આપણી ભાષાઓનો ઝગડો: જાણે દરિયામાં દીવાલ
શરદ જોશી સ્પીકિંગ – ભાવાનુવાદ: સંજય છેલ
આપણે ત્યાં લોકો ધર્મ પર લડીને કંટાળે પછી ભાષા કે પ્રદેશ પર ઝગડે છે. ગમે તે થાય પણ આપણને ઝગડવું તો છે જ! અને એમાં ય હવે તો ભાષાને પોતાના વિશે બોલવાની સાચી ભાષા પણ નથી આવડતી, બોલો. લંગડી ભાષા પોતે જ પોતાના ગુણ કે અવગુણનું બરોબર વર્ણન પણ નથી કરી શકતી. ભાષાની પાસે સ્વ-ટીકાનાં સાચા શબ્દો અને સમજ નથી. કોણ જાણે કેમ પણ ભાષા, પોતાના વિશે વાત , વર્ણન કે વખાણ કરવામાં બહુ નબળી હોય છે.
લગભગ આવું બધી જ ભાષાઓનું છે. તમે કોઇ ભાષા પર ભાષણ આપીને તો જુઓ. એના વિશે જૂઠાં કે બણગાં કે અભિમાન વગર તમે બોલી જ ન શકો,કારણ કે ભાષા વિશેની વાતમાં મુદ્દાની વાત કે વિષય ઓછા હોય છે અને અભિમાન કે ફાંકા ફોજદારી વધારે હોય છે. એમાં ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક ગૌરવ બહુ મદદ કરે છે. મોટાં મોટાં નામોની રેડીમેઇડ હેલ્પ મળી રહે છે. તમે હિન્દી પર બોલવા જશો તો ૨-૪ લાઇન પછી સૂરદાસ, તુલસીદાસ અને નિરાલાના નામનો જાપ જપવા માંડશો. બંગાળી ભાષા પર વાત કરતાં કોઈને સાંભળશો તો તરત જ રવીન્દ્રનાથ ટાગોર અને શરદચંદ્રની પ્રશંસા કરવા માંડશે. આ તો થઈ કવિઓ અને લેખકોની પ્રશંસા, તમે ભાષાની વાત કરો. એના ગુણ ગણાવો કે કહી સંભળાવો, કંઇ પણ બોલોને? શું ફરક પડે છે?- ખરેખર તો આપણે ત્યાં ભાષાઓ વિશે કોઈને કંઇ ખબર નથી. બધા વક્તાઓ બસ, પોતાની ભાષા બોલનારાઓની સંખ્યા જણાવે છે. એનાથી શું થાય? બિચારી ભાષાને પોતાને જ નથી ખબર કે એણે પોતાના જ ગુણગાન કેવી રીતે ગાવાના?
જો કોઈ ભાષા માત્ર ભાષાના સ્તર પર પોતાની ખાસિયત શોધે તો એને એ જાણીને આઘાત લાગશે કે જે ગુણ એનામાં છે, એ બીજી અનેક ભાષાઓની ઘણી પણ હોય છે. એવામાં પોતાની ભાષાનો ગર્વ લેવા જેવું કંઈ છે નહીં… પણ આમ કોઇ માની લે તો પછી મતભેદો ને વિવાદો કઇ રીતે જાગે ? ભેદભાવ અને ઊંચ-નીચની રાજનીતિ કેવી રીતે થશે? એટલે ભારતની બધી ભાષામાં રહેલ સમાનતાને ઓળખવાનું કે એ વિ શે બોલવાનું જોખમ ટાળવામાં આવે છે. ભાષાઓમાં જે વિવિધતા છે એ વિશે સહેલાઇથી ભરડી શકાય છે, કારણ કે કોઇ એક કહે કે અમારી પાસે તો ગાલિબ છે. બીજો કહેશે કે ટાગોર અમારી ભાષામાં છે. ત્રીજો કહેશે કે- શું તમારી પાસે કોઈ જ્ઞાનેશ્ર્વર છે? અને ચોથો દિલ્લીવાળો તરત તુલસીદાસની વાત કરવા લાગશે!
હવે લેખક કે કવિને પોતાનું સંગીત રચવા માટે કોઈ ભાષાના રમકડાંની જરૂર નથી. જે કોઈ પણ વ્યક્તિ જે જગ્યાએ જન્મ્યો છે, એના પરિવારની ભાષા, એના મહોલ્લા કે સમાજની ભાષાના શબ્દો અને શિક્ષણથી શીખેલી ભાષાની દ્વારા તે ખુદને વ્યક્ત કરવા લાગે છે. લેખકની કોઈ ભાષા કે નીતિ નથી હોતી. એમાં ય ખાસ કરીને એક લેખક લખવાનું શરૂ કરે ત્યારે તો નહીં જ. એને જે વાજું મળ્યું, એમાં એણે એને જ મીઠડા સૂરમાં વગાડવાનું શરૂ કર્યું. લગભગ બધાં ભોળા લેખકોને એમની ભાષા બહુ વહાલી લાગે છે, પણ એને પોતાનું ઘર, પોતાનું ગામ, એનાં ગામની નદી , જગત આખામાં ખૂબ જ સુંદર લાગે છે. એને લીધે એ બીજા કોઇ લેખકને કે જેને એનું ઘર, એનું ગામ અને એનાં ગામની નદી ખૂબ ગમતી હોય તો એને કેવી રીતે હડધૂત કરી શકે? આવા પ્રયત્ન કરવાથી કંઈ મળવાનું નથી. કમસેકમ ભાષાને તો નહીં જ.
જો કોઈ મરાઠી કે બંગાળી, જો મને કહે કે ‘મારી ભાષા બહુ સુંદર અને સારી છે ’ તો હું એની સાથે મૂંગે મોઢે હા-માં હા કહીને સંમત થવા સિવાય બીજું કરી યે શું શકું? એ એનું ગામ, એની નદી, એનું વાજું છે. મારે એનું સંગીત સાંભળવું જ પડે અને જો મને સંગીત સારું નહીં લાગે એમાં એના વાજિંત્રનો શું વાંક?
ગઈ કાલે મેં એક વાક્ય વાંચ્યું- ‘ભાષાની દીવાલો.’ મને હસવું આવ્યું કે કેટકેટલું કહી જાતી ભાષા, પોતાની બાબતમાં યોગ્ય વિશેષણ પણ પસંદ કરી શકતી નથી. ક્ધયાકુમારીના છેલ્લા પથ્થર પર ઊભા રહીને તમે એક વિશાળ દરિયાને જુઓ. જમણી તરફ અરબી સમુદ્ર, સામે હિન્દ મહાસાગર અને ડાબી બાજુ બંગાળની ખાડી છે. ત્રણેય મહાસાગરનું પાણી જોડાયેલું છે. બસ, નામ જ અલગ અલગ છે. એ જ રીતે વિશાળ
લોકસાગરમાં પણ ભાષાઓ જોડાયેલી રહે છે. આપણે સમજીએ છીએ કે આ બધાંની વચ્ચે દીવાલો છે… પણ ના, આ એક ભ્રમ છે. કદાચ આ કોઇ ખોટી ઉપમાનું
સાચું ઉદાહરણ છે,પણ વાત તો સાચી જ છેને?!