ઉત્સવ

જીવનની ગાડીએ ઉદ્યમ અને અભિમાન,જોડ્યા એ બે બળદિયા, નસીબ ગાડીવાન

મહેશ્ર્વરી

વેપારીની મૂંઝવણ ઑનલાઇન કે ઑફલાઈન?

તેરસિંહ ઉદેશીનું ‘સો ટચનું સોનું’ અને બીજાં કેટલાંક નાટકો ગુજરાતનાં શહેરોમાં ભજવી હું સ્વગૃહે – શ્રી દેશી નાટક સમાજમાં પાછી ફરી. પહેલી વાર કંપનીમાં પગ મૂક્યો એ આનંદની તુલના તો થઈ જ ન શકે, પણ આ વખતે સ્વામાનના વિજયથી મારી ખુશી બેવડાઈ ગઈ હતી. સોનાનું ઘડામણ કરી આભૂષણ તૈયાર કરવાના હોય ત્યારે એમાં થોડી અશુદ્ધિ ઉમેરવી પડે છે. કલાકાર પણ ઘડાય એ પહેલા તેણે કેટલીક નકરાત્મકતાનો સામનો કરવો પડતો હોય છે. મારે તો વ્યવસાયિક જીવન કરતાં અંગત જીવનમાં વધુ સંઘર્ષ કરવો પડ્યો. જોકે જીવનની સમી સાંજે વિચારતા એમ લાગે છે કે શરૂઆતનાં વર્ષોમાં સતત તાવડીમાં શેકાતી રહી એને કારણે હું જલદી પરિપક્વ અભિનેત્રી બની શકી. આ મારું અનુમાન છે.

દેશી નાટક સમાજથી હું પૂર્ણપણે વાકેફ હતી એટલે ગોઠવાઈ જતા જરાય વાર ન લાગી. જૂના – નવા નાટકના શૉ કરવા લાગી. ગુજરાતના પ્રવાસે કંપની જાય ત્યારે બહુ મજા આવતી. એ પ્રવાસ ખાસ્સો અઢી – ત્રણ મહિનાનો રહેતો. રાજ્યના દરેક મોટાં શહેર અમદાવાદ, વડોદરા, નડિયાદ, આણંદ, ભાવનગર, જામનગર વગેરેમાં નાટકોનું આયોજન કરવામાં આવે. મેં તો સાવ નાનકડા ગામના પ્રેક્ષકો પણ જોયા અને મોટા શહેરના દર્શકો સમક્ષ પણ નાટકો કર્યાં. મુંબઈથી અમે બધા ઉપડીએ ત્યારે એક સ્પેશિયલ બોગી અમારા માટે બુક થતી. એમાં જનતાની એક પણ વ્યક્તિ ન હોય. ટ્રેનના ડબ્બા પર ‘દેશી નાટક સમાજ’નું બેનર લગાવવામાં આવે. અન્ય ડબ્બામાં મુસાફરી કરતા પ્રવાસીઓ કુતૂહલવશ થઈ ‘દેશી નાટક સમાજ’ના ડબ્બા પાસે આંટાફેરા કરે, પોતાના પ્રિય કલાકારની ઝાંખી મેળવવા. શ્રી દેશી નાટક સમાજના કલાકારોને પણ અનોખું ગ્લેમર પ્રાપ્ત થયું હતું. અલાયદા ડબ્બામાં પ્રવાસ કરતા હોવાથી કલાકાર – કસબીઓ વચ્ચે નિકટતા વધે. અંગત સંબંધો બંધાય. જીવનની તડકી – છાંયડીની આપ લે થાય. ટૂંકમાં એ કૌટુંબિક પ્રવાસ બની જાય. કોઈ શહેરમાં ૧૫ દિવસનો મુકામ હોય અને ક્યાંક કોઈ નાટક હિટ થઈ જાય તો મુકામ લંબાઈ પણ જાય. આ પ્રવાસનું સૌથી અનોખું આકર્ષણ એ હતું કે કેટલાક શ્રીમંત શેઠિયાઓની જેમ મુંબઈ સુધી પહોંચી ન શકતી નાટ્ય પ્રેમી જનતાને પોતાના કે નજીકના શહેરમાં નાટક જોવાનો અને માણવાનો લાભ મળતો. નાટક કંપની સાથે જોડાયેલા લોકોના સંતાનોને સ્કૂલમાં રજા પડે ત્યારે આવા પ્રવાસનું આયોજન કરવામાં આવતું હતું. પરિણામે બાળકો – વડીલોનો કાફલો પ્રવાસમાં હોય. શ્રી દેશી નાટક સમાજના આ પ્રકારના આયોજનને કારણે કલાકારોનો શંભુમેળો જાણે કે એ બહોળો પરિવાર બની જતો. એક વિશાળ સંયુક્ત કુટુંબનું એ જાણે કે પ્રતીક હતું. કુટુંબના સભ્યો વચ્ચે હોય એવા સંબંધો કલાકારો – કસબીઓ વચ્ચે બંધાઈ જતા. અમારા સમયમાં મહિલા કલાકારો વચ્ચે કોઈ મેડમ નહોતી. કોઈ ભાભી બની હોય તો કોઈ બહેન તો કોઈ બીજા કોઈ રોલમાં હોય. એ રીતે રહેવામાં બહુ આનંદ આવતો. લડાઈ ઝઘડા થતા પણ મનમેળ પણ બહુ જલદી થઈ જતા.

