ઉત્સવ

ખેલ પકડાપકડીનો… પોલીસ ને આતંકવાદ!

જે લોકો બિચારા આતંકવાદની સખત વિરુદ્ધ છે, એમને જ પોલીસ મારતી પીટતી હોવાનું જોવા મળશે એ પછી ‘અમે આતંકવાદી નથી’- એ સાબિત કરવું એ લોકો માટે બહુ મુશ્કેલ બની જશે. કોઇ આતંકવાદી નથી એ સાબિત કરવા માટે પણ લાંચના ભાવ નક્કી કરવામાં આવશે

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

થોડાં વર્ષ અગાઉ એવું વિચારવામાં આવેલું કે
(જે આજે ય લાગુ પડે છે કે) ભારતીય પોલીસને
એટલી લાયક અને સક્ષમ બનાવવી જોઈએ કે એ આતંકવાદ અને આતંકવાદીઓનો સામનો કરી શકે અને આ કામ માટે સૈનિકોને અને અર્ધ લશ્કરીદળને બોલાવવાની જરૂર ન પડે.
મારા મતે સૌથી પહેલા તો પોલીસ આ પ્રસ્તાવ સાથે નક્કી સંમત થશે.

પોલીસવાળાઓનો એવો સિદ્ધાંત રહ્યો છે કે જ્યારે એ કોઈ પણ સાથે સમસ્યાનો ઉકેલ લાવવા જાય ત્યારે એ વિચારતા નથી કે એ કોની સાથે પંગો લઈ રહ્યા છે? અને એ વ્યક્તિ કે લોકો કોણ છે? જેમ કે- જો કોઈ પોલીસવાળાની ડ્યૂટી થિયેટર પાસે લાગી હોય તો ફિલ્મ જોવા આવેલા દર્શકોની ભીડને મારી મારીને સીધી
કરી નાખશે અથવા કોઈ નેતાના સ્વાગત માટેની વ્યવસ્થા માટે ડ્યૂટી કરતાં હશે તો પોલીસવાળા નેતાના સ્વાગત માટે આવેલા લોકોની ભીડને કાબૂમાં રાખવા જરૂર પડે દંડાથી લોકોને મારે પણ છે. કહેવાનો અર્થ એ છે કે ભારતીય પોલીસની આ કાર્યવાહી એટલી ટિપકલ ને એકસરખી હોય છે કે પોલીસવાળા એ ભૂલી જાય છે કે કાર્યવાહી કોના પર કરાઇ રહી છે અને કોના પર
ના કરવી જોઇએ! એવામાં જો તમે પોલીસને આતંકવાદીઓને ખાતમો કરવાની જવાબદારી સોંપશો
તો એ સંપૂર્ણ રીતે આતંકવાદીઓની સામે લડશે
અને પોલીસવાળા જેની પણ સાથે લડશે એણે
આપોઆપ સ્વીકારવું પડશે કે એ આતંકવાદી છે, પછી હોય કે ના હોય! આ કામ એટલા જોરશોરથી કરવામાં આવશે કે પોલીસવાળાને દર ત્રીજો નાગરિક આતંકવાદી જેવો જ દેખાવા માંડશે અને પેલો બિચારો પોલીસથી એટલો ડરી જશે કે આતંકવાદ વિશે વાત કરવાનું ય ભૂલી જશે!

હવે પછી જ્યારે પણ તમે પોલીસ સ્ટેશનમાં
કોઈને મારવાનો અવાજ સાંભળો તો સમજી લેજો કે એ આતંકવાદી છે. આ તો થયો માત્ર પ્રથમ તબક્કો. આતંકવાદનો સામનો કરવા માટે ભારતીય પોલીસનો
બીજો તબક્કો, ખૂબ જ યોજનાપૂર્ણ અને ઇંટેરેસ્ટિંગ
રહેશે. થશે એમ કે આમાં પછી લારીવાળાથી લઇને
લફંગા પોકેટમારની જેમ આતંકવાદીઓ પણ
પોલીસને હપ્તા બાંધી આપશે. એક રીતે બેઉ વચ્ચે શાંતિનો સોદો થશે. જો આતંકવાદીઓ પૂર્વ દિશામાં કોઈ કાંડ કરશે તો પોલીસ પશ્ર્ચિમ દિશા તરફ જોવાનું શરૂ કરશે. આતંકવાદી ૧૧ વાગ્યે કશુંક કરશે, ત્યાં પોલીસ છેક ૧૨:૩૦ વાગ્યે આરામથી પહોંચશે. બેઉ વચ્ચેના સોદા કે કરાર મુજબ કેટલાક નકલી આતંકવાદીઓ ઊભા કરવામાં આવશે અને દર વખતે એવા નકલી લોકો જ પકડાશે અને પછી પુરાવાના અભાવે એમને છોડી મૂકવામાં આવશે.

આ પછીનો ત્રીજા તબક્કો ભારે મુશ્કેલીવાળો હશે.
જે લોકો બિચારા આતંકવાદની સખત વિરુદ્ધ છે,
એમને જ પોલીસ મારતી પીટતી હોવાનું જોવા મળશે એ પછી ‘અમે આતંકવાદી નથી’- એ સાબિત કરવું એ
લોકો માટે બહુ મુશ્કેલ બની જશે. કોઇ આતંકવાદી
નથી એ સાબિત કરવા માટે પણ લાંચના ભાવ નક્કી કરવામાં આવશે અને જો તમે આતંકવાદી ન હોવ તો
પણ કેટલાક હવાલદાર પાક્કું તમારા પર એવો તો
આરોપ લગાડી જ દેશે કે ‘તમે આતંકવાદીઓ સાથે
મળેલા છો!’

એટલે કે જ્યારે ભારતયિ પોલીસ આતંકવાદ સામે લડવાની જવાબદારી ઉપાડે છે ત્યારે કંઈ પણ થઈ શકે છે અથવા કંઈ પણ નહીં થાય.

હવે સવાલ એ નથી કે પોલીસ શું કરશે? સમસ્યા એ છે કે પછી આતંકવાદીઓ શું કરશે? આમાં થશે એવું કે એક આતંકવાદી બનવાની બધી મજા મરી જશે પછી આતંકવાદીઓ બંદૂકો ફેંકી દઇને ખેતી શરૂ કરશે. કદાચ એવું પણ બને એ લોકો કેનેડા અથવા ઈક્વાડોર જેવા દેશમાં ભાગી જાય. કારણ કે જે આતંકવાદનાં ધંધામાં ડર, વટ કે ઈજ્જત જ ન હોય એમાં રહીને શું ફાયદો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button