નશાની ગર્તામાં ફસાઈ રહ્યો છે દેશ
ભારતનો કોઈ વિસ્તાર એવો નથી જે નશામુક્ત હોય. મુંબઈ, ચંદીગઢ, બેંગલુરુ, દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નાઇ જેવાં શહેરો નશાખોરીના ગઢ બનીને સામે આવ્યા છે. એક બાજુ આ મહાનગરોમાં ઉદ્યોગ, ફેશન અને કેરિયર સંબંધી બૂમ આવ્યો છે તો બીજી બાજુ નશાખોરીમાં પણ તેનાથી પણ વધુ બૂમ આવી છે.
વિશેષ -લોકમિત્ર ગૌતમ
ગઈ ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૩ના જ્યારે પંજાબ પોલીસની એક ટીમ કૉંગ્રેસ ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાના ચંદીગઢમાં સેક્ટર ૫ સ્થિત નિવાસ સ્થાને પહોંચી અને ડ્રગ્સની દાણચોરીના આરોપમાં તેમની ધરપકડ કરી, તો તેમણે જેમ હંમેશાં થાય છે તેમ તેને પોતાની વિરુદ્ધ રાજકીય ષડયંત્ર અને સોશિયલ મીડિયા પર પોતાની વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવાનું કાવતરું ઘોષિત કરી દીધું. એટલુંજ નહીં પોતાના મતદાર વિસ્તારમાં આ ધરપકડના વિરોધમાં વાતાવરણ ઊભું કરવા ધારાસભ્યજીના લોકોએ તરત એ જ સોશિયલ મીડિયા પર તેમની ધરપકડ લાઈવ કરી નાખી, જેમાં જોવામાં આવી રહ્યું હતું કે કેવી રીતે ધારાસભ્ય પોલીસ ઉપર રાતાપીળા થઇ રહ્યા છે અને પોતાને નિર્દોષ જણાવતા જનતાની તરફ હાથ હલાવતા સ્મિત વેરી રહ્યા છે. બની શકે કે, નેતાજી સુખપાલ સિંહ ખૈરા કદાચ નિર્દોષ હોય, પણ એ બાબત કોઈ બેમત નથી કે સખત ચોકી પહેરો અને તપાસણીને મજબૂત કર્યા બાદ પણ દેશમાં દિન પ્રતિદિન પ્રતિબંધિત ડ્રગ્સનો ન માત્ર ઉપયોગ વધી રહ્યો છે, પરંતુ તેની દાણચોરી દિવસે ન વધે, તેટલી રાત્રે વધી રહી છે. આ વધારાનો અંદાજ નાર્કોટિક્સ વિભાગ દ્વારા દર વર્ષે જપ્ત કરેલા ડ્રગ્સના આંકડાથી આસાનીથી લગાવી શકાય છે. જેમકે, વર્ષ ૨૦૧૭ માં નાર્કોટિક્સ વિભાગ દ્વારા ૩,૬૭,૫૫૫ કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જયારે ૨૦૧૮માં આ આંકડો વધીને ૧૮,૦૩,૧૩૭ કિલોગ્રામ, વર્ષ ૨૦૨૦ માં ૨૧,૬૫,૧૫૦.૪૧ કિલોગ્રામ અને ૨૦૨૧ માં ૪૫,૧૭,૩૩૧ કિલોગ્રામ થઇ ગયો હતો. આનાથી જ જાણી શકાય છે કે માત્ર વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૧ વચ્ચેના સમયમાં જ નશીલા પદાર્થોની દાણચોરીમાં કેટલો વધારો થયો છે, જયારે નાર્કોટિક્સ વિભાગ દ્વારા થયેલી આ જપ્તિમાં જ આ પાંચ વર્ષ માં ૧૫ ગણો વધારો થયો છે. દુનિયાના ભાગ્યે જ કોઈ અન્ય દેશમાં હાલના સમયમાં આટલા મોટા પાયે નશીલા પદાર્થો પકડાયા હશે, જેટલા ભારતમાં પકડાયા છે. ભારત સરકારનું ગૃહ મંત્રાલય સતત ડ્રગ્સની દાણચોરી પર લગામ તાણવા દરેક રીતે સુરક્ષા અને જાસૂસી ક્ષમતા વધારી રહ્યું છે, તેમ છતાં ડ્રગ્સની