આઈટી ક્ષેત્રની કરિયર છોડી ઓર્ગેનિક ખેતી દ્વારા ખેડૂતોને સમૃદ્ધ બનાવે છે આ દંપતી
નિધિ શુક્લ

કોટિનાગા મણિકાંત અને નાગા વેંકટ દુર્ગા પાવાની, આંધ્ર પ્રદેશના ગુંટુરના આ દંપતીએ આઇટી ક્ષેત્રમાં નોકરીઓ છોડીને ઓર્ગેનિક ખેતીના ઉત્પાદનનું વેચાણ કરવાનું પસંદ કર્યું
વર્તમાન સમયમાં જ્યારે રાસાયણિક ખાતરથી થતી ખેતીના પાકથી બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે તંદુરસ્ત જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ રહ્યો છે, જેના તરફ પાછા વળવા માટે અને સાથે સાથે ખેડૂતોની આવક પણ બમણી થાય એવા લક્ષ્ય સાથે જાગૃત ખેડૂતોએ પ્રકૃતિની રક્ષા સાથે પ્રાકૃતિક ખેતીના મંડાણ કર્યા છે, જેમાં એન્જિનિયરો કોર્પોરેટ નોકરીઓ છોડીને ઓર્ગેનિક ઉત્પાદનોના વેચાણ તરફ વળ્યા છે.
કોટિનાગા મણિકાંત અને નાગા વેંકટ દુર્ગા પાવાની, આંધ્ર પ્રદેશના ગુંટુરના આ દંપતીએ આઇટી ક્ષેત્રમાં નોકરીઓ છોડીને ઓર્ગેનિક ખેતીના ઉત્પાદનનું વેચાણ કરવાનું પસંદ કર્યું છે અને ધાર્યા કરતાં બમણી આવક રળી રહ્યા છે.
બી.ટેક.માં સ્નાતક થયા બાદ આ બંને આઇટી કંપનીમાં સારી પોસ્ટ પર નોકરી કરી રહ્યા હતા.
જોકે, તેમની સફળ કારકિર્દીની સ્થિરતા અને પુરસ્કારોને પાછળ છોડીને, આ પતિ-પત્નીની જોડીએ, તંદુરસ્ત લાઇફસ્ટાઇલ, આરોગ્યપ્રદ ખોરાક અને વધુ સારી દુનિયાની શોધમાં કંઈક અલગ કરવાનું નક્કી કર્યું.
મણિકાંત ઈન્ફોસિસમાં અને પાવાની એક્સેન્ચરમાં નોકરી કરી રહ્યા હતા. આ ટેક્નોલોજી-સંચાલિત વિશ્વમાં બંનેએ ઝડપી, નક્કર કારકિર્દી ઘડી હતી. પરંતુ નોંધપાત્ર સફળતા હોવા છતાં, તેમને કંઈક ખૂટતું હોવાનો અહેસાસ થતો, કારણ કે આઇટી સેક્ટરમાં સારી વેતનવાળી નોકરીઓ હોવા છતાં સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંઘર્ષ સતત ચાલું જ રહેતો.
એમ કહો કે તેઓ બેઠાડું જીવન જીવી રહ્યા હતા. આ અનુભૂતિ અને સમાજમાં વધુ અર્થપૂર્ણ યોગદાન આપવાની ઇચ્છા સાથે, તેમણે કાર્બનિક ઉત્પાદનો માટેનો સ્ટોર ‘શ્રેષ્ટે’ના બીજ રોપ્યા.
ખેતીમાં કોઈ અગાઉનો અનુભવ ન હોવાથી, મણિકાંત અને પાવાનીએ શીખવાની સઘન યાત્રા શરૂ કરી. આ માટે પહેલા તેમણે સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ પદ્ધતિમાં નોંધણી કરાવી. ચેન્નાઈમાં કામ કરતી વખતે આ દંપતીએ સપ્તાહના અંતે આંધ્ર પ્રદેશના તેમના ગામ લચન્નાગુડીપુડીમાં તાલીમ સત્રોમાં હાજરી આપવાનું શરૂ કર્યું.
ફૂલ ટાઇમ આઇટી જોબ અને સપ્તાહાંતની ટ્રેનિંગને સંતુલિત કરવું તેમના માટે સહેલું ન હતું. પરંતુ, પરિવર્તન લાવવાના જુસ્સાએ તેમને આગળ ધપાવતા રાખ્યા. મહિનાઓના સખત અભ્યાસ અને સાવચેતીપૂર્વકના આયોજન પછી, ૨૦૧૭ માં આ દંપતીએ જીવન બદલી નાખતો નિર્ણય લીધો. સ્થિર આઇટી કારકિર્દી પાછળ છોડી, તેઓ ગુંટુર પાછા ફર્યા.
