ઉત્સવ

કાળા મુખની ચણોઠી હેમની સંગે તોળાય રે, તોલ બેયનો એક, પણ એના મૂલથી પરખાય

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

કચ્છજી ધરતી જો કાળો નાગ' (કચ્છની ધરતીનો કાળો નાગ) તરીકે જાણીતા જેસલ જાડેજા અને સૌરાષ્ટ્રનાં રાજવી સાંસતિયા કાઠીએ જેસલના જીવનનો ઉદ્ધાર કરવા પોતાની પત્ની તોરલને સોંપી દીધી હતી. તોરલના સહવાસમાં જેસલનું ધીરે ધીરે હૃદયપરિવર્તન થયું અને જેસલ તોરલે ઘણાં પ્રચલિત ભજનોની રચના કરી હતી. આ બંનેએ ભાષાવિશ્વને પણ સમૃદ્ધ બનાવવામાં ફાળો આપ્યો છે. જીવનમાં સત્ય-અસત્ય, સાચા-ખોટાનો સામનો વારે તહેવારે કરવો પડતો હોય છે. ક્યારેક સાચાને અલગ તારવવું, એને પારખવું, એને ચાળવું મુશ્કેલ બની જાય છે. સતી તોરલની એક રચનામાંસારાસારનો વિવેક કઈ રીતે કરવો’ કે પછી મહોં પહેરીને આવેલા અસત્ય'ને કઈ રીતે ઓળખી કાઢવું એનું દર્શન થાય છે. જેસલ કહે છે કે હંસલો ને બગલો બેઠા સરોવર પાળે રે, રંગ બેયનો એક, પણ તેના ચારા પર પરખાય. કાગડો ને કોયલ બેઠા આંબા કેરી ડાળ રે, રંગ બેયનો એક, પણ એની બોલી પર પરખાય. કાળા મુખની ચણોઠી હેમની સંગે તોળાય રે, તોલ બેયનો એક, પણ એના મૂલથી પરખાય. હંસ અને બગલો બેય ધોળા દૂધ જેવા, પણ એના ચારા પરથી ભેદ પરખાઈ જાય. હંસલાને ચારામાં સાચાં મોતી જોઈએ જ્યારે બગલો ખાય કાદવ ને ગારો. બીજું ઉદાહરણ છે કાગડો અને કોયલનું. બંને આંબાની ડાળે બેઠાં હોય, બંને રંગે કાળાં તો પારખવાં કેમ? બંને બોલી પરથી ઓળખાય. કોયલની બોલી (કુહુ કુહુ બોલે કોયલિયા) મીઠી મધુર હોય જ્યારે કાગવાણી (કા, કા, કા) સાંભળવામાં કર્કશ અને કડવી લાગે. જોકે, કવિ દુલા ભાયા કાગની વાણી પણકાગ વાણી’ તરીકે ઓળખાય છે જે મીઠી હોવા ઉપરાંત જ્ઞાનવર્ધક હોય છે. એવું જ ઉદાહરણ ચણોઠી અને સોનાનું છે. ચણોઠી કાળા મોંનું અને રાતા, પીળા કે સફેદ અંગનું તુવેર જેવું એક વેલનું બી હોય છે. લાલ ચણોઠી બે જાતની હોય: એક મોટી અને ચપટી, બીજી લંબગોળ અને નાની. બીજી જાતને રતી કહેવામાં આવે છે. તેનું વજન વાલના ત્રીજા ભાગનું, અઢી ગ્રેનનું અથવા એક માસા (આઠ રતી)ના આઠમા ભાગનું હોવાનું મનાય છે. તેનો ઉપયોગ સોના રૂપા જોખવામાં થતો હતો. વજનમાં ભલે સરખા હોય, પણ રતિભાર સોનાનો ભાવ એટલા જ વજનની ચણોઠી કરતાં અનેકગણો વધારે હોય છે. ટૂંકમાં શારીરિક કદ છેતરામણું હોઈ શકે છે.

