વન પતળ્યું – કુહાડીમાં હાથો ભળ્યો
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી
એકતા એક એવી સાંકળ છે જેની સામે ભલભલા હથોડા હાંફી જાય. સંપીને રહેતા હોય એમાં ફાટફૂટ ન પડી શકે, પણ એકવાર એ સાંકળની એક કડી પણ તૂટે તો દુશ્મન સામે ટકી રહેવું મુશ્કેલ બની જાય છે. ફાટફૂટ પડવાથી પરિવાર, સંસ્થા કે રાજ્યો ખતમ થઈ ગયા કે પાયમાલ થઈ ગયા હોવાના અનેક ઉદાહરણ ઈતિહાસના ચોપડે નોંધાયાં છે. એક પ્રચલિત સાખી છે કે ‘તન રોગી, શિર શત્રુતા, ધન આવે ને જાય, પણ જો સંપ કુટુંબમાં, શીતળ રહે સદાય’. આ ભાવ એક કથા દ્વારા સરસ રીતે વ્યક્ત થયો છે.
એક કઠિયારો કુહાડીનું પાનું લઈ જંગલમાં લાકડાં કાપવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે વૃક્ષો ગમગીન થવાને બદલે ખડખડાટ હસી રહ્યા હતા. કુહાડીના પાનાથી પોતાનો વાળ પણ વાંકો નહીં થાય એની તેમને ખાતરી હતી. કઠિયારાએ પાનાથી ઘણા ઘા કર્યા પણ માત્ર ઝાડની છાલ ઉખડતી હતી, ડાળીઓ કે થડને કોઈ નુકસાન થયું નહીં. કઠિયારો ઘરે પાછો ફર્યો અને એને નિરાશ જોઈ મિત્રોએ પૂછ્યું કે કેમ ભાઈ, આજે વિલા મોઢે કેમ છો? કઠિયારાએ આપવીતી કહી ત્યારે મિત્રોએ કુહાડી જોવા માંગી. તરત સરસ ધારવાળી લોઢાની કુહાડી તેણે બતાવી જે જોઈ મિત્રો બોલ્યા કે ‘અરે, મારા ભાઈ! આ હાથા વિનાની કુહાડી કોઈ કામની નથી. વન પતળ્યા (પીગળવું કે નરમ થવું) વગર કે કુહાડીમાં હાથો ભળ્યા વગર કંઈ નહીં થાય. જો તું એમાં હાથો નાખી પ્રહાર કરીશ તો એક ઘાએ બે કટકા થશે.’ સલાહને અનુસરી કઠિયારાએ કુહાડીમાં લાકડાનો મજબૂત હાથો નખાવ્યો અને બીજે દિવસે વૃક્ષ કાપવા જંગલમાં ગયો. કઠિયારાને હાથાવાળી કુહાડી સાથે જોઈ બધા વૃક્ષ ગમગીન થઈ ગયા. ‘હવે વન પતળ્યું – કુહાડીમાં હાથો ભળ્યો. હવે આવી બન્યું, લાકડાનો હાથો આપણી જાતનો હોવા છતાં કુહાડીનો સંગી થઈ બેઠો. હવે હાથાની મદદથી કુહાડી ઈચ્છે તે કરી શકશે. હવે જીવવાની આશા ફોગટ છે,’ એવી હૈયાવરાળ વૃક્ષોએ કાઢી. થોડીવારમાં હાથવાળી કુહાડીથી કઠિયારાએ વૃક્ષ પર ઘા કર્યા અને વૃક્ષ ધડાધડ તૂટવા લાગ્યું અને ખૂબ બધા લાકડાનો ભારો બાંધી કઠિયારો મલકાતો મલકાતો ઘર ભણી રવાના થયો. આપણું માણસ જ જ્યારે દુશ્મનને સાથ આપે ત્યારે વિનાશને નોતરું મળી જતું હોય છે.
