ઉત્સવ

‘ધ ફેમિલી’ અમેરિકાનો સૌથી શક્તિશાળી સંપ્રદાય જેની સમક્ષ અમેરિકન પ્રમુખો પણ નમે છે!

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

આપણા દેશમાં સામાન્ય માન્યતા એવી છે કે ફક્ત હિન્દુ ધર્મમાં જ વિવિધ ધાર્મિક સંપ્રદાયોનું અસ્તિત્વ છે. ખાસ કરીને પશ્ર્ચિમના દેશોમાં ધાર્મિક સંપ્રદાયોનું વર્ચસ્વ નહીં જ હોય એવી ધારણા છે. આપણા દેશમાં આચાર્ય રજનીશથી માંડીને શ્રી શ્રી રવિશંકર જેવા સેંકડો સંપ્રદાયો અને એમના શિષ્યો છે. આસારામ કે રામરહિમ જેવા બહુ બદનામ સંપ્રદાયોની તાકાત આપણે જોઈ છે. આજે પણ એમના ચેલા-ચપાટાની સંખ્યામાં ખાસ ઘટાડો થયો નથી.

આ પરિસ્થિતિ વચ્ચે તમે કલ્પના કરી શકો છો કે અમેરિકા જેવા અત્યાધુનિક દેશમાં એક એવો ધાર્મિક સંપ્રદાય છે જેના વડા સાથે સંબંધ રાખવા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખો પણ તમામ જોર લગાવી દે છે? જ્હોન કેનેડીથી માંડીને ડોનાલ્ડ ટ્રમ્પ જેવા વિશ્ર્વના સૌથી શક્તિશાળી નેતા ગણાતા રાજકારણીઓથી માંડીને અમેરિકાના ધનકુબેરોને પણ નમાવી શકતો આ ધાર્મિક સંપ્રદાય ‘ધ ફેમિલી’ કે ‘ધ ફેલોશિપ’ તરીકે ઓળખાય છે. ખ્રિસ્તી ધર્મના પ્રચાર-પ્રસારની મુખ્ય કામગીરી કરતા આ ધાર્મિક સંપ્રદાય અને એના સ્થાપક વડા વિશે આજે જાણીએ.

‘ધ ફેલોશિપ’ કે ’ધ ફેમિલી’ની સ્થાપના ૧૯૩૫માં થઈ હતી. આ સંપ્રદાયની સ્થાપના કરનાર અબ્રાહમ વિરિડે કહેતા કે આ સંપ્રદાય શરૂ કરવાનો ઉદ્દેશ લોકોમાં ધાર્મિક જાગૃતિ લાવવાનો છે. બાઇબલના અભ્યાસ ઉપરાંત પ્રાર્થનાસભાઓ અને જિસસ ક્રાઇસ્ટની સ્તુતિ કરવા માટે સંપ્રદાયના લોકો ભેગા થતા હતા. જેમ જેમ વર્ષો વિતતાં ગયાં તેમ તેમ સંપ્રદાયની રાજકીય તાકાત પણ વધતી ગઈ. સંપ્રદાયને મળતા ફંડિંગ બાબતે પણ કોઈ ફોડ પાડવામાં આવતો નહોતો. સંપ્રદાયનું બધુ કામકાજ અત્યંત ખાનગી રાહે ચાલતું હતું. રજનીશ કે આસારામના સંપ્રદાય કરતા વિપરીત રીતે આ સંપ્રદાય પ્રસિદ્ધિથી દૂર રહેવામાં માને છે. સંપ્રદાયના સ્વ. નેતા ડગ્લાસ કોની માન્યતા હતી કે સંપ્રદાયની કામગીરી વિશે ઝાઝો ઢંઢેરો પિટવાથી સંપ્રદાયને નુકશાન થઈ શકે એમ છે. શરૂઆતનાં વર્ષોથી જ આ સંપ્રદાય દર વર્ષે ‘નેશનલ પ્રેયર બ્રેકફાસ્ટ’ એટલે કે નાસ્તા સાથે રાષ્ટ્રીય પ્રાર્થનાનો કાર્યક્રમ યોજે છે. વોશિંગ્ટન ખાતે યોજાતા આ ખાસ કાર્યક્રમમાં અમેરિકાના જે કોઈ રાષ્ટ્રીય પ્રમુખ હોય તે અચૂકપણે હાજર રહે છે. આઇઝેનહોવરથી માંડીને બાયડન સુધીના તમામ અમેરિકન પ્રમુખો એમની કારર્કિર્દી દરમિયાન નેશનલ પ્રેયર બ્રેકફાસ્ટના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