દાણચોરી ઓછી નથી થઇ રહી, પણ જપ્ત ડ્રગ્સનો જથ્થો સતત વધી રહ્યો છે. તેનાથી એક વાત સ્પષ્ટ છે કે સરકારની તમામ કોશિશો પછી પણ દેશમાં નશીલા પદાર્થોનું સેવન ઘટી નથી રહ્યું, પણ વધી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર દેશની ૨૦ ટકા વસ્તી સંપૂર્ણ પણે નશાની ગર્તામાં ડૂબેલી છે અને તેમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આ ૨૦ ટકા વસ્તીમાં ૧૦ વર્ષની ઉંમરથી લઈને ૭૫ વર્ષ સુધીની આયુના લોકો સામેલ છે. પણ સૌથી વધુ ૧૫ થી ૩૦ વર્ષની ઉંમરના યુવકો ફસાયેલા છે. જો વિભિન્ન રાજ્યની સરકારો દ્વારા દાખલ એફઆઈઆરના આધારે જોઈએ તો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબ,આ ત્રણ રાજ્યોના યુવાનો સૌથી વધુ નશાના શિકાર છે.
વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૧ વચ્ચે ઉત્તર પ્રદેશમાં ૩૧,૪૮૨, મહારાષ્ટ્રમાં ૨૮,૯૫૯ અને પંજાબમાં આ સમયગાળામાં ૨૮,૪૧૭ ડ્રગ્સ સંબંધિત એફઆઈઆર નોંધાઈ છે, પરંતુ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની વસ્તી અને ક્ષેત્રફળને ધ્યાનમાં લઈએ તો આ બંને રાજ્યો કરતાં ક્યાંય વધુ ઊંડા દળદળમાં પંજાબ ફસાયેલું જોવા મળે છે. અને આશ્ર્ચર્યની વાત એ છે કે પંજાબમાં ડ્રગ્સને લઈને છેલ્લા એક દાયકાથી સતત રાજકીય ચર્ચા, અભિયાન, સામાજિક નવજાગરણ, પોલીસની ધરપકડ સહિત તમામ બિનસરકારી સંગઠનો દ્વારા નશા નિર્મૂલનના કાર્યક્રમો પણ ચલાવાઈ રહ્યા છે. તેમ છતાં પંજાબમાં નશીલા પદાર્થોનું સેવન જરાય ઓછું થયું દેખાતું નથી. ઊલટું એવા સમાચારો આવે છે કે તે વધી રહ્યું છે. વર્ષ ૨૦૧૯માં એકલા પંજાબમાં ડ્રગ્સ સંબંધીત ૧૧,૫૩૬ એફઆઈઆર નોંધાઈ હતી. ૨૦૨૦માં તેમાં થોડી કમી આવી પણ ૨૦૨૧-૨૨માં તે ૨૦૧૯ કરતાં પણ આગળ વધી ગઈ.
ભારતનો કોઈ વિસ્તાર એવો નથી જે નશામુક્ત હોય. મુંબઈ, ચંદીગઢ, બેંગલુરુ, દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નાઇ જેવાં શહેરો નશાખોરીના ગઢ બનીને સામે આવ્યા છે. એક બાજુ આ મહાનગરોમાં ઉદ્યોગ, ફેશન અને કેરિયર સંબંધી બૂમ આવ્યો છે તો બીજી બાજુ નશાખોરીમાં પણ તેનાથી પણ વધુ બૂમ આવી છે. ભારતમાં સૌથી વધુ ડ્રગસ અફઘાનિસ્તાનથી આવે છે અને અફઘાનિસ્તાન એવો લેન્ડ લોક્ડ દેશ છે, જ્યાંથી દાણચોરી આસાનીથી રોકી શકાય છે, પણ તેમ છતાં દાણચોરી રોકી શકાઈ નથી, સતત વધી રહી છે. ભારત ડ્રગ્સ ક્ધઝ્યુમ કરતા ટોપ ૧૦ દેશમાં સામેલ છે અને મુંબઈ માત્ર આ દેશના નહીં પણ દુનિયાના સુપર ડ્રગ્સ બજારમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. દેશમાં તો તે પહેલા નંબરે છે જ, બીજા નંબરે બેંગલુરુ અને ત્રીજા નંબરે હૈદરાબાદ છે.
