ઉછેરની જૂની રીતોની એક્સપાયરી ડેટ નીકળી ચૂકી છે
જે સોટીને છોડી દે છે,એ પોતાનાં બાળકોથી નફરત કરે છે. ક સોટીથી દંડ કરવાથી બાળકો મરી નથી જવાનાં ક સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રૂમઝુમ
વિશેષ -અંતરા પટેલ
આ કેટલીક પ્રચલિત કહેવતો છે જેનાથી એ ધારણા બંધાઈ ગઈ છે કે જો સોટીને મૂકી દેશો તો બાળક બગડી જશે. અફસોસ એ છે કે આજના આધુનિક યુગમાં પણ કેટલાક વાલીઓને પોતાના બાળકોને અનુશાસિત કરવા માટે લાકડીની જરૂર વર્તાય છે. જેમ કે, જ્યારે કોવિડ લોકડાઉન પછી સ્કૂલ ખૂલવા લાગી તો અંજલિએ વિચાર્યું કે એને કંઈક અંશે રાહત મળશે કેમકે એનો નવ વર્ષનો દીકરો વ્યસ્ત થઇ જશે. પરંતુ એ એના બાળકના વ્યવહારમાં પરિવર્તન માટે તૈયાર નહોતી. એનો દીકરો જિદ્દી અને આક્રમક થઇ ગયો હતો અને એ ગાળો બોલવાનું શીખી ગયો હતો. જ્યારે એ આઈપેડ પર ગેમ રમવા માગતો ત્યારે અંજલિ એને યાદ અપાવતી કે આ આઇપેડ પર રમવાના દિવસો નથી ત્યારે એ ઘણા નખરા કરતો અને કહેતો કે “તમે બહુ ખરાબ મમ્મી છો.
મા દીકરા વચ્ચે આ પ્રકારના ઝઘડા રોજ થવા લાગ્યા. અંજલિ પોતાના દીકરાને વઢતી, ઘણીવાર એને થપ્પડ મારતી અને ક્યારેક લાકડીનો પણ ઉપયોગ કરતી. પરંતુ એના દીકરામાં કોઈ સુધારો ન થયો, ઊલટું એ વધારે બગડી ગયો. પાંચ મહિના પછી અંજલિએ એક કાઉન્સિલરનો સંપર્ક કર્યો અને ત્યારે એને એના દીકરાના વ્યકિત્વને સમજવાનો મોકો મળ્યો અને એને અનુશાસનમાં લાવવાની યોજનાઓ સમજમાં આવી. અંજલિ કહે છે, “મને અહેસાસ થયો કે ઘાંટા પાડવા કરતા મૌન રહેવું વધારે સારું. હું મારા દીકરાને ‘ટાઈમ પ્લીઝ’ કહીને ત્યાંથી જતી રહેતી કહેતી હું ટાઈમ લઉં છું, જેથી એને સમજાઈ ગયું કે હકીકતમાં મારી શું ઈચ્છા છે.
પોતાના બાળકને અનુશાસિત કરવા માટે અંજલિએ જે સંઘર્ષ કરવો પડ્યો એવો સંઘર્ષ દરેક પેરેન્ટ્સે કરવો પડે છે. પેરેન્ટ્સની ચિંતાનું સૌથી મોટું કારણ એ છે કે બાળકને અનુશાસિત કેમ કરવા? એમને સારા સંસ્કાર કેમ આપવા? પરંતુ કટકટ કરવાથી કે વઢવાથી કે મારવાથી બાળક સુધરવાને બદલે વધારે બગડવાની સંભવના વધી જાય છે. ભારતની અનેક પીઢીઓનો ‘એક થપ્પડ’ વડે ઉછેર થયો છે અને ઘણાને આજે પણ યાદ હશે કે માની ચપ્પલની એક ફટકારે કેવી રીતે એમના મગજના બધા ચક્ષુ ખોલી નાખ્યાં હતાં. પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે, અનુશાસિત કરવા માટે હવે જૂના ઉપાયો કારગત નથી, એની એક્સપાયરી ડેટ નીકળી ગઈ છે. એના અનેક કારણો છે. આજનાં બાળકોને ગુસ્સા કે મારની અસર નથી થતી. તેઓ બૂમો પાડી શકે છે અને માબાપ પર પલટવાર કરી શકે છે અને આશાથી વિપરીત પણ કરી શકે છે. બીજું કારણ એ પણ છે કે શોધ અને પોતાના અનુભવોથી વાલીઓ પણ વધારે જાગૃત થઇ ગયા છે કે કડક સજા જીવનભર માટે ઊંડા ઘા પાડી શકે છે અને બાળકના આત્મવિશ્ર્વાસને છિન્નભિન્ન કરી શકે છે.
