ઉત્સવ

મહાન વિજેતા ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્ય

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

ભારતના ઇતિહાસમાં વીર વિક્રમાદિત્યના નામથી પ્રસિદ્ધ બનેલો ચંદ્રગુપ્ત પ્રતાપી પિતાનો પ્રતાપી પુત્ર હતો. તે સમ્રાટ સમુદ્રગુપ્ત અને દત્તદેવીનો બીજા ક્રમનો પુત્ર હતો. તેનાથી મોટો ભાઈ રામગુપ્ત હતો.

ગુપ્ત સામ્રાજ્ય ૩ સદી સુધી જ શાસન કરી શક્યું હોવા છતાં તે સમયનું સાહિત્ય, કલા અને વિજ્ઞાનમાં નવીન પ્રગતિ સાથે તે એક વ્યવહારદક્ષ સંસ્કૃતિ દ્વારા વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. આજે સમગ્ર એશિયા અને વિશ્વભરમાં તેની કલા, નૃત્ય, ગણિત અને અન્ય ઘણા ક્ષેત્રોમાં તેનો પ્રભાવ જોવા મળે છે. મોટાભાગના વિદ્વાનો દ્વારા ગુપ્તયુગને ભારતના સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. ભારતીય ઈતિહાસમાં ગુપ્તકાળને સુવર્ણયુગ કહેવા માટેના અનેક કારણો છે.

જેમાં મહાન સમ્રાટોનો યુગ, રાજનૈતિક એકતાના ગુણો, શાંતિ થતા સુવ્યવસ્થા, સાહિત્ય ઉત્કર્ષ, વૈજ્ઞાનિક ઊન્નતી, કલાની ચર્મોન્નતી, વૈદિક સભ્યતા તથા સંસ્કૃતિની રક્ષા, ધાર્મિક સહિષ્ણુતા, વિદેશમાં ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનો પ્રસાર – પ્રસારનો યુગ હતો. તેથી જ તેને ભારતીય ઈતિહાસમાં ગુપ્તકાળને સુવર્ણયુગ કહેવામાં આવે છે. ઉપરોક્ત મહાન સમ્રાટોના યુગના એક મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત દ્રિતીયનો સમયમાં સર્વે ક્ષેત્રે પ્રગતિ-સમૃદ્ધિ થઇ હોવાને લીધે તે સમયને પણ સુવર્ણયુગ કહે છે આજે તેના વિશે વાત કરીશું.

ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી પ્રાચીન ભારતના ભાગ-૧માં જણાવે છે કે, સમુદ્રગુપ્તનો આ પુત્ર એના પિતા કરતાંય વધારે પ્રતાપી નીવડ્યો. એનું નામ ‘દેવગુપ્ત ’ પણ હતું પરંતુ એ સામાન્યત: એના પિતામહની જેમ ‘ચંદ્રગુપ્ત’ તરીકે ઓળખાતો. એ ગુપ્ત સંવત ૫૭ (ઈ.સ. ૩૭૬- ૭૭)માં ગાદીએ આવ્યો. રામગુપ્ત અને ધ્રુવદેવીને લગતો પ્રસંગ ઐતિહાસિક હોય, તો એ ચંદ્રગુપ્ત પહેલેથી વીર અને પ્રતાપી હતો; અને એને લઈને એને ધ્રુવદેવી તેમ જ રાજ્યશ્રી વરી હતી.
જીતેન્દ્ર પટેલ પોતાના પુસ્તક ભારતના ‘સમ્રાટ’માં લખે છે કે, ચંદ્રગુપ્ત બાળપણથી પરાક્રમી હતો. કહેવાય છે કે, કિશોરાવસ્થામાં એણે સિંહનો શિકાર કરેલો. આ પરાક્રમના પુરાવા આપતા એ સમયના સિક્કા આજે પણ મોજૂદ છે. ત્યારથી ચંદ્રગુપ્તની કીર્તિ ચોમેર ફેલાઈ ગયેલી અને પિતા સમુદ્રગુગુપ્તની નજરમાં તે વસી ગયેલો. સમુદ્રગુપ્તે એ વખતે જ નક્કી કરી નાખેલું કે પોતાનો ઉત્તરાધિકારી ચંદ્રગુપ્તને જ બનાવવો. ભલે રામગુપ્ત તેના કરતાં મોટો હોય. સમુદ્રગુપ્તના આ નિર્ણયની સાક્ષી પૂરતો મથુરા પાસેનો શિલાલેખ આજે પણ મોજૂદ છે.