જ્યાં તેમણે તેમની જીવનની કમાણીમાંથી ‘શ્રેષ્ટે’ નામના નવા સાહસમાં રોકાણ કર્યું. શરૂઆતમાં સ્ટોર વિના, મણિકાંતે સ્થાનિક સમુદાયના ગ્રાહકોને વ્યક્તિગત રીતે કાર્બનિક ઉત્પાદનો પહોંચાડ્યા. મણિકાંત કહે છે, “શરૂઆતમાં, હું જ ખેડૂતો પાસેથી ઉત્પાદનો મેળવી તેની ડિલિવરી કરતો. શરૂઆત તેમણે કરી, બાજરીનો લોટ, તુવેર દાળ અને હેલ્થ મિક્સ પાવડર જેવી ઓર્ગેનિક વસ્તુઓથી કરી.
જોકે, એક સ્થિર સપ્લાય ચેઇન બનાવવી એ તેમના સૌથી મોટા પડકારો પૈકી એક સાબિત થયું. શરૂઆતમાં ઘણા ખેડૂતો તેમની ઊપજ ‘શ્રેષ્ટે’ દ્વારા વેચવામાં અચકાતા હતા. તેઓ પરંપરાગત બજારોમાં વેચવા માટે ટેવાયેલા હતા. આથી તેમણે ખેડૂતોને સમજાવવું પડ્યું હતું કે સાથે મળીને કામ કરવાથી તેઓ તેમના ઉત્પાદનો માટે વાજબી ભાવ અને સ્થિર બજાર મેળવી શકે છે. પડકારો હોવા છતાં, ૨૦૧૯માં આ દંપતીએ ગુંટુરમાં તેમનો પહેલો સત્તાવાર સ્ટોર ખોલ્યો. ‘શ્રેષ્ટે’નો ધ્યેય ખેડૂતોને સશક્તિકરણ કરવાનો હતો.
ખેડૂતો તેમની ઊપજને પરંપરાગત બજારમાં મળે તેના કરતા પ્રીમિયમ ભાવે વેચી શકે એ તેમનો હેતુ હતો. ખેડૂતોની પસંદગી કરતા પહેલા, દંપતી ઓર્ગેનિક ખેતી માટેના ધોરણોનું પાલન કરે છે કે કેમ તે ચકાસવા માટે વિગતવાર સંશોધન કરે છે.
Also Read – સ્પોટ લાઈટ : ‘હેલો, કાંતિ મડિયા બોલું છું’
જમીનનું નિરીક્ષણથી માંડીને જંતુનાશક કે રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ તે બધી બાબતોની ચકાસણી કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓ લીમડાના અસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર જેવા હર્બલ જંતુનાશકો અને જીવામૃતમ અને ઘણા જીવામૃતમ જેવા ખાતરોના ઉપયોગનો સખત આગ્રહ રાખે છે.
તેમના ઉત્પાદનોની ગુણવત્તા અને અધિકૃતતા પર વધુ નિયંત્રણ સુનિશ્ર્ચિત કરવા માટે, ‘શ્રેષ્ટે’ એ મણિકાંતના ગામ, લચન્નાગુડીપુડીમાં એક સમર્પિત પ્રોસેસિંગ યુનિટ અને વેરહાઉસ સ્થાપીને તેની કામગીરીનો વિસ્તાર કર્યો. જેમ જેમ ઓર્ગેનિક ઉત્પાદનોની માગ સતત વધી રહી છે, તેમ, ‘શ્રેષ્ટે’ ૧૬૦ થી વધુ વસ્તુઓ સાથે ઉત્પાદન શ્રેણીનો વિસ્તાર કર્યો છે,
જેમાં ઓર્ગેનિક ચોખા અને કોલ્ડ-પ્રેસ્ડ તેલથી લઈને હોમમેઇડ પાઉડર જેવા કે મગફળી અને રાગી પાઉડર, હિમાલયન પિંક સોલ્ટ, બ્લેક સોલ્ટ અને વિવિધ પ્રકારની ફ્લેક્સનો સમાવેશ થાય છે.
પાંચ વર્ષની કામગીરીમાં, ‘શ્રેષ્ટે’ પ્રભાવશાળી સીમાચિહ્નો પર પહોંચ્યા છે, જેની માસિક આવક રૂ. ૭.૫ લાખ અને વાર્ષિક ટર્નઓવર રૂ. ૯૦ લાખ છે. હાલમાં તેઓ ૫૫ ખેડૂતો સાથે સહયોગ કરી રહ્યા છે, ૧૦ સમર્પિત સ્ટાફ સભ્યોને રોજગારી આપી રહ્યા છે જેઓ પેકેજિંગ અને ડિલિવરીમાં મદદ કરે છે.