ઉત્સવ

સર્જકના સથવારે ઃ ગઝલકાર ‘નસીમ’: જલાવી નિત્ય બેઠો તો ગઝલની ધૂપદાનીને..

-રમેશ પુરોહિત

ગઝલ સમ્રાટ શયદા સાહેબની સાથે જેમણે ગુજરાતી ગઝલને પગભર કરવાનું કામ કર્યું છે એમાં સગીર અને નસીમનું પ્રદાન પણ મહત્ત્વનું છે. આપણે ગયા સપ્તાહે સમીર સાહેબના કલામ વિશે વાત કરી આજે આવા જ સશક્ત શાયર નસીમ સાહેબની વાત કરીશું.

નસીમ પાસે બયાનનો અંદાઝ હતો, જે શેરની શેરિયતમાં ચાર ચાંદ લગાવી દેતો હતો.

આપણાં ગુજરાતી અને ઉર્દૂના અગ્રગણ્ય શાયર ચિનુ મોદીએ નોંધ્યું છે કે નસીમની ગઝલોમાં ભાષા તરત જ ધ્યાન ખેંચનાર બને છે. ઉર્દૂ જેની માદરી જબાન હતી એ કવિ ઓછા અરબી-ફારસી-ઉર્દૂ શબ્દો વાપરે છે અને સંસ્કૃત શબ્દોનો પ્રયોગ સભાનતાપૂર્વક કહે છે. આ પ્રક્રિયા નસીમ સાહેબની ગુજરાતી ગઝલને દેણગી છે. જયાં ભાવ સાતત્ય રહી શકયું છે ત્યાં સંઘેડાઉતાર શેર મળે છે.

રંગ નિરખું નિસર્ગના છે કે
એ નિસર્ગી વિચાર મારો છે
રૂપ તો દિવ્ય છે બધા રૂપે
એક દૃષ્ટિ વિકાર મારો છે
નિસર્ગમાં એટલે કુદરતમાં પ્રકૃત્તિમાં જે રંગો દેખાય છે એ પોતાનો નૈસર્ગિક વિચાર તો નથી ને? વળી કવિએ નૈસર્ગિક અર્થ દાખવીને તો નવો શબ્દ નિસર્ગી બનાવ્યો છે. આ નવો જ વિચાર છે. રંગ છે એ મારા જોવાને લીધે છે કે ખરેખર છે? એ પછી તો શેર પણ એટલો જ ગહન અને ઊંડો છે અને સરળ શબ્દોથી શેરિયત સત્યવીને સુંદર બન્યો છે. રૂપ તો સૃષ્ટિમાં કયાં નથી? સમગ્ર રૂપ દિવ્ય અને સ્વર્ગીય છે, પરંતુ આ સૃષ્ટિ કયારેય સુંદર નથી જણાતી એમાં વાંક સૃષ્ટિનો કે એની સુંદરતાનો નથી. પોતાની વિકાર ભરેલી દૃષ્ટિનો છે નસીમની ભાષા અને વિચારને દાદ આપવી જ રહી. હંમેશાં યાદ રહે એવો મતલબ એ આપે છે : કહે છે કોઇ કે તારું મકાન છે કે નહીં? ભમી રહ્યો છું યુગોથી, એ ભાન છે કે નહીં ?

નસીમ કવિ ઉપરાંત સારા વિવેચક પણ હતા. ગઝલ અને ગઝલ છંદ શાસ્ત્રના એ ઊંડા અભ્યાસી, સમર્થ આલોચક હતા. એમના પેંગડામાં પગ ઘાલે એવો એકે ગઝલ વિવેચક અત્યારે નજરે પડતો નથી. એમણે સરસ રૂબાઇઓ પણ લખી હતી. એમની અનુભૂતિ વિલક્ષણ છે. એ વખતના કવિઓને શિખામણ આપે છે.

ગુલો-બુલબુલને ત્યાગી ગા હવે તું બાજનું ગાણું.
‘અનિલ’ કહે છે કે : ‘નસીમનો ગઝલ વિચાર આ પંક્તિમાં પ્રગટ થાય છે’. ગુલ અને બુલબુલ પક્ષી જેવા પ્રતીકો પ્રયોજતાં હતાં તેથી એ કહે છે કે તમે પુષ્પની ફરતે ફરતા સૌંદર્યના પતંગિયા ને બદલે આકારો વિહરતા ગરુડ જેવા થાવ. એમણે પોતાની ગઝલમાં આપણે શરૂઆતમાં નોંધ્યું તેમ આવા પરદેશી પ્રતીકો અપનાવ્યાં નથી. નસીમ ઘાયલ જેવા મિજાજના સ્વામી ન હતા, પણ શાંત અને સાલસ છે એમને સગીરની જેમ મુશાયરા લૂંટી લેવાના અભરખા ન હતા. એ અંગત મહેફિલના માણસ હતા. કવિ તરંગી હોવાના, પણ નસીમ આવા તરંગોને નીર-ક્ષીર વિવેકથી દૂર રાખે છે જેમ કે :