એટલે માબાપ પોતાના બાળકોને અનુશાસિત કરવા માટે નવી અને યોગ્ય પદ્ધતિઓ શીખી રહ્યાં છે. પરંતુ આ દૈનિક સંઘર્ષ છે. ૪૫ વર્ષીય અંજલિ કહે છે,” મારો એ પેઢી સાથે સંબંધ છે જેનો ઉછેર અલગ રીતે કરવામાં આવતો હતો. અમે અમારા માબાપને કોઈ પ્રશ્ર્ન નહોતાં પૂછતાં, પરંતુ આજે દરેક વાતે અમારાં બાળકો અમને સવાલો કરે છે. અમારે ખૂબ સાવધાન રહેવું પડે છે અને યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો પડે છે કેમ કે ક્યાંક બાળક ખોટા રસ્તે ન ચઢી જાય. પોતાનું કામ કઢાવવા માટે ખૂબ હોશિયારી બતાવવી પડે છે. મારે મારા દીકરા કરતા વધારે સ્માર્ટ બનવા માટે નિરંતર પ્રયત્ન કરવો પડે છે. મને અનુશાસિત કરવા માટે મારી માએ મને ફક્ત આંખોથી તાકવાની જરૂર પડતી અથવા મારી મસ્તી બંધ કરાવવા માટે પપ્પાને ફરિયાદ કરવાની ધમકી પણ પર્યાપ્ત હતી. આટલા માત્રથી મારી પેન્ટ ભીની થઇ જતી. આજે હું મારાં બાળકોને તાકું તો તેઓ મારી નકલ કરીને હસી નાખે છે. મારા ગુસ્સાની કોઈ અસર નથી થતી. મેં મારા અનુભવથી શીખ્યું છે કે જો બાળકો પાસેથી સહયોગ જોઈએ તો ‘એક થપ્પડની જગ્યાએ જાદુની ઝપ્પી વધારે સારું કામ કરી શકે છે.’
હકીકતમાં,આજના જમાનામાં બાળકોને અનુશાસિત કરવા માટે પોતાના ઉદાહરણ દ્વારા નેતૃત્વ કરવું આવશ્યક છે. જો તમે ઇચ્છતા હો કે તમારું બાળક ટેબલ પર ડિનર કરવા બેસે તો તમે પણ તમારી થાળી લઈને બેડરૂમમાં જવાનું બંધ કરો. જો તમે ઇચ્છતા હો કે તમારું બાળક સ્ક્રીન છોડી દે તો તમે જ્યારે કામ ન કરતા હો ત્યારે તમારે પહેલા સ્ક્રીન છોડવી પડશે. એંસી ટકા પરેંટિંગ સ્વયં દ્રષ્ટાંત બનીને નેતૃત્વ કરવામાં છે. દ્રઢ રહો અને ગુસ્સો ન કરો. આપણને ગુસ્સો એટલે આવે છે કેમકે આપણે આપણા બાળકના વર્તનને વ્યક્તિગત રીતે લઈએ છીએ. પોતાની ભાવનાઓને અનુશાસનથી અલગ રાખવાની જરૂર છે જેથી ગુસ્સો ન આવે. દ્રઢ રહો અને બાળકોને તમારી ઈચ્છાઓ પ્રેમથી સમજાવો. જો તમારું બાળક વધારે સ્ક્રીન સમય માંગે છે, તો એમાં ગુસ્સો કરવાની જરૂર નથી. એને પ્રેમથી કહો, “મને ખબર છે તું વધારે પિક્ચર જોવા માંગે છે પરંતુ આ સંભવ નથી. એના નખરા એમ જ પસાર થઇ જવા દો.
બાળકોને વિકલ્પ આપો,સીમા નક્કી કરો. બાલ્ય અવસ્થામાં જ બાળક માટે વ્યવહાર સીમાઓ અને નિયમ નક્કી કરો. જમવાનો સમય, સૂવાનો સમય નક્કી હોવો જોઈએ. બાળકને કહો એના રમકડાં કેવી રીતે સાચવવા અને કુટુંબના સભ્યો સાથે કેવી રીતે વાત કરે. બાળકને સીમામાં રહીને આઝાદી આપો જેથી એનામાં જવાબદારીનો બોધ આવે, અને તમે એને જે વિકલ્પ આપો છો એના પર તમારું નિયંત્રણ હોવું જોઈએ. જેમકે બાળક એમ કહી શકે કે એને અડદની દાળ પસંદ નથી, પણ એને થૂંકી ન શકે. એમને સુધારતા પહેલા એમની સાથે જોડાઓ. જ્યારે બાળક સાથે તમારું જોડાણ કે કનેક્શન નથી હોતું ત્યારે એને સુધારવાના તમારા પ્રયાસો પ્રત્યે એ કોઈ પ્રતિક્રિયા વ્યક્ત નથી કરતું. બાળક સાથે જોડાણ ઊભું કરવા માટે વિશેષ સમય કાઢવાની જરૂર નથી, એને ઘરના કામમાં સામેલ કરો,એનાથી સંબંધો વધુ સારા બને છે.