રાષ્ટ્ર भाषा
भरमानेवाले शब्द
આનંદ આપી જ્ઞાનમાં વધારો કરતા તેમજ શબ્દ રચનામાં અને સાંભળવામાં ખૂબ સરખા હોવાનો ભ્રમ ઊભો કરતા કેટલાક હિન્દી શબ્દોની મજેદાર ભ્રમ કથા આગળ વધારી એવા વધુ શબ્દો જાણી એના અર્થ ફેર પણ તપાસીએ. ऐसे शब्द जिनमे स्वर, मात्रा और व्यंजन में थोड़ा सा अंतर् होता है लेकिन बोलने में लगभग एक जैसे लगते हैं. ऐसे शब्द श्रुतिसम भिन्नार्थक शब्द कहलाते हैं. जैसे धन और घन. उच्चारण में ज्यादा फर्क नहीं है लेकिन धन का अर्थ होता है संपत्ति, जबकि घन यानी बादल. ऐसी और एक जोड़ी है अभिराम और अविराम। अभिराम એટલે સુંદર જ્યારે अविराम એટલે ક્યારેય ન અટકે એવું, નિરંતર એવો અર્થ છે. એક અક્ષરના ફેરથી અર્થ કેવો ફેરવાઈ જાય છે. બીજી જોડી છે अशक्त और आसक्त. अशक्त એટલે નબળું – નિર્બળ. आसक्त એટલે મોહિત – મોહ પામેલું. અમુક ઉંમર પછી અર્થ જીવનમાંથી આસક્તિ દૂર કરી ધર્મ જીવનમાં આસક્તિ પેદા કરવી જોઈએ. आँधी और औंधी શબ્દ યુગ્મના અર્થ સપાટી પર સાવ અલગ નજરે પડે છે, પણ ઊંડો વિચાર કરતા ક્યાંક સાંધણ નજરે પડે છે ખરું. પવનનું તોફાન आँधी તરીકે ઓળખાય છે જ્યારે औंधी એટલે ઊંધું. મૂર્ખ કે જડ માણસ માટે औंधी खोपडीका શબ્દ પ્રયોગ વપરાય છે. હવે અર્થ સાંધણની વાત કરીએ તો પવનનું જોરદાર તોફાન (આંધી) આવે તો માનવજીવન ઊંધું (ઔંધી) વળી જતું હોય છે ને. आदि और आदी ફરક માત્ર હ્ર્સ્વ ઇ અને દીર્ઘ ઈ જેટલો જ છે, પણ અર્થમાં બહુ અંતર છે. આદિ એટલે વગેરે. બેંકમાં જવાનું, લાઈટનું બિલ ભરવાનું આદિ કામ પતાવવાના છે. આદી એટલે ટેવાયેલું. मुसीबतों के इतने आदी हो गए हैं की अब डर नहीं लगता. મુસીબતોની આદત પડી જાય, એનાથી ટેવાઈ ગયા પછી ભય નથી રહેતો.
अर्थपूर्ण म्हणी
અન્ય ભાષાઓની માફક મરાઠીમાં પણ એવા અઢળક શબ્દ છે જેનો અર્થ વપરાશ પ્રમાણે બદલાય છે. શબ્દ એક અર્થ અનેકની વાત છે. દાખલા તરીકે उत्तर म्हणजे प्रश्नाचे उत्तर (खुलासा), एका दिशेचे नाव. ઉત્તર શબ્દ એના વપરાશ પ્રમાણે અર્થ બદલે છે. ઉત્તર એટલે પ્રશ્નનો ઉત્તર – જવાબ કે ખુલાસો. જેમ કે ‘તમારું પ્રિય અખબાર કયું?’ જેનો ઉત્તર ‘મુંબઈ સમાચાર’ હોય એ રીતે. ઉત્તર શબ્દ દિશા સૂચક પણ છે. પંજાબ, હરિયાણા વગેરે ઉત્તરના રાજ્યો છે. कळ म्हणजे वेदना, भांडणाचे कारण, गुप्त किल्ली, बटन. કળ એટલે પીડા અથવા વેદના. એનો બીજો અર્થ છે ઝઘડાનું કારણ. આ ઉપરાંત બીજા બે અર્થ છે ગુપ્ત ચાવી અને બટન. વાક્યમાં એના ઉપયોગ પરથી એના અર્થનો ખ્યાલ આવે છે. ऋण म्हणजे वजाबाकीचे चिन्ह, कर्ज, उपकार. અહીં ઋણ શબ્દ સુધ્ધાં ત્રણ અર્થ ધારણ કરે છે. પહેલો અર્થ છે બાદબાકીનું ચિહ્ન. બીજો અર્થ છે કરજ અથવા જેને આપણે લોન તરીકે વધુ જાણીએ છીએ. બેન્કમાંથી લીધેલું ઋણ હપ્તાવાર ચૂકવી શકાય છે. ત્રીજો અને સૌથી પ્રચલિત અર્થ છે ઉપકાર. અણીના સમયે કરેલી મદદનો ઋણ સ્વીકાર કરવો જ જોઈએ. એ ઋણ કેવી રીતે ફેડવું એના વિચારો મગજમાં ઘુમરાયા કરતા હોય છે. अंतर म्हणजे मन, लांबी, फरक. અંતર એવો શબ્દ છે જે સ્થૂળ ભાવ તેમજ સૂક્ષ્મ ભાવનો અર્થ પણ પ્રગટ કરે છે. અંતરનો એક અર્થ છે મન. ઘણી વાર માણસના અંતરમાં શું ચાલી રહ્યું છે એ સમજી નથી શકાતું. બીજો અર્થ છે લંબાઈ. મુંબઈથી વલસાડનું અંતર સડકમાર્ગે 190 કિલોમીટરની આસપાસ છે. ત્રીજો અર્થ છે ફરક. બંને દુકાનના ભાવમાં મોટું અંતર છે.
