ઉત્સવ

પરચૂરણની પ્રચંડ તાકાત!!

વ્યંગ -ભરત વૈષ્ણવ

તમે ઘણી વાર સાંભળ્યું હશે કે એક રૂપિયામાં શું આવે? જાણે કે રૂપિયાની જાદુઈ શક્તિ હણાઈ ન ગઇ હોય! રાજા રજવાડાના જમાનામાં ગાડાના પૈડા જેવા રૂપિયાનો ઉલ્લેખ સાંભળ્યો હશે. રાણીછાપ રૂપિયાની આજે પણ તેના એક રૂપિયાના મૂલ્ય સામે અનેકગણી કિંમત આવે છે! પહેલાંના સમયમાં મહેમાન આપણા ઘરે આવે અને જાય ત્યારે નાના છોકરાને પાંચ પૈસાનો સિક્કો આપતા હતા. બાળકને જાણે કે કુબેરનો ખજાનો સાંપડ્યો હોય તેવો આનંદ આવતો. નાના છોકરા માટી,પ્લાસ્ટિક કે ધાતુની પીગી બેંકમાં સિક્કા-નોટ નાંખ્યા કરતાં હતા.જે સંકટ સમયે સાંકળનું કામ કરતા!

આજે છોકરાને રૂપિયાનો સિક્કો આપો તો મોં મચકોડશે અને રૂપિયાનો સિક્કો પાછો આપશે!

મંદિરની બહાર લાઇનમાં બેઠેલા અમીર ભિખારીઓની ભીખની અપસેટ પ્રાઇઝ દસ રૂપિયાથી શરૂ થાય છે. ‘સાબ ભૂખ્યો છું પિત્ઝા ખાવા સો રૂપિયા દેજો. ભગવાન તમને સુખી કરશે’ એવા આશિષ આપે છે. ભિખારીને કહેવાનું મન થાય કે અરે બંધુ, રોજે રોજ પિત્ઝા હું પણ ખાતો નથી! આપણે ચલણી નોટોના પ્રેમી માણસો છીએ. એસીબીએ લાંચના છટકામાં લાંચ મની તરીકે પરચૂરણ કે ચિલ્લરનો ઉપયોગ કર્યો હોય એવું તમે કદી ક્યાંય સાંભળ્યું છે? કામ વગરના કે બિનઉપયોગી માણસને ચિલ્લર તરીકે ગણીએ છીએ!નાની ખરીદી માટે પરચૂરણ શોધ્યું જડતું નથી. બેકરી, કરિયાણા, મેડિકલ સ્ટોર કે મોલમાં ચિલ્લરને બદલે ચોકલેટ ધરાર આપે છે!

તમે મંદિરમાં જઇ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી એક રૂપિયાનો સિક્કો ગોલકમાં નાંખો ,એટલે માનો કે ચમત્કાર થઇ જાય. ‘આજ્ઞા વત્સ’ એમ સ્વયં પ્રભુ કહે. પ્રભુ મંદિરના ગોલકમાંથી તમારો રૂપિયો કાઢી તમને પરત કરે! ‘વત્સ એક રૂપિયાની ખરીદ કિંમત માત્ર પંદર પૈસા છે. આટલા વળતરમાં તારે આલિયા ભટ જેવી પત્ની, અંબાણી જેવી કમાણી, એન્ટિલિયા જેવું મકાન, કુબેર જેવો ખજાનો,સ્વિસ બેંકમાં એકાઉન્ટ, યયાતિ જેવી યુવાની, ઉર્વશી-રંભા જેવી અપ્સરાનો જોઈતા હોય તો એ મુશ્કેલ નહીં પણ નામુમકીન છે!મંદિર બહાર બેઠેલો ભિખારી પણ તારો રૂપિયો હાથમાં ઝાલશે નહીં!’ એમ કહી ચાલતી પકડવા કહેશે!

ફૂલવાળા, કરિયાણાવાળા, મેડિકલ સ્ટોર,પાનના ગલ્લાવાળાઓને રોજે રોજ પરચૂરણની લેવડદેવડ કરવી પડે છે.. એ લોકો પરચૂરણ પૂરું પાડનાર પાસેથી સો રૂપિયાની નોટ આપીને નેવું રૂપિયાનું ચિલ્લર લે. ચિલ્લર આપનારો રૂપિયા દસનું કમિશન લે. એ કમિશન નોટ સ્વરૂપે વસૂલે કે સિક્કા સ્વરૂપે તે તપાસનો વિષય છે! ડિજિટલ ટ્રાન્જેકશનમાં કેશબેક એ ક્યારેય કેશ સ્વરૂપે હોતી નથી કે કેશબેક- રોકડરૂપે મળતી નથી!આપણે ત્યાં ખાલી ચણો વાગે ઘણો એવી કહેવત છે. પરંતુ, પરચૂરણ ખિસ્સામાં ખખડે ઘણું એમ કોઇ કહેવત કેમ નહીં હોય? અધૂરો ઘડો છલકે છે, પણ પરચૂરણ ભરેલ ખિસ્સું છલકતું નથી. પહેલા ઇંડું કે મરઘી એમ પૂછવામાં આવે છે પરંતુ,, પહેલા રૂપિયો કે પહેલા પરચૂરણ એવો પ્રશ્ર કેમ પૂછવામાં આવતો નથી એ એક અલગ સવાલ છે!

