ઉત્સવ

ભજિયા સાથે વધી જાય છે વરસાદની મજા

સ્વાદ – સંધ્યા સિંહ

વરસાદનું નામ લેતા જ મગજમાં જે રોમાંચિત કરનારી લાગણીઓ જન્મે છે તેમાં ક્રન્ચી ભજિયા અને ગરમાગરમ ચાની ચુસકીઓનો પણ સમાવેશ થતો હોય છે. વાસ્તવમાં ચા અને ભજિયાનું વરસાદ સાથે સુંદર કોમ્બિનેશન એટલા માટે પણ છે કેમ કે વરસાદના દિવસોમાં વાતાવરણમાં થોડી ઠંડક આવી જતી હોય છે અને ગળામાં થોડી ખરાશ પણ આવી જતી હોય છે. આવી સ્થિતિમાં જ્યારે સ્વાદિષ્ટ ક્રન્ચી ભજિયા દાંતોમાં આવે અને તેના પર જ્યારે આદુવાળી મીઠી ચાનો ઘુંટડો ભરીએ ત્યારે ઈન્દ્રિયો તૃપ્ત થઈ જતી હોય છે.

હિન્દુસ્તાનમાં તો આમેય વરસાદની સાથે ભજીયાનો રોમાન્સ સ્થાયી છે. કોઈપણ મોસમ હોય,પરંતુ જો આકાશમાં વાદળા દેખાય તો આપણા હિન્દુસ્તાનીઓના મોંમાંથી પહેલો શબ્દ નીકળે તે છે ‘..તો થઈ જાય ભજીયા.’ જો તમે પણ આ જ આનંદનો અનુભવ કરવા માગતા હો તો અમે તમને જણાવીએ કે ચોમાસામાં વરસાદ થતો હોય અને ઓફિસે જવાનું ન હોય તો કેવા કેવા ભજિયા સાથે આ દુર્લભ સંયોગનો લાભ લઈ શકાય.

સદાબહાર કાંદા ભજિયા

ઉત્તર હોય કે દક્ષિણ, પૂર્વ હોય કે પશ્ર્ચિમ. કોલકાતા હોય કે કાનપુર અથવા તો મુંબઈ હોય કે ચેન્નઈ. વરસાદના દિવસોમાં દરેક સ્થળે જે સૌથી પહેલાં યાદ આવે તે છે કાંદાના ભજિયા. કાંદાના ભજિયા ગરમાગરમ ચાની સાથે જીભથી લઈને દિલની તળેટી સુધી બધું તૃપ્ત કરી નાખે છે. ઘરની વાત તો જવા દો, પરંતુ જો વરસાદની મોસમમાં જો કોઈ સ્ટેશન પર ટ્રેન ઊભી રહે તો પણ ત્યાં પ્રવાસીઓ જે વસ્તુને સૌથી વધુ શોધે તેનું નામ છે કાંદાના ભજિયા. કાંદાભજી હોય છે જ એટલા સ્વાદિષ્ટ અને આકર્ષક. તેમની લાંબી લાંબી કાપેલી કાંદાની ચીરીમાં લીલા મરચાં નાખીને બનાવેલા ભજિયામાં કોથમીરની ચટણી અને આદુવાળી ચાની સાથે અલગ જ રંગ જમાવે છે.