ENGLISH વિંગ્લિશ
FALL IDIOMS
Are there five or four seasons in English? Summer, spring and winter are all agreed upon but what’s the difference between fall idioms and autumn idioms? Simply put, ‘fall’ is American English and ‘autumn’ is British English but they both refer to the same season. આજથી એટલે કે પહેલી ઓક્ટોબરથી આપણે જેને પાનખર તરીકે ઓળખીએ છીએ એ FALL or AUTUMN ઋતુનો પ્રારંભ ઉત્તર ગોળાર્ધમાં (યુરોપ, યુએસએ વગેરે) થઈ ગયો છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં (ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરે)માં વસંત ઋતુનો (સ્પ્રિંગ) પ્રારંભ થયો છે. આજે આપણે પાનખરના ભાષા પ્રયોગ જાણીએ. These autumnal idioms are all about things associated with the season: harvesting crops, leaves falling from trees, and animals preparing for hibernation. આ પાનખરની કહેવતો – રૂઢિપ્રયોગો પાકની લણણી, પર્ણનું વૃક્ષ પરથી ખરવું અને પ્રાણીઓની સુષુપ્ત અવસ્થાની તૈયારીના સંદર્ભમાં હોય છે. પહેલો પાનખર પ્રયોગ છે Turn into a pumpkin. પમ્પકિન એટલે કોળુ જે દેખાવે બેડોળ કહી શકાય એવું હોય છે. આ રૂઢિપ્રયોગ પરી કથા સાથે સંબંધ ધરાવે છે. એ કથામાં પમ્પકિન એક સુંદર ઘોડાગાડી બની જાય છે, પણ મધરાતે ફરી બેડોળ પમ્પકિન સ્વરૂપમાં આવી જાય છે. બહુ મોડું થાય એ પહેલાં ઘરે પહોંચી જવું આપણા હિતમાં છે એ એનો ભાવાર્થ છે. Reap the harvest કહેવતમાં ખેડૂતવર્ગની વાત વણાયેલી છે. ખેડૂતે ખૂબ પરિશ્રમ કરી પાકનું જતન કર્યું હોય એની લણણીનો સમય પાનખરમાં આવે છે. આ પ્રયોગના શબ્દાર્થમાં ખેડૂત પાકની લણણી કરે છે એ વ્યક્ત થાય છે. કોઈ વ્યક્તિના પરિશ્રમના મીઠાં ફળ મળે એ દર્શાવવા સુધ્ધાં એનો પ્રયોગ કરવામાં આવે છે. એક રૂઢિપ્રયોગ નવા પ્રારંભનો નિર્દેશ કરે છે Turn over a new leaf. આ કહેવત વસંત ઋતુની યાદીમાં પણ સ્થાન મેળવી શકે છે. વસંત પણ નવી શરૂઆતનું જ પ્રતીક છે ને. વ્યવસાયમાં કે વ્યવહાર – વર્તનમાં બદલાવ લાવી નવી શરૂઆત કરવામાં આવે ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. Squirrel away રૂઢિપ્રયોગ પ્રાણીના લક્ષણો દ્વારા જીવનનો મહત્ત્વનો પાઠ ભણાવે છે. ખિસકોલી શિયાળાની ઠંડી ઋતુમાં સુષુપ્ત અવસ્થામાં જતી રહે છે. એટલે પાનખરનો ઉપયોગ ખોરાકના સંચય માટે કરે છે જેથી આકરા શિયાળામાં બહાર નીકળ્યા વિના ખાધા ખોરાકીની સમસ્યા ન આવે. આ હકીકતનો આધાર લઈ ભવિષ્યના સંભવિત મુશ્કેલ સમયને ધ્યાનમાં રાખી કોઈ વસ્તુ કે ધનનો સંગ્રહ કરવાની વૃત્તિ Squirrel away તરીકે ઓળખાય છે.