ઘણીવાર કેટલાક નેતાઓ ચૂંટણી લડવા માટે ભરવાની ડિપોઝિટની રકમ ચલણી સિક્કા સ્વરૂપે કોથળામાં લઇ જઇને ચૂંટણી અધિકારીના ટેબલ પર મૂકે છે!બધા કર્મચારીઓ પરચૂરણ ધંધે લાગે છે, પરચૂરણ ગણે પછી ઉમેદવારી ફોર્મ ઓકે માની સ્વીકારે છે!ચૂંટણી નિયમોમાં ડિપોઝિટની રકમ રૂપિયા કે પરચૂરણમાં આપવી તેની સ્પષ્ટતા નથી!

આ પ્રકારના માણસો લાખ રૂપિયાના ચલણી સિક્કાઓ લઇને બૅંકમાં જાય છે અને બૅંકના બચત ખાતામાં લાખ રૂપિયાના સિક્કા જમા કરાવે. બૅંકોમાં રૂપિયા ગણવા, નોટ અસલી છે કે નકલી છે તેની ચકાસણી કરવા માટેના મશીન હોય છે, પણ પરચૂરણ કે ચિલ્લર ગણવાના મશીન જોવા મળે તો તમે મને જાણ કરજો!

તાજેતરમાં ચીનમાં એક વ્યક્તિને બીએમડબલ્યુ જેવી લકઝુરિયસ કાર ખરીદ કરવી હતી. તે વ્યક્તિ એક ટ્રકમાં લગભગ ૯૦૦ કિલોગ્રામના પરચૂરણના સિક્કા લઇને કાર ડિલર પાસે પહોંચ્યો.આ કારની કિંમત લગભગ ૫૦ લાખ રૂપિયા હતી, તે વ્યક્તિએ કારના શોરૂમના માલિકને ચિલ્લરથી ભરેલો ટ્રક બતાવ્યો, કાર શોરૂમ માલિક સ્તબ્ધ થઈ ગયો. આ ૯૦૦ કિલો ચિલ્લર જોઈને આશ્ર્ચર્યચકિત થઈને શોરૂમના માલિકે કહ્યું,‘હવે તમે મને કહો હું આટલું બધું ચિલ્લર કેવી રીતે લઈ શકું?’ જ્યારે તે ચીની વ્યક્તિએ કારના શોરૂમના માલિકને જથ્થાબંધ ચિલ્લર લાવવાનું કારણ કહ્યું,તો માલિક પણ ઊંડા વિચારમાં પડી ગયો. તે ચીની વ્યક્તિએ કહ્યું ‘મને નાનપણથી જ કારોનો શોખ છે, મોટા થયા પછી મારો આ શોખ વધતો ગયો. મારી મોટી ઇચ્છા હતી કે એક મોંઘી બીએમડબલ્યુ કાર હોય જેની કિંમત ૫૦ લાખ છે. હું આટલી મોટી રકમ ગોઠવવામાં અસમર્થ હતો તેથી મેં સખત મહેનત કરી – કાર ખરીદવા પાઇ પાઇ ઉમેરી.ત્યારે આટલી રકમ એકત્ર કરી શકયો છું.’
આ વાત કાર શોરૂમના માલિકના હૃદયને અસર કરી ગઇ. તે પીગળી ગયો.તેને દયા આવી. આખરે શોરૂમના માલિકે ચીની વ્યક્તિને બીએમડબલ્યુ કાર આપવાની તૈયારી બતાવી.

કારના શો રૂમના માલિકે તરત જ બૅંકના કર્મચારીઓમાંથી કેટલાક લોકોને સિક્કા ગણવા બોલાવ્યા.પરચૂરણ ગણવા બૅકના ૧૧ કર્મચારીઓ કામે લાગ્યા. જેમણે દસ કલાકની મહેનતથી સિક્કા ગણતરી મશીનની મદદથી આ સિક્કાઓની ગણતરી કરી હતી. ૯૦૦ કિલો વજનવાળા આ સિક્કા ૧.૫ લાખ હતા. આખરે કાર રૂમના આખા સ્ટાફે, આ ચીની વ્યક્તિની ઇચ્છાને માન આપ્યું તેના સ્વપ્નની કારની ચાવી અભિનંદનના ગડગડાટ વચ્ચે આપી. તેણે ચાવી લીધી અને શરૂ કરીને ચાલ્યો ગયો.

આ છે મામૂલી કહેવાતા પરચૂરણની તાકાત. જેણે અશક્ય કામ શક્ય કર્યું!લો હવે ,પરચૂરણની પ્રચંડ તાકાત વિશે કંઇ કહેવા જેવું ખરું ?હવે, તમે ખિસ્સામાં પડેલ પરચૂરણ ગૌરવપૂર્વક ખુમારી અને ખુદ્દારીથી ખખડાવી શકો છો, બરખુદ્દાર !જય ચિલ્લર!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…