TIER and TYRE
અંગ્રેજીમાં એવા અનેક શબ્દો છે જેના ઉચ્ચાર સરખા હોય, પણ સ્પેલિંગ અને અર્થ જુદા હોય. આવા શબ્દો ‘હોમોફોન્સ’ તરીકે ઓળખાય છે. Hear – Here, Floor – Flour, Peace – Piece, Son – Sun વગેરે. જોકે, કેટલાક એવા પણ શબ્દ યુગ્મ છે જેમના સ્પેલિંગ અને અર્થ જુદા હોય છે અને અર્થ સુધ્ધાં અલગ હોય છે, પણ ભૂલમાં એના ઉચ્ચાર સરખા કરવામાં આવે છે. તમે જો મુસાફરીના શોખીન હશો અને ટ્રેન ટ્રાવેલ પસંદ કરતા હશો તો રિઝર્વેશન કરવાની આદત તમને હશે. પાંચ દાયકા પહેલા તો ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસ એમ ત્રણ વિભાગ હતા. 1977માં જનતા સરકારનું શાસન આવ્યા પછી જે અનેક બદલાવ આવ્યા એમાં એક બદલાવ હતો 1978માં ટ્રેનમાં થર્ડ ક્લાસની બાદબાકી થઈ ગઈ. આજ જેટલી આર્થિક સમૃદ્ધિ નહોતી ત્યારે મોટાભાગના મુસાફરો ટ્રેનમાં જ મુસાફરી કરતા હતા. કાળક્રમે ટ્રેનોમાં સુવિધાઓ વધી અને એસી કોચ ઉમેરાયા. કોઈ કોચમાં બે બર્થવાળી તો કોઇ કોચમાં ત્રણ બર્થવાળી સગવડો આપવાની શરૂઆત થઈ. આ સગવડ Two Tier – Three Tier તરીકે ઓળખાય છે. અનેક લોકો આ વ્યવસ્થા માટે ‘ટુ ટાયર – થ્રી ટાયર’ એવા ઉચ્ચાર કરે છે. આ ભૂલભરેલો – ખોટો ઉચ્ચાર છે. સાચો ઉચ્ચાર છે ટિયર. ટુ ટિયર – થ્રી ટિયર. એક પર એક ગોઠવેલી હાર કે પાટિયું અંગ્રેજીમાં ટિયર તરીકે ઓળખાય છે. ટ્રેનના ડબ્બામાં આ વ્યવસ્થા જોવા મળે છે. અલબત્ત આ શબ્દની ભેળસેળ Tear – ટીયર (આંસુ) સાથે ન કરવી. ટાયર (TYRE) એટલે પૈડાં પર ચડાવવામાં આવતી વાટ. સડક પર દોડતા વાહનોના પૈડાં પર જે રબરની વાટ ચડાવાય છે એ ટાયર કહેવાય છે. ટાયરને ટ્રેનના ડબ્બામાં સુવાની સગવડ ટિયર સાથે શો સંબંધ? એટલે હવે જ્યારે પણ રિઝર્વેશન કરાવો ત્યારે ટુ ટાયર કે થ્રી ટાયર નહીં, પણ ટુ ટિયર કે થ્રી ટિયર બોલજો અને જેમને ખબર ન હોય એમને પણ જણાવી સમજાવવાનું ભૂલતા નહીં. તમારો વટ પડી જશે. In short, the train compartment has Two TIER and Three TIER. Whereas vehicles’ wheels have TYRES. ટિયર – ટાયરનો ફરક ધ્યાનમાં રહી ગયો હશે.