‘ધ ફેમિલી’ની સાથે અમેરિકન સરકારના મોટા મોટા અધિકારીઓ, અમેરિકાના ઉદ્યોગપતિઓ, ધાર્મિક નેતાઓ, માનવ અધિકારની ઝુંબેશ ચલાવતાં સંગઠનો તેમજ વિવિધ દેશોમાં ફરજ બજાવતા રાજદૂતો પણ સંકળાયેલા રહ્યા છે. અમેરિકાના સંસદ સભ્યો તેમજ પ્રધાનો જાહેરમાં આ સંપ્રદાય સાથે જોડાયેલા હોવાનું કબૂલ પણ કરે છે. ડગ્લાસ કોના અવસાન પછી એમના જમાઇ ડાઉગ બર્લિંગ હવે સંપ્રદાયના પ્રમુખ તરીકે કામ કરે છે. ‘ન્યૂઝવીક’ સાપ્તાહિકના પત્રકારે લખ્યું હતું કે આ સંપ્રદાયના લોકો પોતાને ‘ખ્રિસ્તી’ તરીકે ઓળખાવવાને બદલે જિસસ ક્રાઇસ્ટના વિચારોને પ્રેમ કરનારા તરીકે ઓળખાવાનું વધુ પસંદ કરે છે.

‘ધ ફેમિલી’નો ઊંડાણપૂર્વક અભ્યાસ કરનાર લેખક જેફ શાર્લેટના કહેવા પ્રમાણે અમેરિકામાં યુનિયન પ્રવૃત્તિઓની બદીના પ્રત્યાઘાતરૂપે ‘ધ ફેમિલી’ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંપ્રદાયના સ્થાપક એવું માનતા હતા કે સંપ્રદાય પર જિસસ ક્રાઇસ્ટના આશિર્વાદ છે અને અમેરિકાના ઇતિહાસની સૌથી મોટી હડતાળ પડાવનાર હેરિબ્રીજ, શેતાનનો અવતાર અને સોવિયેટ દેશોનો દલાલ છે.
સમયાંતરે ‘ધ ફેમિલી’ સંપ્રદાયે પોતાનો વ્યાપ વધાર્યો. વિશ્ર્વના બીજા દેશનાં ખ્રિસ્તી સંગઠનો પણ ‘ધ ફેમિલી’ સાથે જોડાતાં ગયાં. આર્થિક અને રાજકીય રીતે શક્તિશાળી ખ્રિસ્તીઓ આ સંપ્રદાય સાથે જોડાવા બદલ ગૌરવ અનુભવતા હતા. ૧૯૪૨માં સંપ્રદાયોએ ૬૦ જેટલાં બ્રેકફાસ્ટ ગ્રુપ તૈયાર કર્યાં. અમેરિકાના શિકાગો, લોસ એન્જેલસ, સાનફ્રાંસિસ્કો જેવાં શહેરો ઉપરાંત કેનેડામાં પણ સંપ્રદાયના શિષ્યોની સંખ્યા વધતી ગઈ.

