ધોળા રણનો સોનેરી સૂરજ
વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી
દક્ષિણ એશિયાની સૌથી નોંધપાત્ર અને સારી રીતે સચવાયેલી શહેરી વસાહતોમાંથી એક, ધોળાવીરાની આજે યાદો વહેંચવી છે. બન્ની- પચ્છમ અને ખડીરને જોડતો ‘રોડ ટુ હેવન’ પહેલાં પણ રજૂઆત કરી છે તેમ પ્રવાસીઓ, રાઈડર્સ માટે હોટ ફેવરિટ છે. જો ઘડુલી – સાંતલપુર માર્ગ સંપૂર્ણ ઢબે તૈયાર થઇ જશે તો કચ્છના બે અલગ છેડે ધબકાર લઇ રહેલી સંસ્કૃતિને જોડવામાં નિમિત માત્ર પહેલ સાબિત થશે તેમાં બે મત નથી.
ખડીર ટાપુ તરફના ગામોમાં વસવાટ કરતાં સોઢા અને અંત્યજ પરિવારોના વ્યવહાર ખાવડા સુધી હોવાથી એજ રણમાં પાણી સુકાઈ જાય ત્યારે પરિવહન કરતાં. બાઈક કે જીપડો ખૂંપી જાય તોય હેરાન થતાં થતાં કચ્છના એક છેડાથી બીજા છેડાને લાગણીઓથી સ્પર્શી લેતાં. કારણ કે જો પરિવહન માર્ગ પસંદ કરવું હોય તો ખડીરથી ભુજ થઈને ખાવડા કે આસપાસના ગામડાઓમાં પહોંચી શકાય. સહેલાઇથી સમજવું હોય તો બસના સમય અને ૨૦૦ કિલોમીટરની યાત્રા કરીને કચ્છના બીજે છેડે પહોંચતા સાંજ અથવા રાત પણ થઇ જાય અને રિટર્ન તો રાત્રિ રોકાણ વગર કઠિન બની જાય. અને એટલે જ ૨૦૦ થી વધુ કિમી.નું અંતર અને સમય બચાવનારો આશરે ૩૦ કિમી. લાંબો આ ‘રોડ ટુ હેવન’ એ પ્રવાસીઓ માટે જ નહિ પરંતુ ત્યાંના વસાહતીઓ માટે સ્વર્ગ સમાન છે, જેનાં થકી ખાવડા અને ખડીર બેટના ગામડાઓના હૃદયનું અંતર
ઘટ્યું છે.
થોડા દિવસ પહેલાં જ ધોળાવીરાથી ભુજ પરત ફર્યા ત્યારે ‘રોડ ટુ હેવન’ પર જોશભેર મોટીમોટી ડાફ ભરતાં, હાથમાં લાખ રૂપિયાવાળા એપલનાં ફોનમાં વીડિયો કોલિંગ કરતાં કરતાં જામ કુનરિયાનો માલધારી અને તેના ‘માલ’ ને જોતાં ગાડી ઊભી રાખી સંવાદ કર્યો.
શું નામ તારું?
હું અયુબ સુમરા.
ક્યાં જાય છે?
ખડીર.
કેમ?
માલને ચરાવવા.
સાંજના સાડા છ વાગે છે અને આ રણ માર્ગ પૂર્ણ કરવામાં હજુ ૭ થી ૮ કિલોમીટર બાકી છે, પગે તું અને તારા પશુઓ ધોળાવીરા ક્યારે પહોંચી જશો?
એ તો રાત થશે. જામ કુનરિયાથી નીકળ્યા હતા પરંતુ પાછા આવશું નહિ, બસ! હવે ત્યાં જ ચાર – પાંચ મહિના કાઢવાના છે.
અયુબ ખુશીથી વધુ ઉમેરે છે, ‘બન્ની- પચ્છમનો ખડીરને જોડતા આ સેતુને તો ખાલી બે-ત્રણ વર્ષ થયાં, એ પહેલાં પશુઓને આ જ ખુલ્લાં રણમાં ત્રગડી બેટ અથવા એથી પણ આગળ લઇ આવતા ખડીર સુધી આવ્યા છીએ. આ રસ્તાને લીધે ગતિ અને વસતી બંને મળી ગઈ છે, એટલે ૩૦ – ૪૦ કિલોમીટર તો અમારે મન આનંદ સમયનો હવાલો છે.’ ખમીરીને પોષતી પ્રજાના આનંદનો ઉદ્ધાર જાણે, ‘સફેદ રણમાં સોનાનો સૂરજ ઊગ્યો છે!!’
કચ્છના રસ્તાઓ થકી સંભવિત વિકાસ અને પશુઓ માટેની સંવેદના ઉપજાવતો ગાંધીજીએ કહેલો એક કિસ્સો ફરી યાદ આવી ગયો. આઝાદી સમયે એમણે દાખવેલી સંવેદનાઓ આ વખતનાં ધોળાવીરા પ્રવાસ સમયે અનુભવ્યો. ગાંધીજીએ પોતાની વાતોમાં કહેલું, ‘… જાનવરોને કાચા રેતાળ રસ્તામાં કેટલું બધું કષ્ટ પડે
છે ? ગાડામાં અને ગાડાને ચાલવાના રસ્તામાં હું હમેશ સુધારા ઇચ્છું. સારા રસ્તા સુવ્યવસ્થિત રાજ્યનું ભૂષણ છે. રાજા પ્રજા ઉભયની સારા રસ્તા બનાવવાની ફરજ છે. મોટરને સારું સારા રસ્તા જોઈએ જ. જાનવરને સારું કેમ નહિ? જાનવર બોલતાં નથી તેથી? રાજા એટલું સાહસ ન કરે તો ધનિક વર્ગ કેમ ન કરે? કચ્છમાં આ સાહસ સહેલાઈથી થઈ શકે કેમકે અંતર મોટાં નથી. પ્રજાને સારું આ સાહસ કઠિન છે ખરું, પણ અશક્ય નથી. પ્રથમ તો રાજાની પાસે જ પ્રજાએ આ વાત મૂકવી જોઈએ.’
