બકરી ભાત ખાઈ ગઈ, પણ અમારું રસોડું શરૂ થઈ ગયું
મહેશ્ર્વરી
સોમાભાઈએ જ માસ્તરને માહિતી પહોંચાડી હતી કે મહેશ્ર્વરી ખેરાળુમાં છે અને એટલે જ બંને દીકરીઓને લઈ એક મહિના પછી તેઓ મને મળવા આવી ગયા. માણસનું વર્તન ક્યારેક અકળાવનારું હોય છે તો ક્યારેક સમજી ન શકાય એવું હોય છે. માસ્તર મારપીટ કરીને મને કેવો ત્રાસ આપતા હતા એ સોમાભાઈ જાણતા હતા. તેમણે નરી આંખે મારી સાથે થયેલો અત્યાચાર જોયો હતો.
ખેરાળુમાં મારી પાસે કામ નહોતું, પણ માનસિક શાંતિ અને રાહત ઘણા હતા. આ બધું જાણવા છતાં મને બહેન માનતા સોમાભાઈએ હું ખેરાળુમાં છું એ કેમ માસ્તરને જણાવી દીધું હશે એ હું સમજી ના શકી. સોમાભાઈને પૂછવાની મારામાં હિંમત પણ નહોતી. કદાચ કામ વગર મને ઝાઝો સમય રાખી શકવા અસમર્થ હશે એટલે કે પછી માસ્તરને બીજે ક્યાંયથી જાણ થાય તો સોમાભાઈ સાથે ઝઘડો કરી બેસે એટલે? જાતજાતના સવાલ મનમાં ઊઠતા હતા, પણ એનો કોઈ જવાબ નહોતો મળી રહ્યો. મેં મેળવવાની કોશિશ પણ નહોતી કરી. પરિસ્થિતિ અનુસાર ગોઠવાઈ જવાની આદત પડી ગઈ હતી. માસ્તર આવ્યા છે એની જાણ થતા મને ફફડાટ થયો કે આ તો ફરી ગડદાપાટુ કરી તમાશો કરશે અને મારું કષ્ટ વધશે.
જોકે, મારા આશ્ર્ચર્ય વચ્ચે મારી માફી માગી. હવે ખરાબ રીતે નહીં વર્તું, ચાલ મારી સાથે કંપનીમાં વગેરે વગેરે ડાહીડમરી વાતો કરવા લાગ્યા. એમનું આ વર્તન જોઈ પરિસ્થિતિ અનુસાર રંગ બદલતો કાચિંડો મને યાદ આવી ગયો. માસ્તર મને લેવા કેમ આવ્યા હશે એ સવાલ પણ મનમાં ઉઠ્યો. ડીસામાં નાટક નહીં ચાલતા હોય? મારી જગ્યાએ કામ કરતી અભિનેત્રી સક્ષમ નહીં હોય એટલે? સવાલ ઉગ્યા એવા જ ડામી દીધા. કાયમ જતું કરવાનો મારો સ્વભાવ રહ્યો છે અને હું માસ્તર સાથે ડીસા જવા તૈયાર થઈ ગઈ. હજી થોડા દિવસ પહેલા તો ‘બસ હવે બહુ સહન કર્યું’ એવી લાગણી સાથે બેગ ઉપાડી ચાલતી પકડનારી મહેશ્ર્વરી કેમ ફરી એ જ વાતાવરણમાં જવા તૈયાર થઈ એવો સવાલ થવો સ્વાભાવિક હતું. સાચું કહું તો મારી પાસે કોઈ ચોક્કસ કારણ નહોતું, કદાચ મારી બંને દીકરીઓને જોઈ માની મમતા જાગી ઊઠી કે સોમાભાઈ પાસે મારે લાયક કોઈ કામ નથી તો કેટલો સમય એમના આશ્રિત થઈને રહેવું એ કારણસર કે પછી ડીસા પહોંચી ફરી નાટકમાં વ્યસ્ત થઈ જવાની ઈચ્છા એ કારણ હતું કે આ બધાં કારણોનો સરવાળો હતો એ હું નથી જાણતી.