કરું શું શૃંખલા આવી પડી વિવેકની છે
ના પ્રેમના તરંગો, ના કલ્પનાનાં ઉડ્ડયન
ઇસ્માઇલી ખોજા જમાતના આ ઓલિયા શાયર સ્વભાવે વિનમ્ર, મળતાવડા અને ઘર દીવડા જેવા હતા જુઓ:
ન હો સંવેદના જો દિલને દિલથી
જગતથી તો ભલી જંગલની વસ્તી
નસીમ ‘ઇસ્માઇલી’ના તંત્રી તેથી ગઝલ વિશેના એમના ઊંડા અને અભ્યાસુ લેખો એમાં પ્રગટ થતા. નસીમ, સગીર અને ફકીરની ગઝલો સ્વસ્થ ચિત્તે માણવાની હોય છે. નસીમનું અભિજાત્ય અને શીલ એવાં કે એમની ગઝલ છંદોમાં લખાતી કવિતાનો પડઘો ગઝલમાં સંભળાય.

નસીમનો પ્રથમ ગઝલ સંગ્રહ ‘ધૂપદાન’ પ્રગટ ૧૯૬૫માં થયો તે એમના ભાઇ તુરાબની હોંશને લીધે. આપણાં સાકાર અને પ્રખર વિવેચક રામપ્રસાદ બક્ષીએ વિવેચનીય ગુણ દર્શાવતી પ્રસ્તાવના લખી હતી. નસીમમાં અવિચળ એવું શાંત, ઊંડુ, સૌમ્ય શીલ હતું. ‘નસીમ’ તખલ્લુસ ,પણ નામ હતું. હસનઅલી રહીમ-કરીમ નાથાણી. રામપ્રસાદભાઇએ નોંધ્યું છે કે ‘ભાઇ’ નસીમની ગણના ગુજરાતમાં ગઝલના પુરસ્કર્તાઓમાં થાય છે. જે ચાર કે પાંચ ગઝલકારોને ગઝલ પ્રવાહને વેગ આપ્યો તેમાં એમનું સ્થાન છે. એમને ગઝલોનું ઊંડાણ પારખ્યું છે અને પરખાવ્યું છે. એમના વિશે મળતી માહિતી પ્રમાણે એમનો જન્મ ૨૨ મે– ૧૯૦૮માં. મુંબઇમાં શિક્ષણ લીધું અને ‘ઇસ્માઇલી’ સાપ્તાહિકમાં ૨૫ વર્ષ સેવા આપી. કેન્સરના લીધે એમનું મૃત્યુ ૧૮-૧૨-૧૯૬૨માં થયું.

જલન સાહેબ કહે છે તેમ કુસુમે કે પૂર્ણ, સુવાસે કે સુરંગે, વસંતે કે શિશિરે કે સુકાએલે તણખલે ‘હું જ હું’ના ગાન ગાનાર નસીમના શેરો વાચીને સ્મૃતિ તાજી કરીએ.
જીવન જીવન નથી ને મરણ પણ મરણ નથી
શીખું છું એ જ પાઠ હું સંધ્યા-સવારથી
**
શ્ર્વાસ ફૂંકે છે શું બજવનારા
બંસરી થઇ ગઇ છે ગાન હવે
**
એક મૃગજળ અબિલ સૃષ્ટિ છે
રજકણે રજકણે ફરી જોયું
નસીમ સાહેબનાં પુસ્તકો પણ સરળ અને સહજ છે અને તેથી જ આજે પણ એટલાં જ તાજાં છે.
વસંત આવી કુસુમ ખીલ્યો છે બાકી
ભરી લે ઉરને તારાર પરાગે
ફરીને કાળ આવે કે ન આવે
ફરી ઉર ભાવ આ જાગે ન જાગે
એમણે જિંદગી સુવાસિત અને શાલીન રાખી હતી અને એ વાતનો પ્રતિઘોષ ગઝલમાં પણ પડે છે :
ભરી ઊર્મિ હૃદયમાં હો તે ઊર્મિમાં જવાની હો
જવાની રક્તઝરતી હો, સુવાસી જિંદગાની હો
જખમ તો લાગણીનો પ્રાણને ઝરણું અનંતતાનું
સદા જલતી રહે, બળતી રહે એ ધૂપદાની છે.

એ જીવનમાં ગઝલની ધૂપદાનીને નિત્ય જલાવીને બેઠા હતા તેથી તેનું તેજ આજની ગઝલમાં ઊતર્યું છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button