૧૯૪૭ પછી ‘ધ ફેમિલી’ના સંચાલકોએ એક કોર્પોરેટ કંપનીની જેમ સંપ્રદાયનું વિસ્તરણ કર્યું. ઝ્યુરીચ ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં ‘ધ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર ક્રિશ્ર્ચન લિડરશિપ’ (આઇસીસીએલ)ના નેજા હેઠળ અમેરિકા ઉપરાંત કેનેડા, યુકે, નોર્વે, હંગરી, ઇજિપ્ત અને ચીનના ખ્રિસ્તી સંપ્રદાયોને પણ એક છત હેઠળ લાવવામાં આવ્યા. ૧૯૫૩માં અમેરિકાના પ્રમુખ આઇઝનહોવરે પ્રેયર બ્રેકફાસ્ટમાં હાજર રહીને સંબોધન કર્યું હતું. આ સંપ્રદાયના સભ્યો પોતાને ઇવેનજલિસ્ટ તરીકે ઓળખવાનું પસંદ કરે છે. ઇવેનજલિસ્ટો કર્મકાંડ કરતા જિસસ ક્રાઇસ્ટમાં વધુ વિશ્ર્વાસ ધરાવે છે અને બાઇબલમાં લખેલી વાતોને છેલ્લો શબ્દ માને છે. અમેરિકાના કેટલાક બૌદ્ધિકોનું માનવું છે કે વિશ્ર્વનું કોઈપણ ધાર્મિક સંગઠન ‘ધ ફેમિલી’ જેટલા રાજકીય સંપર્કો ધરાવતું નહીં હોય. અમેરિકાના કોઈપણ પ્રધાન આ સંપ્રદાયના નેતાની વાત ટાળી શકતા નથી. એમ કહેવાય છે કે ડગ્લાસ કો અરધી રાત્રે પણ અમેરિકાના પ્રમુખને ફોન કરે તો પ્રમુખે લાઇન પર આવવું પડતું. વોટર ગેઇટ કૌભાંડમાં બદનામ થયેલા ચાર્લ્સ કોલ્સને પણ પાછળથી ખ્રિસ્તી ધર્મ સ્વીકારીને ‘ધ ફેમિલી’ સાથે સંકળાયા હતા.

એમ કહેવાય છે કે અમેરિકાના ન્યાયતંત્ર પર પણ ‘ધ ફેમિલી’ની ખૂબ મોટી પકડ છે. અમેરિકાની ઉચ્ચ કોર્ટના કેટલાક ન્યાયધીશો તેમજ વિવિધ દેશોમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરતા અધિકારીઓ પર પણ ‘ધ ફેમિલી’ની ધાક છે. અમેરિકા સિવાયના અન્ય દેશોમાં પણ ધર્મને લગતું કોઈ કામ હોય તો અમેરિકાના પ્રતિનિધિઓ ‘ધ ફેમિલી’ની વાતને નકારી શકતા નથી.

આપણા દેશમાં ઇન્દિરા ગાંધી વડા પ્રધાન હતાં ત્યારે ધિરેન્દ્ર બ્રહ્મચારી જેવા યોગીથી કેન્દ્રના પ્રધાનો પણ ડરતા હતા, કારણ કે ધિરેન્દ્ર બ્રહ્મચારી ઇન્દિરા ગાંધીની ખૂબ નજીકના ગણાતા હતા.

ત્યાર પછી નરસિંહ રાવ વડા પ્રધાન બન્યા ત્યારે ચંદ્રાસ્વામીનો દબદબો હતો. નરસિંહ રાવ વડા પ્રધાન રહ્યા ત્યાં સુધી લગભગ કેન્દ્ર સરકારનું કંઈ પણ કામ હોય તો ચંદ્રાસ્વામી ફટ દઈને કરાવી શકતા હતા. જોકે એમનો સંપ્રદાય એટલો વ્યાપક બન્યો નહોતો.

ધિરેન્દ્ર બ્રહ્મચારી કે ચંદ્રાસ્વામી કરતા ‘ધ ફેમિલી’ સંપ્રદાયનો વ્યાપ લાખો ગણો વધુ છે. ખૂબ જ છૂપી રીતે આ સંપ્રદાય ખ્રિસ્તી ધર્મના ભક્તોને સહકાર આપવાનું કામ કરી રહ્યો છે. જો કેટલાક માથાભારે અમેરિકન પ્રમુખો પણ આ સંપ્રદાયને સાચવવા માટે પ્રયત્ન કરતા હોય તો અમેરિકાના બીજા નાના મોટા રાજકારણીઓની શી વિસાત?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button