આમ પણ ગુપ્તવંશમાં ઉત્તરાધિકારી માટે જ્યેષ્ઠની નહિ, પણ શ્રેષ્ઠની જ પસંદગી કરવામાં આવતી. સમુદ્રગુપ્તને પણ કાચદેવ નામનો એક મોટો ભાઈ હતો. પરંતુ તેના પિતા ચંદ્રગુપ્ત પ્રથમે સમુદ્રગુપ્તનું હીર પારખીને પાટલીપુત્રની ગાદીએ તેને બેસાડ્યો હતો. સમુદ્રગુપ્ત પણ ગુપ્તવંશની આ પરંપરા જાળવી રાખવા માગતો હતો.

આ વિચારે સમુદ્રગુપ્તે એક દિવસ રાજસભા બોલાવી. મંત્રીઓ, સેનાપતિઓ, પ્રધાનો તથા નગરના અગ્રણીજનો પણ તેમાં હાજર હતા. બન્ને પુત્ર તેની બન્ને બાજુ બેઠા હતા. સભામાં સમુદ્રગુપ્તે ચંદ્રગુપ્તના શૌર્યની પ્રશંસા કરી તેને યુવરાજ ઘોષિત કર્યો. સમુદ્રગુપ્તની આ ઘોષણાથી રાજસભા હર્ષના પોકારથી ગાજી ઊઠી. વાતાવરણ આનંદથી છલકાઈ ગયું. પાટલીપુત્રની પ્રજા એ જ ઇચ્છતી હતી કે તેમના રાજા ચંદ્રગુપ્ત બને. પરંતુ ચતુર ચંદ્રગુપ્તે જોઈ લીધું કે પિતાના પ્રસ્તાવથી મોટાભાઈનું મોં પડી ગયું છે. ચંદ્રગુપ્તને મોટાભાઈ રામગુપ્ત પ્રત્યે ખૂબ આદર હતો. એ કોઈ પણ સંજોગમાં મોટાભાઈને દુ:ખી અને નિરાશ કરવા માગતો નહોતો. એણે પિતા સમુદ્રગુપ્તને વિનંતી કરી કે મહારાજ, પાટવીકુંવર મોટાભાઈ રામગુપ્ત છે, માટે રાજગાદી પર સૌથી પહેલો અધિકાર એમનો છે. આપને જો રાજ્યના રક્ષણની ચિંતા હોય તો એ જવાબદારી હું મારા માથે લઉં છું. મારા જીવતેજીવ રાજ્યને ઊની આંચ નહિ આવવા દઉં. મોટાભાઈની કીર્તિ વધે એ માટેના તમામ પ્રયત્નો હું કરીશ. પછી રાજગાદીએ તેઓ બેસે કે હું બેસું બન્ને સરખું જ છે. ચંદ્રગુપ્તની ઉદારતા જોઈ સભા સ્તબ્ધ થઈ ગઈ. ચારેકોરથી તેના પર ધન્યવાદનો વરસાદ વરસવા માંડ્યો. ત્યાર પછી થોડા દિવસોમાં જ (ઈ. સ. ૩૭૫) ભારત સમ્રાટ સમુદ્રગુપ્તનું અવસાન થયું. તેની ગાદીએ યુવરાજ રામગુપ્ત બેઠો. આ સમયગાળામાં તેનાં ધ્રુવસ્વામિનીદેવી સાથે લગ્ન થયાં. સમુદ્રગુપ્તનું અવસાન થતાં દક્ષિણના શક રાજાઓએ તેમનાં રાજ્યોને સ્વતંત્ર જાહેર કરી દીધાં. એટલું જ નહિ તેમણે ગુપ્ત રાજ્ય પર આક્રમણ કરવાની તૈયારી કરવા માંડી. રામગુપ્તની દુર્બળતાનો તેઓ પૂરેપૂરો લાભ ઊઠાવવા માગતા હતા. એ વખતનાં મુખ્ય રાજ્યોમાં વરાડ પ્રદેશનું વાકાટકનું રાજ્ય, અરિપુરના શકરાજ તોરમાણનું રાજ અને ઉજજૈન ક્ષત્રપરાજ રુદ્રસિંહનું રાજ્ય હતું. આ ત્રણે રાજ્યો પાટલીપુત્રનાં દુશ્મનો હતાં. ચંદ્રગુપ્તે સમયસર મોટાભાઈને ચેતવી દીધો. ચંદ્રગુપ્તની સલાહ માની રામગુપ્તે શકોને પાઠ ભણાવવાનો નિશ્ર્ચય કર્યો. વિરાટ સેના સાથે તેણે દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. સાથે નાનો ભાઈ ચંદ્રગુપ્ત અને રાણી ધ્રુવદેવી પણ હતાં.