‘માથે પડેલા મુરતિયા’ વગેરે નાટકોથી નાટ્ય લેખક તરીકે નામના મેળવનારા શ્રી દામુ સાંગાણીનાં બે ત્રણ નાટકોની ભજવણી દેશી નાટક સમાજમાં થવા લાગી. ‘મારે નથી પરણવું’, ‘મોટા ઘરની વહુ’ વગેરે નાટકોને સારો આવકાર મળ્યો. પ્રફુલ દેસાઈના પણ ‘અનોખી પૂજા’, ‘આશાનું ઘર’, ‘સંસ્કાર લક્ષ્મી’ (મીના કુમારીની આરતી’ ફિલ્મ આ નાટક પરથી બની હતી). નાટકમાં મારું કોમિક પાત્ર હતું. શાલિની બહેન મુખ્ય રોલમાં હતા જ્યારે રૂપકમલબહેન પણ હતાં. ફિલ્મમાં અશોકકુમારની પત્નીનો જે રોલ હતો એ તેમણે નાટકમાં કર્યો હતો. આ બધાં નાટકોને નાટ્ય રસિકોને ખૂબ પસંદ પડ્યાં હતાં. ત્યારબાદ ગુજરાતના પ્રવાસનો સમય આવ્યો અને ફરી ટ્રેનનો આખો ડબ્બો અમારા માટે બુક કરવામાં આવ્યો અને ફરી ‘શ્રી દેશી નાટક સમાજ’ના બેનરની જાહોજલાલી માણી. આ બધું ખૂબ નજીકથી જોયું છે, માણ્યું છે અને સ્મરણપટ પર કાયમ માટે કોતરાઈ ગયું છે. જૂની રંગભૂમિનાં નાટકોની કથા અને એ કથા અને એનાં પાત્રો દ્વારા લોકોને માત્ર જાણવા જ નહીં કશુંક શીખવા મળતું. એ શીખેલું જીવનમાં ઉતારવાથી એક ડગલું ઉપર ચડ્યા હોવાનો અહેસાસ થતો હતો. આ વાતને કેન્દ્રમાં રાખી શ્રી દેશી નાટક સમાજના સાથીઓ પાસેથી જાણેલો એક કિસ્સો મારે તમારી સાથે શેર કરવો છે. આવી વાતો , અને આવો બોધ મારા જેવા અનેક કલાકારના જીવનનો હિસ્સો બની ગયું હતું. પત્રકારમાંથી નાટ્ય લેખક બનેલા સૌરાષ્ટ્રના મૂળશંકર મુલાણીનો આ કિસ્સો છે. છેક ૧૮૯૦માં લગભગ બાવીસ વર્ષની ઉંમરે તેમણે ‘રાજબીજ’ નામનું પ્રથમ સ્વતંત્ર નાટક લખ્યું હતું. ત્યારબાદ તેમની કલમ એકદમ પરિપક્વ બની એવું મેં સાંભળ્યું હતું. ૧૯૨૦માં તેમણે લખેલા ‘ભાગ્યોદય’ નાટકમાં રાણા સંગની કથા આવે છે. આ નાટકની ઘણી મજેદાર વાતો સાંભળી હતી, પણ એના એક ગીતની બે પંક્તિ મારા હૈયે કોતરાઈ ગઈ છે. ગાયનની બે પંક્તિ કંઈક આવી છે: ‘ભાઈ જીવનની ગાડીએ ઉદ્યમ અને અભિમાન, જોડ્યા એ બે બળદિયા, નસીબ ગાડીવાન.’ સચોટ કલમ બે પંક્તિમાં જીવનની કેવી સુંદર ફિલસૂફી સમજાવી દે છે. નાટક અને ફિલ્મમાંથી મનોરંજનની સાથે આવું કશુંક જો પ્રેક્ષકો પામે તો એ સોનામાં સુગંધ ભળવા જેવું થાય, બરાબર ને!

ધોતિયાની કિનાર પર નાટકનાં ગીત
કવિ શામળ ભટ્ટની બત્રીસ પૂતળીની બે વાર્તા સાંકળી કવિ શ્રી મૂળશંકર મુલાણીએ હાસ્ય અને શૃંગાર રસનું મિશ્રણ કરી અત્યંત પ્રભાવી નાટક લખ્યું હતું. નાટ્ય રસિક જનતા એનાથી મંત્રમુગ્ધ થઈ હતી. ૧૯૦૦ની સાલમાં ‘વિક્રમચરિત્ર’ નામનું નાટક રજૂ થયું અને એની પાછળ મુંબઈના નાટ્ય રસિકો ઘેલા થયા એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. નાટકે તો લોકપ્રિયતાના એવા સીમાડા પાર કર્યા કે એ સમયે કાપડની એક મિલે ધોતિયાંની કિનાર તરીકે આ નાટકનાં ગીતો છાપ્યાં અને આ ગતકડાને એવી જબ્બર સફળતા મળી કે મિલના ધોતિયાં ચપોચપ વેચાઈ ગયાં. કળા અને માર્કેટિંગનો કેવો સમન્વય! શામળ ભટ્ટની બે મૂંગી પૂતળીઓ એવી બોલી કે નાટકે કંપનીને તારી દીધી. મબલક આવક થઇ અને શેઠાણીઓના ગીરવે મૂકેલાં ઘરેણાં છોડાવી શકાયા. લેખકશ્રીએ ‘ગીરવે મૂકેલા તમારા ઘરેણાં હું તમને પાછા અપાવીશ’ એવું શેઠને આપેલું વચન સિદ્ધ કરી બતાવ્યું. (સંકલિત)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા