ઉત્સવ

‘મોટા ઘરની વહુ’ની હાલત નોકરાણી કરતાં પણ બદતર

મહેશ્ર્વરી

મહેસાણાથી અમે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય શહેર પાલનપુર પહોંચ્યા. આ શહેરનો ઈતિહાસ રસપ્રદ છે. આબુના રાજા ધારાવર્ષદેવના ભાઈ પ્રહલાદનદેવે ઈ. સ. ૧૧૮૪માં તેની સ્થાપના કરી હતી એટલે એ પ્રહલાદનપુર તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ ૧૪મી સદીમાં અહીં પાલણશી ચૌહાણનું શાસન હતું અને એટલે તેના નામ પરથી આ શહેર ‘પાલનપુર’ તરીકે ઓળખાવા લાગ્યું. હીરાના વેપારીઓ પણ ઘણા હતા. કદાચ હીરાના વેપારીઓના વર્તુળમાંથી કે વેપારીઓના પરિચયની કોઈ પ્રકાશ શાહ નામની વ્યક્તિએ નાટક કંપની શરૂ કરવાની ઈચ્છા દર્શાવી. વિગતે વાતચીત કરી બધું નક્કી કર્યું અને નવો અધ્યાય શરૂ થયો. અભિનેત્રી અરુણા ઈરાનીના પિતાશ્રી ફરેદૂન ઈરાનીની નાટક કંપની ખરીદી ખંભાતમાં નાટક કંપની શરૂ કરનારા ધીરજ પેંટરની કંપની બંધ થઈ ગઈ. પડદો પડે અને નાટક પૂરું થાય અને ફરી પડદો ઊપડે એટલે નવું નાટક શરૂ થાય. એ જ રીતે કોઈ કંપની બંધ થાય તો બીજી શરૂ થાય. શો મસ્ટ ગો ઓન. ધીરજ પેંટરની કંપની પર પડદો પડી ગયો અને પડદો ખૂલતાં મયૂર મંચ નામની નાટક કંપની શરૂ કરવામાં આવી જે ચલાવવાની જવાબદારી ચંદ્રકાન્ત માસ્તરના હાથમાં આવી. કંપની બદલાઈ પણ બબલદાસ કાકા, અમૃતલાલ મારવાડી, બચુ નાદાર, છગનલાલ વગેરે કલાકારો હવે ‘મયુર મંચ’માં જોડાઈ ગયા. ખોળિયું બદલાઈ જાય, આત્મા તો અવિનાશી છે. થોડી તત્ત્વજ્ઞાનની વાત થઈ ગઈ ને, પણ તત્ત્વ છે તો સત્ત્વ છે.

પાલનપુરમાં નાટકો કરી અમે ડીસા પહોંચ્યા. અહીં અમે દામુ સાંગાણીના ‘માથે પડેલા મૂરતિયા’ નાટકથી શરૂઆત કરી. પહેલા જ નાટકમાં પ્રેક્ષકોનો સારો રિસ્પોન્સ જોઈ અમે ખુશ થઈ ગયા અને સારી શરૂઆતના સમાચાર જાણી નાટક કંપની ઊંચા કેરેટની છે એવી લાગણી હીરાના વેપારીના વર્તુળના પ્રકાશભાઈને થઈ હશે. કલાકારો પણ ઉત્સાહમાં આવી ગયા અને પછી અમે ‘છૂટાછેડા’, ‘પરણ્યા એટલે પ્યારા લાડી’, ‘મારે નથી પરણવું’, ‘મોટા ઘરની વહુ’ વગેરે નાટકો કર્યાં. (‘છૂટાછેડા’ના લેખક હતા પ્રફુલ દેસાઈ) નાટકોના નામ વાંચીને તમને ખ્યાલ આવી ગયો હશે કે આ બધા નાટક લગ્ન જીવનની આસપાસ ફેરા લેતા હોય એવા વિષયના છે. એટલે આ નાટકો જોવા સંયુક્ત કુટુંબના બધા જ લોકો આવ્યા હોય એવું પણ બનતું. ‘વીર માંગડાવાળો’, ‘શેઠ સગાળશા’ કે ‘સતી પદ્માવતી’ જેવાં નાટકો અહીંની પબ્લિક પસંદ નહોતી કરતી. આ બધાં નાટકોને કાઠિયાવાડમાં સારો આવકાર મળે. દરેક ભૂમિની માટીનું આગવું બંધારણ હોય છે, એની વિશિષ્ટ સુગંધ હોય છે. ડીસાની જનતાએ નાટકો વધાવી લીધા અને કંપની ધમધોકાર ચાલવા લાગી. પ્રકાશભાઈની કંપનીમાં ચારેકોર ઉજાસ ઉજાસ થઈ ગયો. અને એ અજવાળું કલાકારોના ચહેરા પર પણ ડોકિયાં કરી રહ્યું હતું. જોકે, અજવાળાને – આનંદને મારી સાથે અણબનાવ રહ્યો છે. કંપનીને મળેલી અસાધારણ સફળતાથી માસ્તરના મગજમાં રાઈ ભરાઈ ગઈ. રોજ મારી મારપીટ કરવા લાગ્યા, છડેચોક – બધાની નજર સામે. માસ્તરનો અત્યાચાર વધવા લાગ્યો. કમાણીની રેલમછેલ હતી, પણ મને રોજના માત્ર પાંચ જ રૂપિયા આપવામાં આવતા હતા. એક દિવસ એવું બન્યું કે ‘મોટા ઘરની વહુ’ નાટક કરીને રાત્રે બે વાગ્યાની આસપાસ અમે ઘરે પહોંચ્યા. હજી જમ્યા પણ નહોતા ત્યાં માસ્તર અચાનક શોધાશોધ કરવા લાગ્યા. થોડી વાર પછી મને પૂછ્યું કે ‘મારી ગોળી (દવા) ક્યાં છે?’ મને ખબર જ નથી એવો મેં સાચો જવાબ આપી દીધો. મને તરત ઘરમાંથી બહાર હડસેલી દીધી અને બરાડા પાડી મને કહ્યું કે ‘જા, આંગણામાંથી મારી ગોળી શોધી લાવ.’ રાતના બે વાગ્યે કેવું અંધારું હોય! એમાં ગોળી હું કેવી રીતે શોધી શકું? તમે માનશો, આખી રાત મને ઘરની બહાર અંધારામાં રાખી. ‘મોટા ઘરની વહુ’ની હાલત નોકરાણી કરતાં પણ બદતર હતી. કલાકારના મહોરું પહેરેલા ચહેરા અને અસલી ચહેરા વચ્ચેનો ફરક ક્યારેક હેરત પમાડનારો તો ક્યારેક કાળજું કંપાવનારો હોય છે. આ વાત ચારેકોર ફેલાઈ ગઈ. મારી બદતર હાલત જોઈ કેટલાક લોકો વ્યથિત પણ થયા હતા. જોકે, માસ્તરને વારવા કે સમજાવવા કોઈ પહેલ નહોતું કરતું. કદાચ એ ડરથી કે કંપનીનું સંચાલન માસ્તરના હાથમાં છે. એમના જીવનમાં હસ્તક્ષેપ નહીં રુચે અને કાઢી મૂકશે તો? જોકે, એકાદ જણે મને ઉશ્કેરી અને સાફ સાફ કહી દીધું કે ‘તું અહીંથી જતી રહે. અહીં તારે રહેવું જ ન જોઈએ.’ પણ જવા માટે કોઈ ઠેકાણું તો હોવું જોઈએ ને. મા પાસે તો જવાનો સવાલ જ નહોતો, કારણ કે મહેશ્ર્વરીએ બાપનું ખૂન કરી નાખ્યું છે એવું ઝેર માએ ફેલાવી દીધું હતું. માસ્તરે તો એક જ રટ પકડી કે ‘તું તારી માના ઘરે જ જતી રહે.’ મોટા ઘરની જ શું કોઈ પણ ઘરની વહુ હોશે હોશે પિયર જાય, પણ મારા માટે તો પિયર પરવારી ગયું હોય એવી હાલત હતી. પણ એક દિવસ મેં બેગ ભરી અને…

ક્યાંક છ દિવસ, ક્યાંક છ મહિના
દરેક કલાકાર છેવટે તો માણસ જ હોય છે. એના અંગત ગમા – અણગમા, હરખ – શોક હોય છે, પણ એ જ્યારે સ્ટેજ પર આવે છે ત્યારે તેણે પોતાને ભૂલી જઈ પાત્ર બની જવાનું હોય છે. અનેક કલાકારના જીવનમાં એવા પ્રસંગ આવતા હોય છે જ્યારે અંગત મન:સ્થિતિ કરતાં સાવ વિપરીત પાત્ર સાકાર કરવાના હોય. વ્યક્તિગત રીતે શરાબને નફરત કરતા હોઈએ પણ દારૂડિયાનો રોલ એ રીતે કરવાનો હોય કે ઓડિયન્સ શરાબી સમજી નફરત કરે. માસ્તરએ મારપીટ કરી હોય અને એના સોળ શરીર પર પીડા આપી રહ્યા હોય એ દિવસે મેં ‘પરણ્યા એટલે પ્યારા લાડી’ નાટક કરી તાળીઓનો ગડગડાટ મેળવ્યો હોય એવું બન્યું છે. બીજી એક રસપ્રદ વાત એ છે કે નાટક કંપની કોઈ નિશ્ર્ચિત ટાઈમ ટેબલ પ્રમાણે ન ચાલતી હોય. કોઈ નાટક દર્શકોને પસંદ ન પડ્યું હોય તો એકાદ બે શો પછી જ બંધ કરી દેવું પડે તો કોઈ નાટક પર પ્રેક્ષકો એ હદે ઓવારી ગયા હોય કે એક જ નાટક આખો મહિનો ચાલ્યું હોય. કોઈ ગામમાં ગયા હોઈએ અને પ્રેક્ષકો ફરકે જ નહીં તો છ – આઠ દિવસમાં ચાલતી પકડવી પડે એવું બને તો કોઈ ગામના લોકોને નાટકોમાં બહુ રસ પડે તો કંપની છ મહિના સુધી એક જ ગામમાં નાટકો કર્યા હોય એવાય ઉદાહરણ છે. નાટકોની સુવાસ ફેલાઈ ગઈ હોય તો આજુબાજુના ગામથી પ્રેક્ષકો આવે તો વળી કોઈ નાટક બહુ જ ગમી ગયું હોય તો બીજી – ત્રીજી વાર જોવા આવ્યા હોય એવા દાખલા પણ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Sensorineural hearing lossના આ છે લક્ષણો અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