બાણભટ્ટના હર્ષચરિત્રના વર્ણન અનુસાર યુદ્ધમાં સંધિ કરવી એવું નક્કી થયું એ મુજબ ઘણા ઇતિહાસકારો કહે છે કે, રામગુપ્ત ધ્રુવદેવીને શકરાજ પાસે મોકલી આપવા તૈયાર થઈ ગયેલો. ઘણા ઇતિહાસકારો આ વાત સાથે સંમત થતા નથી. સમુદ્રગુપ્ત જેવા પ્રતાપી પિતાનો પુત્ર પોતાની પત્નીને કોઈને સોંપવા તૈયાર થાય એમ તેઓ માનવા તૈયાર નથી, પરંતુ એ વાત સાથે બધા સંમત છે કે, ધ્રુવદેવીને બદલે તેના વેશમાં સ્વયં ચંદ્રગુપ્ત શકરાજ તોરમાણ પાસે ગયો હતો. ધ્રુવદેવીના વેશમાં ચંદ્રગુપ્ત જાળવીને સ્રી જેવો લહેકો કરતો નીચે ઊતર્યો. ‘આવો ધ્રુવદેવી તમે હવે શક રાજાનાં પટરાણી છો’ એમ કહી કામાતુર શકરાજ ધ્રુવદેવીને આલિંગન આપવા ગયો કે, ધ્રુવદેવીના વેશમાં રહેલા ચંદ્રગુપ્તે કેડેથી કટારી કાઢીને શકરાજ તોરમાણના પેટમાં મારી દીધી. દગો… દગો એમ ચીસો પાડતો શકરાજ નીચે ફસડાઈ પડ્યો. યોજના મુજબ નગારું વાગ્યું કે, દાસ દાસીઓના વેશમાં રહેલા માગધી સૈનિકો શકો ઉપર તૂટી પડ્યા. કાપાકાપી શરૂ થઈ ગઈ. કેટલાય શકો મરાયા. કેટલાયને કેદ કરવામાં આવ્યા. રાજા વિનાનું સૈન્ય આયોજન બદ્ધ લડી ન શક્યું, બાકીના જીવ બચાવીને નાઠા. રામગુપ્ત, ચંદ્રગુપ્ત અને ધ્રુવદેવી પાટલિપુત્રમાં પાછાં ફર્યાં ત્યારે એમને સાચા મોતીઓથી વધાવવામાં આવ્યાં. ઠેર ઠેર ચંદ્રગુપ્તનો જય જયકાર કરવામાં આવ્યો. રામગુપ્તથી આ સહન ન થયું.

ગુપ્ત સામ્રાજ્યના મુખ્ય સ્ત્રોત દેવીચંદ્રગુપ્તમ નામનું નાટક વિશાખાદત્ત દ્વારા ઘણી માહિતી જાણવા મળે છે. રામગુપ્ત તેમના પિતાથી વિપરીત, નબળો અને બેદરકાર શાસક હતો. અંતે ચંદ્રગુપ્તનો જય જય કાર સહન ન થયો એટલે ચંદ્રગુપ્ત મને મારી નાખવા ષડ્યંત્ર રચ્યું ષડ્યંત્રમાં તેનું મૃત્યુ થયું.

કેટલાક ઇતિહાસકારોનું કહેવું છે કે, ચંદ્રગુપ્ત અને ધ્રુવદેવીએ જ મળીને રામગુપ્તની હત્યાનું ષડયંત્ર રચેલું. આ વાત સાથે મોટાભાગના ઈતિહાસકારો સહમત થતા નથી. ઈ. સ. ૩૭૬માં ચંદ્રગુપ્તનો રાજ્યાભિષેક થયો. રાજપુરોહિત અને પ્રજાના પ્રતિનિધિઓએ ચંદ્રગુપ્તને રાજતિલક કર્યું અને ધ્રુવદેવીને વિનંતી કરી કે, મગધનાં મહારાણી તરીકે આપ જ યોગ્ય છો. આપ મહારાજ ચંદ્રગુપ્તને પતિ તરીકે સ્વીકારો એવી અમારી વિનંતી છે. આમ કરવામાં લેશમાત્ર અજુગતું નથી કે કોઈ અધર્મ નથી. ધ્રુવદેવી અને ચંદ્રગુપ્ત બધાંની ઇચ્છાને માન આપી લગ્નગ્રંથિથી જોડાયાં. રાજ્યાભિષેક વખતે ચંદ્રગુપ્તે ભરી સભામાં પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી દેશભરમાંથી શક લોકોને જડમૂળથી ઊખેડીને તેમનો નાશ નહિ કરું ત્યાં સુધી હું જંપીશ નહિ.

ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના અન્ય નામો અને ઉપાધિ: ચંદ્રગુપ્તે વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કર્યું હતું. આ નામ તેના વખતના સિક્કા પર અંકિત થયેલું જોવા મળે છે. આના પરથી ઘણા વિદ્વાનો એવું અનુમાન લગાવી રહ્યા છે કે, પરદુ:ખભંજન વીર વિક્રમ તે આ ચંદ્રગુપ્ત જ. વીર વિક્રમની રાજધાની ઉજજૈન નગરી હતી અને ચંદ્રગુપ્તે પણ ઉજજૈનને પોતાની રાજધાની બનાવી હતી. આ સિવાય ચંદ્રગુપ્તે શકોને દેશમાંથી હાંકી કાઢ્યા હોવાથી તેને શકારિનું બિરુદ પણ મળેલું. ડૉ. ગીરીજા શંકર મિશ્ર પોતાના પુસ્તક પ્રાચીન ભારતનો ઈતિહાસ’માં લખે છે કે, ઉપરાંત, ‘વિક્રમાંક’, ‘નરેન્દ્રચંદ્ર’, ‘સિંહવિક્રમ’, ‘સિંહચંદ્ર’ આદિ ઉપાધિઓ પણ તે ધારણ કરતો. પિતા સમુદ્રગુપ્તની માફક ચંદ્રગુપ્તે પણ અશ્ર્વમેધ યજ્ઞ કર્યો હોવાનું કહેવાય છે. એ સમયે પ્રજાએ તેને ‘વિક્રમાદિત્ય’ (પરાક્રમોનો સૂર્ય) એવું બિરુદ આપેલું. સાંચી પ્રાપ્ત લેખમાં ‘દેવરાજ’, ચમ્મક લેખમાં દેવગુપ્ત, અન્ય સિક્કાઓમાં પણ આ નામ મળે છે.

ચંદ્રગુપ્તના દિગ્વિજય અને સામ્રાજ્ય વિસ્તાર: ઈ.સ. ૪૦૦ના અરસામાં ચંદ્રગુપ્તે માળવાના રાજય પર ચડાઈ કરી. એની સાથે એના અનેક અમાત્યો અને સેનાપતિઓ આવ્યા જણાય છે. માળવામાં લગભગ અઢી-ત્રણ સદીથી પશ્ર્ચિમી ક્ષેત્રપ કુલના શક રાજાઓનું શાસન પ્રવર્તતું હતું. આ સમયે તે વંશમાં રાજા મહાક્ષત્રપ સ્વામી રુદ્રસિંહ ૩જો રાજ્ય કરતો હતો. એના સિક્કાઓમાં (શક સંવતના) વર્ષ ૩૨૦ (ઈ.સ. ૩૯૮-૯૯) સુધીના વર્ષ મળ્યાં છે. ચંદ્રગુપ્તે માળવામાં પોતાના જીવનનાં છેલ્લાં ઘણાં વર્ષ ગાળ્યાં એવું ત્યાંના એના ગુ.સં. ૮૨ (ઈ.સ. ૪૦૧) અને ગુ.સં. ૯૩ (ઈ.સ. ૪૧૨)ના અભિલેખો પરથી માલૂમ પડે છે. સંભવત: ગુજરાતમાં ત્યારે ક્ષત્રપવંશની જગ્યાએ શર્વ ભટ્ટારક નામે કોઈ શૈવ રાજાની સત્તા પ્રવર્તી હતી અને ચંદ્રગુપ્તે આખરે સૌરાષ્ટ્ર સુધીના એ પ્રદેશ પર પણ પોતાની સત્તા પ્રસારી દીધી. પશ્ર્ચિમ ભારતના વિજયથી ગુપ્ત સામ્રાજયનું શાસન હવે પશ્ર્ચિમ સમુદ્ર પર્યંત પ્રસર્યું. ચંદ્રગુપ્ત વર્ષો સુધી અવંતિમાં રહ્યો ને ઉજજયિની જાણે એની બીજી રાજધાની બની રહી. પ્રતાપી ચંદ્રગુપ્તે પરાક્રમાંક સમુદ્રગુપ્તની જેમ ‘વિક્રમાદિત્ય’ એવું અપર નામ ધારણ કર્યું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
AUS vs NZ TEST: કેન વિલિયમ્સને 14 વર્ષની કારકિર્દીમાં પહેલી વખત કરી મોટી ભૂલ પઢાઈમાં Zero કમાણીમાં No 1, જાણી લો બોલીવૂડના સુપરસ્ટાર્સ WPL : RCBની કૅપ્ટન સ્મૃતિ મંધાનાને ધમાકેદાર પ્રથમ ફિફ્ટી ન ફળ્યાં મોબાઈલ ફોન ગુમ થઈ ગયો છે? No problem સ્વીચ ઓફ મોબાઇલ પણ ટ્રેક કરી શકાશે.