ભાવાનુવાદ: ડખણ એસિયેજી ખાસ નેં ભરાભર રીતેં સચવાઇંધલ સેર જે રહેણાંક મિંજાનું હિકડ઼ી, ધોરાવીરાજી જાધ વેંચણી આય. બની- પછમ નેં ખડીરકે જોઢંધો ‘રોડ ટુ હેવન’ પેલા જુકો રજૂઆત કેં આય તીં પ્રિવાસીએંકે ક રાઈડર્સ લા ‘હોટ ફેવરીટ’ આય. જ ઘડુલી – સાંતલપર મારગ સજો તૈયાર થિઇ વને ત કચ્છજા બ નિડારા છેડ઼ા ધબકાર ગિનંધલ સંસ્કૃતિકે જોડ઼ેમેં નિમિત માત્ર પહેલ સાભિત થીંધો તેમેં બો મત નાંય.
ખડીર ટાપુ વટેજે ગામેમેં વસવાટ કરીંધલ સોઢા ને અંત્યજ પરિવારેંજા વ્યવહાર ખાવડ઼ે તઇં હૂંધે જે લીધે કચ્છજે ઇજ રિણમેં નીર સુકી રે તેર અચ઼વિઞ કરીંધા વા. હોંઢા ક જીપડ઼ો ખુપી વિઞે તય હેરાન થીંધે થીંધે કચ્છજે હિકડ઼ે છેડ઼ેનું બે છેડ઼ેકે લાગણીએંસે છિબી ગ઼િનંધા વા. કુલા ક જુકો પરિવહનજો મારગ પસંધ કેણૂં હોય ત ખડીરનૂં ભુજ થિઈને ખાવડા ક ભગલજે ગામેમેં પુગ઼ી સગ઼ાજે. સાધિ ભાસામેં ચોં ત બસજો સમય નેં ૨૦૦ કિલોમીટરજી જાત્રા કરેને કચ્છજે બે છેડ઼ે તે પુજંધે જ સાંજી ટાણું ક રાત થિઇ વિઞે નેં પાછા ત રાત ગુજારે વિગર અઘરી થિએ. નેં ઇતરે ૨૦૦ કનાં વધુ કિમીજો અંતર ને સમય ભચાઇંધલ આસરે ત્રી કિમી લમો હી ‘રોડ ટુ હેવન’ ઇ પ્રિવાસીએંલા જ ન પણ ઉતેજા વસાહતીએંજે માટે સરગ સમાન આય, જિન થકી ખાવડ઼ો ને ખડીર બેટજે ધિલજો અંતર પ ઓછો થ્યો આય.
થોરે ડીં પેલા જ ધોલાવીરાનું ભુજ પાછા વર્યા તે તેર ‘રોડ ટુ હેવન’ તે જોશભેર વડીવડી ડાફૂં ભરીંધલ, હથમેં લખ રૂપિયેવારે એપલજે ફોનમેં વિડીયો કોલિંગ કેંધે કેંધે વનંધલ જામ કુનરિયેજો માલધારી ને ઇનજે ‘માલ’ કે ન્યારીને ગાડી ઉભી રખેનેં પુછા કિઇ.
તોજો નાંલો કુરો?
આઉં અયુબ સુમરો.
કિત વિઞેતો?
ખડીર.
કો?
માલકે ચરાયલા.
સાંજીજા સાડ઼ા છ વજેતા ને હી રિણજી વાટ પૂરી કરીંધે અનાં સત – અઠ કિલોમીટર બાકી ઐં, પગે તું ને તોજા ચોપા ધોરાવીરા કિડે પુંજંધા?
ઇ ત રાત થીંધી. જામ કુનરિયેનું નિકર્યા વા પ હાંણે પાછો નાય વરણૂં, બસ! હાણે હુત જ ચાર -પંજ મેણા કઢેજા ઐં.
અયુબ રાજીપે ચે તો, ‘બની- પછમજો ખડીરકે જોડંધે હી સેતુકે ત ખાલી બો -ત્રે વરે થ્યા ઐં, હિન પેલા ચોપે કે હિન જ ખુલે રિણમેં ત્રગડ઼ી બેટ ક ઉતેનું પર્યા ખડીર સુધિ વ્યા અઇયું. હિન રસ્તે જે લીધે ગતિ ને વસતી બોય જુડ઼ઇ આય, ઇતરે ત્રી – ચારી કિલોમીટર ત અસાંજે મન આનંધ સમોજો હવાલો આય.’ ખમીરીકે પોસિંધલ પ્રિજાજે આનંધજો ઉદ્ગાર જકા, ‘ધોરે રિણમેં સોનજો સૂરજ ઉગ્યો આય!!’
કચ્છજે રસ્તેં થકી સંભવિત વિકાસ ને પશુએંલા સંવેધના ઉપજાઇંધલ ગાંધીજીજો હિકડ઼ો કિસ્સો જાધ અચ઼ી વ્યો. આજાધિ ટાણે ઇનીજી સંવેધના હિન વખતજે ધોરાવીરાજે પ્રિવાસ ટાંણે અનુભવાણો.
વલો કચ્છપુર્વી ગોસ્વામી