ઉત્સવ

અંદાજપત્રનાં લક્ષ્ય રહેશે મધ્યમ વર્ગ, લઘુ ઉદ્યોગો અને વપરાશ સાથે અર્થતંત્રનો વિકાસ

આ જુલાઈમાં મોદી સરકાર ૩.૦નું પ્રથમ કેન્દ્રીય બજેટ જાહેર થવાનું છે, જેમાં ખાસ કરીને કરમાળખામાં મોટા ફેરફારોની ધારણા છે, આ વિષય ઉપરાંત અન્ય અપેક્ષાઓ પર પણ નજર કરીએ.

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે ત્રીજી મુદતમાં તેના શાસનની શરૂઆત કરી દીધી છે. સરકાર તેની આ મુદતમાં કેટલાક મહત્ત્વના, અર્થતંત્રને મદદરૂપ થાય એવા નિર્ણયો લે એવી ધારણા મકકમ બનતી જાય છે. સરકાર કદાચ ૨૨મી જુલાઈએ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. વપરાશને વેગ આપવા માટે સરકાર ૫૦૦ અબજ રૂપિયા (૬ અબજ ડૉલર)નાં મૂલ્યનાં પગલાં લે એવી શક્યતા છે. વ્યક્તિગત આવકવેરામાં કપાત અપાય એવી પણ આશા જોરશોરથી ચર્ચામાં છે. જો એમ થશે તો સામાન્ય નાગરિકોને સાત વર્ષમાં આ પહેલી વાર રાહત મળશે.

એવું મનાય છે કે વર્ષે પાંચ લાખથી લઈને ૧૫ લાખ સુધીની આવક ધરાવનાર વ્યક્તિઓને કરવેરામાં રાહત અપાશે. હાલ એમની પાસેથી પાંચથી લઈને ૨૦ ટકા સુધીનો આવક વેરો વસૂલ કરવામાં આવે છે. કર વ્યવસ્થામાં એક નવો સ્લેબ લાગુ કરવાનું પણ વિચારણા હેઠળ છે.

વડા પ્રધાનના કાર્યાલય તરફથી મંજૂરી મળ્યા બાદ આ નિર્ણયોનો બજેટની દરખાસ્તોમાં સમાવેશ કરવામાં આવશે. કરવેરા વ્યવસ્થામાં ફેરફારો કરવાથી સરકારી તિજોરી પર મોટો બોજો આવી પડશે, તેમ છતાં સરકાર વર્તમાન નાણાકીય વર્ષ માટે ૫.૧ ટકા જીડીપી લક્ષ્યાંકને વળગી રહેવા ધારે છે. જોકે વાસ્તવમાં જીડીપી દર ઊંચો રહેવાનું અનુમાન મુકાય છે.

૫૦૦ અબજ રૂપિયાના મૂલ્યના આર્થિક પગલાંમાંથી લગભગ અડધો ભાગ કરકપાતોમાંથી આવશે, જ્યારે બાકીનાં નાણાં અન્ય પગલાંમાંથી આવશે. નાના સ્તરના ખેડૂતોને કરાતી વાર્ષિક રોકડ ચુકવણીની રકમમાં વધારો કરાય એવી પણ ધારણા છે. હાલ એમને રૂ. ૬,૦૦૦ ચૂકવવામાં આવે છે અને તે રકમ વધારીને રૂ. ૮,૦૦૦ કરાય એવું બની શકે છે. વધુમાં, લઘુતમ રોજગાર યોજના અંતર્ગત અપાતી વાર્ષિક ચુકવણીની રકમમાં પણ વધારો કરવાનું તેમજ મહિલા ખેડૂતો માટે આર્થિક સહાયતાનું વિસ્તરણ કરવાનું પણ વિચારણા હેઠળ છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન અર્થશાસ્ત્રીઓ, કામદાર સંઘોના આગેવાનો અને ઉદ્યોગ સંગઠનો સહિત સંબંધિત લોકો સાથે બજેટ પૂર્વેની મંત્રણા કરી રહ્યાં છે.

ઝડપી પરિણામો લાવવા માટે સરકારે અર્થતંત્રમાં વધારે ભંડોળ નાખવાની જરૂર પડશે. અધિક ખર્ચ કરવા છતાં સરકાર વર્તમાન વર્ષ માટે નાણાકીય ખાધના નક્કી કરેલા લક્ષ્યાંકને વળગી રહે એવી શક્યતા છે. ગયા વર્ષમાં આમજનતા તથા ઉદ્યોગગૃહોને આવરી લેતા ખાનગી વપરાશના પ્રમાણમાં ૪ ટકાનો વધારો થયો હતો, જે વર્ષ દરમિયાન આર્થિક વૃદ્ધિએ ૮.૨ ટકાની જે ગતિ હાંસલ કરી હતી તેનો અડધાથી પણ ઓછો હિસ્સો દર્શાવે છે.

વપરાશ વધારવાનો અભિગમ
નાણાં પ્રધાને તાજેતરમાં ઈન્કમ ટેક્સમાં રાહત આપવાના ઈશારા તો કર્યા છે, જેમાં વપરાશ વધે એવો અભિગમ પણ વ્યકત કરાયો છે, જેથી અર્થતંત્રને વેગ મળે. કિંતુ સીધા વેરાની બાબતે સૌથી મહત્ત્વની બાબત તેના સરળીકરણની છે. આ કાનૂન છેલ્લાં કેટલાક સમયથી ગૂંચવણભર્યો થતો ગયો છે. તેમ જ બચત અને રોકાણને નિરુત્સાહ કરતી જોગવાઈ પર જોર વધ્યું છે.