મરચાના ભજિયા

મોટા મોટા અથાણાવાળા મરચાના ભરેલા ભજિયા કેચ અપ અથવા તો લીલી ચટણી સાથે અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. ગુજરાતની જેમ જ દક્ષિણ ભારતમાં ખાસ કરીને તામિલનાડુમાં આવા ભજિયા ઘણા ખાવામાં આવે છે. ત્યાં તમમને મિર્ચ બજ્જી કહેવામાં આવે છે. દિલ્હી, લખનઉ અને ભોપાલમાં પણ મરચાના ભજિયા સ્વાદ લઈને ખાવામાં આવે છે. મુંબઈમાં આનું ચલણ થોડું ઓછું જોવા મળે છે, પરંતુ હવે ખાદ્યપ્રેમીઓને ખુશ કરવા માટે અહીં પણ હવે અચારી મિર્ચ પકોડા બનવા લાગ્યા છે. આમ જોવા જઈએ તો આમેય મરચાના ભજિયાનું આકર્ષણ રહેલું જ હોય છે. દિલ્હી તરફ મૂળાના પાંદડાના ભજિયા કોથમીરની થોડી ખાટી ચટનીની સાથે ખાઓ તો આનંદમાં વધારો થાય છે. મરચાના પકોડા સાંભળીને એવું લાગે કે તીખી-તમતમતી કોઈ વસ્તુ હશે, પરંતુ આ ભજિયા ખાનારા જાણે છે કે તેમાં સિમલા મરચા જેવી જ તીખાશ હોય છે. મરચાના ભજિયાને મીઠી ચટણી સાથે ખાવાનું પણ ચલણ છે. વરસાદના દિવસોમાં મરચાના ભજિયા પણ ઘણા પસંદ કરવામાં આવતા હોય છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ચેન્નઈમાં તોે આ ભજિયાની ઘણી ડિમાન્ડ રહેતી હોય છે.

ગરમાગરમ સમોસા

સમોસા ભારતનો સૌથી સદાબહાર નાસ્તો છે. કોઈપણ મોસમ હોય, કોઈપણ જગ્યા હોય, સાંજની ચા સમોસા સાથે પીવા મળી જાય તો પછી જોઈએ જ શું. દિલ્હી, લખનઉ, કાનપુર અને કેટલીક હદે મુંબઈમાં પણ સમોસા માટે એકથી ચડિયાતા એક એક્સપર્ટ મળી જાય છે. આ બધા જ શહેરના લોકો એમ કહેતા હોય છે કે સમોસા હોય તો તેમના શહેર જેવા. વાસ્તવમાં સમોસાની કુરકુરી પાપડીને ચાવતાં આપણે જ્યારે ચાનો ઘુંટડો ભરીએ છીએ તો વરસતા વરસાદનો આનંદ દ્વિગુણિત થઈ જાય છે.

ગોભી કે પકોડે

પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ગોભી કે પકોડા (ફ્લાવરના ભજિયા)ની અલગ જ શાન હોય છે. સુકા, સુકા-ક્રિસ્પી ફ્લાવરના પકોડા જેના પર ચાટ મસાલો ભભરાવીને આપવામાં આવતો હોય છે. આવા પકોડા મોંમાં મૂકતાં જ શરીરમાં તૃપ્તિની લહેર દોડી જાય છે. ફ્લાવરના ભજિયા લીલા મરચાની ચટણી અને ચાની સાથે ઘણા સ્વાદિષ્ટ લાગે છે. ખાસ કરીને તેનો સ્વાદ ત્યારે વધી જાય છે, જ્યારે તેને સરસવના તેલમાં તળવામાં આવ્યા હોય. રિફાઈન્ડ તેલમાં તળેલા ભજિયામાં થોડી મીઠાશ આવી જતી હોવાથી મજા ઓછી થઈ જાય છે.

રિંગણાના ભજિયા

કર્ણાટક ખાસ કરીને બેંગલુરુમાં રિંગણામાંથી એકથી ચડિયાતા એવા રિંગણાના ભજિયા જોવા મળે છે. વરસાદના દિવસો માટે પસંદગી કરવાની હોય તો રિંગણની પાતળી સ્લાઈસ કાપીને ચણાના કે પછી ચોખાના લોટમાં ડુબાવીને કડક તેલમાં તપાવવામાં આવ્યા હોય એવા રિંગણાના ભજિયા ચાની સાથે અત્યંત સારા લાગે છે અને સાથે કોથમીર-મરચાની ચટણી હોય તો સ્વાદ બમણો થઈ જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button