હકીકત એ હતી કે બેગ લઈને ભાગી નીકળેલી મહેશ્ર્વરી એ જ બેગ લઈ ‘સ્વગૃહે’ પાછી જવા તૈયાર હતી. મારો નિર્ણય જાણી સોમાભાઈ, ચંદુભાઈ, છબીલભાઈ વગેરે નાટ્ય કંપની સાથે જોડાયેલા લોકો રાજીના રેડ થઈ ગયા. દીકરીને સાસરે વળાવતા હોય એમ સાડી વગેરે વસ્તુઓ ‘કરિયાવર’માં આપી મને વળાવી. આ લોકો માસ્તરને ઓળખતા હોવા છતાં તેમની સાથે મોકલવા કેમ રાજી થયા એ હું સમજી ના શકી. કદાચ એ સમયની માનસિકતા જવાબદાર હતી કે પરણેલી દીકરી તો પતિની સાથે જ શોભે. હકીકત જે હોય એ, વાસ્તવિકતા એ હતી કે જ્યાંથી મેં એક્ઝિટ મારી હતી એ જ ડીસામાં મેં ફરી એન્ટ્રી લીધી.
મનુષ્ય જીવનમાં અનેક બાબતો જોગાનુજોગ બનતી હોય છે. ક્યારેક કોઈ અકળાવનારી હોય, કોઈ સુખકારી હોય તો કોઈ રમૂજી પણ હોય. હું પતિ સાથે ડીસા પહોંચી અને મારો પહેલો શો હતો એ નાટકનું નામ હતું ‘મોંઘેરો મુરતિયો.’ કોઈ અર્થ બેસાડતા નહીં, બે ઘડીની રમૂજ છે. જોકે, ડીસાના પ્રેક્ષકોને ’મોંઘેરો મુરતિયો’ મોળો લાગ્યો. પછી ‘મારે નથી પરણવું’ ભજવ્યું. એમાં પણ કાગડા જ ઊડતા હતા. માસ્તરે નક્કી કર્યું કે હવે ડીસામાં રહેવામાં માલ નથી. ત્યાંથી નીકળી કંપનીએ પાટણમાં તંબુ તાણ્યા. પહેલું નાટક ‘પરણ્યા એટલે પ્યારા લાડી’ કર્યું. કલાકારનું વાસ્તવિક જીવન અને એની વિચારધારાથી સાવ વિપરીત અથવા વિરોધી પાત્ર ભજવવાનું આવે ત્યારે કલાકારે એ પાત્ર કરવાનું સ્વીકાર્યા પછી એને ચાર ચાંદ લગાવી દેવાના હોય છે. અંગત જીવનમાં વર્ષના ૩૬૫ દિવસ દેવ દર્શને જતા કલાકારે નાસ્તિક વ્યક્તિનું પાત્ર ભજવી ‘ઈશ્ર્વર જેવું કંઈ છે જ નહીં’ એ પ્રભાવી રીતે રજૂ કરવાનું હોય છે. આવા બીજા પણ ઉદાહરણ છે. સતત પતિના અત્યાચાર સહન કરી હું ‘પરણ્યા એટલે પ્યારા લાડી’નું પાત્ર પ્રભાવીપણે ભજવી શાબાશી મેળવતી હતી. જોકે, પાટણમાં પણ ‘ભજવ્યા એટલે પ્રેક્ષક પ્યારા’ જેવી પરિસ્થિતિ ન થઈ એટલે અમે તાળું મારી મહેસાણા જિલ્લાના કડી ખાતે પહોંચ્યા. કડીમાં અમે ‘છૂટાછેડા’ નાટકથી શરૂઆત કરી. જોકે, પ્રેક્ષકોએ જ નાટક સાથે છેડા છૂટા રાખ્યા અને પછી અમે ‘શેણી વિજાણંદ’નો અખતરો કરી જોયો, પણ પ્રેક્ષકોનો દુકાળ ચાલુ રહ્યો.
મહિનો માંડ ખેંચ્યો અને કંપની આર્થિક ભીંસમાં આવી ગઈ, કલાકારોના પગાર, એમના જમવાની વ્યવસ્થા વગેરેમાં મુશ્કેલી પડવા લાગી અને કંપની બંધ કરવી પડી. કડીમાં અમે લાલાભાઈ નામના એક શ્રીમંત ગૃહસ્થના ડેલામાં રહેતા હતા. અન્ય કલાકારો તો જતા રહ્યા હતા, માત્ર હું, માસ્તર અને બે છોકરીઓ એટલા ચાર જ જણ ત્યાં હતા. ખાવાનું પણ ખૂટી ગયું હતું અને કહે છે ને કે મુસીબતો આવે સાગમટે, જાય વારાફરતી.
ઘરમાં થોડા ચોખા વધ્યા હતા એ રાંધી છોકરીઓને ખાવા માટે ભાત બનાવ્યા, પણ હું સહેજ આઘીપાછી થઈ ત્યાં ઓટલા પર રાખેલા ભાત બકરી ખાઈ ગઈ. એ વખતે બકરીને અમારા કરતાં ભોજનની વધુ જરૂર હશે. ખેર. હવે કરવું શું એ પ્રશ્ર્ન મૂંઝવી રહ્યો હતો ત્યાં અમારી ‘મયુર મંચ’ કંપની બંધ થઈ ગઈ છે એ વાત મીર લોકોના જાણમાં આવી. મીર લોકો હોય મુસ્લિમ પણ આપણા કવિ કે ચારણ જેવા કલાકાર ખરા. નાટક કંપની પણ ચલાવે.
બાબુલાલ મીર નામની વ્યક્તિને ખબર પડી કે અમારી કંપની બંધ પડી છે એટલે અમારી પાસે આવ્યા અને મને પૂછ્યું કે ‘બહેન, એકાદ મહિનો અમારી સાથે કામ કરશો?’ અને આ વાક્ય સાંભળી કાલે ખાશું શું એ સવાલનો જવાબ મળી ગયો. બકરી ભાત ખાઈ ગઈ, પણ અમારું રસોડું શરૂ થઈ ગયું.
ચાબુકનો માર, ગોદડાંનો ભાર
નાટ્યલેખન ઉપરાંત શ્રી મૂળશંકર મુલાણી જૂની રંગભૂમિ માટે ગીત – કવિતા પણ લખતા હતા. ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતા તેમના નાટક ‘રાજબીજ’ને સારો આવકાર મળ્યો હતો. આ નાટક નાટ્ય પ્રેમીઓમાં ખાસ્સું ચર્ચાયું હતું. શ્રી મૂળશંકર ભાઈના સુપુત્ર શ્રી હરિલાલભાઈ મુલાણીએ કરેલા આ નાટકના એક કિસ્સાનું વર્ણન કશેક વાંચવામાં આવ્યું હતું. માત્ર સ્મૃતિના આધારે જ એ લખ્યું છે. ‘નાટકનો એક પ્રસંગ નોંધપાત્ર છે. રાજ અને બીજ નામના બે રાજકુંવર ભાઈમાંથી એક ભાઈ બીજ સંજોગવશાત ખેડૂત સાથે રહેતો હોય છે. કોઈ કારણસર માલિક – શેઠ બીજ પર રોષે ભરાય છે અને ક્રોધિત અવસ્થામાં એ બીજને ચાબુકે ચાબુકે ફટકારે છે એવું દ્રશ્ય આવતું હતું. કોઈ એક ખેલ દરમિયાન પ્રેક્ષક વૃંદમાં બિરાજમાન આધેડ વયનાં સન્નારી એ હદે વ્યથિત થયા કે હિબકે હિબકે રડવા લાગ્યાં. કેમેય કરીને છાના પડે નહીં. અલબત્ત નાટક પૂરું થયા પછી એ સન્નારીને સાંત્વના મળે એ આશય સાથે બીજનું પાત્ર ભજવતા નટને પેલા સન્નારી પાસે લાવવામાં આવ્યો. નટે પીઠ દેખાડતા ત્યાં ચાબુકના સોળ નજરે નહીં પડતા સન્નારી શાંત થયાં. તેમને વિસ્મય થયું અને મારના નિશાન નહીં હોવાનું કારણ પૂછતાં નટે જવાબ આપ્યો કે ‘એ ચાબૂક તો મારા શરીર પર વીંટેલા ગોદડાં પર વીંઝાતો હતો, મને તો અડ્યો પણ નથી. એટલે મને જરાય વાગ્યું નથી. હા, એ ગોદડાંનો ભાર થોડીવાર માટે સહન કરવો પડ્યો હતો.’ (સંકલિત)