો. ઇતિહાસકારો કહે છે કે ફ્રાંસની લોહિયાળ ક્રાંતિ અને પરિવર્તન પાછળનું સાચું બળ દિદેરોના ધગધગતા વિચારોના દાવાનળનું બળ હતું. `40 જ વર્ષ પછી એ કંગાળ લેખકના શબ્દો ફ્રાંસના સમગ્ર રાજતંત્રના અને ધર્મસંસ્થાના પાયા જડમૂળથી ખોદી નાખશે’ એવી જરાક પણ કલ્પના ત્યારના તાનાશાહને આવી હોત તો એમણે દિદેરોને છોડી મૂકવાને બદલે જેલમાં જ ખતમ કરી નાખ્યો હોત તો સવાલ થાય છે કે આટલો મોટો ક્રાંતિકારી દિદેરો જગતની તવારીખમાં જોઈએ એટલો જાણીતો કેમ ન થયો? એની સામે ફ્રેંચ વિચારક જ્હોન્સન જગપ્રસિદ્ધ બન્યા કેમકે એમને એમનો ચરિત્રલેખક બોઝવેલ મળ્યો, જે એક ચરિત્રલેખક તરીકે ખૂબ સરસ હતો. જે ગુણ બોઝવેલમાં હતો તે દિદેરોના ચાલુ ચરિત્રલેખકમાં ન હતો.
આવા સમર્થ પણ ગુમનામ ક્રાંતિકારી દિદેરો વિશે આપણા મહાન સાહિત્યકાર મેઘાણીજી લખે છે: `મહાપુષોને અમર કરવા એમના ચરિત્રલેખકો પણ મહાન મળવા જોઇએ.’ આજે 2024માં પણ આપણે ત્યાં દરબારી લેખકો દ્વારા મહાપુરૂષો વિશે લખાતી કિતાબોમાં સચ્ચાઇ ઓછી અને ઇતિહાસને તોડીમરોડીને સરકારી પ્રચારની ભેળપૂરી વધારે હોય છે.
ઇતિહાસે માત્ર દિદેરો સાથે જ નહીં, પણ ચે ગુવેરા, ફિડેલ કાસ્ટ્રો કે લેનિન જેવી હસ્તીઓ સાથે પણ વિચિત્ર વર્તન કર્યું છે. ગાંધીજી નસીબદાર હતા કે એમના જમાનામાં વામણા લેખકો કે સરકારના ચાપલૂસ ઇતિહાસકારો નહોતા, જે ગાંધીને બાળપણથી જ મહાન કે પરાક્રમી બતાવીને સુપરમેનમાં ખપાવી દે! ફ્રાંસમાં જો દિદેરો પર લખવાની પાબંદી ના હોત તો એણે પોતે જ અદ્ભુત આત્મકથા લખીને પોતાનું અમર પાત્ર સર્જી નાખ્યું હોત! અનેક ગુમનામ ક્રાંતિકારીઓએ મૂંગાં બલિદાનો આપીને આજનો સભ્ય સમાજ અને મોડર્ન આઝાદ દુનિયા રચી છે જો કે એવા લોકોના અવાજને દબાવવાવાળા શાસકો આજે ય આપણી આસપાસ છે, કાયમ હતા ને આવ્યા જ કરશે.. પણ યાદ રહે લોકોને દબાવી શકાય છે પણ પ્રજાનાં અવાજને સત્તાની મુઠ્ઠીમાં કાયમ માટે કેદ કરી શકાતો નથી.
એન્ડ-ટાઇટલ્સ:
આદમ: મારા હોઠ આઝાદ છે, બોલવા માટે ઈવ: ફરી બોલ!