ओर – और
હિન્દીમાં પણ એવા અનેક શબ્દો છે જેના બંધારણમાં મામૂલી ફરક છે, પણ અર્થમાં વિશાળ ફરક જોવા મળે છે. हिंदी के अनेक शब्द ऐसे हैं, जिनका उच्चारण प्रायः समान होता हैं। किंतु, उनके अर्थ भिन्न होते हैं। इन्हें ‘युग्म शब्द’ कहते हैं। दूसरे शब्दों में, वैसे शब्द, जो उच्चारण की दृष्टि से असमान होते हुए भी समान होने का भ्रम पैदा करते हैं, युग्म शब्द अथवा ‘श्रुतिसमभिन्नार्थक’ शब्द कहलाते हैं। श्रुतिसमभिन्नार्थक का अर्थ ही है- सुनने में समान; परन्तु भिन्न/अलग अर्थवाले। એક ઉદાહરણ પરથી વાત સમજાઈ જશે. હિન્દી યુગ્મ છે ઓર – ઔર. ओर – और सुननेमें काफी समान लगते हैं लेकिन उनके अर्थ विपरीत है. ओर मतलब तरफ. ઓર એટલે તરફ. नदी समुद्र की ओर बहती है. નદી સમુદ્ર તરફ કે સમુદ્રની દિશામાં વહે છે. और मतलब अन्य – अलावा, तथा. ઔર એટલે અને કે તથા અર્થ થાય છે. सुनील गावसकर और सचिन तेंडुलकर महान बल्लेबाज है. સુનીલ ગાવસકર અને સચિન તેંડુલકર મહાન બેટ્સમેન છે.

આ પણ વાંચો…ટ્રાવેલ પ્લસ : આંતરરાષ્ટ્રીય વન દિવસ: ભારતનાં અદ્ભૂત અરણ્યનો વૈભવ માણી લો…

कडवा आणि कडवट
ગુજરાતી અને મરાઠી સગ્ગી બહેનો કહેવાય છે, પણ ક્યારેક આ સગ્ગી બહેનો અચાનક સાવકી બની જતી હોય છે. આ બે ભાષાના એક જ સરખા શબ્દોમાં એવો ગજબનો ફરક કે વિરોધાભાસ નજરે પડે છે કે એ બે સગ્ગી નહીં પણ સાવકી બહેન હોય એવું લાગે છે. કેટલાક શબ્દો આ ફરક બરાબર સમજાવે છે. मराठी शब्द कडवा आणि ગુજરાતી શબ્દ કડવા વચ્ચેનો આસમાન જમીન જેવો તફાવત સમજવા જેવો જેવો છે. मराठीतला कडवा म्हणजे कठोर किंवा तीव्र, उग्र असा अर्थ होतो. મરાઠીમાં કડવા એટલે ઉગ્ર, તીવ્ર, સખત એવા અર્થ થાય છે. કડવા પ્રતિકાર કેલા એટલે તીવ્ર વિરોધ કે તીવ્ર સામનો કર્યો એમ કહેવાય. स्वातंत्र्याच्या लढतीत मोठी संकट आणि प्रतिकूल परिस्थितीत जनतेने कडवा संघर्ष करून ध्येय प्राप्ति केली। સ્વતંત્રતા માટેની લડતમાં મોટા સંકટ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં જનતાએ તીવ્ર સંઘર્ષ કરી ધ્યેય પ્રાપ્તિ કરી લીધી હતી. સ્વાદમાં કડવાશ માટે મરાઠીમાં कडवट शब्द आहे. कारलेची चव कडवट असते पण आरोग्य साठी ते गोड असते. કારેલા સ્વાદમાં કડવા હોય, પણ આરોગ્ય માટે મીઠા એટલે કે ગુણકારી હોય છે. कडवा म्हणजे गाण्यातील कडवे म्हणजे गाण्याची रचनाचा एक स्वरुप. કડવા અથવા કડવે એટલે ગીત રચનાનો પ્રકાર જેને સાદી ભાષામાં ગીતની કડી કહેવાય છે. गीतकारानी चार कडवे लिहिले होते पण रेकोर्डिंगच्या वेळी एक कडवा कमी करण्यात आला. ગીતકારે ચાર કડી લખી હતી, પણ રેકોર્ડિંગ વખતે એક કડી કાઢી નાખવામાં આવી હતી,

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button