આ વર્ષે ૩૦ જુલાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાતના સંસ્કરણ ૧૦૩ માં દેશના યુવાનોમાં ડ્રગ્સના સેવનના વધતા ચલણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી આ વિચારને કેન્દ્રમાં રાખીને જ ત્રણ વર્ષ પહેલા વર્ષ ૨૦૨૦ની ૧૫ ઓગસ્ટના દિવસે નશામુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં આ વર્ષના જુલાઈ સુધીમાં ૧૧ કરોડ લોકો જોડાઈ ચુક્યા છે અને આ દરમિયાન દર વર્ષે લાખો કિલોગ્રામ ડ્રગ્સ નષ્ટ કરવાનો અનોખો રેકોર્ડ દેશમાં બન્યો હતો. આમ હોવા છતાં, નશાખોરીના દળદળમાં કોઈ પ્રકારની કમી આવતી દેખાઈ નથી રહી. આ વર્ષે ૧૭ જુલાઈ, ૨૦૨૩ના નવી દિલ્હીમાં આયોજિત ‘ડ્રગ્સ દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા’ એ વિષય પર આધારિત ક્ષેત્રિય સંમેલનની અધ્યક્ષતા કરતા ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે કહ્યું, “નશાની લત માત્ર તે વ્યક્તિને નહિ, પણ તેના પરિવાર અને તેની આવનારી પેઢીને પણ બરબાદ કરી નાખે છે. આ સંમેલનમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને પંજાબના રાજ્યપાલ તથા ચંદીગઢના પ્રશાસક સહિત જમ્મુ-કાશ્મીર, લડાખ તથા દિલ્હીના ઉપરાજ્યપાલ અને ઓડિશાના ગૃહ રાજ્યમંત્રી સામેલ થયા હતા. કેન્દ્રીય ગૃહ સચિવ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક અને વિભિન્ન સુરક્ષા એજન્સીઓ અને ભારત સરકાર સાથે સંબંધિત મંત્રાલયોના અધિકારીઓ આ સંમેલનમાં ઉપસ્થિત થયા હતા.
આ સંમેલન દરમિયાન જ વર્ચ્યુઅલ રૂપે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સાથે જોડાયેલા બધાં રાજ્યોના એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે ૧,૪૦,૦૦૦ કિલોગ્રામ ડ્રગ્સ એક સાથે નષ્ટ કર્યું હતું. આ અત્યાર સુધીના ઇતિહાસમાં એક દિવસમાં નષ્ટ કરાયેલ સૌથી વધુ ડ્રગ્સનો જથ્થો છે. જો પાછલા એક વર્ષને જોઈએ તો ૧૦ કિલોગ્રામથી વધુ ડ્રગ્સ જપ્ત અને નષ્ટ કરવાનું કાર્ય થયું છે જેની કિંમત ૧૨૦૦૦ કરોડથી વધુ છે. અને આશ્ર્ચર્યજનક વાત એ છે કે ધરપકડ અને કાર્યવાહીઓની આટલી તેજી છતાં દેશમાં ડ્રગ્સનું સેવન ઘટવાનું નામ લેતું નથી. નિશ્ર્ચિત રૂપે આ કાર્યમાં એકલી સરકારને સફળતા નહીં મળે, સમાજના બધા વર્ગોએ તેના માટે આગળ પડતો ભાગ ભજવવો પડશે, તો જ નવી પેઢી અને દેશનું ભવિષ્ય ગર્તામાં જતાં બચાવી શકાશે.