જેમ કે આવકવેરામાં બે પ્રકાર રિજીમ-માળખું અમલમાં મુકયા બાદ અર્થાત, કર રાહત-કરમુક્તિની સુવિધા ભિન્ન કરાયા બાદ એક માળખું એવું બન્યું છે, જે બચત-રોકાણને જાણે અલગ પાડી દેતું હોય એવું લાગે. હાલમાં કરમુક્તિ કે કરરાહતની આશાએ જેઓ ફરજિયાત બચત કે રોકાણ કરતા રહયા છે તેમને આ નવા માળખાંમાં આવું કોઈ પ્રોત્સાહન ઉપલબ્ધ નથી. કોર્પોરેટ ટેક્સ પણ ઊંચા હોવાથી તેમાં પણ રાહત આપવી જોઈએ, જેથી કંપનીઓ ઝડપી વિકાસ કરી શકે. ટીડીએસ (ટેક્સ ડિડકટેડ એટ સોર્સ) ની કોમ્પલિકેટેડ જોગવાઈ સરળ કરવી જોઈએ.

વરિષ્ઠ નાગરિકોની સમસ્યાના ઉપાય કરો
વરિષ્ઠ નાગરિકો સાથે ટીડીએસ બાબતે જાણતા-અજાણતા અન્યાય થઈ રહ્યો છે. સિનીયર સિટીઝન્સ મોટેભાગે બેંકોમાં એફડી (ફિક્સડ ડિપોઝિટ) ધરાવતા હોય છે, તેમની આવક કરપાત્ર હોતી નથી, જેથી તેઓ આઈટી રિટર્ન ભરવાનું ટાળે છે. જેમાં થાય છે એવું કે ઘણી બેંકો આ બચતકારોના વ્યાજમાંથી ટીડીએસ કાપે છે, કિંતુ તેને સ્ટેટમેન્ટમાં બતાવતા નથી અથવા તેમના સોફટવેર જ એવા છે, જે આ ટીડીએસની એન્ટ્રી દર્શાવતા નથી. જયારે કે વ્યાજની આવક દર્શાવે છે. હવે થાય છે એવું કે વરિષ્ઠ નાગરિકો વ્યાજની આવક જોઈ લે છે, પણ તેમને ટીડીએસની વિગત જોવા મળતી નથી. ઘણાં વરિષ્ઠ નાગરિકો વ્યાજ પર ટેકસ બચાવવા ૧૫ જી ફોર્મ ભરી દે છે, જયારે કે ઘણાંથી એ રહી જાય છે. જોકે ઘણી બેંકો આવા ફોર્મ ૧૫ જી ને જમા કરાવવાની કાળજી લેતી નથી, જેથી એ ફોર્મ્સ આઈટી સુધી ગયા કે નહીં તે અધ્ધર રહે છે. નોંધનીય વાત એ છે કે આમાંના ઘણા વરિષ્ઠ નાગરિકો તેમની આવક જ કરપાત્ર નહીં હોવાથી આઈટી રિટર્ન ભરવાનું ટાળે છે, જેથી કપાઈ ગયેલા ટીડીએસનું રિફંડ પણ ક્લેમ કરી શકતા નથી.

વિવાદોના ઝડપી ઉકેલ લાવો
ફેસલેસ સ્ક્રુટિની કે એસેસમેન્ટની સુવિધા સારી છે, કિંતુ આમાં ઘણીવાર કરદાતાઓને રજૂઆતનો પર્યાપ્ત અવસર મળતો નથી. જેથી ચોક્કસ કેસોમાં ફેસ ટુ ફેસની જોગવાઈ પણ રાખવી જોઈએ. વધુમાં આવકવેરા ખાતામાં સેટલમેન્ટ કમિશનને દૂર કરી દેવાયું હોવાથી કરદાતાઓને આ પતાવટનો અવસર પણ મળતો નથી. ખરેખર તો આઈટીમાં કોર્ટ કેસો ઘટે અથવા તેનો જલ્દી નિવેડો આવે એવી જોગવાઇ કરાવવી જોઈએ, બીજી તરફ સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ને એટલી બધી સત્તા આપી રાખી છે કે તેને લીધે વેપાર-ઉદ્યોગના કરદાતાઓમાં સતત ભયનું વાતાવરણ રહે છે. ભયને લીધે બિઝનેસ કરવાની કે વિકસાવવાની મનોવૃત્તિ અથવા અભિગમ ઘટવા લાગ્યા છે.

મોંઘવારી પર ધ્યાન આપો
સરકારે ઈન્કમ ટેકસની બેઝિક મર્યાદા નવા રિજિમમાં વધારી દીધી હોવાથી જો હવે પછી પણ મર્યાદા વધારાશે તો ટેકસનો પાયો વિસ્તૃત કરવાના ઉદેશને અસર થઈ શકે છે. આને બદલે નાણાં પ્રધાન જૂની રિજિમમાં વધુ ફેરફાર કરે એવી શક્યતા છે. બજેટમાં ટેકસ રેટમાં થોડા ઘટાડા સાથે સરળીકરણ થાય એવી આશા રાખી શકાય. હવે ટેકસ સ્લેબમાં ઘટાડાને બદલે ઈન્કમ ટેકસ વિભાગ તરફથી સરળતા વધે એની જરૂર વધુ છે. લોકોને મોંઘવારી બહુ ભારે પડી રહી હોવાથી નાણાં પ્રધાને ફૂડ ઈન્ફલેશન ઘટાડવા પર જોર આપવું જોઈશે.

બાય ધ વે, જીએસટીમાં સુધારાની પ્રોસેસ શરૂ કરી દેવાઈ છે, હજી પણ તે ચાલતી રહેશે, જે પરોક્ષ વેરો હોવાથી તેની પણ અર્થતંત્ર અને જનજીવન પર ચોકકસ અસર થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો