ઉત્સવ

ઘડિયાળ બીજાની, પણ સમય આપણો

મહેશ્ર્વરી

સ્વ. અમૃત જાની- ૧૯૮૩મ્ાાં- સત્કાર સમારંભમાં- સૂરમોહનની ‘માયાને મમતાની’ ભૂમિકામાં- સાથી કલાકાર- મહેશ્ર્વરી

મુંબઈમાં દેશી નાટક સમાજમાં કામ કરવાની તક મળી એ આનંદની વાત મારા માટે તો હતી જ, પણ સાથે સાથે આ શહેરમાં બાળકોને સારું શિક્ષણ મળશે એ પણ એટલા જ હરખની વાત હતી. નાટક કંપનીઓ અલગ અલગ સ્થળે ફરતી રહેતી. કોઈ જગ્યાએ ત્રણ મહિના મુકામ હોય તો કોઈ જગ્યાએ વધારે – ઓછો. આ પરિસ્થિતિમાં બાળકોના શિક્ષણને યોગ્ય દિશા નહીં મળે એ ચિંતા મને કોરી ખાતી હતી. એટલે જ કદાચ પ્રભુએ મને મુંબઈની નાટક કંપનીમાં કામ અપાવ્યું અને જાણે મને કહ્યું કે ‘જા, નાટકની દુનિયામાં નામ અને દામ કમાઈ લે અને બાળકોનું ભવિષ્ય સારા શિક્ષણથી સુધારી લે.’ જોકે, મુંબઈમાં એક સમસ્યા હતી રહેવાની.

જોગેશ્ર્વેરીમાં મારા પતિ ચંદ્રકાન્ત માસ્તરનું ઘર હતું. કહેવા માટે ઘર હતું, પણ હકીકતમાં તો એ હતી એક દસ બાય દસની ઓરડી. પતિ – પત્ની અને સંતાનોના રહેવા માટે જગ્યા બહુ નાની હતી, પણ છૂટકો નહોતો. નાટક કંપનીમાં નોકરી કરવી જરૂરી હતી જેથી પરિવારની આર્થિક જરૂરિયાતો સંતોષાય અને બાળકોને સારું શિક્ષણ મળે. રહેવા માટે ઘર ભલે નાનું હતું, પણ એમાં સમાઈ જવા માટે દિલ વિશાળ હતું. એક નવી શરૂઆત માટે હું તૈયાર હતી. દેશી નાટક સમાજમાં જવા નીકળી ત્યારે સમય અને પરિસ્થિતિ અનુકૂળ નહોતા, પણ પોતાની જાત ઉપર અફાટ વિશ્ર્વાસ હતો. ખાતરી હતી કે એક દિવસ એવો પણ આવશે જ્યારે ઘડિયાળ બીજાની હશે અને સમય આપણો હશે. કંપનીના વ્યવસ્થાતંત્ર સાથે સંકળાયેલા લોકોએ નવી પાટી પર મને એકડો ઘૂંટાવ્યો:

‘જો બેટા, કામ હોય કે ન હોય, રોજેરોજ રિહર્સલમાં આવવું પડશે.’ નાટકનો શો શરૂ થાય એ પછી ઘરે જવાની છૂટ. એમાં પણ જો કોઈ નાટકમાં નૃત્ય કરવાનો રોલ મળ્યો હોય તો સવારે ૧૦ વાગ્યે હાજર થઈ પ્રેક્ટિસ કરવાની. પ્રથમ નજરે આ શરત – આ આગ્રહ આકરા લાગે, પણ દરેક નાટકના રિહર્સલ વખતે હાજર રહેવાથી કલાકાર દરેક નાટકથી વાકેફ થાય, અજાણતા એના સંવાદ ગોખાઈ જાય. અજાણતા મળેલી તાલીમનો લાભ એટલો જ કે ઓચિંતો કોઈ કલાકાર નાટકનું અમુક તમુક પાત્ર ભજવવા અસમર્થ હોય તો એની જગ્યા પૂરવા લેવામાં આવેલા બીજા કલાકાર માટે બહુ મહેનત ન કરવી પડે.

જોકે, નાટક કંપનીમાં સાંભળેલી આ વાત મને જ લાગુ પડે એ દિવસ મેં બહુ જલદી જોઈ લીધો. દેશી નાટક સમાજમાં હંસા અને નીલમ નામની બે પારસી બહેનો હતી. હંસા ‘પૈસો બોલે છે’ નાટકમાં કામ કરતી હતી, પણ એનાં લગ્ન નક્કી થયા હોવાથી એ નાટક કંપની છોડીને જવાની હતી. એ રોલ માટે રક્ષા દેસાઈ (જૂની રંગભૂમિની અભિનેત્રી અને પ્રખ્યાત નાટ્ય લેખક, ગીતકાર અને દિગ્દર્શક પ્રફુલ દેસાઈની પુત્રી)ની પસંદગી કરવામાં આવી હતી. દેશી નાટક સમાજમાં અમારી પહેલી મુલાકાત થઈ અને આજે ૫૧ વર્ષ પછી પણ અમારી મૈત્રી અકબંધ છે.

હું કંપનીમાં પહોંચી એ સમયે ‘ચંદ્રગુપ્ત મૌર્ય’ નાટકના રિહર્સલ ચાલી રહ્યા હતા. દસ – બાર દિવસ પછી શનિવારે રાત્રે નાટકનું ઓપનિંગ થયું, પહેલો શો થયો. રવિવારે બે શો હતા અને ‘કામ હોય કે ન હોય, હાજર રહેવાનું’ એ આદેશને અનુસરી હું પહોંચી ગઈ. રવિવારે બપોરે શો ચાલી રહ્યો હતો ત્યારે અણધારી ઘટના બની.

નાટકના છેલ્લા સીનમાં ચક્કર આવતા રક્ષા દેસાઈ પડી ગઈ. બહુ અસ્વસ્થ લાગતી હતી. કંપની માટે સમસ્યા ઊભી થઈ. રાત્રે સાડા સાત વાગ્યે બીજો શો હતો. હવે કરવું શું? એવો સવાલ આયોજકોના ચહેરા પર હું વાંચી શકતી હતી, પણ એ સવાલનો જવાબ હું હોઈશ એ તો મેં સપનામાં પણ નહોતું ધાર્યું. ‘મહેશ્ર્વરી, અડધો કલાકમાં તૈયાર થઈ જા. રક્ષા દેસાઈનો રોલ તારે કરવાનો છે,’ મને ફરમાન આવ્યું. આ વાક્ય સાંભળી કેવી લાગણી થઈ હશે મને? હજી તો કંપનીમાં પગ મૂક્યો ત્યાં સામેથી ઓફર આવી એનો હરખ તો થયો જ, પણ સાથે સાથે નવું શહેર, નવી કંપની, નવું સ્ટેજ, નવા પ્રેક્ષકોવાળા વાતાવરણમાં હું પરફોર્મ કરી શકીશ કે કેમ એની મીઠી મુંઝવણ પણ થઈ રહી હતી. પણ મારા ગભરાટ, મારી મૂંઝવણને મેં તરત તગેડી મૂક્યા. એને એવો હડસેલો માર્યો કે મુંબઈની સરહદ પાર ધકેલાઈ ગયા અને એ દિવસ પછી ક્યારેય મારી આસપાસ ફરકી નથી શક્યા. રંગદેવતાના આશીર્વાદ, બીજું શું. ઝટપટ તૈયાર થઈ ગઈ. રિહર્સલમાં રોજેરોજ હાજર રહેવાને કારણે મારો રોલ જાણતી હતી. મોટાભાગના ડાયલોગ મોઢે હતા, ગાયનો પણ યાદ રહી ગયા હતા. મારું પરફોર્મન્સ બહુ સારું રહ્યું એવું શો પછી મને કંપની તરફથી કહેવામાં આવ્યું અને દેશી નાટક સમાજમાં પગ મૂકતાંની સાથે જ મારો પગ મજબૂત થઈ ગયો.

શો સાથે સીટ પણ ફિક્સ
દેશી નાટક સમાજના અઠવાડિયામાં ચાર દિવસ નાટક થતા. નવું નાટક શનિવાર – રવિવારે જ ભજવાતું. નવા નાટકની જાહેરાત થતાની સાથે ત્રણ – ચાર મહિનાના શો હાઉસફૂલ થઈ જાય. ટિકિટ મળે જ નહીં. પ્રેક્ષકો નાટકને બહુ પ્રેમ કરતા. પછી એ નાટક ૨૦૦ નાઈટ ચાલે કે ૫૦૦ નાઈટ, શનિવારે રાત્રે અમુક પ્રેક્ષકો નાટક જોવા આવ્યા હોય એ જ પ્રેક્ષકો અનેક શનિવારની રાત્રે એ જ નાટક જોવા આવ્યા કરે. એક જ નાટક ફરી ફરી જોવાનો તેમને લેશમાત્ર કંટાળો ન આવે અને એટલે નાટકના અમુક ચોટદાર સંવાદો પ્રેક્ષકોને યાદ રહી જાય એની નવાઈ નહોતી. આવું જ રવિવારના બપોરના અને રાતના શોના નાટકમાં જોવા મળતું. આ પ્રેક્ષકો દિવસ અને શો ઉપરાંત તેમની સીટ પણ ફિક્સ રાખતા. અલબત્ત આ અસાધારણ ઘેલછા પહેલી બે ત્રણ હરોળના દર્શકો પૂરતી સીમિત રહેતી. બહારગામથી પણ અનેક લોકો નાટકો જોવા આવતા હતા. દેશી નાટક સમાજની આ લાક્ષણિકતા નાટ્ય રસિકોને નાટકો માટે કેવી પ્રીતિ અને કેવો લગાવ હતો એ દર્શાવે છે. બુધવારે – ગુરુવારે પણ નાટક થતા. બુધવારે ઐતિહાસિક કે પૌરાણિક કે પછી સૌરાષ્ટ્રની પ્રેમકથા આધારિત નાટક થાય (જેસલ તોરલ, કાદુ મકરાણી વગેરે) તો ગુરુવારનો દિવસ સામાજિક નાટક માટે રહેતો. અગાઉ ભજવાઈ ગયેલું અને સફળતા મેળવી ચૂકેલું એકાદ નાટક ફરી રજૂ કરવામાં આવતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button